Monday, May 30, 2011

ખિચડી જોક્સ !!!

[આપણે સૌએ ટી.વી. પર ખૂબ વખણાયેલી, પેટ ભરીને હસાવતી પારિવારિક કોમેડી સિરિયલ ખિચડી જોઈ હતી (જેના પરથી એજ નામની, બોલિવૂડની એક ફિલ્મ પણ બની હતી ) અને તેના બે મશહૂર પાત્રો પ્રફુલ અને હંસાની મૂર્ખામી ભરી પ્રશ્નોત્તરી પણ ખૂબ ખૂબ માણી આપણે મુક્ત મને હસ્યા છીએ.આવો આજે ઇન્ટરનેટ કોર્નરમાં આ જોડીને, તેમના આવાં જ કેટલાક જેને સાંભળી કે વાંચી હસી હસીને બેવડ વળી જવાય એવાં સવાલ-જવાબ દ્વારા યાદ કરીએ.]



હંસા : 'ડિસાઈડ' (Decide) એટલે???

પ્રફુલ : 'ડિસાઈડ' હંસા...કેસેટ પ્લેયરમાં આપણે કેસેટ નથી નાંખતા? એમાં હોય છે ને...'એ' સાઈડ...'બી' સાઈડ...એવી રીતે જ 'સી' સાઈડ અને 'ડિ' સાઈડ... ડિસાઈડ !!!



હંસા : ‘મેચ્યોર’ (Mature) એટલે???

પ્રફુલ : જ્યારે આપણો મહેશ ચોરી કરતા કરતા પકડાઈ ગયેલો ત્યારે તેણે હિન્દીમાં પેલા મરાઠી પોલિસને શું કહેલું? યાદ કર...યાદ કર...

હંસા : તેણે કહેલું 'મુજે છોડ દો, મે ચોર નહિં હૂં...' મે ચોર ...મેચોર...મેચ્યોર અચ્છા અચ્છા!




હંસા : પ્રફુલ ‘અલ્ફાબેટ’ (Alphabet) એટલે?

પ્રફુલ : અલ્ફાબેટ હંસા… લોકલ ટ્રેનમાં આપણાં પેલા ભૈયાણી પાડોશી સવિતામાસી, જેવી કોઈ ખાલી જગા બેસવા માટે જુએ કે તરત તેમની દિકરી અલ્પાને શું કહે છે?

હંસા : અલ્પા બેઠ સીટ પે..અલ્પા બેઠ...અલ્ફાબેટ..ઓ ઓ ઓ હ..! તો આને કહેવાય અલ્ફાબેટ !



હંસા : ‘એસેટ’ (Asset) એટલે શું?

પ્રફુલ : એસેટ હંસા... જ્યારે આપણે કારમાં બેસી જઈએ છીએ અને કાર સિગ્નલ પર રોકાય ત્યારે પેલા ભિખારીઓ આવીને શું બોલે છે?

' એ શેઠ ...થોડા પૈસા દો ના...' એ શેઠ... એસેટ...

હંસા : ઓહ !



હંસા : આ 'ડિપેન્ડ'(Depend) એટલે શું પ્રફુલ?

પ્રફુલ : 'ડિપેન્ડ' હંસા...સ્વિમીંગ પુલમાં એક બાજુ પાણી ઓછું ઉંડુ હોય અને બીજી બાજુ વધારે ઉંડુ –

ડીપ-એન્ડ..ડીપેન્ડ!



હંસા : એ હેં પ્રફુલ આ 'ટૂર્નામેન્ટ' (Tournament) એટલે ?

પ્રફુલ : હંસા !! આ તે જે લટકણિયા પહેર્યા છે, ઘરેણા પહેર્યા છે તેમને અંગ્રેજીમાં શું કહેવાય? બોલ...બોલ...!

હંસા : આહ હા...ટૂર્નામેન્ટ !! (હંસા ખુશ!!)

મેલિસા : (ચિડાઈને) અરે એને ટૂર્નામેન્ટ નહિં ઓર્નામેન્ટ (Ornament) કહેવાય

હંસા : ચલ ચલ કંઈ પણ નહિં બોલ…

એક બુટ્ટી - વન ઓર્નામેન્ટ

બે બુટ્ટીયા - ટુ ઓર્નામેન્ટ એટલે ટુર્નામેન્ટ !!

એ પ્રફુલ, આ મેલિસાને તો બાબુજીની જેમ કંઈ કહેતા કંઈ આવડતું નથી!



હંસા : ‘ઇલાસ્ટીક’ (Elastic) એટલે?

પ્રફુલ : હંસા ...આપણા રાધાબેનની દિકરી ઇલા નહિં? એને જ્યારે ફ્રેક્ચર થયેલું ત્યારે એ શું લઈ ને ચાલતી હતી?

