Saturday, January 25, 2020

તમારામાંના સિંહને જગાવો!

  જંગલમાં સૌથી મોટું પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? હાથી.

જંગલમાં સૌથી ઉંચું પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? જીરાફ.

જંગલમાં સૌથી ચતુર પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? શિયાળ.

જંગલમાં સૌથી ઝડપી પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? ચિત્તો.

આ બધાં છતાં, આ બધી ખાસિયતોમાંની એક પણ ખાસિયત ના ધરાવતો હોવા છતાં સિંહ જંગલનો રાજા ગણાય છે. શા માટે?

કારણ...

સિંહ હિંમતવાન છે, સાહસિક છે, તે આત્મવિશ્વાસ પૂર્વક ચાલે છે. સિંહ કંઈ પણ કરતા ખચકાતો નથી, ક્યારેય કોઈથી ડરતો નથી. સિંહ વિચારે છે કે કોઈ ક્યારેય તેને અટકાવી શકશે નહીં. તે જોખમ ખેડનારો અને ઉદ્યમી છે.
સિંહ વિચારે છે કે કોઈ પણ પ્રાણી તેનો કોળિયો છે. સિંહ દરેક તક ઝડપી લેવામાં માને છે, તે એક પણ તક પોતાના હાથમાંથી જતી કરતો નથી. સિંહ પાસે તેનું પોતાનું આગવું પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે.

તો આપણે સિંહ પાસેથી શું શીખવું જોઈએ?

- તમારે સૌથી વધુ ઝડપી બનવાની જરૂર નથી
- તમારે સૌથી વધુ ચતુર હોવાની જરૂર નથી
- તમારે સૌથી વધુ બુદ્ધિશાળી હોવાની જરૂર નથી
- તમારે સૌથી વધુ શાણા હોવાની જરૂર નથી

જરૂર છે માત્ર હિંમતની.
જરૂર છે માત્ર પ્રયત્ન કરવાની ઇચ્છાશક્તિ ધરાવવાની.
જરૂર છે માત્ર એવી શ્રદ્ધા ધરાવવાની કે બધું જ શક્ય છે.
જરૂર છે માત્ર પોતાની જાતમાં વિશ્વાસ ધરાવવાની કે હું આ કરી શકીશ.

... તો તમારામાંના સિંહને જગાવો!... અને જગત જીતી લો!

(ઇન્ટરનેટ પરથી)


બ્રહ્માંડના મેનેજરને સઘળી ચિંતાઓ સોંપી દો



     હું સુપરમાર્કેટમાં ખરીદી કરતા ચાલી રહ્યો હતો ત્યાં અચાનક કંઈક પડવાનો - તૂટવાનો મોટો અવાજ આવ્યો. હું અવાજ જ્યાંથી આવ્યો હતો એ તરફ ગયો તો ત્યાં જોવા મળ્યું કે એક વૃદ્ધ સ્ત્રી સંતુલન ચૂકી જતા તેની સામાનની ટ્રોલી સાથે એક કાચના વાસણોના શેલ્ફ સાથે અથડાઈ હતી અને લોકો તેની આસપાસ ભેળા થયા હતાં. વૃદ્ધ સ્ત્રીથી ઘણાં કાચના વાસણ તૂટી ગયા હતાં. છોભિલી પડી ગયેલી એ વૃદ્ધ સ્ત્રી વાંકી વળી તૂટેલા કાચના વાસણોનાં ટુકડા ભેગા કરી રહી હતી. તેનો પતિ એ બધા તૂટેલા કાચના વાસણો પરના ભાવના ટેગ્‌સ વાંચી જીવ બાળતા કહી રહ્યો હતો, "આ બધું નુકસાન આપણે ભરપાઇ કરવું પડશે." કેટલું ગમગીની ભર્યું દ્રશ્ય હતું એ!
    કોઈક સાથે આ દુર્ઘટના ઘટી હતી પણ લોકો ટોળે વળી જાણે તમાશો જોતા હતાં. હું આ વૃદ્ધ દંપતિ પાસે ગયો અને વાંકા વળી મેં તેમને મદદ કરવા માંડી. આ જોઈ અન્ય એક યુવાન પણ ત્યાં આવ્યો અને તેણે પણ તૂટેલા કાચના ટુકડા ભેગા કરી ઉપાડતા કહ્યું," માજી, તમે છોડી દો, અમે આ બધું ઉપાડી લઈશું. તમે નજીક દવાખાનું આવેલું છે ત્યાં જઈ તમારા હાથમાં કાચ વાગવાથી જખમ પડ્યો છે, તેની સારવાર કરાવી લો."
    વૃદ્ધાએ કહ્યું, "પણ મારે આ બધા નુકસાનની ભરપાઈ કરવી પડશે."
    એ યુવાને કહ્યું, "ના મેડમ, હું જ અહીંનો મેનેજર છું. અમે આ બધા કાચના સામાનનો વીમો કઢાવેલો છે. આથી તમારે એ માટે કંઈ ચૂકવવાનું નથી. તમે જલ્દીથી જઈ સૌ પહેલા સારવાર કરાવી લો. "
    હવે તમે આંખ બંધ કરી વિચારો કે ભગવાન તમારા માટે આમ કરી રહ્યા છે. તે તમારા ભગ્ન હ્રદયના અને તમારી ભૂલો ને કારણે કે અન્ય કારણોસર જિંદગીએ તમને જે ફટકા આપ્યા છે તેના દ્વારા વેરાયેલા ટુકડા ભેગા કરી રહ્યા છે. એ એક ડગલું આગળ વધી તમારા જખમો રૂઝવવાનું કામ પણ કરશે અને તમારા પાપો અને ક્ષતિઓ માફ કરી દેશે.
બસ આના માટે શરત એટલી છે કે તમારે ભગવાનને તમારા મસીહા તરીકે સ્વીકારવાના છે, સઘળું તેને ભરોસે મૂકી દેવાનું છે. પછી બ્રહ્માંડના મેનેજર એવા એ ભગવાન તમને કહેશે, "તમારે કંઈ ચૂકવવાનું નથી, તમારા માર્ગે જવા તમે મુકત છો! “

