Wednesday, September 26, 2018

ભારતનાં પ્રથમ સ્ત્રી વાળંદ શાંતાબાઈની અદ્ભુત કહાની


      પોતાના સ્વર્ગીય પતિના વ્યવસાયને અપનાવી અને આગળ વધારી શાંતાબાઇએ પોતાના પરિવારને સહારો આપ્યો. પુરુષ-પ્રધાન સમાજમાં માત્ર પુરુષો દ્વારા જ ચલાવાતા વ્યવસાયને અપનાવી તે ભારતનાં પહેલા મહિલા વાળંદ બન્યા.
     દેશની પહેલી મહિલા બારટેન્ડર શતભી બાસુથી લઈને દેશની પહેલી મહિલા વાઇન-ટેસ્ટર સોવના પૂરી સુધીની બધી મહિલાઓ પૂરા જોશ અને ઝનૂનથી પોતપોતાના મનપસંદ વ્યવસાયમાં નામ કમાઈ રહી છે.
પણ ૪૦ વર્ષ અગાઉ એક મહિલાને પુરુષ પ્રધાન વ્યવસાય અંગે કોઈ જ માહિતી નહોતી. પોતાના પરિવાર સાથે ગામમાં સુખેથી જીવન વ્યતિત કરવું એ જ એમનું સપનું હતું. પણ કિસ્મતે એમને એવા મોડ પર લાવી મૂક્યા જ્યાં તેમણે પુરુષપ્રધાન સમાજમાં પોતાની ભૂખી બાળકીઓનું પેટ ભરવા આ વ્યવસાય અપનાવવો પડ્યો. આ વાત છે ભારતના પહેલા મહિલા નાઈ શાંતાતાઈની...
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હાસુરસાસગીરી ગામમાં રહેતા શાંતાબાઈ આપણા સૌ માટે આદર્શ સમાન છે. વિપરિત પરિસ્થિતિઓ નો સામનો કરી શાંતાબાઈએ એક મુકામ હાંસલ કર્યો છે.
માત્ર ૧૨ વર્ષ ની ઉંમરે શાંતાબાઈના લગ્ન તેમના પતિ શ્રીપતિ સાથે થયા હતા. તેમના પિતા નાઈ હતા અને પતિનો પણ આ જ વ્યવસાય હતો.
કોલ્હાપુર જિલ્લાના અર્દલ ગામે શ્રીપતિ પોતાના ૪ ભાઈઓ સાથે મળીને 3 એકર જમીન પર ખેતીવાડી કરતો હતો. માત્ર ખેતી પર જીવન નિર્વાહ મુશ્કેલ હોવાથી તે નાઈ તરીકે પણ કામ કરતો. પિતાની મિલ્કતના ભાગલા પડ્યા અને ૩ એકર જમીન બધાં ભાઈઓ વચ્ચે વહેંચાઈ ગઈ. જમીનનો ઘણો ઓછો હિસ્સો પોતાને ભાગે બાકી બચતા હવે શ્રીપતિ એ આસપાસના ગામોમાં જઈ હજામતનું કામ ચાલુ કર્યું. આટલી મહેનત કરવા છતાં વેતન ઓછું પડતાં શ્રીપતિ એ સાહૂકારો પાસેથી પૈસા ઉધાર લેવાનું શરૂ કર્યું.
      હાસુરસાસગીરી ગામના સભાપતિ હરિભાઉ કડૂકરે જ્યારે શ્રીપતિ ની વસમી સ્થિતિ જોઈ ત્યારે તેમણે તેને હાસુરસાસગીરી ગામમાં આવી વસવા ઈજન આપ્યું. હરિભાઉના ગામમાં કોઈ વાળંદ નહોતો આથી શ્રીપતિ ત્યાં વધુ પૈસા કમાઈ શકે એમ હતો.
આ રીતે શાંતાબાઈ અને તેમના પતિ શ્રીપતિ હાસુરસાસગીરી ગામમાં આવી વસ્યા. પછી દસ વર્ષમાં શાંતાબાઈ એ છ દીકરીઓને જન્મ આપ્યો જેમાંથી બે નું બાળપણમાં જ મૃત્યુ થઈ ગયું. દિવસો વધુ તકલીફ વગર આરામથી પસાર થઈ રહ્યા હતા.