હંસા : ઇલા તો સ્ટીક લઈ ને…ઓહ...ઇલા સ્ટીક...ઇલાસ્ટીક!!


('ઈન્ટરનેટ પરથી')

Saturday, May 21, 2011

શેતાન

શેતાને પોતાના 'કાર્યક્રમ'નો આરંભ કરી દીધો છે જેમાં સારી મનુષ્ય જાત  તેની જાળમાં આવી ગઈ છે,હવે જોવાનું રહેછે કે તેની સફળતા કેટલી રહેશે, એવું જણાય છે કે અત્યારે તો તેની નાગચૂડમાં મનુષ્ય જાત આવી ગઈ છે

આગે આગે ગોરખ જાગે .............................

આ લેખના લેખકની જાણ નથી પણ જેણે લખ્યો છે તેમને અભિનંદન.

એક વખત શેતાને મિટિંગ બોલાવી ! માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભૂખ અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી. માણસોને ભગવાનના રસ્તે જતાં રોકવા માટે શું કરી શકાય એની ખૂબ ચર્ચાઓ કર્યા પછી થોડાક મુદ્દાઓ નક્કી કર્યા. પોતાના દરેક સાગરીતને ત્યાર બાદ તરત જ દુનિયાના ખૂણેખૂણે જઈ કામે લાગી જવાનું એણે ફરમાન કરી દીધું. શેતાન અને એના સાગરીતોએ નક્કી કરેલા મુદ્દાઓ હતા :

[1] માણસને વ્યસ્ત, અતિવ્યસ્ત બનાવી દો. અને હા, સાવ ફાલતુ વસ્તુઓમાં જ એને વ્યસ્ત બનાવવો !

[2] એને ખૂબ ખર્ચ કરવા પ્રેરવો. કામની કે નકામી વસ્તુઓ ખરીદી ખરીદીને એને ઘર ભરવા દો !

[3] અનહદ અને ગજા બહારના ખર્ચાઓને પહોંચી વળવા માટે એને લોન લેવી પડે તેવું કરો. અઠવાડિયેએક વખત આંટો મારવા નીકળતો હોય તો પણ એની પાસે મોંઘીદાટ મોટર ખરીદાવો. એનું બાકીનું જીવન આમ જ ખોટા ખર્ચા કરવામાં અને લોનના હપ્તા ભરવામાં પસાર થવું જોઈએ !

[4] એમનાં બાળકોને ખૂબ ખર્ચાવાળી શાળાઓમાં દાખલ કરવા પ્રેરો. દરેક વિષયના ટ્યૂશન માટે હજારોની ફી પડાવતા કલાસીસમાં ભરતીથવાનો એમનાં બાળકો આગ્રહ રાખે તેવું કરો.

[5] આ ખર્ચાઓને પહોંચી વળવા એ માણસને લાંચ લેતો કરી દો. બાળકોની માતાઓને પણ કમાવા જવું પડે તેવી કૃત્રિમ આર્થિક તંગી ઘરમાં ઊભી કરો. દિવસનો મોટા ભાગનો સમય મા-બાપ ઘરની બહાર જ રહે તેવું કરો જેથી સંસ્કારસિંચન જેવી કોઈ પ્રક્રિયા ઘરમાં થઈ શકે જ નહીં !

[6] ટેલિવિઝન, વીડિયો, ટેપ, ફિલ્મો, મલ્ટિપ્લેક્સ થિયેટર્સ એમના મગજમાં એવાં ભરવીદો કે એના વગર એને ચાલે જ નહીં. દેશી-વિદેશી સંગીત કે ગીતોના ઘોંઘાટથી એના ઘરના તેમજ આસપાસના વાતાવરણને એવું ભરીદો કે શાંતચિત્તમાં ઊઠતાઆત્માના નાજુક અવાજને એ પારખી શકે જ નહીં. એની શાંતિને વિક્ષુબ્ધ બનાવી દો.

[7] કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનું અજાયબ વળગણ ઊભૂકરો. ઈ-મેઈલ, વૉઈસ-મેઈલ અને ચેટિંગનું એને બંધાણ કરાવી દો. કલાકોના કલાકો એ ચેટિંગમાં કે ઈન્ટરનેટ સર્ફિંગમાં વેડફી નાખે એવી રચના કરી દેવી.

[8] ટેલિવિઝનમાં એને ભરમિત કરી નાખે તેવા કાર્યક્રમો બનાવડાવો. સંબંધોની વિચિત્ર માયાજાળવાળી અને ભપકાઓથી ઝાકમઝોળવાળી સિરિયલો શરૂ કરાવો. ઉચ્ચ અને સંસ્કારી સંબંધોની હસ્તીનો છેદ જ ઊડી જાય તેવું જ ટેલિવિઝનના માધ્યમથી પીરસો. એકએક ઘરને એનાથી પ્રભાવિત કરી નાખો.