(ઇન્ટરનેટ પરથી)

Sunday, January 12, 2020

અહા... એ શાળાના દિવસો!!!

      શાળાજીવન દરમ્યાનના પરીક્ષાના દિવસો યાદ આવે છે? એ સમયના શિક્ષકોની ટકોર, તમારી માસૂમિયત, નિર્દોષ મસ્તી આ બધું યાદ કરશો તો ચોક્કસ મોઢા પર સ્મિત આવી જશે. ચાલો આજે શાળાજીવનની યાદો વાગોળીએ!

શું તમને તમે શાળામાં હતા એ સમયની પરીક્ષા વેળાની ક્ષણો યાદ છે જ્યારે...
~ કોઈક હોંશિયાર વિદ્યાર્થી પરીક્ષકને પ્રશ્ન ક્રમાંક ૪ માં કંઈક ખોટું હોવાની જાણ કરતો અને તમે એ પ્રશ્નનો ઉત્તર ઓલરેડી લખી ચૂક્યા હતા!

~ જ્યારે તમારી સાથે પરીક્ષા આપી રહેલો સહપાઠી આલેખ પત્ર (ગ્રાફ પેપર) માંગતો અને તમે આખું પેપર લખી રહ્યા હતા પણ તમને તો ક્યાંય તેની જરૂર હોય એવો પ્રશ્ન નજરે જ ચડ્યો નહોતો!

~ જ્યારે પરીક્ષક તમને પ્રશ્ન ક્રમાંક ૬ તત્પૂરતો ના લખવા સૂચવતો જેમાં થોડા સમય બાદ સુધારો સૂચવાશે એમ જણાવાતું અને તમે એ જ પ્રશ્ન બડા મોજ થી ખાસ્સો સમય ફાળવી લખી ચૂક્યા હતા!

~ જ્યારે તમે આસપાસ સૌને ફૂટપટ્ટીનો ધડાધડ ઉપયોગ કરતા જોતા અને આશ્ચર્ય પામતા કે તેઓ કયા ઉત્તરમાં એમ કરી રહ્યા હશે!

~ જ્યારે તમે તમારા હોંશિયાર મિત્રોને પરીક્ષા બાદ ઝઘડતા જોતા કે પ્રશ્ન ક્રમાંક ૫ નો ઉત્તર ૩૫.૫ ટકા હતો કે ૩૬.૫ ટકા અને તમારો તો એ દાખલાનો જવાબ આવતો હતો ૧૮૦૦!!!

