Sunday, October 28, 2018

હૂંફ

આજે એ યુવક ફરીથી એની ઘરડી માને નાના બાળકની જેમ એક લાંબી ચાદર જેવા કપડામાં લપેટી, એનો એક છેડો પોતાને ખભે ભરાવી બહાર બગીચામાં લટાર મારવાં નીકળ્યો તો હું પૂછયા વગર ન રહી શકી.

એને એક બેંચ પર બેસેલા જોતાજ હું મારો સવાલ લઈ એની પાસે પહોંચી ગઈ...

“તમે રોજ સાંજે અહીં આવો છો. હું તમને જોવું છું. એમાં કોઈ શક નથી કે તમે ખૂબ સારા સંતાન છો જે પોતાની ઘરડી જનેતાને આટલું સાચવે છે છતાં મને એમ થાય કે તમે એમને આમ ઉચકીને કેમ લાવો છો? તમે વ્હિલચેર કેમ નથી વાપરતા?”

એ યુવક મારી સામે જોઇને સહેજ હસ્યો. પછી કહ્યું,

“જ્યારે હું નાનો હતો ત્યારે બહું કમજોર હતો. વારે વારે બીમાર પડી જતો. જરીક વાતાવરણ બદલાય કે તરત મને તાવ આવી જતો. એ વખતે આ મારી મા મને આમજ કપડામાં લપેટીને, એની છાતિસરસો  બાંધીને રાખતી. મને એ વખતે બહું સારું લાગતું. એક અનેરી હૂંફનો અહેસાસ થતો. હું ઘણો મોટો થયો ત્યાં સુંધી માનો એ ક્રમ ચાલુ રહેલો...

આજે હું સ્વસ્થ છું. મારી મા વૃધ્ધ થઈ છે, અશક્ત છે. એ હવે લાંબુ નહિ ખેંચે એમ ડોકટરે કહી દીધું છે. જીવનની ભાગદોડમાં હું વ્યસ્ત થઈ ગયેલો. મારી માને મારી જરૂર હોઇ શકે, એ આટલી કમજોર બની જશે એવું મેં વિચાર્યું જ ન હતું. ડોક્ટરના શબ્દો સાંભળીને મને મારી પોતાની જાત ઉપર ખૂબ ગુસ્સો આવેલો. બસ, ત્યારથી નક્કી કર્યું કે રોજ વધારે નહિ તો અડધો કલાક હું મારી મા સાથે ગાળીશ. હવે એ બોલી કે સાંભળી નથી શકતી પણ અનુભવી શકે છે. જ્યારે હું બોલી નહતો શકતો ત્યારે મારી મા મને આમ ઉઠાવતી હતી. આજે એ બોલી-સાંભળી નથી શકતી તો હું એને મારી જેમ બને એમ નજીક રાખું છું...જેથી એને સારું લાગે ! સાચું કહું તો આમ કરવાથી મને પોતાને બહું સારું લાગે છે. મારું વજન પહેલા બહુ વધી ગયું હતું એ હવે કાબૂમાં આવી ગયું, મારા મારી પત્ની સાથેના નાના ઝઘડા બંધ થઈ ગયા. એણે મહેસૂસ કર્યું કે જે પુરુષ પોતાની ઘરડી, અશક્ત માનું આટલું ધ્યાન રાખી શકે એ એને પોતાનેય આમ જ સાચવશે! મારા બાળકોની નજરમાં મારા માટે, મારી મા માટે આદર છે ! ઘરમાં કોઈ વડીલ હોય તો એનું કેમ ધ્યાન રાખવું એ, એ લોકો મને જોઈને શીખી રહ્યા છે...!!”

અચાનક થોડી ઠંડી હવા ફૂંકાતા એ યુવક ચાદર જેવા એ કપડાંને એની માના શરીરે થોડું સરખી રીતે લપેટીને ચાલતો થયો, “માને ઠંડી લાગી જશે...મારે નીકળવું પડશે.”

હું હજી એને જતો જોઈ રહી છું. ત્યાંજ બાબાગાડીમાં સૂતેલા મારા દીકરાને લઈને આયા આવી.

મેં એને ઉઠાવીને, મારી છાતી સાથે ભીંસીને તેડી લીધો અને આયાને કહ્યું કે આ બાબાગાડી તું જ રાખી લે. મારે હવે એની જરૂર નથી !

મારી આંખોમાંથી અનાયાસ જ આંસુ વહી આવ્યા આજે મારા વરસના થવા આવેલા બાબલાએ મને પહેલીવાર “મા" કહ્યું!

