Sunday, January 24, 2021

અજાણ્યું પાત્ર

      હું જન્મ્યો તેના થોડાં વર્ષ બાદ મારા પિતાની મુલાકાત એક અજાણ્યા પાત્ર સાથે થઈ. એ અમારા શહેરમાં નવો હતો. શરૂઆતથી જ મારા પિતા આ આકર્ષક અજાણ્યા પાત્રથી ખાસ્સા પ્રભાવિત થયા હતા અને તેમણે તેને અમારા ઘરમાં રહેવા આમંત્રણ પાઠવ્યું. આ પાત્રે ધીમે ધીમે બધાં તરફથી સ્વીકૃતિ પામી અને ત્યાર બાદ તે અમારા ઘરનો જ એક સભ્ય બની ગયો.

      જ્યારે હું મોટો થયો ત્યારબાદ મેં ક્યારેય તેના મારા પરિવારમાં સ્થાન અંગે કોઈ પ્રશ્ન કર્યો નથી. મારા યુવાન મનમાં, તેનું એક ખાસ સ્થાન હતું. મારા માતા - પિતાનો મારા ચારિત્ર્ય ઘડતરમાં મોટો ફાળો રહ્યો છે - મા એ મને સારા અને ખરાબનો ભેદ પારખતાં શીખવ્યું છે. બાપુએ મને આજ્ઞાકારી બનતાં શીખવ્યું છે. પણ, આ અજાણ્યા પાત્રની વાત જ કંઈક નોખી છે. એ મનોરંજક વાર્તાકાર બની રહ્યો છે! તેણે અમને કલાકો સુધી જકડી રાખી રોમાંચક, રહસ્યમય, રમૂજી અને એવાં ઘણાં જુદા જુદા પ્રકારના પાઠ મંત્રમુગ્ધ બનાવીને શીખવ્યા છે.

    જો મને રાજકારણ, ઈતિહાસ કે વિજ્ઞાન અંગે કંઈ પણ જાણવું હોય, તો એ દરેક વિષયના જવાબ તેની પાસે હાજર રહ્યા છે. તે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ સુદ્ધાનાં જવાબો જાણે છે! એ મારા પરિવારને પ્રથમ પ્રીમિયરશીપ ગેમ જોવા લઈ ગયેલો. તેણે અમને હસાવ્યા છે અને રડાવ્યા પણ છે. તે ક્યારેય મૂંગો રહ્યો જ નથી, સતત બોલતો રહ્યો છે અને એનો કોઈ વાંધો બાપુજીએ પણ લીધો નથી!

     ક્યારેક અમે બધાં તેને ધ્યાનથી સાંભળી રહ્યા હોઈએ ત્યારે મા ને કંટાળી રસોડામાં ચાલી જતાં મેં જોઈ છે. કદાચ એણે આ અજાણ્યા પાત્રના અમારા સૌથી અળગા થવાની પ્રાર્થના પણ કરી હશે!

  બાપુએ હંમેશા કેટલાક ચોક્કસ સિદ્ધાંતોને વળગીને ઘર ચલાવ્યું છે, પણ અજાણ્યા પાત્રે ક્યારેય તેની દરકાર કરી નથી. જેમ કે, ભ્રષ્ટ વ્યવહાર કે ભાષા અમને, અમારા મિત્રો કે મુલાકાતીઓને પણ અમારા ઘરમાં વાપરવાની છૂટ નથી. પણ, આ અજાણ્યા પાત્રે ક્યારેક એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે જે સાંભળી કાન ના કીડા ખરી પડે કે બાપુ ધૂંધવાયા હોય અને મા શરમથી લાલઘૂમ થઈ ગઈ હોય! બાપુ ક્યારેય મદ્યપાન કે ધૂમ્રપાન કરતા નથી, પણ આ અજાણ્યા પાત્રે એક વાર નહીં, અનેક વાર તેમનું સમર્થન કર્યું છે. સેક્સની પણ તેણે છડેચોક ચર્ચા બિનધાસ્ત રીતે કરી છે! તેણે અમને ઘણી વાર પરિવારમાં એકમેક સામે સંકોચમાં મૂક્યા છે!

