Sunday, September 25, 2016

બચતનું મહત્વ

વણિક : કેમ, તમે કંઇ બચત નથી કરી ?
પટેલ : ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દિકરાઓને આપી દીધુ હવે દિકરાઓ સાચવશે.
વણિક : પણ માની લો કે દિકરા સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો ?
પટેલ : એવુ ના બને , અને જો થાય તો પછી ટુટીંયુ વાળીને પડ્યા રહીએ. નસીબમાં હોય એમ થાય.
વણિક : બાપા, નસીબ તો આપડે જેવુ લખવુ હોય એવુ લખી શકાય. મને અને મારા પત્નીને મારો દિકરો અને દિકરાની વહુ ખુબ સાચવે છે મારા સારા નસીબને કારણે નહી મારા નાણાકિય આયોજનના કારણે.
પટેલ : લે કેવી રીતે ?
વણિક : જુઓ સાંભળો , મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી. સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો. પહેલો પગાર લઇને મારા પિતાજીના હાથમાં આપ્યો ત્યારે પિતાજીએ મને પુછેલુ કે બેટા તને 75ને બદલે 65 રૂપિયામાં નોકરી મળી હોત તો તું નોકરી સ્વીકારત કે નહી ? મેં હા પાડી એટલે એમણે કહ્યુ બસ આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે અને આજીવન 10% ઓછો રહેવાનો છે 10% રકમ તારે પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને એમાં જમાં કરાવવાની અને એમાંથી ક્યારેય કંઇ ઉપાડ કરવાનો નહી. પોસ્ટઓફિસમાં રકમ ભરીને પછી ભુલી જવાનુ કે મારી કોઇ રકમ પોસ્ટ ઓફિસમાં છે.
પટેલ : પણ આટલી નાની રકમ જમા કરાવો તો એનાથી શું ફેર પડે ?
વણિક : મારા ભાઇ, નાની બચતથી લાંબાગાળે બહુ મોટો ફેર પડે. મેં મહીને માત્ર 10 રૂપિયાની બચતથી શરૂઆત કરેલી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો પગાર પણ વધતો ગયો એટલે 10% લેખે થતી બચતની રકમ પણ વધતી ગઇ. મેં 35 વર્ષ નોકરી કરી અને દરમિયાન કરેલી બચતની રકમ અત્યારે વ્યાજ સહીત 96 લાખ રૂપિયા છે. 96 લાખનું મને દર મહીને 60000 વ્યાજ મળે છે જેમાંથી 30000 મારો પૌત્ર જે 3 વર્ષનો છે તેના નામનું પોસ્ટમાં ખાતુ ખોલાવીને તેમાં જમાં કરાવું છુ અને બાકીના 30000 દર મહીને મારા દિકરાની વહુના હાથમાં આપુ છું અમને સાચવવા માટે.
પટેલ : ઓહો....આટલા બધા રૂપિયા આપો તો તો પછી તમને તમારા દિકરાની વહુ હથેળીમાં રાખે ને. પણ તમારે વાપરવા માટે કંઇ જરૂર પડે તો તમને વહુ પાછા પૈસા આપે ?
વણિક : વહુ પાસે માંગવાની જરૂર નથી કારણકે મને દર મહીને 17000 પેન્શન મળે છે એમાંથી જરૂર પડે તો વાપરીએ અને બાકી મહીને 2000 ઉપાડીને મારા પૌત્રને દર રવિવારે ફરવા માટે બહાર લઇ જાવ અને એને પણ જલસા કરાવુ. પેન્શનમાંથી બાકીના જે 15000 વધે ઉપાડીને તેની એફડી કરાવી મારી દિકરીને ભેટમાં આપુ છું એફડી કરાવેલ હોવાથી તાત્કાલીક વાપરી પણ શકે.
પટેલ : વાહ , તમારુ કહેવું પડે હો. તમે પાક્કા વાણીયા છો. તમારી પાસેથી તો ઘણું શીખવા જેવુ છે. અમારે તો હવે ક્યાં લાંબુ ખેંચવાનું છે પણ નવી પેઢી તમે કર્યુ એમ કરે તો પાછલી જીંદગીમાં ઓશીયાળા રહેવુ પડે એટલુ પાક્કુ.
મિત્રો, બચતનું મહત્વ સમજીને આજથી બચત કરવાનો સંકલ્પ કરીએ અને આપણા ભવિષ્યને વધુ ઉજળુ કરીએ.