[9] ચોવીસ કલાક આડા-અવળા, કામના-નકામા તેમજ ઢંગધડા વિનાના સાચા-ખોટા સમાચારો આપતી ન્યૂઝચૅનલો રચો. પક્ષપાતોથી રાચતાં છાપાંઓના ઢગલા દરેક વ્યક્તિના ટેબલ પર કરી દો.

[10] ધાર્મિક મંડળો, વાડાઓ, સંપ્રદાયો તેમજ ધર્મોને અંદરો-અંદર ઝઘડાવો. પોતે તેમજ પોતાનો ધર્મ કે સંપ્રદાય જ બીજાથી ઊંચો તેવા મિથ્યા ખ્યાલથી એમના મનને બરાબર પ્રદૂષિત કરી દો. એ બધું એ હદે કરી નાખો કે ધર્મની નિર્મળ શાંતિ, પ્રેમ કે સમાનતાના ભાવનો એમને વિચાર સુદ્ધાં ન આવી શકે.

[11] લૉટરી, જુગાર, સટ્ટો, શૅરબજાર વગેરેની માયાજાળમાં એ શાના માટે આ બધું કરી રહ્યો છે, એ પણ ભૂલી જાય એવું કરી નાખો.

[12] ટૂંકમાં, પોતાની અંદરનો ખાલીપો એને જરાય ન દેખાય એવી ભરમની જાળ રચી દો, જેથી એને પોતે સાચી રીતે અને સારાં કારણ માટે જ જીવી રહ્યો છે એવું હંમેશાં લાગ્યા કરે. ભગવાનની, સાચા ધર્મની કે આતમ-તત્વની ઓળખની એને જરા પણ જરૂરિયાત જ ન લાગે !

બસ ! આટલા મુદ્દાઓની યાદી બરાબર પાકી કરીને શેતાનના સાગરીતો દુનિયાને ખૂણેખૂણે પહોંચીને કામે લાગી ગયા. ભગવાને ઉપરથી દષ્ટિ ફેંકી. એમની આંખમાં આંસુ આવી ગયાં, એમનું હૈયું દ્રવી ગયું, કારણ કે શેતાન અને એના સાગરીતો મહદંશે સફળ થઈ ચૂક્યા હતા. દુનિયાની શરૂઆત પછી કદાચ પ્રથમ વાર.
('ઈન્ટરનેટ પરથી')

Monday, May 16, 2011

જીવનનો મુખવાસ

· જેટલી બને તેટલી ચાલાકી ઓછી કરો ઉપરવાળા ની મહેરબાની વધારે થશે.


· કરેલ કર્મનું ફળ અચુક મળે જ છે , માટે દુ:ખ આવે ત્યારે ભગવાન પાસે માફી નહી સદ્દબુધ્ધિ અને સહનશક્તિ માંગો

· ખિલખિલાટ હસતું બાળક મોટું થતાં જ હસવાનું ભુલી જાય છે .બાળકના ઉછેરમાં અને આપણી સમાજ વ્યવસ્થામાં જરૂર કંઈક ગડ્બડ છે .

· આ દુનિયાના દરેક સંબંધો સ્વાર્થ પર જ બંધાયા છે. ‘મારે બને એટલું ઓછું દેવું છે તમારે બને એટલું વધારે લેવું છે’ - ફેરવી શકાય તો આ ગણિત ફેરવી નાખો .

· આ દુનિયામાં તમારૂ મનુષ્ય તરીકેનું હોવું માત્ર સૈથી મોટી ખુશીની વાત છે .

· એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ , કારણકે દરેક માણસનો અંત એક સરખો જ છે-મુત્યુ. મહત્વની વાત એ છે કે મર્યા બાદ કોણ શું અને કેટલું સાથે લઈ જઈ શક્યો .

· પતિ-પત્ની,મા-બાપ,ભાઈ-બહેન,ભાઈ-ભાઈ,બહેન-બહેન,દીકરો-દીકરી આ બધાં સંબંધો લેણાદેણી અને રૂણાનુબંધની વાત છે અને તેને લઈને ઉભા થતાં સુખ:દુખ તો ભોગવ્યે જ છૂટકો.· એક દિવસ અચાનક બધું મૂકીને ચાલ્યા જવું પડશે એ જાણતાં હોવાં છતાં જરૂર કરતાં વધારે ભેગું કરવામાં જ આપણે શા માટે રચ્યાપચ્યા રહીએ છીએ?

· જિંદગી મળવી એ નસીબ ની વાત છે,

મૃત્યુ મળવું એ સમય ની વાત છે,

પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,

એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

· પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.

· કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,

સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,

બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..

· નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવે સમજાયું કે,

અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!

· કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો,

આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

- હરીન્દ્ર દવે

· એક પતંગીયું મહત્તમ 140 દિવસ જીવે છે, પણ છતાંય તે આનંદપૂર્વક જીવી શકે છે, ઘણાં હૈયા જીતી શકે છે. · જીવનની દરેક ક્ષણ કિમતી છે. ખુશ રહો, હ્રદય જીતતા રહો.

· જો વિશ્વ તમને મદદ કરવાની ના પાડી દે તો હતાશ ન થશો, આઇન્સ્ટાઇનના શબ્દો યાદ કરો, “હું એ બધાનો આભારી છું જેમણે મને મદદ કરવાની ના પાડી, એમના જ કારણે મેં આ કાર્ય મારી જાતે કર્યું.”

· પ્રસન્નતામાં નથી હોતી કે નીંદામાં નથી હોતી, મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી – અસીમ રાંદેરી

· ધીરજ સદાય હુંકાર ભરતી નથી, ક્યારેક એ દિવસના અંતે એક શાંત નાદ હોય છે, એ કહેવા કે હું કાલે ફરી પ્રયત્ન કરીશ.

· સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ, કે એકલાનો રાહ એકધારો, મઝધારે મહાલવાનો મોકો મળ્યો તો ભલે આઘો ઠેલાય આ કિનારો. – હરિન્દ્ર દવે

· સખત મહેનત વાળું જીવન એ દૂધના ભરેલા પ્યાલા જેવું છે, અને નસીબ ખાંડ જેવું, પ્રભુ આપણને ખાંડ ત્યારે જ આપી શકે જો આપણી પાસે દૂધ ભરેલો પ્યાલો હોય

· વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે, આપનારાઓ અને લેનારાઓ. લેનારાઓ કદાચ સારુ ખાઇ શક્તા હશે, પણ આપનારાઓ સંતોષભરી નિંદ્રા માણી શકે છે. – મધર ટેરેસા

· જો રસ્તો સુંદર હોય તો ખાત્રી કરો કે તે જોઇતી મંઝિલ તરફ જાય છે કે નહીં, પણ જો મંઝિલ સુંદર હોય તો ગમે તેવો રસ્તો હોય, ચાલી નીકળો….

· સફળ લોકો ખુરશીમાં આરામ કરતા નથી, તેઓ તેમના કામ કરીને આરામ અનુભવે છે, સ્વપ્નો સાથે સૂવે છે અને તેમને પૂરા કરવાના ધ્યેય સાથે ઉઠે છે.

· જીવનમાં મળતી તક આપણા જીવનનો માર્ગ નક્કી કરે છે, એ પણ જે આપણે ચૂકી ગયા હોઇએ.

· પ્રભુ જ્યારે કોઇ કામ માટે ના કહે, ત્યારે એમ વિચારો કે એથી મોટી હા માટે છે. એ નકાર નથી, ફક્ત દિશા બદલાવ છે.

· આપણે બંને એક બીજાને એક રૂપીયો આપીએ તો આપણી બેયની પાસે એક એક રૂપીયો હશે, પણ આવું જો કોઇ સારા વિચાર માટે કરીએ તો આપણા બેય પાસે બે સુંદર વિચાર હશે.

· પાંચ વર્ષના બાળક માટે દોસ્તી : મને ખબર છે કે તે મારી બેગમાંથી રોજ ચોકલેટ ખાઇ જાય છે, છતાંય હું એને રોજ ત્યાં જ રાખું છું.

· પ્રેમ, ઘણી વાર એક ક્ષણ માટે હોય છે, ઘણી વાર જીવનભર માટે, પણ ઘણી વખત તમે જેને પ્રેમ કરો તેની સાથેની એક ક્ષણ જીવનભર માટે હોય છે.

· હું કહું ને તું સાંભળે કે તું કહે ને હું સાંભળું એ દોસ્તી છે, પણ હું કાંઇ પણ ન કહું અને તું બધુંય સમજી જાય તે સાચી દોસ્તી છે.

· આનંદ અને સંતોષ વચ્ચે તફાવત શું? – જીવનમાં જે ગમે તે મળે તે આનંદ અને જીવનમાં જે પણ મળે તે ગમે તેનું નામ સંતોષ

· મહેનતથી મળેલું કદી અલ્પ ન હોય, વચ્ચે જે તૂટે તે સંકલ્પ ન હોય, તમે નિરાશાને દૂર રાખો ખુદથી, કારણકે જીતનો કોઇ વિકક્પ ન હોય.

