Sunday, December 31, 2023

ભગવાનમાં વિશ્વાસ રાખો

 બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન એક સૈનિક એક ટાપુ પર પોતાની ટુકડીથી વિખૂટો પડી ગયો. યુદ્ધ તેની ભીષણ ચરમ સીમાએ હતું અને તોપમારા તેમજ ધુમાડાનાં ગોટેગોટામાં તે પોતાના અન્ય સૈનિક મિત્રોનો સંપર્ક ગુમાવી બેસ્યો.

    જંગલમાં આમતેમ ભટકતા ભટકતા અચાનક તેને દુશ્મન સૈનિકો તેની દિશામાં આવતાં હોવાનો ભાસ થયો. તે ગભરાઈને હાંફળો ફાંફળો થઈ છૂપાવા માટે યોગ્ય સ્થળ શોધતા પાસેના એક ખડક પર આવેલી ગુફાઓમાં જઈ ચડયો. ઝડપથી તે ગુફાની અંદર ઘૂસી ગયો.
    ભલે તત્પૂરતું  તેને સુરક્ષિત જણાયું પણ તેને એવો વિચાર આવ્યો કે દુશ્મન સેના થોડી જ વારમાં બધી ગુફાઓમાં ફરી વળશે અને તેને શોધી કાઢશે. પછી તો તેઓ ચોક્કસ તેને મારી નાંખશે.
    ત્યાં જ લપાતાં, સમય કાપતાં તેણે પ્રાર્થના કરવા માંડી, "હે ભગવાન, મારો જીવ બચાવી લે જે. કંઈ પણ થઈ જાય, હું તને સદાય પ્રેમ કરતો રહીશ અને તારામાં શ્રદ્ધા ગુમાવીશ નહીં." પછી તે ચૂપચાપ ત્યાં જ બેસી રહ્યો અને દુશ્મનોનાં પગલાંનો અવાજ મોટો થતો ચાલ્યો.
   તેને વિચાર આવ્યો 'લાગે છે આ વખતે ભગવાનની કૃપા મારી સાથે નથી.' પણ ત્યાં જ તેનું ધ્યાન તેની નજીક આવેલા ગુફાના દ્વાર પાસે જાળ ગૂંથતા કરોળિયા પર ગયું. તેણે સ્વગત બબડયું "લો, મને જરૂર છે ઈંટોની બનેલી હોય એવી મજબૂત ઉંચી દીવાલની અને ભગવાને મોકલી આ કરોળિયાની જાળ. ભગવાન પણ ખરી કસોટી કરે છે."
     હવે દુશ્મનો સાવ નજીક આવી ગયા હોવાનું માલૂમ પડયું. તેના શ્વાસ જાણે થંભી ગયા અને અતિ બારીકાઈથી કાન સરવાં કરી તે એમની હલચલ અને સંવાદ સાંભળી રહ્યો.
   જ્યારે તેઓ સૈનિક જ્યાં છુપાયો હતો એ ગુફાના મુખ સુધી પહોંચ્યા ત્યારે દુશ્મન સૈનિકોની ટોળીનો નાયક બોલ્યો, "આ ગુફામાં જોવાની કોઈ જરૂર નથી. આ કરોળિયાનું જાળું દર્શાવે છે કે અહીં ઘણાં સમયથી કોઈ આવ્યું નથી. આગળ વધો." અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયાં. તે બચી ગયો. ભગવાને તેને બચાવી લીધો.
    બે ઘડી તો એ માની શક્યો નહીં કે તે આમ આબાદ બચી ગયો હતો. ભગવાને મોકલેલા એક નાના કરોળિયાએ તેનો જીવ બચાવી લીધો હતો.
    તેણે મનોમન કહ્યું, " ભગવાન, મને માફ કરી દે જે. મેં થોડી ક્ષણો પહેલાં તારા પર શંકા કરી હતી. પણ તે સાબિત કરી દીધું કે કરોળિયાની નાજુક જણાતી જાળ, ઈંટોની બનેલી દિવાલ કરતાં પણ વધુ મજબૂત હોઈ શકે છે."
    ભગવાન હંમેશા આપણે ઈચ્છીએ તે પ્રમાણે મદદ નથી કરતો, તે આપણાં માટે જે યોગ્ય હોય તે કરે છે. તેનામાં વિશ્વાસ રાખો.
  ક્યારેક એક પ્રાર્થના પરિસ્થિતિ બદલતી નથી, પણ તે એ પરિસ્થિતિ અંગેનો આપણો અભિગમ બદલે છે અને આપણામાં આશા જગાવે છે, જે આપણું આખું જીવન બદલી નાંખે છે.

(ઈન્ટરનેટ પરથી)