('ઈન્ટરનેટ પરથી')

Wednesday, September 21, 2016

તાળી પાડવાના ફાયદા

તાળી પાડવી એટલે એનો સરળ અર્થ તમે કરશો બે હાથ એકમેક સાથે અફળાવવા પણ ખરા અર્થમાં એથી કંઈક વિશેષ છે.
સામાન્ય રીતે લોકો કોઈના સારા કામને બિરદાવવા કે તેમની સફળતાને તાળી પાડતા હોય છે કે પછી પોતે જ્યારે આનંદી મિજાજમાં હોય ત્યારે તાળી પાડતા હોય છે.
લોકો ગીત ગાતી વખતે , ભજન ગાતી વખતે કે મંદીરમાં આરતી ગાતી વખતે પણ તાળી પાડતા હોય છે.
વૈજ્ઞાનિક ઢબે સાબિત થયું છે કે તાળી પાડવાની અસરકારક કસરત ઘણાં માનવીય રોગોનો ઇલાજ છે. તાળી પાડવાથી હથેળી પરની સંવેદનગ્રંથિઓ કાર્યાન્વિત થાય છે અને તેના પરીણામે મગજનો મોટો ભાગ પણ કાર્યાન્વિત થાય છે જે સારા આરોગ્યનું કારણ બને છે.
આપણી હથેળીઓ પર શરીરના લગભગ બધાં અવયવોના ૩૯ જુદા જુદા એક્યુપ્રેશર પોઇન્ટ્સ આવેલા છે જે તાળી પાડીએ ત્યારે કાર્યાન્વિત થાય છે. આનાથી તંદુરસ્તી ધીમી ધીમે પણ ઘણા સારા પ્રમાણમાં અસરકારક રીતે સુધરે છે. દરરોજ સવારે ૧૦-૨૦ મિનિટ તાળી પાડવાથી તમે ચુસ્ત અને સજાગ તેમજ ઉર્જાસભર રહી શકો.
૧. જે વ્યક્તિ પાચનક્રિયાના રોગોથી પીડાતી હોય તેના માટે તાળી પાડવી એ એક અતિ અસરકારક દવા છે.
૨. તાળી પાડવી એ પીઠ, ગરદન અને સાંધાઓના દુખાવાનો શ્રેષ્ઠ ઇલાજ છે.
૩. ગાઉટ (સંધિવા) નામની વ્રુદ્ધ લોકોમાં જોવા મળતી સામાન્ય સમસ્યાનો તાળી પાડવી એ આસાન ઇલાજ છે.
૪. નીચા રક્તદબાણ (લો બ્લડપ્રેશર) માં પણ તાળી પાડવી મદદ રૂપ સાબિત થાય છે.
૫. જો કોઈને હ્રદય અને ફેફસા સંબંધી બિમારી હોય તો તે વ્યક્તિના ઇલાજમાં પણ તાળી પાડવી ખુબ મહત્વની સાબિત થાય છે.
૬. જે બાળકો રોજ તાળી પાડવાની કસરત કરે છે તે જોડણીની ઓછી ભૂલો કરે છે અને બીજા બાળકો કરતા વધુ મહેનત કરી શકે છે. તાળી પાડવાની કસરત અક્ષર પણ સુધારે છે. તાળી પાડવાથી બાળકોનું મગજ કુશાગ્ર બને છે.
૭. તાળી પાડવાથી મનુષ્યની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે. તેનાથી રોગો સામે લડવા માટે શરીર વધુ મજબૂત બને છે.
તો તાળી પાડો અને તંદુરસ્ત રહો!