     પણ અચાનક વર્ષ ૧૯૮૪માં જ્યારે તેમની મોટી દીકરી આઠ વર્ષની હતી અને નાની દીકરી એક વર્ષથીયે નાની ત્યારે હ્રદય રોગના હુમલાથી શ્રીપતિનો દેહાંતવાસ થયો.
      ત્રણ માસ સુધી શાંતાબાઈએ અન્યોના ખેતરમાં મજૂરી કરી. ૮ - ૮ કલાક સખત મજૂરી કર્યા બાદ તેમને માત્ર પચાસ પૈસા મજદૂરી પેઠે મળતા. એમાંથી ઘર ખર્ચ અને ચાર દીકરીઓનું ભરણ પોષણ કઈ રીતે પૂરું થાય?
       સરકારે તેને જમીનના બદલામાં ૧૫૦૦૦ રૂપિયા આપ્યાં. આ પૈસાનો ઉપયોગ શાંતાબાઈએ પતિનું દેવું ચૂકવવા કર્યો. પોતાની બાળકીઓને તે બે ટંક ખાવાનું પણ આપી શકતી નહોતી. ત્રણ મહિના તેણે જેમતેમ કાળી મજૂરી કરી પસાર કર્યા. મહામુસીબતે તે પોતાની દીકરીઓનું પેટ ભરી શકતી. ક્યારેક તો તેમણે બધાએ ભુખ્યા પેટે પણ સૂવાનો વારો આવતો. પરિસ્થિતિથી કંટાળી આખરે એક દિવસ શાંતાબાઈએ ચારે દિકરીઓ સહિત આત્મહત્યા કરવાનો વિચાર કર્યો.
      આ વખતે પણ હરિભાઉ તેમના માટે ભગવાન સાબિત થયા. જ્યારે શાંતાબાઈ મરવાની તૈયારીમાં જ હતા ત્યાં હરિભાઉ તેમના ખબર અંતર પૂછવા આવ્યા અને તેમની બૂરી પરિસ્થિતિ જોઈ તેમણે શાંતાબાઇને પતિનો વ્યવસાય અપનાવી લેવાનું સૂચન કર્યું. શ્રીપતિના મોત બાદ ગામમાં બીજો કોઈ નાઈ ના હોવાને લીધે શાંતાબાઈ સારું કમાઇ શકે એમ હતું.
      શાંતાબાઈને પહેલા તો આ સાંભળી નવાઈ લાગી. ભલા એક સ્ત્રી નાઈનું કામ કઈ રીતે કરી શકે? પણ એમની પાસે અન્ય કોઈ વિકલ્પ પણ બચ્યો નહોતો.
      શાંતાબાઈ કહે છે, "મારી પાસે બે જ રસ્તા હતા. એક તો હું મારી દીકરીઓ સહિત આત્મહત્યા કરી લઉં અથવા સમાજ કે લોકોની પરવા કર્યા વિના મારા પતિનો અસ્ત્રો હાથમાં લઈ લઉં. મારે મારા સંતાનો માટે જીવવું હતું, આથી મેં બીજો વિકલ્પ પસંદ કર્યો."
    હરિભાઉ પોતે શાંતાબાઈના પહેલા ગ્રાહક બન્યા. શરૂઆતમાં તો ગામના લોકો એમની મજાક ઉડાવતા પણ શાંતાબાઈ ચલિત થયા નહીં, તેમનો હોંસલો વધતો ગયો. એ પોતાની બાળકીઓને પાડોશીને ઘેર મૂકી આસપાસના ગામોમાં હજામત કરવા જવા માંડયા.
કડલ, હિદાદુગી અને નરેવાડી ગામમાં કોઈ વાળંદ નહોતો આથી ત્યાંના લોકો એમના ગ્રાહક બની ગયા.
ધીરે ધીરે શાંતાબાઈની ખબર દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. એટલું જ નહીં, તે સમયના પ્રખ્યાત અખબાર 'તરુણ ભારત' માં તેમના વિશે લેખ છપાયો.
     સમાજને પ્રેરિત કરવા બદલ શાંતાબાઈ ને સમાજરત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા. અન્ય પણ કેટલીયે સંસ્થાઓએ એમનું યથોચિત સન્માન કર્યું.
     વર્ષ ૧૯૮૪માં એ માત્ર ૧ રૂપિયામાં દાઢી અને કેશ કર્તન કરતા હતા. થોડા જ દિવસોમાં તેમણે જાનવરોના વાળ કાપી આપવાની પણ શરૂઆત કરી, જેના માટે એ ૫ રૂપિયા લેવા માંડ્યા.