     હું જાણું છું કે મારા કિશોર અને યુવાન મન પર સંબંધો અંગેની સમજણ પર, આ અજાણ્યા પાત્રની ઘેરી અસર રહી છે. તેણે સતત મારા માતાપિતાના સંસ્કાર અને મૂલ્યો કરતાં વિરુદ્ધ વર્તન કર્યું હોવા છતાં તેને અમારા ઘરમાંથી જાકારો મળ્યો નથી.

આ અજાણ્યા પાત્રને અમારા પરિવારમાં ભળી જતાં ચાર દાયકા જેટલો સમય થઈ ગયો છે.

એ અમારા સૌ સાથે ઘણી સારી રીતે હળીમળી ગયો છે. પણ હવે એવું લાગે છે કે તેનો પ્રભાવ તે જ્યારે નવો નવો આવ્યો હતો ત્યારે હતો, તેવો નથી. આજે પણ તમે મારા ઘેર પ્રવેશશો, તો તમને આ અજાણ્યું પાત્ર એક ખૂણે બેઠેલું દેખાશે, જાણે પ્રયત્નો કરતું હોય ધ્યાન ખેંચવાના તેને બોલતું સાંભળવા... તેને જોવા...

ખ્યાલ આવ્યો કે આ અજાણ્યું પાત્ર કોણ છે? તેનું નામ છે "ટી. વી."

હવે તો એ પરણ્યું પણ છે - કોમ્પ્યુટરને!

તેમનું પહેલું સંતાન એટલે "મોબાઈલ ફોન" અને બીજું "વિડિયો ગેમ્સ".

અને છેલ્લાં ખબર આવ્યાં મુજબ તેમને એક સુંદર પૌત્રી પણ આવી છે જેનું નામ છે "વોટ્સ એપ" જે લોકપ્રિયતામાં તેના માતાપિતાને પણ વટાવી ગઈ છે! તેના મોટા પિતરાઈ ભાઈનું નામ છે "ફેસબુક" અને નાના પિતરાઈ ભાઈઓના નામ છે "સ્નેપચેટ" અને "ઈન્સ્ટાગ્રામ".

આ આખા પરિવારે આપણાં દરેકના ઘરમાં એવો પગપેસારો કર્યો છે કે હવે તેઓ ક્યારેય આપણો પીછો છોડશે એ શક્ય લાગતું નથી...

(ઇન્ટરનેટ પરથી)

જતું કરતા શીખીએ

     એક વેપારીને બે પુત્રો હતાં. તેઓ પિતા સાથે જ તેમની મોટી દુકાનમાં કામ કરતાં. વેપારીના મૃત્યુ બાદ તેમણે કામ વહેંચી લીધું પણ તેઓ સાથે જ દુકાન સંભાળતા. બધું થોડા સમય સુધી બરાબર ચાલ્યું પણ એક દિવસ બે હજાર રૂપિયાની એક નોટ ગાયબ થઈ ગઈ અને એ તેમની વચ્ચે વિખવાદ અને ભાગલાનું કારણ બની.

     એક ભાઈએ બે હજાર રૂપિયાની એક નોટ હિસાબના ચોપડા પર મૂકી હતી અને તેને એક ગ્રાહક સાથે અચાનક બહાર જવાનું થયું. જ્યારે તે પાછો આવ્યો ત્યારે એ નોટ ત્યાં ના હતી. તેણે બીજા ભાઈને પૂછયું કે શું તેણે એ નોટ લીધી છે? બીજા ભાઈએ નકારમાં જવાબ આપ્યો. પણ પહેલાં ભાઈને વિશ્વાસ આવ્યો નહીં અને તેણે બીજા ભાઈ પર શંકા કરી સતત તેને એ બે હજાર રૂપિયા વિશે પૂછ્યા કર્યું. તેણે એવા ટોણાં પણ માર્યા કે બે હજારની નોટ ને કંઈ પગ ના આવે અને તે દોડીને આપમેળે ક્યાંય જતી ન રહે. ચોક્કસ એ 'કોઈએ' ચોરી લીધી છે. આ બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું. પહેલાં ભાઈનું સ્વમાન ઘવાયું. તેમના સંબંધો બગડયા અને આ વિખવાદ તેમને ભાગલા સુધી દોરી ગયો. તેમણે એકમેક સાથે બોલવાનું પણ બંધ કરી દીધું.

     તેમણે ધંધાના પણ ભાગલા કરી નાખ્યા અને દુકાન વચ્ચે એક મોટી દિવાલ ચણી દીધી.