('ઈન્ટરનેટ પરથી')

Saturday, September 17, 2016

નાનકડી કીડી અને મોટું પાન

રવિવારની એક સવારે એક શ્રીમંત શેઠ પોતાના બંગલાના વરંડામાં બેઠા બેઠા કુમળા તડકાની મજા અને ચાની ચૂસકી માણી રહ્યા હતા ત્યાં તેમની નજર એક નાનકડી કીડી પર પડી જે પોતાના કદ કરતા ઘણું મોટું લીલું પાન પોતાના માથે ઉંચકી એક જગાએ થી બીજી જગાએ લઈ જઈ રહી હતી.
                શેઠને દ્રષ્યમાં રસ પડ્યો અને તે ઘણી વાર સુધી જોતા રહ્યા. તેમણે જોયું કે નાનકડી કીડીના માર્ગમાં અનેક અડચણો આવી.તે અટકતી, ક્યાંક માર્ગ બદલી લેતી અને ફરી આગળ વધતી અને અંતે તે પોતાની મંઝીલ સુધી પહોંચી ગઈ.
એક સમયે તેના માર્ગમાં એક મોટી તિરાડ આવી ત્યારે નાનકડી ચતુર કીડીએ જરા વાર થોભી, જાણે સમસ્યાનો ઉકેલ વિચાર્યો, પાનને તિરાડ પર મૂકી દીધું, પોતે તિરાડની બીજી બાજુ ચાલી ગઈ અને પછી બીજી બાજુએ થી ફરી પાન ઉંચકી પોતાની યાત્રા આગળ વધારી.
શેઠ તો ઇશ્વરના અદભૂત સર્જન એવા નાનકડા જીવના ખંત અને ચતુરાઈ પર વારી ગયા! પ્રસંગે શેઠને આભા બનાવી મૂક્યા અને તે સર્જન પ્રક્રિયાના ચમત્કાર વિશેના ચિંતનમાં ખોવાઈ ગયા. પ્રસંગ સર્જકની મહાનતા છતી કરતો હતો.
થોડી વાર પછી કીડી જ્યારે પોતાના દર સુધી પહોંચી ગઈ ત્યારે તેણે નોંધ્યુ કે પાન તેના ઘરના પ્રવેશ દ્વાર કરતા કદમાં ઘણું મોટુ હોવાને લીધે અંદર લઈ જઈ શકાશે નહિ.આથી નાનકડા જીવે આટલી મથામણ અને મહેનત બાદ, માર્ગમાં આવેલી દરેક મુસીબતોનો હિંમત પૂર્વક સામનો કર્યા બાદ ત્યાં સુધી તાણી આવેલું પાન પ્રવેશદ્વાર પાસે મૂકી દીધું અને ઘરમાં ખાલી હાથે જતી રહી.
કીડી અંત વિશે પોતાની યાત્રા શરૂ કરતા પહેલા વિચાર્યું નહોતું. અંતે તો તેણે માથે ઉંચકી આટલી મહેનત બાદ તાણી આવેલું તેના કદ કરતા ઘણું મોટું પાન તેના માટે બિનજરૂરી ભાર સાબિત થયું. નાનકડા જીવ પાસે તેને ત્યજી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહિ, જેથી પોતાના ધામમાં પ્રવેશી શકે. શેઠે થોડો ઉંડો વિચાર કરતા બીજું એક અતિ મહત્વનું રહસ્ય તેમને લાધ્યું.
આપણે સૌ પેલી કીડી સમાન છીએ. આખી જિંદગી આપણે આપણા પરીવારની ચિંતા કરીએ છીએ, આપણા નોકરી-ધંધાની ચિંતા કરીએ છીએ, કઈ રીતે વધુમાં વધુ પૈસા કમાવા તેની ચિંતામાં રમમાણ રહીએ છીએ. ત્રણ બેડરૂમ કે ચાર બેડરૂમ વાળા ઘરમાં રહીશું - મર્સીડીઝ ,બી.એમ.ડબલ્યુ કે પોર્શ કાર વસાવીશું, કયા પોષાક પહેરીશું વગેરે અનેક ચિંતાઓ આપણને સતાવે છે. પણ જ્યારે આપણે આપણા અંતિમ સ્થાને, પરમ ધામે સિધાવીએ છીએ ત્યારે સઘળું આપણે ત્યજી દેવું પડે છે.
આપણી જીવન યાત્રા દરમ્યાન આપણને વાત નો ખ્યાલ નથી આવતો કે બધો નિરર્થક બોજ છે જે આપણે અતિ કાળજી પૂર્વક વેંઢારીએ છીએ અને સતત એને ગુમાવી બેસવાનો ડર સેવતા હોઇએ છીએ પણ અંતે તેમાનું કંઈ આપણે સાથે લઈ જઈ શકતા નથી... 