~ જ્યારે વર્ગના બીજા બધાં પરીક્ષાર્થીઓ ૪ - ૫ વધારાની ઉત્તર પત્રિકા (સપ્લીમેંટ) માંગતા અને તમારા તો મુખ્ય ઉત્તર પત્રિકા માં પણ ૨-૩ પત્તા કોરા રહેતાં!

... અને આ બધી ક્ષણો છતાં જુઓ અત્યારે તમે જીવનમાં ક્યાં પહોંચ્યા છો. કંઈ જ શાશ્વત નથી. પરિવર્તન જગતનો નિયમ છે. જીવનને માણો!!

આ વાંચી મજા આવી? તો ચાલો શાળા જીવનની હજી થોડી વધુ યાદો તાજી કરીએ...

તમારા શિક્ષકોના ૧૦ ટોપ ડાયલૉગ્સ :
* જો તને મારા ક્લાસમાં રસ ન હોય તો તું બહાર જઈ શકે છે.
* આ ક્લાસ કરતા તો મચ્છી માર્કેટ સારું.
* તું અહીં તારા મા - બાપના પૈસા બરબાદ કરવા આવ્યો/આવી છું?
* તમારા બધાંની વાતચીત પૂરી થઈ જાય એટલે મને કહો. પછી આપણે ભણવાનું શરૂ કરીએ.
* તું એકલા એકલા કેમ હસે છે? અહીં આવ અને અમને બધાને કહે એટલે અમે બધાં પણ હસી શકીએ.
* તમને લાગે છે કે તમારા શિક્ષકો મૂરખ છે એથી તમારા જેવાઓને ભણાવે છે?
* મારી સાથે વધારે હોંશિયારી કરવાનો પ્રયત્ન ના કરીશ.
* જો તમને ભણવું જ ના હોય તો પછી સ્કૂલે શા માટે આવો છો?
* ગયા વર્ષનો બેચ તમારા કરતાં હજાર ગણો સારો હતો.
* જો તારે વાતો જ કરવી હોય તો મારા ક્લાસમાં થી બહાર જઈ શકે છે.
* હું તારી સાથે જ વાત કરું છું, પાછળ નહીં જો.

કેટલો નિર્દોષ બની જતો આપણો ચહેરો એ સમયે શિક્ષકની આ વાતો સાંભળીને!

અહા... એ શાળાના દિવસો!!!

(ઇન્ટરનેટ પરથી)

Sunday, January 5, 2020

વૃધ્ધાવસ્થાના મિત્રો

 <આ વાતના મૂળ લેખકની જાણ નથી, પણ ૨૫ થી ૫૦ વર્ષનાં દેખીતા પ્રતિભાશાળી સફળ વ્યક્તિઓને સાચી શીખ આપતી આ વાત ઘણી સમજવા અને અમલમાં મૂકવા લાયક છે તેથી સૌ વાચકમિત્રો સાથે શેર કરી રહ્યો છું. >