· સફળતાને મગજ પર ચઢવા ન દો, અને નિષ્ફ્ળતાને મન પર. (તમિલ કહેવત)

· સમાજમાં બે પ્રકારના લોકો છે, એક જે કામ કરે છે અને બીજા જેઓ શ્રેય લઈ જાય છે. પ્રથમ વર્ગમાઁ રહેવાનો પ્રયત્ન કરો, ત્યાં સ્પર્ધા ખૂબ ઓછી છે. – ઈન્દિરા ગાંધી

· પૈસા હોવા, અને તેનાથી ખરીદી શકાય તેવી વસ્તુઓ હોવી એ સારી વાત છે, પણ એ મેળવવાની લ્હાયમાં એવી વસ્તુઓ ન ખોઈ બેસતા જે પૈસો ખરીદી શક્તો નથી.

· ઘણી વખત આપણી મહત્તમ શક્તિ આપણી મોટામાં મોટી નબળાઈમાંથી આવે છે.

· જીવનનો સૌથી મોટો આનંદ એ કરવામાં છે જે લોકો માને છે, તમે કદી નહીં કરી શકો.

· મૃત્યુ એ દીવો હોલવવાની વાત નથી, એ છે બત્તી બંધ કરવી કારણકે સૂર્યોદય થઈ રહ્યો છે.– રવિન્દ્રનાથ ટાગોર

· બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી, પણ તેના કામમાં એક સાથીદાર મળશે.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, May 7, 2011

દિલ તો માતાનું જ રાખો ... - જેકી શ્રોફ

[૮મી મે 'મધર્સ ડે' તરીકે ઉજવાશે.માતાના ગુણગાન અને તેની મહાનતા શબ્દોમાં વર્ણવી જ ન શકાય પણ આજે માતાઓના ગૌરવની વાત જરા જુદી રીતે ઇન્ટરનેટ પર વાંચવામાં આવેલા જેકી શ્રોફના આ ઇન્ટરવ્યુ દ્વારા કરીએ.આમ તો આ લેખમાં જેકી શ્રોફના જીવન અને તેની કારકિર્દીના શરૂઆતના તબક્કે તેણે કરવા પડેલા સંઘર્ષની વાત મુખ્ય છે પણ સુનિલ મિશ્રા સાથેની વાતચીતમાં અંતે માતા અંગે જેકીએ કરેલી વાતો હ્રદયસ્પર્શી અને માતાનું ગૌરવ કરનારી છે.દુનિયાભરની માતાઓને મધર્સ ડે નિમિત્તે સલામ!]



મુંબઇના વાલકેશ્વરમાં તીન બત્તી એરિયાની એક સીધીસાદી ચાલના એક રૂમમાં માતા-પિતા અને ભાઇ સાથે રહેતો. સાત રૂમની એ ચાલમાં કુલ ત્રીસ-બત્રીસ લોકો રહે. બધા વચ્ચે ત્રણ ટોઇલેટ. રીતસર લાઇન લાગે.

‘હીરો’ રિલીઝ થઈ તે પછી પણ ત્રણ-ચાર વર્ષ સુધી ત્યાં જ ઊભો રહેતો, ડબ્બો હાથમાં લઇ લાઇનમાં, જાજરૂ જવા માટે. મારા પિતાજી પત્રકાર અને એસ્ટ્રોલોજર હતા. તેઓ બી. કે. કરંજિયાસાહેબના ટેબ્લોઇડ ‘બ્લિટ્ઝ’માં લખતા. દસ વર્ષની ઉંમરે જ મેં મારા ભાઇને ખોઇ દીધો. નાનો હતો ત્યારે હું હંમેશાં ભયભીત રહેતો. ફટાકડાના અવાજથી પણ ડરતો. ૧૪-૧૫ વર્ષની ઉંમરે હું થોડો રફ થવા લાગ્યો. મને સમજાવા માંડ્યું કે સડક પર રહેવું હોય તો થોડું લડવું જોઇએ. હું કડક બનતો ગયો. લડતો રહ્યો, મોટો થતો રહ્યો.

ધો. ૧૧ પછી કોલેજ ન કરી શક્યો, કેમ કે પૈસા નહોતા. બે વર્ષ એમ જ આવારાગર્દી કરી. પછી એર ઈન્ડિયામાં એપ્લાય કર્યું, ત્યાંથી રિજેક્ટ થઇ ગયો. શેફ બનવાનું ઇચ્છ્યું, તો ત્યાંથી પણ રિજેક્ટ. પિતાજીએ ત્રણ મહિનાનો ક્રેશ કોર્સ કરાવી એક ટ્રાવેલ એજન્સીમાં ટ્રાવેલ એજન્ટ તરીકે લગાડી દીધો. એક વાર બસ સ્ટોપ પર કોઇએ પૂછ્યું, ભાઇ, શું કરે છે?