આ વાતને વીસ વર્ષ વીતી ગયાં. તેમની વચ્ચે વૈમનસ્ય, કડવાશ વધતા ચાલ્યા અને તેમની વચ્ચે મોઢું જોવા સુદ્ધાનાં સંબંધ ના રહ્યાં.

     પછી એક દિવસ એક આગંતુક દૂર દેશથી દુકાનમાં આવ્યો અને તેણે હિસાબનીશને પૂછયું કે તે કેટલા સમયથી આ દુકાનમાં કામ કરે છે. હિસાબનીશે જવાબ આપ્યો કે તે વર્ષોથી ત્યાં જ કામ કરે છે. આ સાંભળી આગંતુકે કહ્યું "મારે એક ઘણી જૂની પણ અગત્યની વાત કરવી છે. વીસ વર્ષ પહેલાં હું ગાડી ચલાવવાનું કામ કરતો હતો અને અચાનક આ દુકાન સામે આવી ચડયો હતો. મારી પરિસ્થિતિ ઘણી ખરાબ હતી અને ત્રણ દિવસ સુધી હું કંઈ ખાવા પામ્યો નહોતો. હું દુકાનમાં કંઈક મેળવવાની આશાએ આવી ચડયો અને મારી નજર હિસાબના ચોપડા પર પડેલી બે હજારની નોટ પર ગઈ. દુકાનમાં કોઈ હાજર નહોતું. મારા મનમાં શેતાન પેઠો અને મેં જીવનમાં પહેલી વાર ચોરી કરી. પણ ત્યાર પછી આજ સુધી હું એ ઘટનાને ભૂલી શક્યો નથી. આજે ભગવાનની દયાથી મારી આર્થિક પરિસ્થિતિ સુધરી છે. પણ મારાથી રહી ના શકાતા આજે હું એ પાપ ની માફી માગવા આવ્યો છું."

    તે એકી શ્વાસે આ બધું બોલી ગયો તે બીજા ભાઈએ પણ સાંભળ્યું અને તેની આંખમાંથી પસ્તાવાનાં આંસુ વહી રહ્યાં. તે સીધો દીવાલની બીજી બાજુ દોડયો અને પહેલાં ભાઈના પગમાં પડ્યો. બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા અને ખૂબ રડયા.

વીસ વર્ષ બાદ તેમના સંબંધો વચ્ચેનું ભંગાણ તૂટયું. તેમની વચ્ચે જે દિવાલ ચણાઈ હતી તે તૂટી ગઈ. તેઓ ફરી એક થયાં.

     આવું ઘણી વાર જીવનમાં બનતું હોય છે જ્યારે નાની નાની ક્ષુલ્લક વાતોને કારણે સ્વજનો વચ્ચેના મહામૂલા સંબંધો તૂટી જતાં હોય છે. પણ કોઈ એક પક્ષે જતું કરવાની જરૂર હોય છે. આપણે પોતે કેમ એ પક્ષ ના બનીએ અને જીવનમાં જતું કરતા શીખીએ? કોઈ પ્રત્યે કડવાશ અને વેરવૃત્તિ ના રાખીએ. આ દ્વારા આપણી ઘણી માનસિક શક્તિ આપણે બચાવી તેને સંબંધો મધુર બનાવી કે ટકાવી રાખવામાં વાપરી શકીશું. ચાલો એક નવી સારી શરૂઆત કરીએ, જતું કરવાની...

(ઇન્ટરનેટ પરથી)  


સુખી કરતા ૪ હોર્મોનની વાત

    જેવો હું મારું મોર્નિંગ વોક પતાવી બગીચાના બાંકડે બેઠો કે મારી પત્ની પણ આવી અને બાજુમાં બેસી હાંફવા માંડી. તેણે તેનો અડધો કલાકનો જોગીંગ રાઉન્ડ પૂરો કર્યો હતો. અમે થોડી વાર પોરો ખાધો અને પછી વાતચીત શરૂ કરી. તેણે કહ્યું કે તે જીવનથી સુખી નથી. મેં વિશ્વાસ ન બેસતો હોય એવી દ્રષ્ટિ સાથે તેની સામે જોયું કારણ મારા મતે તેના જીવનમાં બધું શ્રેષ્ઠ તેની પાસે હતું.