      વર્ષ ૧૯૮૫માં ઇંદિરા ગાંધી આવાસ યોજના અંતર્ગત શાંતાબાઈને સરકાર તરફથી ઘર બનાવવા માટે પૈસા મળ્યાં. શાંતાબાઈએ કોઈની આર્થિક મદદ લીધા વગર પોતાની ચારે દીકરીઓને ધામધૂમથી પરણાવી. આજે એ દસ પૌત્રપૌત્રીઓની નાની છે.
     ૭૦ વર્ષના શાંતાબાઈ હવે થાક્યા છે. એ પોતે આસપાસના ગામોમાં જઈ શકતા નથી એટલે લોકો હવે તેમની પાસે દાઢી કરાવવા અને કેશ કર્તન માટે આવે છે.
     શાંતાબાઈ કહે છે, "ગામમાં હવે સલૂન છે. બાળકો અને યુવાનો ત્યાં જાય છે. મારી પાસે મારા જૂના ગ્રાહકો જ આવે છે. હવે હું દાઢી કરવાના અને વાળ કાપવાના ૫૦ રૂપિયા લઉં છું અને જાનવરોના વાળ કાપવાના ૧૦૦ રૂપિયા લઉં છું. મહિ‌નામાં ૩૦૦ - ૪૦૦ રૂપિયા કમાઈ લઉં છું અને સરકાર પાસે થી મને ૬૦૦ રૂપિયા મળે છે. આ પૈસા મને ઓછા પડે છે પણ જિંદગી માં મેં ઘણી મુશ્કેલીઓ સહન કરી છે એટલે હવે થોડામાં ગુજરાન ચલાવવાનું શીખી ગઈ છું. મને ખબર છે કે જરૂરત પડ્યે હું મહેનત કરીને કમાઈ શકું છું. "
શાંતાબાઈ કહે છે કે," આ વ્યવસાયે મને અને મારા બાળકોને નવી જિંદગી આપી છે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હાથમાં અસ્ત્રો લઈ હું કામ કરતી રહીશ."
       પોતાના સાહસ અને લગનને પ્રોત્સાહન આપવા માટે શાંતાબાઈ હરિભાઉ કડૂકરને ધન્યવાદ આપે છે. મુશ્કેલ ઘડીમાં હરિભાઉએ તેમનો સાથ આપ્યો હતો તેથી એ તેમને પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે.
         વર્ષ ૨૦૦૮માં ૯૯ વર્ષની વયે હરિ ભાઉ મૃત્યુ પામ્યા. હરિભાઉના પૌત્ર બબન પાટીલ આજે પણ શાંતાબાઈના ઘરે જઈ તેમની દેખભાળ રાખે છે.

- પ્રફુલ્લ મુક્કાવાર

(મૂળ લેખ માનબી કટોચ દ્વારા)


(ઇન્ટરનેટ પરથી)

—————————————

ગત સપ્તાહે ઇન્ટરનેટ કોર્નરમાં ભારતનાં પ્રથમ સ્ત્રી વાળંદ શાંતાબાઈની અદ્ભુત કહાની છાપી હતી. જો કોઈ વાચક આ લેખ વાંચ્યા બાદ શાંતાબાઈને આર્થિક મદદ કરવા ઇચ્છતા હોય તે નીચે પ્રમાણેની વિગત મુજબ તેમના બેંક અકાઉન્ટમાં સીધી રકમ જમા કરાવી શકે છે :
Bank -THE  AJARA  URBAN  CO. OP BANK LTD  AJARA ,
NAME-YADAV SHANTABAI SHRIPATI ,
A/C NO-403-11982 ,
IFSC NO- IBKL0116AUC
તમે તેમની સાથે ૭૫૮૮૮૬૮૯૩૫ આ મોબાઇલ નંબર પર વાત પણ કરી શકો છો.

Thursday, September 20, 2018

સાચા કે ખોટા નિર્ણય

પાંચ મિત્રો એક ગાઢ, વિશાળ જંગલમાં ભૂલા પડ્યાં. તેમણે માર્ગ ખોળવાના અનેક પ્રયત્ન કર્યાં. પહેલા મિત્રે કહ્યું, "મારું મન કહે છે આપણે ડાબી બાજુ જવું જોઈએ. "
બીજો મિત્ર કહે, "મારું અનુમાન છે કે સાચો માર્ગ જમણી તરફ છે."