મેં કહ્યું, ટ્રાવેલ એજન્સીમાં કામ કરૂં છું. એમણે કહ્યું કે હું પણ તારી બાજુમાં જ એક મોડલિંગ એજન્સીમાં કામ કરૂં છું. તારા કદ-કાઠી સારા છે, મોડલ કેમ નથી બની જતો? મેં કહ્યું, મોડલ? એ શું વળી? એમણે કહ્યું, તારા ફોટા પાડશે અને તને પૈસા પણ આપશે. મેં કહ્યું, આ વળી નવું! ફોટા પાડશો અને સામેથી પૈસા પણ આપશો? એમણે કહ્યું, હા, હા, બેશક. હું એમની ઓફિસ ગયો. એમના બોસ મને જોઇને તરત જ બોલ્યા: ‘તમને પહેલી એડ આપી રહ્યા છીએ.’ આમ એલ્ડિયોબ્રાઉન નામના સૂટની એડ મળી ગઇ મને. આ રીતે મારી કમાણી શરૂ થઇ. થોડું થોડું કમાઇને ઘરમાં આપી દેતો.

એક દિવસ દેવ આનંદ સાહેબે મને બોલાવ્યો, વિલનના આસિસ્ટન્ટના રોલ માટે. મેં કરી નાખ્યો. સુભાષ ઘઇ સાહેબ એક ફિલ્મ બનાવી રહ્યા હતા. મને હિન્દી શીખવતા ઉષા ખન્નાજીના ભાઇ અશોક ખન્ના સાહેબે મને કહ્યું કે એક રોલ છે, સુભાષજીને મળી આવ. હું મળ્યો. સુભાષજીએ પૂછ્યું: હીરો કા રોલ હૈ, કરોગે? પછી ચહેરા પર દાઢી વધારેલી હોય એવો ફોટો બતાવીને કહ્યું: તારો આવો ફોટો જોઇએ. મેં કહ્યું: મળી જશે. પછી તેઓ કહે કે આવું થોબડું જોઇએ. મેં કહ્યું, એય મળી જશે.

મહિનો ટ્રેનિંગ લીધી. મોટર-સાઇકલ પર જમ્પ લેતાં શીખ્યો. ખરેખર માર્યા વગર સામેના માણસને કેવી રીતે મારવું એ શીખ્યો. ફાઇટ વગેરે શીખ્યો. જેવું જોઇતું હતું એવું હિન્દી ફરીથી શીખ્યો. પાછો સુભાષ ઘઇ સાહેબ સામે. કાન ખુલ્લા રાખ્યા અને મોં બંધ, જે હંમેશાં બધાએ કરવું જોઇએ. સાંભળવાની તાકાત હોવી જોઇએ. એ પણ કેળવી અને માની વાતની ગાંઠ મેં મનમાં બરાબર બાંધી રાખી હતી: મોટેરાંઓનો આદર કરવો જોઇએ. મેં સૌને રિસ્પેક્ટ આપ્યું. કોઇ ખરાબ બોલે-સંભળાવે ત્યારે હું કોઇને સામે કંઇ ખરાબ સંભળાવતો નહીં. પોતાના કામ સાથે જ મતલબ રાખ્યો. ડિસિપ્લિન રાખ્યું. બસ, ચાલીમાંથી ઊઠીને અહીં સુધી પહોંચી ગયો.

સુભાષ ઘઇની ‘હીરો’ વખતે ફિલ્મ રિવ્યુઅર ખાલિદ મોહમ્મદ જેવા લોકોએ તો મારાં છોતરાં જ કાઢી નાખેલાં. કહેલું કામ કરતા જ નથી આવડતું, છોકરી જેવો છે, દેવ આનંદ જેવું કરે છે. મેં વિચાર્યું: બાળક જન્મે છે ત્યારે એને કશું જ આવડતું નથી હોતું. ધીમે ધીમે શીખે છે. તમે તો આવતાંની સાથે જ મારા પર તૂટી પડ્યા. પછી થયું, હશે. આ લોકો સિનેમાના પંડિત-જાણકાર લોકો છે, પણ પિક્ચર તો ચાલી ગયું, ૭૫ અઠવાડિયાં!

હું જાણી ગયો કે ક્રિટિક્સ માથે માછલાં ધુએ ત્યારે માની લેવું કે પિક્ચર સારું જ હશે! આને એક્ટિંગ નથી આવડતી એવું કહેનારાં ‘કાશ’ જોઇને કહેવા લાગ્યા કે વાહ, ક્યા એક્ટિંગ હૈ! ત્યાં ‘પરિન્દા’ આવી અને એણે તો એવોર્ડ અપાવી દીધો, બેસ્ટ એક્ટરનો. પછી તો દોઢસો ફિલ્મો કરી.