મેં તેને પૂછયું, "તું એવું શા માટે વિચારે છે કે તું દુઃખી છે? “

તેણે જવાબ આપ્યો," ખબર નહીં કેમ. બધા કહે છે કે મારી પાસે કોઈ વસ્તુની કમી નથી. છતાં મને એવું લાગે છે કે હું સુખી નથી. "

મેં મારી જાતને પ્રશ્ન કર્યો," શું હું પોતે સુખી છું? “

અંદર થી જવાબ આવ્યો, "ના."

હવે આ મારા માટે ઓર વધુ આશ્ચર્યકારક હતું.

મેં મારા દુઃખી હોવાનું મૂળ કારણ શોધવાની કોશિશ કરી, પણ મને કંઈ ઝાઝું હાથ લાગ્યું નહીં.

હું મારા અંતરમાં વધુ ઉંડો ઉતર્યો. મેં સાહિત્ય ફંફોસ્યું, લાઇફ કોચીસ સાથે વાતો કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. અંતે મારા એક ડોક્ટર મિત્રે મને જે કહ્યું તેમાં મારા સઘળાં પ્રશ્નોનો ઉત્તર જડી ગયો. તેણે જે સૂચનો કર્યા તે મેં અનુસર્યા અને ત્યાર બાદ હું ખરેખર સુખી થઈ ગયો. તે ડોક્ટર મિત્રે મને જાણ કરી કે ચાર જાતના હોર્મોન હોય છે જે માણસને સુખી બનાવે છે -

૧. એન્ડોર્ફિન

ર. ડોપામાઈન

3. સેરોટોનિન

૪. ઓક્સિટોસિન 

  આપણાં માટે આ હોર્મોનને સમજવા ખૂબ જરૂરી છે. કારણ આપણને સુખી કરવા એ ચારે ખૂબ જરૂરી છે.

એન્ડોર્ફિન - જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે આપણાં શરીરમાં એન્ડોર્ફિનનો સ્ત્રાવ થાય છે. આ હોર્મોન શરીરને કસરતથી થતી પીડા સહન કરવામાં મદદ કરે છે. પછી આપણે કસરત માણવા માંડીએ છીએ કારણ કે એન્ડોર્ફિન આપણને ખુશ બનાવે છે. હસવું એ એન્ડોર્ફિન પેદા કરવાનો બીજો માર્ગ છે. આપણે રોજ ઓછામાં ઓછી અડધો કલાક કસરત કરવી જોઈએ અથવા કંઈક રમૂજી વાંચવું કે જોવું જોઈએ જેથી આપણને જરૂરી એવો દૈનિક એન્ડોર્ફિનનો ડોઝ આપણને મળી રહે.

  બીજો હોર્મોન છે ડોપામાઈન. જીવન સફરમાં જ્યારે જ્યારે આપણે કોઈ નાના કે મોટા કામ પૂરા કરતા હોઈએ છીએ, એ જુદા જુદા પ્રમાણમાં ડોપામાઈન ઉત્પન્ન કરે છે. જ્યારે આપણાં કામ બદલ ઓફિસમાં કે ઘરમાં કોઈ આપણી પ્રશંસા કરે છે ત્યારે આપણને કંઈક હાંસલ કર્યાની અને સારી લાગણીનો અનુભવ થાય છે કારણકે ત્યારે ડોપામાઈન ઉત્પન્ન થાય છે. આ જ કારણ છે મોટા ભાગની ગૃહિણીઓના દુઃખી હોવાનું. તેમને કોઈ તેમના કામ બદલ પ્રશંસા ના બે શબ્દો કહેતું નથી. જ્યારે આપણને નવી નોકરી મળે, આપણે નવી ગાડી ખરીદીએ, નવું ઘર લઈએ કે નવું કોઈ સાધન ખરીદીએ છીએ તે દરેક વેળાએ ડોપામાઈન નો સ્ત્રાવ થાય છે જે આપણને સુખી બનાવે છે. હવે ખ્યાલ આવે છે શોપિંગ કર્યા બાદ ખુશી કેમ અનુભવાય છે?