    અમદાવાદમાં નોકરી દરમ્યાન એલિસબ્રિજ પોલીસ લાઇનમાં રહેતો તે વખતે રોજનો નિત્યક્રમ છ-સાડા છ વાગ્યે જાગી અથવા નાઇટ રાઉન્ડ પૂર્ણ કરી કાયમ ચા-પાણી નાસ્તો કરવા લો-ગાર્ડન,  એન.સી.સી. સર્કલની બાજુમાં આવેલ કિશનની ચાની કીટલીએ જતો. જ્યાં કાયમ સવાર-સવારમાં લો-ગાર્ડનમાં વોકિંગ કે કસરત કરવા આવેલા માણસો એકલ-દોકલ ચા પીતા જોવા મળતાં, જેમાં એક ૭૫ વર્ષ વટાવી ચૂકેલા એક દાદા સાથે રોજની મુલાકાત પછી ઔપચારિક વાતચીત બાદ એકબીજાની હાજરી ગેરહાજરી ખબર અંતર પૂછવા અને એકબીજાને પરાણે ચા પીવરાવવાની તાણ કરી શકીએ એટલા સબંધ બંધાણેલા. મેં એ વડીલને ક્યારેય નામ કે એડ્રેસ નહોતું પૂછ્યું કેમકે જરૂર જ ના પડી, અને વડીલ પણ મને ભાઇ કે મિત્ર કહી સંબોધતા. 
    થોડા સમય બાદ મારાથી ન રહી શકાયું એટલે એક દિવસ વાત વાતમાં મેં કહ્યુ, "વડીલ તમે રોજ મારી પહેલા, વહેલી સવારના 5 વાગ્યે જાગીને ન્હાઇને તૈયાર થઈને ચા પીવા આવી જાઓ છો એ આદત બહુ સારી છે!"
      દાદાએ મારી સામે એકીટશે જોઈ રહ્યા પછી થોડું આમ મોં મચકોડયું હોય એ રીતે ખંધુ હસ્યા! પછી મને કહે, "ભાઇ આ ઉંમરે હવે નિંદર નો આવે અમને, પડખા ઘસીને રાત કાઢવી પડે એટલે  વહેલા અહિંયા આવીને બેસી જાવ છું!"
મેં કહ્યુ," તો જાગીને ભગવાનનું નામ લેવાય ને અહિંયા બેસવા કરતા!"
તો કહે, "ભાઇ અમે વહેલા જાગીએ અને ન્હાવા ધોવા જઇએ તો થોડો ઘણો અવાજ થાય એટલે અમારી *પુત્રવધૂ* (આ પુત્રવધૂ બહુ જ ભાર દઈને બોલેલા)  ને ડિસ્ટર્બ થાય જે અમારા પનોતા પુત્રને પોસાય એમ નથી! અને સવારના 5 વાગ્યાની પહેલી ઘરની ચાનો સ્વાદ તો મારા ધર્મપત્ની 8 વર્ષ પહેલા ગુજરી ગયેલા ત્યારે ચાખેલો. એ પછી તો જય ભગવાન."
મેં કહ્યુ," તો તો એમની તમને બહુ કમી પડતી હશે."
વડીલ મને કહે,"તમે ઉંમરમાં તો મારાથી ઘણા નાના છો પણ એક સાવ નક્કર સત્ય કહું તો પત્નીના સાથની જરૂર ૪૦ વર્ષ પછી હરેક પળ રહે છે."
મેં પૂછ્યું," સાંજનો સમય તો સરખી ઉંમરના મિત્રો સાથે જ પસાર થઈ જતો હશે ને? "