પૂરી લાઇફ રફ રહી છે મારી. મારી મા બહુ માયાળુ હતી. ઘર સામેથી કોઇ ભૂખ્યું ન જઇ શકતું. પૈસા ભલે ન હોય પણ એનો ચૂલો હંમેશાં ગરમ રહેતો. સાડીઓ વેચીને, ક્યારેક વાસણ વેચીને અમારો ચૂલો હંમેશાં ચાલુ રહેતો. ઘરે જે આવતું એને ભરપેટ જમાડીને જ મા પાછો મોકલતી.

એ હંમેશાં કહેતી કે બેટા, જેટલું આપીશું એટલું પાછું આવશે, ફિકર ન કરતો. બધા સાથે પ્રેમ-મહોબ્બતથી કેવી રીતે રહેવું, નાનાને સંભાળવા, ગરીબોની સેવા કરવી અને હાથ ખુલ્લો રાખીને હંમેશાં આપતા રહેવું — એ માએ શીખવ્યું. જે માણસે પોતાની માની આંખોથી દુનિયા જોઇ હોય, જે માણસમાં પોતાની માનું હૃદય હોય, એ ખોટો હોઇ જ ન શકે. એ કોઇનું ખોટું કરી જ ન શકે. મને પિતાજીનો ચહેરો અને માનું દિલ મળ્યાં છે. હું ઈચ્છું છું કે આખી દુનિયાનાં બાળકો આ વાત શીખે કે દિલ તો માનું જ રાખો.

(સુનિલ મિશ્ર સાથેની વાતચીતના આધારે)


('ઈન્ટરનેટ પરથી')
 
*****************************************************
ઇન્ટરનેટ કોર્નરના ૩૫૦માં હપ્તા વેળાએ...


--------------------------------------------------

વ્હાલા વાચકમિત્રો,

ઇન્ટરનેટ કોર્નરનો આજે ૩૫૦મો લેખ રજૂ કરતાં મને ખૂબ હર્ષની લાગણી થઈ રહી છે. આ કટારને સાત વર્ષ પૂરા થઈ ગયાં છે ત્યારે મારે જન્મભૂમિ પરિવાર અને તમારા સૌ વાચક મિત્રોનો હ્ર્દયપૂર્વક આભાર માનું છું કે તમે મને આ એક અતિ સબળ મંચ પૂરું પાડ્યું છે સારા વિચારો વ્યક્ત કરવાનું અને તેમને વહેતા કરવાનું.હું પોતે પણ આ કટારમાં ઇન્ટરનેટ પરથી સારા લેખ,વિચારો,વાર્તાઓ વગેરે ગુજરાતીમાં અનુવાદિત કરી તમારી સમક્ષ રજૂ કરતાં કરતાં ઘણું શીખ્યો છું અને મને ખાતરી છે તમે પણ એ વાંચી-વંચાવી કંઈક પામ્યાં હશો.ઘણાં વાચક મિત્રો મને સારા સારા ઇમેલ્સ સતત મોકલતા રહે છે તેનો પણ હું આ કટારમાં સમાવેશ કરતો રહું છું અને આ માટે તેમનો પણ હું વિશેષ આભાર માનું છું.આ કટારની લોકપ્રિયતા આપણાં સૌની સહિયારી સફળતા છે.આ કટાર પર આધારિત પાંચ પુસ્તકો (કથાકોર્નર, મહેક, કરંડિયો, આભૂષણ અને ઝરૂખો) પણ જે સફળતા પામ્યાં છે અને આ કટારની સફળતાથી પ્રેરાઈને જ મારી જન્મભૂમિ પ્રવાસીમાં દર રવિવારે પ્રગટ થતી અન્ય કટાર 'બ્લોગને ઝરૂખેથી...' સુધીની મારી પ્રગતિયાત્રાનો બધો યશ હું જન્મભૂમિ પરિવાર તેમજ મારા વાચકમિત્રો તમને આપું છું. લાખ લાખ ધન્યવાદ!

- વિકાસ ઘનશ્યામ નાયક

Sunday, May 1, 2011

ચતુર સ્ત્રીઓ

અફઘાન રમખાણોનાં થોડાં વર્ષો પહેલાં,ના રીપોર્ટર બાર્બરા વોલ્ટરે કાબુલ અને અફઘાનિસ્તાનમાં લિંગભેદ ઉપર એક સ્ટોરી કવર કરી હતી.તેમણે નોંધ્યું હતું કે અહિં સ્ત્રીઓ પરંપરાગત રીતે પતિ થી પાંચ ડગલા પાછળ ચાલતી હતી.