ત્રીજો હોર્મોન છે સેરોટોનિન. આ હોર્મોન આપણે બીજાનું ભલું કરીએ ત્યારે સ્ત્રવે છે. જ્યારે આપણે પોતાની જાતને ભૂલી જઈ બીજાને કે પ્રકૃતિ કે સમાજ ને કંઈક આપીએ ત્યારે સેરોટોનિન પેદા થાય છે. ઇન્ટરનેટ પર અન્યો સાથે બ્લોગ દ્વારા માહિતી શેર કરો કે ક્વોરા કે ફેસબુક ગ્રૂપ પર કોઈના પ્રશ્નોના જવાબ આપો ત્યારે પણ સેરોટોનિન ઉત્પન્ન થાય છે. કારણ આપણાં લેખ કે જવાબ દ્વારા આપણો કિંમતી સમય આપી આપણે ત્યારે અન્યની મદદ કરતા હોઈએ છીએ.

છેલ્લો અને ચોથો હોર્મોન છે ઓક્સિટોસિન. જ્યારે આપણે સંબંધોમાં કોઈ અન્ય વ્યક્તિની નજીક આવતા હોઈએ છીએ ત્યારે આ હોર્મોન પેદા થાય છે. જ્યારે આપણે મિત્રો કે સ્વજનો ને ભેટીએ છીએ ત્યારે ઓક્સિટોસિન પેદા થાય છે. મુન્નાભાઈ ની 'જાદુ કી ઝપ્પી' ખરેખર કામ કરે છે!

આપણે જ્યારે કોઈ સાથે હાથ મિલાવીએ કે કોઈના ખભે હાથ મૂકીએ છીએ ત્યારે પણ વત્તા ઓછા પ્રમાણમાં ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે.

હવે સમજાયું મૂડ ખરાબ હોય ત્યારે બાળકને શા માટે ભેટવું જોઈએ??

આમ, સુખી થવું સરળ છે - એન્ડોર્ફિન પેદા કરવા માટે રોજ કસરત કરવી જોઈએ. નાના નાના ધ્યેય સિદ્ધ કરી ડોપામાઈન પેદા કરવું જોઈએ. અન્યો સાથે સારી રીતે વર્તી સેરોટોનિન ઉત્પન્ન કરવું જોઈએ અને ઓક્સિટોસિનનો જરૂરી ડોઝ મેળવવા આપણાં બાળકો, મિત્રો અને સ્નેહીજનોને વારંવાર ભેટવું જોઈએ.

જ્યારે આપણે સુખી હોઈએ છીએ ત્યારે આપણે આપણી સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો વધુ સારી રીતે કરી શકીએ છીએ.

દિવસે ને દિવસે વધુ ને વધુ સુખી થવા...

૧. રમવા અને થોડી મજા કરવા પોતાને પ્રોત્સાહિત કરો - એન્ડોર્ફિન

૨. નાની કે મોટી સિદ્ધિઓ માટે લોકોને બિરદાવો. - ડોપામાઈન

૩. વહેંચવાની આદત પાડો અને અન્યોને પણ તેમ કરવા પ્રેરો. - સેરોટોનિન

૪. તમારા પરિવારજનો અને મિત્રોને આલિંગન આપો. - ઓક્સિટોસિન

સુખી થાઓ!


(ઇન્ટરનેટ પરથી)

કોરોનાનું સેલ્ફ - અપ્રેસલ

જો કોરોના પોતાનું વાર્ષિક સેલ્ફ - અપ્રેસલ (ઓફિસમાં રજૂ કરવું પડતું સ્વ - મૂલ્યાંકન જેના બાદ બઢતી મળે છે) કરે તો તે કંઈક આવું વંચાશે :

# વૈશ્વિક સ્તરે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ફાસ્ટ - ટ્રેકિંગ શક્ય બનાવ્યું.

# ગ્લોબલ કાર્બન ડાયોક્સાઈડ એમિશનનું સ્તર ઘટાડયું.

# પચાસ લાખ નોકરીઓનું રીસ્ટ્રક્ચરીંગ કર્યું.

# વૈશ્વિક સ્તરે આરોગ્ય ક્ષેત્રે નવી પહેલ : સાબુથી હાથ ધોવામાં સો ટકા કમ્પલાયન્સ જેના કારણે અન્ય સંસર્ગજન્ય રોગોના ફેલાવામાં ધરખમ ઘટાડો.