મારા આ સવાલ ઉપર તે વડીલ ખૂબ જ ભાવુક થઈ ગયેલા અને આંખમાં આંસુ સાથે તેમણે કહ્યું," હું એક ઉચ્ચ પગારદાર અધિકારી હતો. મેં મારી નોકરી ખૂબ જ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરેલી પરંતુ મારો સ્વભાવ ખૂબ જ કડક હતો અને કોઈ કામ બદલ કોઈ મારા જુનિયર કર્મચારીની ભૂલ થતી તો હું ખૂબ જ સખ્તાઈથી તેમની તરફ વર્તતો અને સજા કરાવતો. જેના કારણે મારી સાથે દરેક માણસ સારી રીતે વર્તન તો કરતા પણ એ ઔપચારિક રીતે જ! જેની જાણ મને મારા નોકરીના છેલ્લા દિવસે ગોઠવેલ વિદાય સમારંભમા માત્ર સાત-આઠ જણાની હાજરી જોઈને થયેલ. મારા હોદ્દાના કારણે મારી આજુ-બાજુના પાડોશીઓ સાથે પણ મેં આવુ જ વર્તન કરેલું અને જ્યારે હોદ્દાવાળી નોકરી હતી ત્યારે માણસો મને સોસાયટીની બાજુના બગીચામાં બેસવા આવકારતા ત્યારે હું બહુ જ તોછડાઇથી એમને કહેતો કે હું તમારી જેવો નવરો નથી અને હું એક સ્ટેટસવાળા હોદ્દા ઉપર ફરજ બજાવું છું, તમારી જેવા સ્ટેટસ વગરના માણસો સાથે બેસવાની વાત તો દૂર, ઉભો પણ ના રહું. અને બીજીવાર મને આવી રીતે આમંત્રણ આપવાની તેઓ ભૂલ પણ ના કરતા. આવા તલવારની ધારના જાટકા જેવા મારા શબ્દો મને પ્રેમથી આવકારતા માણસોના ઉભા કટકા કરી નાખતા પરંતુ મારા હોદ્દાના કારણે કોઈ કાંઇ બોલી શકતુ નહીં. જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે સૌ મારો પડ્યો બોલ ઝીલતા, સાહેબ સાહેબ કરતા મારાથી ડરતા. મારા કોઈ કામ અટકતા નહી અને રીટાયર્ડમેન્ટ પછી મારા પત્નીના અવસાન બાદ હું સાવ એકલો પડી ગયેલો ત્યારે મને મારી ઓફિસના કોઈ સહ કર્મચારી કે કોઈ અન્ય મળી જતા અને હું સામેથી બોલાવતો ત્યારે તે લોકો મને નજર અંદાજ કરતા કાં પછી મને સાંભળ્યો જ ન હોય એમ સામે પણ ન જુએ!  ત્યારબાદ હું પેલા સોસાયટીની બાજુવાળા બાંકડે જઈને બેસવા લાગ્યો પરંતુ મને જોઈને લોકો ઉભા થઈને ચાલવા લાગતા, હું બેસવાનું કહું તો કોઈને કોઈ બહાનું બનાવી ચાલતા થઈ જતા, છેલ્લે હું ને બાંકડો બે જ વધતા!  અરે, ક્યારેક મારે વાત કરવી હોય તો સામે કોઈ ના હોય!  ક્યારેક કોઈ અજાણ્યો દારૂડિયો મારી સાથે બફાટ કરે તો તે પણ સ્વજન જેવો લાગવા લાગતો.  હું રઘવાયો જેવો થઈ જતો જેની મને ધીરે ધીરે આદત પડતી ગઈ અને મને મારા પૂર્વના કર્મો યાદ આવતા ગયા અને હું મારા મનને મારતો ગયો અને વારતો ગયો. "
    એમની સાથે હું પણ લાગણીવશ બની ગયેલો અને પૂછ્યું કે" તમારે સારો પગાર હતો, સારુ પેન્શન આવે છે સારી મિલ્કત છે!  તો બીજું ખૂટે છે શું? "