ત્રીજો મિત્ર બોલ્યો, "હું તો આપણે જે માર્ગે ચાલીને આવ્યા એ જ માર્ગે પાછો જવાનો. એ સૌથી સુરક્ષિત રહેશે."
ચોથો કહે, "મને તો લાગે છે આપણે સાચી દિશામાં જ જઈ રહ્યાં છીએ. હું તો સીધો જ આગળ જઈશ. ચોક્કસ એમ કરતા જંગલ પૂરું થશે, એકાદ ગામડું આવશે અને ત્યાં કોઈક ઘર કે ખેતર માં પૂછીને સાચી દિશા ચોક્કસ જાણી શકાશે. "
તો વળી પાંચમા એ કહ્યું," મને તો કાંઈ ગતાગમ પડતી નથી. મને લાગે છે મારે આ ઉંચા ઝાડ પર ચડી દૂર દૂર સુધી નજર નાંખવી જોઈએ અને પછી નક્કી કરવું જોઈએ કે કઈ દિશામાં આગળ વધવું જોઈએ."
અને પાંચમા મિત્રે એમ જ કર્યું.
જ્યારે એ ઉંચા ઝાડ પર ચડી રહ્યો હતો ત્યારે તેના અન્ય ચાર મિત્રોએ તેમણે વિચારેલી યોગ્ય દિશામાં પ્રયાણ કર્યું.
પાંચમો મિત્ર જ્યારે ઉંચા ઝાડની ટોચ પર પહોંચી ગયો ત્યારે તેને થોડે જ આઘે એક ગામડું જોવા મળ્યું. તેને લાગ્યું તેના મિત્રોએ તેમણે પસંદ કરેલા માર્ગ પર જવું જોઈતું નહોતું. છતાં, તેનું આમ વિચારવું ખોટું સાબિત થયું.
દરેક મિત્રને તેણે પોતે પસંદ કરેલ માર્ગ પર જુદો જુદો અનુભવ થયો.
પહેલો મિત્ર જે ડાબે ગયો હતો તેણે થોડું લાંબુ ચાલવું પડયું પણ અંતે તે એક ગામ સુધી પહોંચી ગયો.
બીજો મિત્ર જે જમણે વળ્યો હતો તેને માર્ગમાં વરુઓના ટોળાંનો સામનો કરવો પડ્યો પણ તે જંગલમાં કઈ રીતે ટકી રહેવું એ આ અનુભવ પરથી શીખ્યો.
ત્રીજો મિત્ર જે પાછો વળ્યો હતો તેને માર્ગમાં નવા ઉત્સાહી જંગલભ્રમણ માટે નીકળેલા યુવાનોનો ભેટો થયો અને તેમાં તેને નવાં મિત્રો સાંપડ્યાં.
ચોથો મિત્ર જે સીધી આગળની દિશામાં ચાલ્યો હતો તેને થોડે દૂર એક ખેતર જોવા મળ્યું જેને સાચવનાર પરિવારે તેને પોતાનો મહેમાન બનાવ્યો અને ભાવપૂર્વક તેની મહેમાનગતિ કરી. 
દરેકે દરેક મિત્ર આ પ્રવાસ યાત્રા દરમ્યાન પોતે પસંદ કરેલા માર્ગ મુજબ મૂલ્યવાન અનુભવના ભાથા દ્વારા સમૃદ્ધ થયો.
~~~
ચાલો હવે આપણે આ વાર્તા વિશે થોડો ઉંડાણમાં વિચાર કરીએ...
જો સાચા કે ખોટા નિર્ણય એવું વર્ગીકરણ કરાય જ નહીં તો? 
દરેકે દરેક નિર્ણય આપણને નવો અનુભવ કરાવે છે જે વિકાસની અસીમ તકો પૂરી પાડે એમ બની શકે છે. 
આપણે અત્યારે જે મુકામ પર છીએ તેની પાછળ આપણે અત્યાર સુધી લીધેલા નિર્ણયો જ કારણભૂત છે. વર્તમાન સમયે તમે જ્યાં છો ત્યાંથી તમે યોગ્ય નિર્ણયો લઈ ચોક્કસ તમારી મંઝિલ સુધી પહોંચી શકો છો. ભૂલ થાય તો તેમાં પણ કઇંક શીખવાની તક શોધી કાઢો.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, September 9, 2018

જંતુઓ

કુલ જોવા મળતી જૈવિક વિવિધતામાં પોણો ભાગ જેટલા જીવો જંતુઓ છે એટલે કે એવો એક અંદાજ છે કે
જંતુઓ સિવાયના પ્રાણીઓની વિવિધ જાતિઓની કુલ સંખ્યા કરતાં ત્રણ ગણાં જંતુઓ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે.
 અત્યાર સુધીમાં જંતુઓની આશરે સાતેક લાખ જાતિઓ ચોપડે નોંધાઈ છે જે તેમની હજી શોધાઈ રહેલી અને
શોધવાની બાકી છે તેનો કેટલાકમો ભાગ છે! 
 ધરતી પર જ્યાં જ્યાં જીવન શક્ય છે તે દરેક જગાએ જંતુઓ જઈ વસ્યા છે. વનસ્પતિની હજી એવી એક પણ જાતિ
શોધાઈ નથી જેના પર જંતુની કોઈ એકાદ જાતિ દ્વારા આક્રમણ ન થઈ શકે એમ હોય! હજી પણ આફ્રિકાનાં લોકો દ્વારા
ઉગાડવામાં આવતા પાકનો પોણા ભાગ જેટલો હિસ્સો જંતુઓ દ્વારા નાશ પામે છે.
જંતુઓનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય :
*) મોટા ભાગના જંતુઓને છ પગ અને ઉડવા માટે પાંખો હોય છે (જે તેમની દોરેલી આકૃતિમાં મોટે ભાગે નજરે ચડતી નથી). 
*) કેટલાક જંતુઓને પાંખો હોતી નથી પણ તેમનું શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે અને તેમને ત્રણ જોડી પગ હોય છે. 
*) શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય અને પાંખો હોય (તેમના પગની એક જોડ દોરેલી આકૃતિમાં નજરે ચડતી નથી) તેવા જંતુઓ. 
*) શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય, પાંખો હોય  અને ત્રણ જોડ પગ હોય તેવા જંતુઓ.
*) ત્રણ જોડ પગ હોય  તેવા જંતુઓ.
આ સિવાય નીચે જણાવેલ સંધિપાદ વર્ગના જીવો ઘણાં બધાં પગ હોવાને લીધે જંતુ વર્ગમાં સમાવિષ્ટ નથી : 
- ભરવાડ (સેન્ટીપીડ વર્ગ - ચીલોપોડા)
- કાનખજૂરો (મીલીપીડ વર્ગ - ડિપ્લોપોડા) 
- સૉ બગ (વર્ગ - ક્રસ્ટાશિઆ) 
- કરચલો (વર્ગ - ક્રસ્ટાશિઆ) 
- વીંછી (વર્ગ - એર્કેનીડા ) 
- ક્રે ફિશ (વર્ગ - ક્રસ્ટાશિઆ) 
- ટીક (વર્ગ - એર્કેનીડા) 
- કરોળિયો (વર્ગ - એર્કેનીડા) 
- ડેડી-લોન્ગ લેગ્સ (વર્ગ - એર્કેનીડા)

(ઇન્ટરનેટ પરથી) 

Sunday, September 2, 2018

મારી ક્ષીણ થઈ રહેલી વિવેકબુદ્ધિ

ક્યારેક રાત્રિના અંધકારમાં હું મારી વિવેકબુદ્ધિ સાથે ગોઠડી માંડુ છું 
ચકાસવા કે એ હજી શ્વાસ તો લઈ રહી છે ને 
કારણ રોજ તે ધીમું ધીમું મોત મરી રહી છે. 

જ્યારે કોઈ મોંઘીદાટ જગાએ હું મારા ખાવાનું બિલ ભરું છું 
જેની એક ભાણાની કિંમતની રકમ કદાચ એ જગાએ અમારા માટે 
દરવાજો ખોલનાર દરવાનના એક મહિનાના પગાર કરતા પણ વધુ છે 
અને ઝડપથી હું એ વિચાર ખંખેરી દઉં છું 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે હું શાકભાજીવાળા ભૈયાજી પાસેથી શાક ખરીદું છું 
અને તેનો દીકરો "છોટુ" સસ્મિત બટાટાનું વજન જોખે છે, 
છોટુ, એક નાનકડો છોકરો જે અત્યારે સ્કૂલમાં ભણતો હોવો જોઈએ... 
