Saturday, February 2, 2019

સમર્પિતતા

  ડૉ. ઝાકીર હુસૈને તેમના બાળપણથી જ કુટુંબમાં ઘણાં મૃત્યુ જોયાં હતાં.
      ૧૯૧૧માં ઈટાવા ખાતે જ્યારે તેઓ હજી શાળામાં જતાં બાળક હતા ત્યારે તેમની માતા અને ભાઈ ઝાફર હુસૈન ખાનને પ્લેગ રોગ ભરખી ગયો હતો. તેમની માતાને પોતાની જીવલેણ બીમારી વિશે જાણ હતી જ, પરંતુ એ વિશે જાણી જશે તો બાળકો ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં એવા ડરથી તેમણે પોતાની બીમારી અંગે તેમને કળાવા દીધું નહોતું.
ઝાકીરે માતા અને ભાઈનાં મોતનું દુઃખ સહી લીધું અને તે જીવનમાં આગળ વધી ગયાં, તેમણે અભ્યાસ પર પુરું ધ્યાન કેન્દ્રિત કર્યું. એ પછી જોકે તેમણે પરિવારના કેટલાક વધુ સભ્યોનાં મોતનો આઘાત સહન કરવો પડ્યો. તેમનાં ચાર ભાઈઓ ટર્બોક્યુલોસીસના રોગને કારણે મૃત્યુ પામ્યાં.
     ૧૯૩૩માં એક વાર જામીઆ ખાતે તેઓ એક સમારંભમાં પ્રાથમિક શાળાનાં બાળકોને મીઠાઈ વહેંચી રહ્યા હતા, બાળકો ખુશખુશાલ થઈ આ ઉજવણી માણી રહ્યાં હતાં અને પોતાનો વારો આવવાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં.
    સમારંભ દરમિયાન, હુસૈન સાહેબને તેમની વહાલસોયી દિકરી રેહાનાના અવસાનના શોક સમાચાર મળ્યા.તેમની આંખોના ખૂણા ભીના થયાં, પણ તેમણે ઉતાવળ કરી નહીં.
    તેમને બાળકો ખૂબ વ્હાલાં હતાં, જેમને તે 'ઈશ્વરના ફૂલો' તરીકે ઓળખાવતા. તેમણે બાળકોનાં ઉલ્લાસમાં ખલેલ પડવા દીધી નહિં, અને જાણે કંઈ બન્યું જ ન હોય એમ તેમણે મીઠાઈ વહેંચવી ચાલુ રાખી. બધી મીઠાઈ વહેંચાઈ રહ્યા બાદ જ તેમણે સમારંભમાંથી વિદાય લીધી. આ ઉમદા માણસ  સમર્પિતતા અને ફરજપરસ્તીની મોટી મિસાલ સમા હતા.
     તેઓ ભારતનાં તૃતીય રાષ્ટ્રપતિ હતા. ૧૯૬૩માં તેમને ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્નથી સન્માનિત કરાયા હતા. કોઈ પણ કામ હાથમાં લીધું હોય તો એમાં આપણું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ - આ ગુણ આપણે સૌએ તેમની પાસેથી શીખવો જોઈએ.

(ઇન્ટરનેટ પરથી)