('ઈન્ટરનેટ પરથી')

Thursday, September 8, 2016

પાગલમામા

કાળીબંડી પહેરી વચ્ચે બેઠેલા પાગલમામા છે, તેમની આસપાસ જેમની તેઓ સેવા કરે છે તેવા માનસીક બીમાર દર્દીઓ છે
હું તો સાહેબ ટ્રક ડ્રાઈવર મને કઈ ખાસ ખબર પડે નહીં, પણ મારા ગુરૂએ મને આદેશ કર્યો કે જેનું કોઈ ના હોય તેની સેવા કરજે. હું રોજ સવારે ટ્રક લઈ નિકળુ ત્યારે હાઈવે ઉપર અનેક વખત મારી નજર રસ્તે રજળતા પાગલો તરફ જતી, મેલા-ઘેલા ફાટી ગયેલા કપડા, વધી ગયેલા વાળ અને નખ અને અત્યંત દયનિય સ્થિતિમાં હું તેમને જોતો. મને લાગ્યુ કે આમનુ કોણ ધ્યાન આપશે અને મેં મારૂ કામ શરૂ કર્યુ.
ટ્રક લઈ નિકળુ ત્યારે મારી ડ્રાઈવર કેબીનમાં પાણીના કેરબા, જુના કપડાં અને કાતર અને દાઢીનો સામાન લઈ નિકળતો.. રસ્તામાં કોઈ પાગલ મળે તો ટ્રક ઉભી રાખી તેને પહેલા સ્નાન કરાવી દઉ, તેના વાળ અને દાઢી સરખી કરી દઉ, મારી પાસેના જુના કપડાં પહેરાવી, નજીકની કોઈ હોટલમાંથી જમવાનું લાવી જમાડી આગળ વધી જઉ.. આવુ લગભગ સળંગ ત્રીસ વર્ષ સુધી ચાલ્યુ
વાત છે પોરબંદરના ટ્રક ડ્રાઈવર વળકાભાઈ પરમારની આજે તેમની ઉમંર પાંસઠ વર્ષની તેમી પાસે પૈસાનો  ત્યારે પણ ન્હોતા .અને આજે પણ નથી, છતાં તેમની દિલની શ્રીમંતાઈ દેશના કોઈ પણ ઉદ્યોગપતિને કરતા અનેક ગણી વધારે છે.
વળકાભાઈ કહે છે, સતત ત્રીસ વર્ષ ટ્રકનું ડ્રાઈવીંગ અને પાગલોની સેવા કરી, બાળકો મોટા થઈ ગયા , તેમણે મને કહ્યુ હવે કામ કરવાનું છોડી દો, અમે કમાવવા લાગ્યા છીએ, એટલે ટ્રક ચલાવવાનું છોડી દીધુ, પણ હવે હું કયા પાગલની સેવા કરીશ તેવો પ્રશ્ન ઉભો થયો, ટ્રક ચલાવતો તેના કારણે રસ્તા ઉપર પાગલો મળી જતા પણ હવે તો ઘરે બેઠો હતો. એક દિવસ પોરબંદરમાં મને એક પાગલ મળી ગયો, હું તેને લઈ ઘરે આવ્યો.. મારી પત્ની મારા કામથી પરિચીત હતા, પણ તેણે મને સવાલ કર્યો કે તમે પાગલોની સેવા કરો તેમાં મને કોઈ વાંધો નથી, પણ તમે પાગલને ઘરે રાખશો ગામવાળા વાંધો લેશે.
મને તેની વાત સાચી લાગી મને હવે પાગલો માટે  વધુ સારી રીતે કઈક કરવાનો નિર્ણય કર્યો, પોરબંદરથી ત્રીસ કિલોમીટર દુર ગોરસર ગામ આવેલુ છે, ત્યાં ખુલ્લી જગ્યા હતી, ત્યાર પતરાના શેડમાંથી પાગલોને શોધી લાવી તેમની સેવા શરૂ કરી, જો કે પૈસા હતા નહીં તેના કારણે સૌથી પહેલો પ્રશ્ન આવ્યો કે તેમને જમાડીશ કેવી રીતે એટલે રોજ ઘરે ઘરે જઈ ભીખ માંગતો, લોકો પાસેથી જમવાનું ઉઘરાવી તેમને જમાડવા લાગ્યો.