# વૈશ્વિક સ્તરે ઉદ્યોગધંધાઓમાં વર્ક ફ્રોમ હોમનું નવું પરિમાણ ઉમેર્યું જેનાથી જોખમો અને ખર્ચમાં તોતિંગ ઘટાડો.

# લોકોને માસ્ક પહેરતા કરી દઈ મોઢું બંધ રાખવાની ફરજ પાડી જેથી ધ્વનિ પ્રદૂષણમાં અપૂર્વ ઘટાડો.

# ઘણાંને રસોઈ, શાકભાજીની ખરીદી અને ઘર ચલાવવાની રીતભાત શીખવી.

# દરેક ક્ષેત્રે ગવર્નન્સ, લવચીકતા અને દૂરંદેશી આયોજનના મહત્ત્વને ઉજાગર કર્યું.

# આધ્યાત્મિક પ્રદાન : ઘમંડી અને સ્વાર્થી લોકોને પોતાના અને નૈતિક મૂલ્યો વિષે વિચાર કરવા ભરપૂર સમય આપ્યો.

# ફાર્મા સેક્ટરને મહામોટું પ્રોત્સાહન આપ્યું અને  જરૂરી ચીજ વપરાશની વસ્તુઓની નાની દુકાનોને અગ્રતા અપાવી.

# લોકોને પરિવાર અને જીવનનું સાચું મહત્ત્વ અને મૂલ્ય સમજાવ્યું.

# ઘણાંને શીખવ્યું કે બિનજરૂરી ખર્ચા ટાળી ફંડ કઈ રીતે મેનેજ કરાય.

# દાખલા દ્વારા સાબિત કરી બતાવ્યું કે કંઈ પણ ઘેર બેઠાં કરી શકાય છે.

સ્વ મૂલ્યાંકન રેટિંગ - A++


(ઇન્ટરનેટ પરથી) 

નાતાલ ચમત્કાર

 નાતાલ ચમત્કાર

----------------------

    એક કંપનીનો દર વર્ષે નાતાલની સાંજે પોતાના કર્મચારીઓ માટે એક પાર્ટી અને લોટરી નું આયોજન કરવાનો નિયમ હતો.

     લોટરીના ડ્રો ના નિયમો આ મુજબ હતાં : દરેક કર્મચારી દસ ડોલર જમા કરે. કંપનીમાં ત્રણસો જેટલાં કર્મચારીઓ હતાં. આ પ્રમાણે કુલ ત્રણેક હજાર ડોલર જેટલી રકમ જમા થતી. ડ્રો માં એક વિજેતા નક્કી થતો અને તે આ સઘળી રકમ જીતી ને ઘેર લઈ જઈ શકતો.

    લોટરી ડ્રો સમયે ઓફિસનું વાતાવરણ જીવંત બની જતું. દરેક જણ પોતાનું નામ લખેલી ચબરખી લોટરીબોક્સમાં નાખતા.

    હવે આ વર્ષે એવું બન્યું કે એક યુવાન કર્મચારી ને પોતાનું નામ લખેલી ચબરખી લોટરીબોક્સમાં નાખતા સંકોચ થયો. તે જાણતો હતો કે ઓફિસમાં કચરો સાફ કરતી બાઈને એક નો એક દીકરો હતો જે અતિ દુર્બળ અને માંદો હતો અને ટૂંક સમયમાં તેનું ઓપરેશન થવાનું હતું જે માટે ના પૈસા બાઈ પાસે નહોતા.

     તેને ખબર હતી કે પોતે એ બાઈનું નામ ચબરખીમાં લખી લોટરીબોક્સમાં નાખશે, તો પણ એ બાઈના જીતવાના સંજોગો અતિ પાંખા હશે. છતાં તેણે એ પ્રમાણે કર્યું.

    પછી તો એ ક્ષણ આવી. કંપનીના માલિકે લોટરીબોક્સમાંથી એક ચબરખી બહાર કાઢી અને તે ખોલી વિજેતાનું નામ વાંચવા ચશ્મા ઉંચા ચડાવ્યા. પેલા યુવાન કર્મચારીએ મનમાં પ્રાર્થના કરી કે વિજેતા તરીકે પેલી બાઈનું નામ જ જાહેર થાય. અને ચમત્કાર થયો! એ બાઈનું નામ જ વિજેતા તરીકે જાહેર થયું!

      હર્ષની ચિચિયારીઓથી ઓફિસનું વાતાવરણ ગૂંજી ઉઠયું. પેલી બાઈ રાજીના રેડ થતી ઈનામ લેવા મંચ પર જઈ પહોંચી. તેના અશ્રુઓ રોક્યા ના રોકાયા. તે ભાવવિભોર થઈ બોલી, "હું કેટલી નસીબદાર છું. હવે મારો દીકરો ચોક્કસ બચી જશે... "

    પાર્ટી પૂરી થયે, આ "નાતાલ ચમત્કાર" વિશે વિચારતો પેલો યુવાન મંચ પાસે જઈ ચડયો અને તેનું ધ્યાન લોટરી બોક્સ તરફ ગયું. તેને બોક્સમાંની અન્ય ચબરખી વાંચવાની ઉત્કંઠા થઈ આવી. તેણે એક ચબરખી બહાર કાઢી અને ખોલીને તેના પર લખેલું નામ વાંચ્યું. તેના આશ્ચર્ય સાથે આ ચબરખી પર પણ પેલી બાઈનું નામ હતું! પછી તો તેણે ત્રીજી, ચોથી, પાંચમી અને એમ કરતાં બીજી ઘણી ચબરખીઓ બહાર કાઢી વાંચી. એ બધી પર જુદા જુદા અક્ષરોમાં પેલી બાઈનું જ નામ લખેલું હતું. યુવાનની આંખોમાં પાણી આવી ગયું. તેને સમજાઈ ગયું કે "નાતાલ ચમત્કાર" જેવું જગતમાં હોય છે ખરું, પણ એ કંઈ આકાશમાંથી સર્જાતું નથી, લોકો પોતે એને સર્જી શકે છે.


(ઈન્ટરનેટ પરથી)  


સોનેરી સુવિચારો

# સદાયે સિદ્ધિનો લક્ષ્ય રાખો, સફળતા ભૂલી જાવ.

# એક તીર બે પક્ષી એક સાથે મારી શકતું નથી.

# જ્યારે તમારી સાથે યોગ્ય માણસોનો સહકાર હોય ત્યારે કંઈ પણ શક્ય છે.

# જ્યારે તમારી આગળ જે છે એ તમને ડરાવતું હોય અને પાછળ જે છે એ તમને પીડા આપતું હોય ત્યારે ઉપર (વાળા તરફ) જુઓ.

# દરેક સાચા શિક્ષણનું પરિણામ પરિવર્તન હોય છે.

# અહમને સંખ્યા જોઈએ છે જ્યારે આત્માને ગુણવત્તા.

# શ્રેષ્ઠ બનવા માટે તમને કનિષ્ઠ સાથે પાર પડતાં આવડવું જોઈએ.

# જે તમારા મૌન અને મનને સમજે છે તે તમારો સાચો મિત્ર.

# સુરક્ષિત રહેવાનો અર્થ દટાઈ જવું એવો નથી થતો.

# તમારે ક્યારે ડરવાની જરૂર છે એ સમજવું હિંમતનું કામ છે.

# જ્યારે તમને કંઈ દેખાતું ન હોય ત્યારે શ્રદ્ધાની મદદથી આગળ વધો.

# લોકોના ચહેરાની જગાએ તેમના હ્રદયને જુઓ.

# મુશ્કેલીઓ વિજયની કસોટી સમાન છે.

# તમે જ્યારે જોખમ ઉઠાવો છો ત્યારે જ સુરક્ષિત હોવ છો.

# ઈચ્છા હશે તો માર્ગ આપોઆપ બની જશે.

# સમૃદ્ધિ પસીનો માગે છે.

# જ્યારે અહમ વિવેકબુદ્ધમાં ઓગળી જાય છે ત્યારે ઉદારતા જન્મે છે.

# સંઘર્ષ આપણને મજબૂત બનાવે છે.

# જાત પર દયા ખાવાથી વધુ મોટી જેલ કોઈ હોઈ શકે નહીં.

# જ્યાંથી આરામની શરૂઆત થાય છે ત્યાં રોમાંચ પૂરો થઈ જાય છે.

# સંતોષ તમારી ક્ષમતાને મર્યાદિત કરી મૂકે છે.

# એક યોદ્ધા જ જીતી શકે છે.

# એક હિંમતવાન દસ જણ બરાબર છે.

# દ્રષ્ટિકોણ વિરાટ રાખો પણ હ્રદય બાળકનું.

# દૃઢતા અડચણોનું મારણ છે.

# જો ખૂબ મહેનત કરશો તો પૂરો ખજાનો પામશો.

# સમય નથી રૂઝવતો પણ અનુભવ બધું જ રૂઝવી દે છે.

# ગરીબાઈ આળસુની સહકાર્યકર છે.

(ઇન્ટરનેટ પરથી)  


કોની રામાયણ વધુ સારી?