તેમને હમણાં ફરી કાબુલ જવાનું થયું ત્યારે તેમણે જોયું કે સ્ત્રીઓ હજી પોતાના પતિઓથી પાંચ ડગલા પાછળ જ ચાલતી હતી.તાલિબાનોના જુલ્મી શાસન ફગાવી દેવાયા બાદ હજુ પણ સ્ત્રીઓ આ જુની પુરાણી પરંપરાને આનંદ પૂર્વક અનુસરતી જણાતી હતી.

મિસ વોલ્ટરે એક અફઘાની સ્ત્રી પાસે જઈ તેને પૂછ્યું,'હવે તો તમે મુક્ત છો છતાં હજી આ પતિથી પાંચ ડગલાં પાછળ ચાલવના જુના રિવાજને તમે શા માટે ખુશીથી વળગી રહ્યાં છો?'

તે સ્ત્રીએ સીધુ જ મિસ વોલ્ટરની આંખોમાં જોઈને મરકતા મરકતા જવાબ આપ્યો,'આ પ્રદેશમાં ભેખડો ધસી પડવાનો ખૂબ ડર હોય છે માટે!'

તમે ગમે તે ભાષા બોલતી હોય તેવા કોઈ પણ પ્રદેશમાં જાઓ, ત્યાં હંમેશા પુરુષની પાછળ ચતુર સ્ત્રી હશે જ!


************************
એક માણસ હતો જેણે આખી જિંદગી મહેનત કરી સારું એવું ધન એકઠું કર્યું હતું પણ તે ખૂબ કંજૂસ હતો.

મરણ પામતા પહેલાં તેણે પત્નીને પાસે બોલાવીને કહ્યું:'જ્યારે હું મરી જાઉં ત્યારે હું ઇચ્છું છું કે તું આપણું બધું ધન એકઠું કરી મારી સાથે મારા કોફીનમાં મૂકી દે જેથી હું મારા મર્યા બાદ પણ એ બધું સાથે લઈ જઈ ભોગવી શકું.'

હવે મરતા પતિને ના કેમ પડાય.પત્નીએ એ કંજૂસ પતિને વચન આપ્યું કે તે તેના મર્યા બાદ બધી સંપત્તિ વેચી દઈ સઘળી માલમત્તા તેની સાથે કોફીનમાં મૂકી દેશે.

અને તે માણસ મુત્યુ પામ્યો.તેની અંત્યક્રિયા કરવામાં આવી.કોફીન તૈયાર થયું.તેની પત્ની કાળા વસ્ત્રો પહેરી પોતાની એક સખી સાથે કોફીન પાસે બેઠી હતી.

અંત્યક્રિયા પૂરી થઈ અને ડાઘુઓ કોફીન બંધ કરવા જઈ રહ્યાં હતાં ત્યાં તેની પત્નીએ પોતાની પાસે રાખેલી એક નાનકડી દાબડી કોફીનમાં પતિના શબની બાજુમાં સેરવી દીધી.પછી ડાઘુઓ કોફીન બંધ કરી તેને દફન કરવા માટે લઈ ગયાં.

સ્ત્રીની સખીએ તેને પૂછ્યું,"આમ તો હું જાણું જ છું કે તું કંઈ એટલી મૂરખ નથી કે તારા પતિની કફનમાં તેની જીવનભરની કમાણી મૂકી તેને દફનાવવા મોકલી દે.પણ કહે તો ખરી પેલી દાબડીમાં શું હતું?"

વફાદાર પત્ની(!) એવી તે સ્ત્રીએ જવાબ આપ્યો,"જ સાંભળ.હું મારા વચન નો ભંગ તો કરી શકું નહિં.મેં તેમના મરતા પહેલાં વચન આપ્યું હતું કે તેમની સઘળી સંપત્તિ તેમની સાથે કોફીનમાં મોકલી આપીશ."

સખી વચ્ચે બોલી,"તો શું તે સઘળી સંપત્તિ પેલી નાનકડી દાબડીમાં ભરી તેને કોફીનમાં મૂકી દીધી?"

સ્ત્રીએ કહ્યું,"બેશક, મેં એમ જ કર્યું છે.મેં અમારી સઘળી માલમત્તા વેચી દઈ તેમાંથી ઉપજેલી કુલ રકમ મારા બેંકના ખાતામાં જમા કરી દીધી અને તેટલી રકમનો ચેક મારા પતિને નામે લખી એ દાબડીમાં મૂકી કોફીનમાં તેમની સાથે મોકલી આપ્યો છે.જરૂર પડશે તો તેઓ એને રોકડો કરી લેશે.(!)"

સ્ત્રીઓને કમ-અક્કલ સમજવાની ભૂલ હવે તમે કરશો???



('ઈન્ટરનેટ પરથી')