વડીલ મને કહે," મેં પૈસા બનાવ્યા, મિલ્કત બનાવી નામ બનાવ્યું અને મારા હોદ્દાના અભિમાનમાં મારાથી ઘડપણમાં તોડી ન શકાય એવું એકલતાનું જાળુ યુવાનીમાં બનાવ્યું પણ ઘડપણમાં કામ લાગે અને બાંકડે બેસીને મારી વાટ જુએ અને મારી એકલતાને દૂર કરે એવા "મિત્રો" ના બનાવ્યા, સાચા સ્વજનો હું ના બનાવી શક્યો! હવે જેટલા વર્ષ મેં કાઢ્યા એટલા મારે નથી કાઢવાના એ તો ખાત્રી છે જ કેમકે શરીર સાથ નથી આપતું."

સાહેબ ..તમે  પૈસો-મિલ્કત ભલે બનાવો પણ ઘડપણમાં સાથ આપી એકલતાનો દૂર કરે એવા મિત્રો જરૂર બનાવજો.

(ઇન્ટરનેટ પરથી)

Thursday, January 2, 2020

ભગવાનની ગણતરી

   એકવાર બે વટેમાર્ગુઓ એક મંદિર પાસે બેઠા હતા અને વાતચીત કરતા હતા. સાંજનું અંધારું ઘેરું થઈ રહ્યું હતું. વરસાદ પડવાની તૈયારીમાં હતો. ત્યાં ત્રીજી એક વ્યક્તિ ત્યાં આવી અને તેણે પૂછ્યું શું તે તેમની સાથે જોડાઈ શકે? તેમણે તેને સસ્મિત આવકાર્યો.
      તેઓ જલ્દી જ મિત્રો બની ગયા. તેમની વાતો જામી, ત્યાં અચાનક વરસાદ શરૂ થયો.  તેઓ અટવાઇ ગયા.  ત્રીજી વ્યક્તિને ભૂખ લાગી અને બીજા બેને તેણે કહ્યું, 'આપણે વાળુ કરી લેવું જોઈએ. ભૂખ લાગી છે.' બંને જણે કહ્યું તેમને પણ ભૂખ લાગી છે અને તેમણે ભેગા મળી જમી લેવું જોઈએ. પણ એક સમસ્યા ઉભી થઈ.
     પહેલા વટેમાર્ગુ પાસે ત્રણ અને બીજા પાસે પાંચ રોટલા હતાં જ્યારે ત્રીજા પાસે કંઈ નહોતું. હવે આ આઠ રોટલા તેમની વચ્ચે કઈ રીતે વહેંચવા?
     પહેલા વટેમાર્ગુએ સૂચવ્યું, 'ચાલો દરેક રોટલામાંથી ત્રણ ટુકડા કરીએ.  એટલે આપણી પાસે કુલ ચોવીસ ટુકડાઓ થઈ જશે.  પછી આપણે ત્રણે આઠ - આઠ ટુકડાઓ ખાઈ શકીશું.'
   દરેકને આ વિચાર ગમ્યો.  તેઓએ ચોવીસ ટુકડા કર્યાં અને આઠ - આઠ ટુકડાઓ ખાધા, તેમની ભૂખ સંતોષાઈ અને પછી ત્રણે આરામથી સૂઈ ગયા.
     સવારે, ત્રીજી વ્યક્તિએ પ્રથમ બે વટેમાર્ગુઓને તેમની સાથે સમય પસાર કરવા દેવા બદલ અને તેમના રોટલા પોતાની સાથે વહેંચવા બદલ તેમનો આભાર માન્યો.  ખુશી સાથે ઉપકારનો બદલો વાળવા તેણે તેમને આઠ સોનાના સિક્કા ભેટમાં આપ્યા, તે તેમની વચ્ચે વહેંચી લેવા કહ્યું અને પોતે  પોતાના માર્ગે ચાલ્યો ગયો.
     તેના ગયા પછી, પ્રથમ વટેમાર્ગુએ કહ્યું, 'આપણે બંને ચાર - ચાર સિક્કા વહેંચી લઈએ.'
    બીજા વટેમાર્ગુએ કહ્યું, 'મેં વધારે રોટલા આપ્યા હોવાથી મને વધારે સોનાના સિક્કા મળવા જોઈએ.' પહેલા વટેમાર્ગુએ આ સૂચનનો વિરોધ નોંધાવ્યો. તેઓ એકબીજા સાથે દલીલ કરવા માંડ્યા અને ધીમે ધીમે તેમની દલીલો વધતી ગઈ અને એક મોટી લડાઈમાં પરિણમી. તેઓ ન્યાય માટે ગામના મુખી પાસે ગયા.  મુખીએ કહ્યું, 'સિક્કા મારી પાસે છોડી દો અને હું વિચાર કરીશ અને આવતી કાલે ચુકાદો આપીશ.'
     રાત્રે ભગવાન મુખીના સ્વપ્નમાં આવ્યા અને તેમણે તેને પૂછ્યું કે તે સવારે શું ન્યાય આપવાનો છે? મુખીએ કહ્યું, 'બીજા વટેમાર્ગુએ પાંચ રોટલા વહેંચ્યા હોવાથી તેને વધુ સિક્કા આપવાની દલીલ મને તાર્કિક લાગે છે.પણ કોને કેટલા સિક્કા મળવા જોઈએ એ અંગે હું હજી મૂંઝવણમાં છું. '
    ભગવાન હસી પડ્યા અને કહ્યું, ‘તે તેમના મુદ્દાનું કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યું નથી’.
      ભગવાન સમજાવે છે, 'મારા ન્યાય મુજબ, પ્રથમ વટેમાર્ગુને ફક્ત એક સોનાનો સિક્કો મળવો જોઇએ અને બીજા વટેમાર્ગુને સાત સોનાના સિક્કા મળવા જોઈએ.'
 મુખીને આશ્ચર્ય થયું.
 ભગવાને સમજાવ્યું, 'પહેલા વટેમાર્ગુએ તેના ત્રણ રોટલામાંથી નવ ટુકડાઓ બનાવ્યા, પરંતુ તેણે આઠ ટુકડાઓ જાતે જ ખાધા અને ફક્ત એક ટુકડો વહેંચ્યો. બીજા વટેમાર્ગુએ પંદર ટુકડા કર્યા અને વહેંચવા માટે સાત ટુકડા આપ્યા.  આથી પહેલાને એક અને બીજાને સાત સોનાના સિક્કા એ મારી ગણતરી અને મારો ન્યાય છે.'
 બીજા દિવસે, મુખીએ તે મુજબ ન્યાય આપ્યો અને તર્ક સમજાવ્યો. બધાંને એ ન્યાયી અને સ્વીકાર્ય લાગ્યો.

(ઇન્ટરનેટ પરથી)