અને હું નજર બીજે ફેરવી લઉં છું 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે હું એક ડિઝાઇનર ડ્રેસમાં સજ્જ થઈ છું જેની કિંમત અધધધ છે 
અને ક્રોસિંગ પર મારી દ્રષ્ટિ પડે છે એક ચિંથરેહાલ લૂગડા દ્વારા 
પોતાની લાજ ઢાંકવાનો મિથ્યા પ્રયાસ કરી રહેલી એક બાઈ પર 
અને તરત હું મારી ગાડી નો કાચ ઉપર ચડાવી દઉં છું 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે ક્રિસમસ ટાણે મેં મારા બચ્ચાઓ માટે ત્રણ મોંઘી ભેટો ખરીદી છે 
અને ઘેર પાછા ફરતા લાલ સિગ્નલ પર હું ખાલી પેટ અને ભૂખી આંખોવાળા 
અર્ધ નગ્ન બાળકોને સાન્તા-ટોપી વેચતા જોઉં છું 
ત્યારે હું મારી વિવેકબુદ્ધિને બચાવવાનો પ્રયત્ન કરતા 
થોડી ટોપીઓ ખરીદી લઉં છું છતાં 
એ થોડી મૃત્યુ પામે છે.

જ્યારે મારી કામવાળી બાઈ માંદી હોવાથી 
તેની દીકરીને કામે મોકલે છે તેની સ્કૂલે ખાડો પાડી ને 
હું જાણું છું કે મારે તેને પાછા જતા રહેવા કહેવું જોઈએ 
પણ મારી નજર એઠાં વાસણોથી ભરેલી સિંક પર પડે છે 
અને હું મારી જાતને કહું છું કે આ તો થોડાં જ દિવસ નો સવાલ છે 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે હું મારા દીકરાને પાર્ટી માંથી ઘેર મોડા પાછા ફરવાની છૂટ આપું છું 
પણ જ્યારે મારી દીકરી એવી પરવાનગી માગે છે 
ત્યારે હું તેને એ યોગ્ય નથી એવો જવાબ આપું છું 
જ્યારે તે પ્રતિ પ્રશ્ન કરે છે કે એમ શા માટે 
ત્યારે હું મારો અવાજ ઉંચો કરી તેને ચૂપ કરી દઉં છું 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે હું કોઈક બાળક પર બળાત્કાર કે તેની હત્યા વિષે સાંભળુ છું 
મને દુ:ખ તો થાય છે પણ છતા થોડો હાશકારો અનુભવું છું કે એ મારું બાળક નથી 
એ વખતે હું અરીસામાં જાત સાથે નજર મિલાવી શકતી નથી 
અને મારી વિવેકબુદ્ધિ થોડી મૃત્યુ પામે છે.

જ્યારે લોકો નાતજાત કે ધર્મ ને નામે લડે છે 
હું નિરાશા અને લાચારી અનુભવું છું 
હું મારી જાત ને કહું છું કે 
મારો દેશ ખાડામાં જઈ રહ્યો છે 
હું ભ્રષ્ટ નેતાઓને માથે દોષનો ટોપલો ઢોળી દઉં છું, 
મારી સઘળી જવાબદારીઓને વિસારે પાડી 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે.

જ્યારે મારા શહેરમાં શ્વાસ લેવું દોહ્યલું બન્યું છે 
શહેર આખું ધુમાડા અને પ્રદૂષણથી ભરાઈ ગયું છે 
છતાં હું મારી પોતાની ગાડી ચલાવીને જ ઓફિસે જઉં છું, 
મેટ્રો કે કાર પુલ જેવા શક્ય પર્યાયનો ઉપયોગ કરતી નથી, 
એમ વિચારીને કે મારી માત્ર એક ગાડી વધુ રસ્તા પર ઉતરવાથી કશો ફેર પડવાનો નથી 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે.

આથી ક્યારેક રાત્રિના અંધકારમાં હું મારી વિવેકબુદ્ધિ સાથે ગોઠડી માંડુ છું 
ચકાસવા કે એ હજી શ્વાસ તો લઈ રહી છે ને.. 
ત્યારે તેને હજી સાબૂત જોઈ હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું કારણ 
રોજ હું જ તો તેને ધીમું ધીમું મારી રહી હોઉં છું... 

 - રશ્મિ ત્રિવેદી ( 'વુમન એવરીથિંગ વિલ બી ફાઇન!' ના લેખિકા) 

(ઇન્ટરનેટ પરથી)