વળકાભાઈની પાગલો તરફની ઘુનને કારણે લોકો તેમને પાગલ મામાને નામે ઓળખવા લાગ્યા, એક દિવસ પાગલ મામાની વાત જુનાગઢના મનોચિકીત્સક ડૉ બકુલ બુચ સુધી  પહોંચી, તે સમય કાઢી મામાને મળવા આવ્યા ત્યારે 19 પાગલો હતા. ડૉ બકુલ બુચ કહે છે તેમનું કામ જોઈ હું પ્રભાવીત થયો, પણ માત્ર સેવા કરવાનો કોઈ અર્થ ન્હોતો. મેં તેમના સમજાવ્ય કે બધા માનસીક રોગના દર્દી છે, તેમની સાચી સેવા તો થાય જો તેમની સારવાર કરાવી તેમને ફરી સાજા કરી તેમના પરિવાર પાસે મોકલી શકાય. મામા તૈયાર થઈ ગયા.
ડૉ બકુલ બચુની મદદ મળી, જુનાગઢ લગભગ એક સો કિલોમીટર દુર છે છતાં મહિનામાં બે વખત ડૉ બુચે ગોરસર ગામના મામાની પાગલોના આશ્રમમાં  જવાની શરૂઆત કરી, મામા જેમને લઈ આવ્યા હોય તેવા પાગલોને ડૉ બુચ તપાસી નિદાન કરી દવાઓ પણ આપતા જાય, મામા તે તમામને યાદ રાખી દવાઓ પણ આપવા લાગ્યા, અને મામાની સેવા અને ડૉ બુચની દવા રંગ લાવી પાગલો સારા થવા લાગ્યા, તેમને પોતાનું નામ અને સરનામુ પણ ખબર હતી, હમણાં સુધી પાંચસો કરતા વધુ પાગલોને સાજા થયા બાદ તેમના ઘર સુધી પહોંચાડયા, ઘણા એવા પણ લોકો છે કે સાજા થયા બાદ તેમના પરિવારને જાણ કરવા છતાં તેઓ લેવા આવતા નથી. મામા કહે છે કઈ વાંધો નહીં, તેમનું અન્નપાણી આપણે ત્યાં લખ્યુ છે માટે ભલે રહે. મામાના કામથી પ્રભાવીત થઈ નેધરલેન્ડ સરકારે સેવા સંબંધીત ખાસ એવોર્ડ આપવાની જાહેરાંત કરી, ત્યારે મામાએ વિનંતી કરી હતી કે એવોર્ડની ચોકક્સ રકમને બદલે મને દર્દીઓ માટે દવાઓ  આપવામાં આવે તો સારૂ છે.
પાગલમામા કહે છે કે અહિયા પાગલોની સેવા થાય છે તે બધાને ખબર છે, એટલે રસ્તે કોઈ પાગલ મળે તો લોકો અહિયા મુકી જાય છે. ઉપરાંત પોરબંદર રેલવે સ્ટેશન છેલ્લુ જંકશન છે અહિયાથી ટ્રેન આગળ જતી નથી. ટ્રેનોમાં પણ ઘણા પાગલો આવી જાય છે, જેને રેલવે અને પોલીસ નીચે ઉતારી દે છે, પાગલો સ્ટેશન ઉપર ફરતા હોય છે, પણ હવ પોરબંદરના રીક્ષાવાળા પણ આવા પાગલને જુવે એટલે રીક્ષામાં બેસાડી આશ્રમમાં મુકી જાય છે.
પોરબંદર મહાત્મા ગાંધીની જન્મ ભુમી છે કોઈક દિવસ બાપુની જન્મભુમી જોવા જાવ તો પાગલમામાના આશ્રમમાં પણ જઈ આવજો, કારણ આપણા દેશમાં દરેક દસકામાં આપણને ગાંધી કોઈને કોઈ નવા સ્વરૂપે મળતા રહ્યા છે. અને જુનાગઢ ગીરનાર જોવા જાવ તો ડૉ બકુલ બુચને મળજો, ગીરનાર ઉપર ભગવાન દત્તાત્રય છે, તે તળેટીમાં ડૉ બકુલ બુચ છે આપણે . કોર્પોરેટ હોસ્પિટલોના રાફડો ફાટયો છે ત્યારે ડૉ બુચ જેવા ડૉકટરોને જોઈ લાગે છે હજી આપણે નિરાશ થવાની જરૂર નથી

('ઈન્ટરનેટ પરથી')