Sunday, July 25, 2021

ભગવાનનો ભાગ...!

       હું નાની હતી ત્યારે મારી બા અમને બધા બાળકોને બધી જ વસ્તુના ભાગ પાડી દેતી. અમે કાકા બાપાના થઇ તેર બાળકો, એટલે ફળ હોય, ડ્રાયફ્રુટ હોય કે મીઠાઈ, ભાગ જરૂર પડતા. ધારોકે દ્રાક્ષ હોય, તો ૧૩ વાટકીમાં બધાને ૩૫-૩૫ દાણા અપાતા અને પછી એક ૧૪મી વાટકી મૂકી બા કહેતી કે, “ આ ભગવાનની વાટકી છે, તમારામાંથી બધાએ એમાં ૨-૨ નંગ મૂકવાના. અને અમે એવું કરતા પણ ખરા. ભગવાનની વાટકી એમ જ ભરેલી પડી રહેતી અને અમે રમવા ચાલી જતા.

      ઘણીવાર એમ બનતું કે અચાનક કોઈ મહેમાન આવી જાય, તો એ વાટકીમાંથી એમને પણ પીરસાતું. અને કોઈ ના આવે, તો એને ઝાડ નીચે પધરાવવાનું. અને પક્ષીઓ, કીડીઓ, મંકોડાને આ ખાતા અમે જોઈ રહેતા. પણ અમને એ રીતે બાએ શીખવાડ્યું કે આંગણે આવેલા મહેમાન, ભિક્ષુક, કે જીવજંતુમાં ભગવાન આવીને એમનો ભાગ ખાઈ જાય છે. અમને ક્યારેય એવું ના લાગ્યું કે બાજુવાળા રમીલામાસી અમારી કેરી ખાઈ ગયા! અમને સંતોષ હતો કે ભગવાન જ આવીને આ લે છે.

     સાયકોલોજીકલી આ વાતથી કેટલી અસર અત્યારે પણ મારા જીવનમાં પડે છે! બાનું ગણિત કેટલું સાચું હતું! અત્યારે હું જમવા બેસું  ને કોઈ આવી જાય, તો મારો મૂડ બગડી નથી જતો. બિલાડી આવીને કોઈવાર દૂધ પી જાય, ઢોળી નાખે, બનાવીને ઢાંકીને મૂકેલા લાડુ પર કીડીઓ ચડી જાય તો ગુસ્સો નથી આવતો, એ રીતે કદાચ ભગવાન એમનો ભાગ લઇ રહ્યા છે એમ માની હળવી થઇ જાઉં છું. ચિડચીડી નથી થઇ જતી. અને શાંતિથી વિચારીને ફરીથી કામે લાગી જાઉં.

     સૌથી મોટો ફાયદો એ થયો કે ક્યારેય એવું નથી લાગ્યું કે “જોયું? મેં આપ્યું! હું બીજા કરતા ચઢિયાતી છું. મેં ના આપ્યું હોત, તો એનું શું થાત !" આમ ક્યારેય અભિમાન નથી આવ્યું. અને અભિમાન ના આવે, એટલે છકી પણ ન જવાય!

      દોસ્તો, ભગવાને તો આપણને કેટલું બધું આપ્યું છે. માતા, પિતા, ભાઈ, બહેન, દાદી, દાદા - આખું કુટુંબ, રહેવા માટે ઘર, ખાવા માટે જમીનમાં અનાજ, ફળફળાદિ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને કંઈ કેટલુંય! હવે થોડુંક જતું કરવું પડે, તો એનો અહંકાર શેનો? માતાએ નાના ભાઈ ને કશુંક વધારે આપ્યું, તો એ મારામાંથી ભગવાનનો ભાગ હતો, એમ માનીએ, તો કેટકેટલા સંઘર્ષો અટકી જાય! કેટલા કેસ સમૂળગા બંધ થાય! અહંકાર અને મનદુઃખ કશું જ ના રહે, ત્યારે જીવવાની કેવી મઝા આવે !

     ભગવદ્ગીતામાં પણ કૃષ્ણ એ જ કહે છે ને કે, “ તું કર્મ કર ! ફળની અપેક્ષા ના રાખ ! ફળ તને આપોઆપ મળશે.” તો આ રીતે જીવીશું, તો આપોઆપ જ ફળની અપેક્ષા નહિ રહે. 

ઈશ્વર કરે આપણે બધાજ આવા અહોભાવથી જીવી શકીએ!

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment