Monday, June 25, 2018

ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરવાને લીધે મળી સફળતા


  'હિન્દી મિડિયમ' નામની ઇરફાન ખાન અને સબા કમર અભિનીત એક સુંદર વ્યંગાત્મક કૉમેડી ફિલ્મ ગત વર્ષે આવી હતી અને ખૂબ હિટ પણ થયેલી. એમાં એક સરસ સંદેશ હતો કે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું ઘણાં માતા પિતાનાં માથે ભૂત સવાર થઈ જાય છે અને એમ કરવા તેઓ ગમે તે હદ સુધી તૈયાર થઈ જાય છે જે યોગ્ય નથી. વર્નાકયુલર મિડિયમમાં ભણતાં બાળક આજના સ્પર્ધાત્મક યુગમાં અંગ્રેજી માધ્યમમાં ભણેલાં બાળકો સામે ટકી શકે કે કેમ એ પ્રશ્નનો જવાબ મારા મતે એવો છે કે હા, ચોક્કસ. હું તો એક પગલું આગળ વધી એમ કહીશ કે જો તમારું બાળક સ્માર્ટ હશે તો એને ભાષાના કોઈ બંધન ક્યારેય નડવાના નથી. બાળક જો અંગ્રેજી માધ્યમમાં ભણે તો તે ચોક્કસ વધુ સફળ થાય એ વાત બિલકુલ વજૂદ વિનાની છે. ઊલટું એક થિયરી એવી છે કે બાળક જે ભાષા માં સ્વપ્ન જૂએ અર્થાત્ તેની માતૃભાષામાં ભણે તો તેનાં વિકાસ અને સફળતાની શક્યતા અનેક ગણી વધી જાય છે.
મેં એવા અનેક દાખલા જોયા છે જ્યાં અંગ્રેજી માધ્યમમાં ભણેલ વ્યક્તિ સાચું અંગ્રેજી બોલવા ફાંફાં મારતી હોય જ્યારે ગુજરાતી માધ્યમ માં ભણતી વ્યક્તિ ફાંકડું અંગ્રેજી બોલતી હોય.
હું ગુજરાતી માધ્યમ માં જ ભણ્યો છું અને મને એ વાતનો બિલકુલ પસ્તાવો કે રંજ નથી. બાળમંદિર થી ત્રીજા ધોરણ સુધી મેં મલાડની અસ્પી નૂતન વિદ્યામંદીરમાં અને ત્યારબાદ દસમા ધોરણ સુધી મલાડની શેઠ એન. એલ. હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ૧૯૯૪માં ૯૦.૮૫ ટકા માર્કસ સાથે એસ. એસ. સી. બોર્ડની પરીક્ષા પાસ કરી મુંબઈની ડી. જી. રૂપારેલ કૉલેજમાં વિજ્ઞાન શાખામાં પ્રવેશ મેળવ્યો. વોકેશનલ સબ્જેક્ટ પસંદ કર્યો હોવાથી મારે ગુજરાતી વિષય ભણવામાં હતો જ નહીં જુનિયર કૉલેજ ના બે વર્ષ દરમ્યાન. છતાં ગુજરાતી ભાષા મિસ કરવાને કારણે અભ્યાસ સિવાયના ગુજરાતી પુસ્તકો હું નિયમિત વાંચતો. કોલેજમાં ચાલતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ હું ખાસ ભાગ લેતો. અગિયાર માં ધોરણમાં મારી સાથે આઈ. સી. એસ. સી., સી. બી. એસ. સી. વગેરે ના ટોપર્સ અભ્યાસ કરતાં. ૬૦-૭૦ વિદ્યાર્થીઓનાં બેચ માં ગુજરાતી હશે માત્ર દસ-બાર અને તેમને પણ ગુજરાતી કદાચ લખતાં - વાંચતા આવડતું હશે કે કેમ એ તો રામ જાણે! પણ એ વર્ષે ગુજરાતી કાવ્ય પઠન સ્પર્ધામાં મને પ્રથમ ઈનામ મળ્યું અને વર્ગમાં એક ફ્રી પિરિયડમાં એ ૬૦-૭૦ વિદ્યાર્થીઓ વચ્ચે મને જેનાં પઠન બદલ ઈનામ મળ્યું હતું તે બાલમુકુંદ દવે લિખિત સોનેટ કાવ્ય 'જૂનું ઘર ખાલી કરતાં...' ભાવ પૂર્વક ગાયું અને તેનો ભાવાનુવાદ મારા બિન ગુજરાતી સહપાઠીઓ અને ગણિત ભણાવતાં વિણા મિસ ને કહી સંભળાવ્યો અને આખા વર્ગે મને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. ત્યારેજ મને જાણ પણ થઈ કે ગુજરાતી ખ્યાતનામ કવિ શ્રી સીતાંશું યશશ્ચંદ્રનો પુત્ર અરણ્યક પણ મારા જ વર્ગમાં અભ્યાસ કરતો હતો, જેમનું કાવ્ય જટાયુ મેં દસમા ધોરણમાં ગુજરાતી વિષયમાં ભણ્યું હતું. મારા અભ્યાસક્રમમાં તો ગુજરાતી વિષય નહોતો પણ ઇનામ મળ્યાં બાદ હું જે કઈ થોડું ઘણું લખતો તે ત્યાં જે વિદ્યાર્થીઓને ગુજરાતી વિષય ભણવામાં આવતો તેમને એ ભણાવતાં ગુજરાતી પ્રધ્યાપક મેડમને ચકાસવા આપતો. આમ મારો ગુજરાતી ભાષા સાથે નાતો જળવાઈ રહ્યો હતો. દસમા સુધી બધા વિષયો ગુજરાતીમાં ભણ્યા હોવાથી અને હવે બધું અંગ્રેજીમાં ભણવાનું હોવાથી થોડી મુશ્કેલી શરૂઆતમાં નડી. અગિયારમાં ધોરણમાં માત્ર ૬૦ ટકા સાથે પાસ થવાયું પણ બારમાં ધોરણનાં એચ. એસ. સી. બોર્ડ માં જરૂરી પી. સી. એમ. વિષયો માં ૯૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ શકાયું અને પછી ચાર વર્ષ વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી માં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલીકમ્યુનિકેશન શાખામાં અભ્યાસ કરી એન્જિનિયર બની શક્યો. એ ચાર વર્ષ દરમ્યાન પણ હું જ્યાં શક્ય હોય ત્યાં ગુજરાતી, હિન્દી અને જેવું આવડે એવા અંગ્રેજી સાથે વિવિધ કાર્યક્રમોમાં, સ્પર્ધાઓમાં ભાગ લેતો. અભ્યાસમાં ઉતાર-ચઢાવ ચાલુ રહ્યાં, પણ અહીં ક્યાંય ગુજરાતી માધ્યમમાં કરેલો અભ્યાસ આડો આવ્યો નહીં. એ પછી છ મહિનાનો સોફ્ટવેર કોર્સ કરી આઈ. ટી. ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૧માં ભારતનાં અગ્રગણ્ય શેર બજાર એન. એસ. ઈ. માં જોડાઈને કરી. અને આજે આજ કંપનીમાં હું સિનિયર મેનેજર તરીકે કાર્યરત છું. કોલેજનાં છ વર્ષ દરમ્યાન કડકડાટ અંગ્રેજી શરૂઆતનાં વર્ષોમાં ન બોલી શકવાને કારણે થોડી લઘુતા ગ્રંથિ ચોક્કસ અનુભવાતી પણ એને પોતાના પર હાવી થવા દીધા વગર અંગ્રેજી પુસ્તકો વાંચવા શરૂ કર્યાં, અંગ્રેજીમાં સમાચાર જોવા અને વાંચવા શરૂ કર્યાં, અંગ્રેજી ફિલ્મો જોઈ અને અંગ્રેજી બોલવાનો મહાવરો કેળવ્યો. છ વર્ષ નાં કોલેજકાળ બાદ તો અંગ્રેજીમાં સારું એવું પ્રભુત્વ કેળવી લીધું અને આજે હું ગૌરવ ભેર કહું છું કે હવે તો અંગ્રેજીમાં સ્પીચ કે પ્રેઝન્ટેશન પણ આપવાનાં હોય કે કોઈને અંગ્રેજીમાં ટ્રેન કરવાનું હોય તો હું એ બખૂબી કોઈ અંગ્રેજી માધ્યમમાં ભણેલાં મારાં સમકક્ષ કરતાં વધુ સારી રીતે કરી શકું એમ છું. આ માટે ગુજરાતી માધ્યમમાં ભણતાં ભણતાં અંગ્રેજી એક વિષય તરીકે શીખતી વખતે અંગ્રેજી વ્યાકરણ અને નિયમો મારા શિક્ષકોએ જે ચોકસાઈ અને ભાર પૂર્વક સાચી રીતે બોલવાના આગ્રહ સાથે શીખવેલા એ બાબત કારણભૂત છે. ફીલિપ્સ ટીચર, વિનુભાઈ નાયક, શશિકાંત વ્યાસ, સી. ડી. આશર સાહેબ જેવાં મારાં એ શિક્ષકો નો આ માટે હું આજે પણ આદર પૂર્વક આભાર માનું છું. ૨૦૦૧ માં એન. એસ. ઈ. માં જોડાયા બાદ પણ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓ સાથે મારો સંબંધ મેં જાળવી રાખ્યો. ૨૦૦૪થી જન્મભૂમિમાં ઇન્ટરનેટ કોર્નર કટાર લખવી શરૂ કરી જેમાં હું ઇન્ટરનેટ પર સારા હકારાત્મક લેખો અંગ્રેજી માં વાંચી તેનું ગુજરાતી માં ભાષાંતર કરતો અને વાચકો સાથે એ શેર કરતો. મને ખુશી છે આ કટાર આજ પર્યંત નિયમિત લખાય છે અને છેલ્લાં પંદરેક વર્ષ માં એ દ્વારા મેં સાડા ચારસો થી વધુ લેખો લખ્યાં છે અને તેનાં પર આધારિત મારા આઠ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને તે સારી એવી લોક ચાહના પામ્યાં છે. વર્ષ ૨૦૦૪ થી જ બીજી પણ એક સારી શરૂઆત થઈ અને તે હતી મારા જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પાર્ટ ટાઈમ એમ. બી. એ. ના અભ્યાસનો આરંભ. ત્રણ વર્ષમાં એ પૂરો થયો અને મેં માસ્ટાર્સની ડીગ્રી સાથે પોસ્ટ - ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એ સાથે મેં વધુ એક કટાર બ્લૉગ ને ઝરુખેથી... ગુજરાતી ભાષામાં જન્મભૂમિ પ્રવાસીમાં લખવી શરૂ કરી. આ કટાર પર આધારિત પુસ્તક સંવાદને વર્ષ ૨૦૧૩ માં શ્રેષ્ઠ લલિત સાહિત્ય શ્રેણીનો પુરસ્કાર મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અપાયો અને વર્ષ ૨૦૧૭માં આ કટાર પર આધારિત બ્લૉગ વેબસાઈટને ઇન્ડિબ્લોગર દ્વારા શ્રેષ્ઠ ગુજરાતી ભાષાની વેબસાઇટનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ ૨૦૦૮થી હું ઓલ ઈન્ડિયા રેડિયો પર ગુજરાતી ભાષામાં સમાચાર વાંચું છું જે મધ્ય આફ્રિકા અને મોરેશિયસમાં પ્રસારિત થાય છે. વર્ષ ૨૦૧૦માં ગુજરાતી નાટક 'ૐ શ્રીમદ ભાગવત અક્ષર દેહ રૂપે' અને ત્યારબાદ બે-ત્રણ પ્રયોગાત્મક નાટકો તેમજ રેડિયો પર પણ સાત - આઠ નાટકો અને શ્રેણીઓમાં અવાજ આપ્યાં, થોડાં - ઘણાં કાર્યક્રમોનાં સંચાલન કર્યાં - આ બધું શક્ય એટલા માટે જ બન્યું છે કારણ મેં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો છે.
        જો તમે ગુજરાતી માતા પિતા હોવ અને સંતાનને ગુજરાતી માધ્યમમાં ભણાવવું કે અંગ્રેજીમાં એ અંગે અવઢવમાં હોવ તો તેને ગુજરાતી માધ્યમમાં જ ભણાવજો, જો આસપાસ સારી ગુજરાતી શાળા હોય. જો એમ ના હોય તો એટ લિસ્ટ એવી શાળા ગોતજો જ્યાં ગુજરાતી વિષય તરીકે ભણાવાતું હોય. એ પણ શક્ય ન હોય તો તમે પોતે થોડી મહેનત કરી તેને ગુજરાતી ભાષા તો તમારા સંતાનને ચોક્કસ શીખવજો જ.
મારી પુત્રી નમ્યા અત્યારે આઠ વર્ષની થવામાં છે અને તે આઈ. સી. એસ. સી.ના અંગ્રેજી માધ્યમમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. પણ તેને ગુજરાતી લખતા-વાંચતા આવડે છે અને તે ગુજરાતી અને મરાઠી ભાષામાં પણ બાળકોનાં કાર્યક્રમ માટે રેકોર્ડિંગ કરે છે. હું તેને સારા વાંચનમાં રસ પડે એ માટે સતત પ્રયત્નશીલ રહું છું.

ઈરાની કવિ સાબિરની લઘુ કવિતાઓ

ઈરાની મજૂર સાબિર હકાની કવિતાઓ વેધક હોય છે. સાબિરનો જન્મ ૧૯૮૬માં ઇરાનના કરમાનશાહ માં થયો. હવે તે તેહરાન માં રહે છે અને ઇમારતોનાં બાંધકામ દરમ્યાન મજૂરી કરે છે.

સાબિર હકાના બે કાવ્યસંગ્રહ પ્રકાશિત થયાં છે અને ઈરાન શ્રમિક કાવ્યસ્પર્ધામાં તે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂક્યા છે. પણ કવિતા થી પેટ નો ખાડો નથી પુરાતો. પૈસા કમાવા માટે ઈંટ - ગારો ઉંચકવા પડે છે.

એક મુલાકાતમાં સાબિરે કહ્યું હતું "હું થાકેલો છું. ખૂબ થાકેલો. હું જન્મ્યો એ પહેલાથી જ થાકેલો છું. મારી મા મને ગર્ભમાં ઉછેરતી વેળાએ મજૂરી કરતી, હું ત્યાર થી જ એક મજૂર છું. હું મારી મા નો થાક અનુભવી શકું છું. તેનો થાક હજી મારા શરીર માં છે."

સાબિર કહે છે કે તહેરાનમાં તેમની પાસે સૂવાની જગા નથી તેથી તેઓ ઘણી રાતો સડક પર ભટકતા ભટકતા પસાર કરી નાખે છે. આ કારણે જ તેમને પાછલા બાર વર્ષમાં એટલી શાંતિ કે મોકળાશ નથી મળી શક્યા જેમાં તેઓ પોતાનો ઉપન્યાસ લખવાનું કાર્ય પૂર્ણ કરી શકે.
પ્રસ્તુત છે તેમની કેટલીક રચનાઓ :

૧ શેતૂર
શું તમે ક્યારેય શેતૂર જોયું છે?
જ્યાં પડે છે, તેટલી જમીન પર
તેના લાલ રસ નો ધબ્બો પડી જાય છે.
પડવાથી વધુ પીડાદાયી બીજુ કંઈ નથી.
મેં કેટલાયે મજૂરોને જોયાં છે
ઈમારતો પરથી પડતાં,
પડીને શેતૂર બની જતાં...

૨ ઇશ્વર
(ઈશ્વર) પણ એક મજૂર છે
જરૂર એ વેલ્ડરો નો યે વેલ્ડર હશે.
સાંજની રોશનીમાં
તેની આંખો અંગારા જેવી લાલ હોય છે,
રાતે તેના ખમીસ પર
કાણાં જ કાણાં હોય છે.

૩ બંદૂક
જો તેમણે બંદૂકની શોધ ન કરી હોત
તો કેટલાયે લોકો, દૂર થી જ,
માર્યા જવાથી બચી જાત.
ઘણી બધી વસ્તુઓ સરળ થઈ જાત.
તેમને મજૂરોની તાકાતનો અનુભવ કરાવવાનું
પણ ઘણું સરળ હોત.

૪ મૃત્યુ નો ડર
ઉંમર ના તકાજા મુજબ મેં એ વાત પર વિશ્વાસ મૂક્યો
કે જુઠ્ઠુ બોલવું ખોટું છે
ખોટું છે કોઈને હેરાન કરવું

ઉંમરના તકાજા મુજબ મેં એ વાતનો પણ સ્વીકાર કર્યો
કે મોત પણ જીવનનો જ એક હિસ્સો છે

તેમ છતાં મને મૃત્યુનો ડર લાગે છે
ડર લાગે છે બીજી દુનિયામાં પણ મજૂર બની રહેવાનો.


૫ કારકીર્દીની પસંદગી
હું ક્યારેય સાધારણ બેંક કર્મચારી બની શકત નહીં
ખાણીપીણીની ચીજ વસ્તુઓનો સેલ્સમેન પણ નહીં
કોઈ પક્ષનો નેતા પણ નહીં
ન તો ટેક્સી ડ્રાઇવર
પ્રચારમાં વ્યસ્ત માર્કેટિંગ વાળો પણ નહીં

હું માત્ર એટલું ચાહતો હતો
કે શહેરની સૌથી ઉંચી જગાએ ઉભો રહીને
નીચે ઠસોઠસ ઈમારતો વચ્ચે એ સ્ત્રીનું ઘર જોઉં
જેને હું પ્રેમ કરું છું
એટલે જ હું બાંધકામનો મજૂર બની ગયો.

૬ મારા પિતા
જો હું મારા પિતા વિશે કંઈક કહેવાની હિંમત કરું
તો મારી વાતનો વિશ્વાસ કરજો,
તેમના જીવને તેમને ઘણો ઓછો આનંદ આપ્યો હતો

એ માણસ પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત હતો
પરિવારની ખામીઓ છૂપાવવા માટે
તેમણે પોતાનું જીવન કઠોર અને ખરબચડું બનાવી લીધું

અને હવે
પોતાની કવિતાઓ છપાવતાં
મને માત્ર એક વાતનો સંકોચ થાય છે
કે મારા પિતા લખી - વાંચી શકતા નથી.

૭ આસ્થા
મારા પિતા મજૂર હતા
આસ્થાથી ભરેલા માણસ
જ્યારે તેઓ નમાઝ પઢતા
(અલ્લાહ) તેમના હાથો જોઈને શરમીંદા થઈ જતા.

૮ મૃત્યુ
મારી મા એ કહ્યું
એણે મૃત્યુને જોઈ રાખ્યું છે
તેની મોટી મોટી જાડી મૂછો છે
અને તેનું કદ - બાંધો એવા છે જાણે કોઈ ભટકતો પાગલ જેવો માણસ.
એ રાત થી
મા ની માસૂમિયત ને
હું શંકાની નજરે જોવા માંડ્યો છું.

૯ રાજનીતિ
મોટા મોટા પરિવર્તનો પણ
કેટલી સરળતાથી કરી નાખવામાં આવે છે.
હાથ - કામ કરવાવાળા મજૂરોને
રાજનીતિક કાર્યકર્તાઓમાં ફેરવી નાખવાનું પણ
કેટલું સરળ રહ્યું છે ને!
ક્રેનો આ પરિવર્તનને ઉપાડે છે
અને સૂળી સુધી પહોંચાડે છે.

૧૦ દોસ્તી
હું ઇશ્વરનો દોસ્ત નથી
એનું માત્ર એક જ કારણ છે
જેનું મૂળ અતિ પુરાણા ભૂતકાળમાં છે :
જ્યારે છ જણનો અમારો પરિવાર
એક સાંકડા ઓરડામાં રહેતો હતો
અને ઇશ્વર પાસે ઘણું મોટું મકાન હતું જેમાં તે એકલો જ રહેતો હતો.

૧૧ સરહદો
જેમ કફન ઢાંકી દે છે શબને
બરફ પણ ઘણી બધી વસ્તુઓને ઢાંકી દે છે.
ઢાંકી દે છે ઇમારતોનાં કંકાલને
વૃક્ષોને, કબરોને સફેદ બનાવી દે છે
અને માત્ર બરફ જ છે જે
સરહદોને પણ સફેદ બનાવી શકે છે.

૧૨ ઘર
હું આખી દુનિયા માટે કહી શકું છું આ શબ્દ
દુનિયાના દરેક દેશ માટે કહી શકું છું
હું આકાશને પણ કહી શકું છું
આ બ્રહ્માંડની દરેક વસ્તુને પણ.
પણ તહેરાનના આ વગર બારી ના
ભાડાના ઓરડાને
નથી કહી શકતો,
હું આને ઘર નથી કહી શકતો.

૧૩ સરકાર
થોડો સમય થઈ ગયો
પોલીસ મને શોધી રહી છે
મેં કોઈની હત્યા કરી નથી
મેં સરકાર વિરુદ્ધ કોઈ લેખ પણ નથી લખ્યો.

માત્ર તું જાણે છે, મારી પ્રિયતમા
કે જનતા માટે કેટલું ત્રાસદાઈ હશે
જો સરકાર માત્ર એ કારણ સર મારાથી ડરવા માંડે કે હું એક મજૂર છું
જો હું ક્રાંતિકારી કે બળવાખોર હોત
તો તેઓ શું કરત?

તો પણ એ છોકરા માટે આ દુનિયા
કંઈ એટલી બધી નથી બદલાઈ
જે સ્કૂલની બધી જ ચોપડીઓનાં પહેલા પાને
પોતાની તસવીર છપાયેલી જોવા ઇચ્છતો હતો.

૧૪ એકમાત્ર ડર
જ્યારે હું મરી જઈશ
પોતાની સાથે મારા બધાં જ પ્રિય પુસ્તકો લેતો જઈશ
મારી કબર ને ભરી દઈશ
એ લોકો ની તસવીરોથી જેમને મેં પ્રેમ કર્યો હતો.
મારા નવા ઘરમાં કોઈ જગા નહીં હોય
ભવિષ્યના ડર માટે

હું પડ્યો રહીશ. હું સિગારેટ સળગાવીશ
અને એ બધી સ્ત્રીઓને યાદ કરીને રડીશ
જેમને હું આલિંગન આપવા ઈચ્છતો હતો.
આ સઘળી પ્રસન્નતાઓ વચ્ચે પણ
એક ડર બચ્યો રહે છે :
કે એક દિવસ, ભર બપોરે,
કોઈ ખભો ઝંઝોળી જગાડશે મને અને કહેશે -
'અબે ઉઠી જા સાબિર, કામ પર જવાનું છે.'

(હિન્દી માં અનુવાદ ગીત ચતુર્વેદી, શેર સિંઘ ના સૌજન્ય થી)

(ઇન્ટરનેટ પરથી)

Saturday, June 16, 2018

સાયકોલોજીમાં પી. એચ. ડી.

  એક દિવસ પ્રખ્યાત એવી એક યુનિવર્સીટીમાં સાયકોલોજીના વરિષ્ઠ પ્રોફેસરે તેમના વર્ગમાં એક અતિ ગંભીર વિષય પરનો પાઠ ભણાવવો શરૂ કર્યો. જેવા એ લખવાના કાળા પાટીયા તરફ ફર્યા કે એક ટીખળી વિદ્યાર્થીએ સીટી વગાડી. પ્રોફેસરે વિદ્યાર્થીઓ તરફ ફરી પૂછ્યું કે સીટી કોણે વગાડી. અપેક્ષિત જ હતું એ મુજબ કોઈએ જવાબ આપ્યો નહીં.
           પ્રોફેસરે શાંતિથી પોતાની પેન ખિસ્સામાં ભરાવી, પોતાની બેગ ઉપાડી અને તે દિવસનો તેમનો લેક્ચર પૂરો થયાની જાહેરાત કરી તેેમણે દરવાજા તરફ ચાલવા માંડ્યું. વિદ્યાર્થીઓતો અણધારી છુટ્ટી મળતાં રાજીના રેડ થઈ ગયાં. પણ અચાનક પ્રોફેસર વર્ગમાનાં ટેબલ-ખુરશી તરફ પાછા ફર્યા અને તેમણે કહ્યું જતાં પહેલાં તેઓ એક વાર્તા સંભળાવશે.
            બધાંને આમાં રસ પડ્યો. તેમણે વાર્તા શરૂ કરી, "ગઈ કાલે રાત્રે મને ઉંઘ જ નહોતી આવતી. મને વિચાર આવ્યો ચાલ કારમાં એક આંટો મારતો આવું અને પેટ્રોલ ભરાવતો આવું. સવારે મારો એટલો સમય બચી જશે અને અત્યારે ઉંઘ નથી આવતી એ પણ આંટો મારી આવ્યા બાદ આવી જશે. પેટ્રોલથી કારની ટેન્ક પૂરી ભરાવ્યા બાદ મેં આસપાસ ટ્રાફિકવિહોણા રોડ પર વાહન હંકારી શાંતિથી ડ્રાઈવીંગની મજા માણી.
          અચાનક રસ્તાને એક ખૂણે ઉભેલી સુંદર વસ્ત્રોમાં સજ્જ યુવતિ પર મારી નજર પડી. કદાચ એ કોઈ પાર્ટીમાંથી પાછી ફરી રહી હશે. મેં વિવેક ખાતર મારી કાર તેની પાસે લઈ જઈ ઉભી રાખી અને તેને પૂછ્યું શું હું તેની કોઈ મદદ કરી શકું? તેણે મને તેના ઘેર છોડી દેવા વિનંતી કરી જે મેં સહર્ષ સ્વીકારી. નિંદર વેરણ બની હોય તેવામાં કોણ આવી સુંદર યુવતિ નો થોડા સમય નો તો થોડા સમય નો સંગાથ નકારવાની ભૂલ કરે?!
    તે ગાડીમાં મારી સાથે આગળની સીટ પર બેઠી. અમે વાતચીત શરૂ કરી. મને સુખદ આશ્ચર્ય થયું જ્યારે મેં જાણ્યું કે તેની બુદ્ધિમત્તા ઘણી ઉંચી હતી અને તેનું સામાન્ય જ્ઞાન તેની ઉંમરનાં અન્ય યુવક - યુવતિઓ કરતાં ઘણું વધારે હતું.
        જ્યારે અમે તેના ઘર સુધી પહોંચી ગયા ત્યારે તેણે નિખાલસતા પૂર્વક મારા વિવેકી સ્વભાવ અને સૌજન્યપૂર્ણ વ્યવહારના વખાણ કરતાં મારા પ્રેમમાં પડી ચૂકી હોવાનો એકરાર કર્યો. મેં પણ તેની સુંદરતા અને બુદ્ધિચાતુર્યનાં વખાણ કર્યાં અને જણાવ્યું કે હું પણ તેને પસંદ કરું છું. મેં તેને જાણ કરી કે હું આપણી આ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. તેણે મારો સંપર્ક નંબર માગ્યો જે મેં સહર્ષ તેની સાથે શેર કર્યો. પછી તેણે મારી પાસે એક માગણી કરી જેનો હું સ્વભાવિક રીતે અસ્વીકાર ના કરી શક્યો.
         તેણે કહ્યું હું જ્યાં કામ કરું છું એ જ યુનિવર્સિટીમાં તેનો ભાઈ પણ અભ્યાસ કરે છે અને તેણે મને તેનું ધ્યાન રાખવા કહ્યું કારણ હવે અમે લાંબા ગાળાના એક સરસ સંબંધમાં બંધાવા જઈ રહ્યા હતા. મેં તેને તેના એ ભાઈનું નામ જણાવવા કહ્યું ત્યારે તેણે મને જણાવ્યું કે તેની એક ખાસ લાક્ષણિકતાને કારણે હું તેને તરત ઓળખી જઈશ. તે સીટી ખૂબ વગાડે છે."
         જેવી પ્રોફેસરે આ વાત કરી કે આખા વર્ગનાં બધાં વિદ્યાર્થીઓનું ધ્યાન જેણે સીટી મારી હતી તે ટીખળી વિદ્યાર્થી તરફ ગયું.
          પ્રોફેસરે તરત તેને સંબોધતા કહ્યું, "મહાશય, માથાનાં વાળ ધોળા એમ ને એમ નથી થયાં, તારો આ માસ્તર સાયકોલોજીમાં પી. એચ. ડી. છે!"

(ઇન્ટરનેટ પરથી)

Sunday, June 3, 2018

અનોખી પરીક્ષા

(ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ લિખિત આ પ્રેરણાત્મક વાર્તા વોટ્‌સ એપ પર વાંચવામાં આવી અને ખૂબ ગમી એટલે તેમની પરવાનગી સાથે આજે ઇન્ટરનેટ કોર્નર માં રજૂ કરી છે. તેમનો આભાર અને આવી સરસ વાર્તા લખવા બદલ તેમને અભિનંદન!) 

‘બેટા... થોડું ખાઇને જા...! બે દિવસથી તે કાંઇ ખાધું નથી...!’ માં લાચાર શબ્દોમાં મોહનને સમજાવતી રહી.

‘જો મમ્મી... મેં મારી બોર્ડની પરીક્ષા પછી વેકેશનમાં માત્ર સેકેન્ડ હેન્ડ બાઇક જ માંગેલું.. અને પપ્પાએ પ્રોમિસ પણ કરેલું... આજે મારું પેપર પત્યા પછી દીદીને કહેજો કે સ્કુલની બહાર પૈસા લઇને આવે.. મારા ફ્રેન્ડનું જુનુ બાઇક આજે જ લેવાનું છે.... અને જો દીદી બહાર નહી આવે તો હું ઘરે પાછો નહી આવું.....!’ એક ગરીબ ઘરમાં મોહનની જીદ અને માંની લાચારી સામસામે ટકરાઇ રહી હતી.

‘બેટા.. તારા પપ્પા  તને બાઇક લઇ આપવાનાં જ હતા... પણ ગયા મહિને થયેલો એક્સિડન્ટ... અને...!’ મમ્મી કાંઇ આગળ બોલે તે પહેલા મોહન બોલ્યો, ‘એ હું કાંઇ ન જાણું... મારે બાઇક જોઇએ એટલે જોઇએ જ..!’ 
અને મોહન માંને ગરીબી અને લાચારીના મધદરીયે એકલી મુકીને બહાર નીકળી ગયો.

ધોરણ ૧૨બોર્ડની પરીક્ષાના એક સપ્તાહ પછી ભાગવદસર એક અનોખી પરીક્ષાનું આયોજન કરતાં. જો કે ભાગવદસર ગણિત વિષય ભણાવતા પરંતુ સાથે વિદ્યાર્થીઓને જીવનનું ગણિત પણ સમજાવતાં. વિવિધતાઓથી ભરેલી તેમની અનોખી પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ અચૂક આપે જ.

આ વર્ષે પરીક્ષાનો વિષય હતો.. ‘મારી પારિવારીક ભૂમિકા’

મોહન પરીક્ષા ખંડમાં આવીને બેસી ગયો અને તેને મનમાં ગાંઠ વાળી દીધેલી કે જો બાઇક નહી લઇ આપે તો ઘરે નહી જ જાઉં.

પેપર ક્લાસમાં વહેંચાઇ ગયું.. તેમાં દસ પ્રશ્નો હતા. તેના જવાબ લખવા માટે એક કલાકનો સમય હતો. મોહને પહેલો પ્રશ્ન વાંચ્યો અને જવાબ લખવાની શરુઆત કરી.

*પ્રશ્ન નં – ૧ તમારા ઘરમાં તમારા પિતાશ્રી, માતાશ્રી, બહેન, ભાઇ અને તમે પોતે કેટલા કલાક કામ કરો છો તે સવિસ્તાર જણાવો ?*

મોહને ખૂબ ઝડપથી લખવાનું શરુ કર્યુ.. પપ્પા સવારે છ વાગે રીક્ષા અને ટીફીન લઇને નીકળી પડે તો રાતે નવેક વાગે ઘરે આવે.. અને ક્યારેક રાતે પણ વરધીમાં જવું પડે એટલે દિવસના સરેરાશ પંદરેક કલાક.
મમ્મી તો ચાર વાગે ઉઠે.. ટીફીન તૈયાર કરે.. ઘરનું કામ કરે.. બપોરે સિલાઇનું કામ કરે... અને બધા સૂઇ જાય પછી જ તે સુએ એટલે સરેરાશ રોજ.. સોળેક કલાક..
મોટી બહેન સવારે કોલેજ જાય... સાંજે ૪ થી ૮ ચાર  કલાક નોકરી કરે.. રાત્રે મમ્મીને મદદ કરે અને અગિયાર વાગે સૂઇ જાય.. એટલે સરેરાશ.. બાર-તેર કલાક
અને હું... છ વાગે ઉઠું... બપોરે સ્કુલેથી આવી જમીને સૂઇ જવાનું... અને રાત્રે અગિયાર વાગ્યા સુધી વાંચવાનું.. એટલે સરેરાશ દસ કલાક...
મોહને જોયું તો ઘરમાં કામની સરાસરીમાં સૌથી છેલ્લો નંબર તેનો હતો.
પહેલો જવાબ લખ્યા પછી તેને બીજો સવાલ વાંચ્યો.

*પ્રશ્ન નં -૨ તમારા ઘરની મહિનાની કુલ આવક કેટલી..?*
જવાબ :  પપ્પાની અંદાજે દસેક હજાર.. સાથે મમ્મી અને બહેન મળીને ત્રણેક હજારનો ટેકો કરે એટલે કુલ તેર હજાર થાય.

*પ્રશ્ન નં – ૩ મોબાઇલ રીચાર્જ પ્લાન... ટીવીમાં આવતી મનપસંદ ત્રણ સિરિયલના નામ.. શહેરના એક થિયેટરનું એડ્રેસ.. હાલની લેટેસ્ટ મુવીનું એક નામ લખો.*

આ દરેકના જવાબ સહેલા હોવાથી મોહને એક મિનિટ કરતા ઓછા સમયમાં જવાબ લખી નાખ્યાં.  

*પ્રશ્ન નં- ૪  બટાટા અને ભીંડાની હાલની એક કિલોની કિંમત.. ઘઉં-ચોખા-તેલના એક કિલોના ભાવ..તમારા ઘરનો લોટ જ્યાં દળાય છે તે ઘંટીનું નામ-સરનામું લખો.*

મોહનને આ સવાલનો જવાબ ન આવડ્યો. મોહનને સમજાયું કે જે ખરેખર જીવનની રોજબરોજની ખૂબ જરુરિયાતવાળી ચીજો વિશે તો તેને લેશમાત્ર જ્ઞાન નથી. મમ્મી ઘણીવાર ઘરનું કામ બતાવે તો તરત ના કહી દેતો જેનું આજે ભાન થયું કે મોબાઇલનું રીચાર્જ કે મુવી જે જીવનમાં કોઇ ઉપયોગી નથી તે વિશે ખૂબ જ્ઞાન રાખીએ છીએ પણ ઘરની જવાબદારી લેવામાં પાછીપાની કરીએ છીએ.

*પ્રશ્ન નં – ૫ તમારા ઘરમાં તમે ભોજન બાબતે કોઇ તકરાર કરો છો ખરા..?*

જવાબ – હા... મને બટાકા સિવાય કોઇ શાક ન ભાવે.. જો મમ્મી બીજુ કોઇ શાક બનાવે એટલે મારે ઝઘડો થાય અથવા હું ખાધા વિના ઉભો થઇ જવું...
આટલું લખીને મોહનને યાદ આવ્યું કે બટેકાથી મમ્મીને ખૂબ ગેસ થઇ જાય અને પેટમાં પણ દુ:ખે.. પણ પોતે જીદ કરે કરે ને કરે જ.. એટલે મમ્મી પોતાના બટેકાના શાકમાં એક મોટો ચમચો અજમો નાખીને ખાય.. એકવાર તે શાક ભૂલથી મોહને ખાઇ લીધેલું તો તરત જ થૂંકી નાંખેલું... મમ્મી તું આવું ખાય છે...? બહેન પણ કહેતી કે આપણાં ઘરમાં એવી સ્થિતિ નથી કે રોજ બે જુદા જુદા શાક બને... તું નથી માનતો એટલે મમ્મી બિચારી શું કરે ...?
અને મોહન પોતાની યાદમાંથી બહાર આવ્યો અને પછીનો પ્રશ્ન વાંચ્યો.

*પ્રશ્ન નં – ૬ તમે કરેલી છેલ્લી જીદ અને તેનું સ્વરુપ લખો.*

જવાબ –મોહને જવાબ લખવાનું શરુ કર્યુ. ‘મારી બોર્ડની પરીક્ષા પુરી થઇ ને બીજા દિવસે મેં બાઇક માટે જીદ કરેલી.. પણ પપ્પાએ કોઇ જવાબ ન આપ્યો.. મમ્મીએ સમજાવ્યો કે ઘરમાં પૈસા નથી.. પણ હું ન માન્યો.. મેં બે દિવસથી ખાવાનું પણ બંધ કરી દીધું છે અને મેં જીદ કરી છે કે જ્યાં સુધી મને બાઇક ન લાવી આપો ત્યાં સુધી હું જમીશ નહી.. અને આજે તો ઘરે પણ પાછો નહી ફરુ તેમ કહીને જ નીકળ્યો છું. મોહને પોતાની જીદનો પ્રમાણિકપણે જવાબ લખ્યો.

*પ્રશ્ન- ૭ તમને આપવામાં આવતી પોકેટમનીનો શો ઉપયોગ કરો છો...? તમારા ભાઇ કે બહેન તેનો શો ઉપયોગ કરે છે ?*

જવાબ – પપ્પા દર મહિને મને સો રુપિયા આપે છે.. તેમાંથી હું મને મનગમતો પરફ્યુમ.. ગોગલ્સ.. જેવી વસ્તુઓ કે ક્યારેક મિત્રોની નાની નાની પાર્ટીઓમાં ખર્ચ કરું છું. મારી બહેનને પણ પપ્પા સો રુપિયા આપે છે.. તે નોકરી કરીને કમાય છે.. તે પોતાની કમાણી મમ્મીને આપે છે અને પોકેટમની ગલ્લામાં નાખી બચાવી રાખે છે.. તેને કોઇ જ શોખ નથી.. તે કંજુસ પણ છે.  


*પ્રશ્ન – ૮ તમે તમારી પારિવારિક ભૂમિકા શું સમજો છો..?*

પ્રશ્ન અટપટો અને અઘરો હતો પણ મોહને વિચારી જવાબ લખ્યો.. પરિવારમાં જોડાઇને રહેવું.. એકમેક પ્રત્યે સમજણ રાખવી.. એકમેકને મદદ કરવી.. અને પોતાની જવાબદારી નિભાવવી.

અને આ લખતા જ મોહનને અંદરથી જ અવાજ સંભળાયો.. શું મોહન તું પોતે પોતાની પારિવારિક ભૂમિકા યોગ્ય રીતે ભજવી રહ્યો છે...?
અને અંદરથી જ પોતાનો જવાબ સંભળાયો ‘ના’

*પ્રશ્ન – ૯ શું તમારા પરિણામોથી તમારા માતા-પિતા ખુશ છે ? શું તે સારા પરિણામ માટે જીદ કરે કે તમને લડે છે ?*

આ જવાબ લખતા મોહનની આંખો ભરાઇ આવી... તે હવે પોતાની પારિવારીક ભૂમિકા સમજી ગયો હતો.. તેને જવાબ લખવાની શરુઆત કરી... ‘આમ તો હું ક્યારેય મારા માતા-પિતાને સંતોષકારક પરિણામ આપી શક્યો નથી. જો કે તેમને તેની ક્યારેય જીદ પણ કરી નથી.. અને મેં સેંકડો વાર તેમને આપેલા રિઝલ્ટના પ્રોમીસ તોડયાં છે..’ 

*પ્રશ્ન નં -૧૦ પારિવારિક અસરકારક ભૂમિકા ભજવવા માટે વેકેશનમાં તમે કેવી રીતે મદદરુપ થશો ?*

જવાબ : મોહનની કલમ ચાલે તે પહેલાં તેની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી.... આ પ્રશ્નનો જવાબ લખતા પહેલાં જ મોહનની પેન ફસડાઇ પડી અને બેંચ પર નીચે મોં ઘાલીને રડી લીધું.. મોહને ફરી પેન ઉપાડી પણ આ પ્રશ્નનો જવાબ તે લખી ન શક્યો.. અને છેલ્લો જવાબ કોરો મુકીને પેપર સબમીટ કરી દીધું.

ગેટ પર જ દીદીને જોઇ તે તેની પાસે દોડી ગયો.

‘ભઇલું.. લે આ આઠ હજાર રુપીયા.. મમ્મી એ કહ્યું છે કે મોહનને કહેજે કે બાઇક લઇને ઘરે આવે.’ અને તેની દીદીએ મોહન સામે પૈસા ધર્યા.

‘ક્યાંથી લાવી આ પૈસા..?’ મોહને પુછ્યું.

‘મેં મારી નોકરીમાં એક મહિનાનો એડવાન્સ પગાર માંગ્યો તો તેમને આપ્યો.. મમ્મી પણ જ્યાં કામ કરે છે ત્યાંથી ઉછીના લાવી... અને મારી બચાવેલી પોકેટમની.. બધુ ભેગું કરીને તારા બાઇકના પૈસા કર્યા છે.’ દીદીએ જણાવતા કહ્યું.

મોહનની નજર પૈસા પર સ્થિર થઈ અને તેની બહેન  ફરી બોલી.
‘ભઇલું.. તું મમ્મીને કહીને આવ્યો હતો કે જો મને પૈસા નહી આપો તો ઘરે નહી આવું...! જો હવે તારે સમજવું જોઇએ કે ઘરમાં તારી પણ કંઇક જવાબદારી છે. મને પણ ઘણા શોખ છે.. પણ આપણાં શોખ કરતા પરિવાર વધુ મહત્વનો છે. તું અમારા સૌનો લાડકો છે.. પપ્પાને પણ પગે ખૂબ તકલીફ છે છતા તારા બાઇક માટે પૈસા ભેગા કરવા... તને આપેલ પ્રોમિસ પાળવાં.. પોતાના ફ્રેક્ચરવાળો પગ હોવા છતાં કામ કર્યે જ જાય છે...તું સમજી શકે તો સારુ...! કાલે રાત્રે પપ્પા પણ પોતાનું પ્રોમિસ નહી પુરુ કરવાના કારણે દુ:ખી હતા.. પપ્પાએ એક્વાર પ્રોમિસ તોડ્યું છે તેની પાછળ તેની મજબુરી છે... બાકી તેં પણ અનેકવાર પ્રોમિસ તોડેલા જ છે ને...!’ અને દીદી મોહનના હાથમાં પૈસા મુકીને ચાલી નીકળી.

અને ત્યાંજ તેનો ભાઇબંધ તેનું બાઇક લઇને સરસ સજાવીને આવી ગયો..’ લે.. મોહન.. હવેથી આ બાઇક તારુ.. બધા તો બાર હજારમાં માંગે છે... પણ તારા માટે જ આઠ હજાર હોં...!’

મોહન બાઇક સામે જોઇ રહ્યો અને થોડીવાર પછી બોલ્યો, ‘તું આ બાઇક તેમને જ આપી દેજે. મારાથી પૈસાની વ્યવસ્થા નહી થઇ શકે.’

અને તે સીધો ભાગવદસરની કેબિનમાં પહોંચ્યો..

‘અરે મોહન કેવું લખ્યું પેપરમાં...?’ ભાગવદસરે મોહનની સામે જોઇને કહ્યું.

‘ સર.. આ કોઇ પેપર નહોતું.. મારી જિંદગીનો રસ્તો હતો.. મેં એક જવાબ કોરો રાખ્યો છે.. પણ તે જવાબ હું લખીને નહી જીવીને બતાવીશ.’ અને મોહન ભાગવદસરના ચરણસ્પર્શ કરી ચાલી નીકળ્યો.

ઘરે પહોંચતા જ મમ્મી-પપ્પા અને દીદી તેની રાહ જોઇને ઉભા હતા.
‘બેટા.. બાઇક ક્યાં.. ?’ મમ્મીએ પુછ્યું.

મોહને તે પૈસા દીદીના હાથમાં આપતા કહ્યું, ‘ સોરી...મારે બાઇક નથી જોઇતું... અને પપ્પા મને રીક્ષાની ચાવી આપો... તમારે આરામ કરવાનો... હું આ વેકેશનમાં કામ કરીશ.. અને મમ્મી આજે સાંજે તને ભાવતું રીંગણ મેથીનું શાક બનાવજે.. રાત્રે પહેલી કમાણી લાવીશ એટલે સાથે જમીશું...!’

મોહનમાં આવેલ પરિવર્તન જોઇ મમ્મી તો તેને વળગી પડી, ‘ બેટા, તું સવારે જે કહીને ગયો હતો તે વાત મેં તારા પપ્પાને કરી એટલે તે ઘરે આવી ગયેલા... મને ભલે પેટમાં દુ:ખે હું તો રાત્રે તને ભાવતું શાક જ બનાવીશ.’ 

‘ના મમ્મી.. મને હવે સમજાઇ ગયું છે કે પરિવારમાં દરેકની ભૂમિકા શું હોય છે.. રાત્રે મેથી રીંગણ જ ખાઇશ... મેં આજે પરીક્ષામાં છેલ્લો જવાબ નથી લખ્યો પણ પ્રેક્ટિકલ કરીને બતાવીશ.. અને હા મમ્મી આપણે લોટ દળાવીએ છીએ તે ઘંટીનું નામ શું અને તે ક્યાં છે..?’

અને પાછળ જ ભાગવત સર ઘરમાં દાખલ થયા અને બોલ્યા, ‘ વાહ.. મોહન જે જવાબ નથી લખ્યાં તે તું હવે જીવીને બતાવીશ... 

‘સર તમે અહીં...?’ મોહન ભાગવદસરને જોઇ અચંબીત થઇ ગયો. 

‘તું મને મળીને ચાલ્યો ગયો પછી મેં તારું પેપર વાંચ્યું એટલે તારા ઘરે આવ્યો.. હું ક્યારનો’ય તમારી વાતો સાંભળતો હતો, તારામાં   આવેલા પરિવર્તનથી મારી *અનોખી પરીક્ષા* સફળ બની. તું અનોખી પરીક્ષામાં પહેલા નંબરે આવ્યો છું.’ ભાગવદસરે મોહનના માથા પર હાથ મુક્યો. 

મોહન તરત જ ભાગવદસરને પગે લાગી રીક્ષા ચલાવવા નીકળી ગયો.      

*સ્ટેટસ* 

પરિવાર નામનો ભલે કોઇ વાર નથી
પણ તેના વિના એકે’ય તહેવાર નથી
નમીને ગમીને ને સમજીને સાથે રહેવું,
આ કોઈ સ્વાર્થનો વેપાર કે વહેવાર નથી. 

*લેખક - ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી* 

(ઇન્ટરનેટ પરથી) 

Saturday, June 2, 2018

બાળકો સાથે શું કરવાથી શું થાય?

૧. બાળકને મારીએ તો નફ્ફટ થાય.
૨. બાળકને લાલચ આપીએ તો લાલચું થાય.
૩. બાળકને કુટેવ સુધારવા ધમકાવીએ તો કુટેવ વધે.
૪. બાળકને પ્રોત્સાહન આપીએ તો તેની શક્તિઓ ખીલી ઊઠે.
૫. બાળકને વધારે પડતાં લાડ લડાવીએ તો જિદ્દી બને.
૬. બાળકને વધારે પડતી સ્વતંત્રતા આપીએ તો સ્વચ્છદી બને.
૭. બાળકને વધુ પડતી બીક બતાવીએ તો ડરપોક બને.
૮. બાળકને વધારે ટોકીએ તો જડ બને.
૯. બાળકની સારી બાબતોને બિરદાવીએ તો તેમનામાં આત્મવિશ્વાસ વધે.
૧૦. બાળકના હોવાથી ઘરનું વાતાવરણ શાંત રાખીએ તો તેનું મન પ્રસન્ન રહે.
૧૧. બાળકને માનની દ્રષ્ટિએ જોઈએ તો તેમના સ્વમાનની લાગણી જાગે.
૧૨. બાળકની નજર સામે સેવાકાર્ય કરીએ તો તેમનામાં સેવાભાવના જાગે.
૧૩. બાળકને હમેશાં પ્રેમ આપીએ તો બીજા ને પ્રેમ આપશે.
૧૪. બાળકનું બધુ કામ આપણે કરીએ તો તે પરાવલંબી બની જશે.
૧૫. બીજાની હાજરીમાં બાળકની મશ્કરી કરીશું તો તે લઘુતાગ્રંથીથી પીડાશે.
૧૬. બાળકની હાજરીમાં જૂઠું બોલીએ તો તે જુટ્ઠાબોલું થાય, વડીલો પ્રત્યે શ્રદ્ધા ઓછી થાય.
૧૭. બાળકની હાજરીમાં વડીલોને માન આપીએ તો તે વડીલોને માન આપશે.
૧૮. બાળકનું જરૂરી કામ આપણે ન કરીએ તો તે ચીડિયું બની જશે.
૧૯. બાળકને જોઈતી વસ્તુ ન લાવી આપીએ તો તે ચોરી કરતાં શીખે.
૨૦. બાળકને વાર્તાઓ કહીએ તો તેનામાં સર્જનશીલતા વધે.
૨૧. બાળકની સાથે તોછડાઈભર્યું વર્તન કરીએ તો બાળક ઉદ્રત બને.
૨૨. બાળકની સાથે બાળક જેવા બનીએ તો બાળકમાં આત્મીયતા વધે.
૨૩. બાળકનો ઉછેર અપમાંજનક વાતાવરણમાં થાય તો તેના વિકાસ રૂધાય.
૨૪. બાળકને છૂટા હાથે પૈસા વાપરવા આપીએ તો બાળક ઉડાવ બની જાય.
૨૫. બાળકનો ઉછેર કંકાસમય વાતાવરણમાં થાય તો ઝઘડાળું બની જાય.
૨૬. બાળકનો ઉછેર સમભાવવાળા વાતાવરણમાં થાય તો તે શાંત સ્વભાવનું થાય.
૨૭. બાળકને સતત અન્યાય થાય તો તે ક્રોધી બની જાય.
૨૮. બાળકનો ઉછેર મમતામય વાતાવરણમાં થાય તો બાળક સ્નેહળ બને.
૨૯. ઘરના બધા જ સભ્યો એકબીજાની આમન્યા રાખે તો બાળકમાં સંયમનો ગુણ વિકસે.
૩૦. ઘરના સભ્યો સંયમપૂર્ણ વ્યવહાર કરે તો બાળકમાં સંયમનો ગુણ વિકસે.
૩૧. ઘરમાં આતિથ્યનું વાતાવરણ હોય તો બાળક વિવેકી બને.
૩૨. બાળકને નિયમિત ધાર્મિક સ્થળે લઈ જવામાં આવે તો તેનાંમાં ધાર્મિક ભાવના વિકસે.

(ઇન્ટરનેટ પરથી)