     જ્યારે મહર્ષિ વાલ્મીકીએ તેમની રામાયણ લખવાની પૂરી કરી, નારદ મુનિ ખાસ પ્રભાવિત થયા નહીં. "તમારી રામાયણ સારી છે, પણ હનુમાનજીની તેના કરતાં પણ વધુ સારી છે." નારદજીએ કહ્યું.

    વાલ્મીકિ મનમાં બોલ્યા, "હનુમાને પણ રામાયણ લખી છે?? “. એમને આ ન ગમ્યું. તે વિચારવા લાગ્યા કોની રામાયણ ખરેખર વધુ સારી હશે. તેઓ હનુમાનજીને ગોતવા નીકળી પડ્યા.

     કડાલી વનમાં એક ઉપવન ખાતે એક કેળનાં ઝાડનાં સાત પહોળા પત્તા પર તેમણે 'રામાયણ' લખેલું જોયું. તેમણે એ વાંચ્યું. તેમને એ આદર્શ લાગ્યું - સારામાં સારા શબ્દો અને વ્યાકરણ, લય અને રચનાનો અદ્ભુત સમન્વય. તેમની આંખમાંથી અશ્રુ સરી પડ્યાં.

    હનુમાનજી આ જોઈ બોલ્યાં, "શું એ એટલી બધી ખરાબ છે કે એને વાંચી તમે રડી પડ્યા? “

વાલ્મીકી કહે," ના, ઉલટું એ એટલી બધી સારી છે કે હું મારી જાતને રડતાં ના રોકી શક્યો. "

    તેમણે આગળ કહ્યું," તમારી રામાયણ વાંચ્યા પછી તો કોઈ મારી રામાયણ વાંચશે જ નહીં..."

    આ સાંભળી હનુમાનજી એ એ સાતે કેળના પાન ફાડી નાંખ્યા અને તે બોલ્યા, "હવે કોઈ ક્યારેય હનુમાનજીની રામાયણ વાંચી શકશે જ નહીં. મને મારી રામાયણની જેટલી જરૂર છે તેના કરતાં તમારે તમારી રામાયણની વધારે જરૂર છે. તમે તમારી રામાયણ લખી છે જેથી દુનિયા એ વાંચીને વાલ્મીકિને યાદ કરે. જ્યારે મેં મારી રામાયણ લખી હતી જેથી હું મારા સ્વામી રામ ને યાદ રાખી શકું."

      આ સાંભળતા જ વાલ્મીકિજીને ખ્યાલ આવ્યો કે તેઓ પોતાના કામને લોકો વખાણે એ બાબતની ઝંખનામાં કેટલા ગળાડૂબ હતા. 

    લોકોને પોતાનું કામ ગમશે કે નહીં એ ભયમાંથી તેમનું આ ઉમદા કામ પણ તેમને મુક્ત કરી શક્યું નહોતું. રામની કહાણીની સાત્ત્વિકતા પણ તેમના મનની ગાંઠો ખોલી શકી નહોતી.

     તેમની રામાયણ મહત્વાકાંક્ષાનું ફળ હતું જ્યારે હનુમાનની રામાયણ પવિત્ર સ્નેહનું ઉત્પાદન હતું. આથી જ હનુમાનજીની રામાયણ આટલી બધી વધુ સારી ભાસી રહી હતી. વાલ્મીકિજી ને સમજાયું કે "राम से बड़ा राम का नाम" .

  કેટલાક લોકો હનુમાનજી જેવા હોય છે જેમને પ્રસિદ્ધિ નથી જોઈતી. તેઓ બસ પોતાનું કર્તવ્ય નિભાવ્યે જાય છે અને તેમના આશયની પરિપૂર્તિ કરે છે. આપણે વાલ્મીકિજી જેવા નથી બનવાનું જે સતત વિચારે કે "મારી જ રામાયણ શ્રેષ્ઠ".

      આપણાં જીવનમાં પણ ઘણાં "હનુમાનજી" હોય છે જેમને આપણે ભૂલી જઈએ છીએ - જીવનસાથી, માતા પિતા, મિત્રો, સંતાનો, સગા વહાલા વગેરે. તેમને સતત યાદ રાખીએ અને તેમનો આભાર માનીએ.

(ઇન્ટરનેટ પરથી)