(ઇન્ટરનેટ પરથી)

જીવનમાં ઉતારવા લાયક વાતો

* જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.
* અરે મુકો માથાકૂટ, ભૂલી જાવ એમને જેમણે તમારું દિલ દુભાવ્યું, મૂકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે, કોઈની બળતરા કરવાની જરૂર નથી, કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
* ક્યાં જવું છે અભિમાન રાખીને?
* સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.
* તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.
* બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.
* મજાથી શોખ પૂરાં કરો,ઉંમર સામું ના જોવો,
* વરસાદમાં ન્હાવ, જોવાયુ એટલું જોઈ લો,ફરી લો,
* કોઈને નડીએ નહીં એટલે ઘણું,
* બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.
* થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.
* ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે, આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે
માટે જલસાથી જીવો.
* મરો ત્યારે, કોઈ બોલવું જોઈએ કે... "Well played boss."

(ઇન્ટરનેટ પરથી)

Monday, October 15, 2018

મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

ગાદલા હવે વિખરાયેલા નથી હોતા
ના હવે કપડાં અહીંતહીં પડેલા જોવા મળે છે
રિમોટ માટે હવે ઝઘડા નથી થતાં
ના હવે ખાવાની નવી નવી ફરમાઆઈશો થાય છે
મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

સવારે છાપા માટે પણ નથી થતી મારામારી
ઘર ઘણું મોટું અને સુંદર દેખાય છે
પણ દરેક ઓરડો નિર્જીવ સમો ભાસે છે
હવે તો સમય પણ કાપ્યો નથી કપાતો
બાળપણની યાદો કેટલીક ફોટામાં સમાઈ ગઈ છે
મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

હવે કોઈ મારા ખભે નથી લટકતું
ના ઘોડો બનાવવાની કોઈ જીદ કરે છે
ખાવાનું ખવડાવવા હવે નથી ચકલીઓ ઉડાડવી  પડતી
ખાવાનું ખવડાવ્યા પછીનો સંતોષ પણ હવે ક્યાં મળે છે?
નથી હવે રોજની તકરારો અને તર્ક-દલીલોનો સંસાર
નથી હવે ઝગડા નિપટાવ્યાનો આનંદ
નથી હવે મળતો વેળા - કવેળાએ ગાલ પર પપ્પીઓનો વરસાદ
બજેટની ખેંચતાણ પણ હવે નથી થતી
મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

આંખના પલકારામાં જીવનનો સુવર્ણ કાળ વહી ગયો ખબર જ ન પડી
ક્યારે આટલો ખૂબસૂરત અહેસાસ પીગળી ગયો
તોતડી કાલીઘેલી ભાષામાં હર પળ ઉત્સાહ હતો
પળવારમાં હસી પડવાનું ને બીજી પળે રડી પડવાનું
રતૂમડાં ગાલ પર ઉભરાતું અઢળક વ્હાલ અને ખભો થપથપાવવાનું અને ખોળામાં સૂઈ જવાનું
છાતીએ વળગાડી હાલરડું સંભળાવવાનું
વારંવાર ઉઠીને રજાઈ ફંગોળવાનું
હવે તો પલંગ પણ ખાસ્સો મોટો થઈ ગયો છે!
મારા પ્યારા બાળકોનું બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે

હવે તો રોજ સવાર - સાંજ એ મારી તબિયત પૂછે છે
મને હવે એ આરામની સલાહ આપે છે
પહેલા આપણે એમના ઝગડા ઉકેલતા હતા
આજે હવે એ આપણને સમજાવે છે!
લાગે છે જાણે હવે આપણે બાળક બની ગયા છીએ
મારા બાળકો હવે ઘણાં મોટા થઈ ગયા છે...
- અજ્ઞાત

(ઇન્ટરનેટ પરથી)

Sunday, October 7, 2018

તેણે પોતાની હોડીઓ બાળી મૂકી

ઘણાં સમય પહેલા એક મહાન સેનાપતિ થઈ ગયો જેણે એવી એક પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો જેને કારણે તેણે રણમેદાનમાં જીતવા એક અતિ અઘરો નિર્ણય લેવો પડ્યો. તેના દુશ્મનોની સેનામાં ઘણી મોટી સંખ્યામાં સૈનિકો હતાં જે તેની નાનકડી સેના કરતાં અનેક ગણાં વધુ હતાં. વળી તેણે પોતાની નાનકડી સેનાને હોડીઓમાં બેસાડી લડવા માટે સામે કિનારે મોકલવાની હતી. તેણે પોતાના બધાં સૈનિકોને હોડીઓમાં બેસાડી સામે કાંઠે મોકલ્યા અને ત્યાં પહોંચતા જ એક વિચિત્ર ફરમાન કર્યું. તેણે બધાં સૈનિકો અને સામાન ઉતરી રહ્યાં બાદ હોડીઓને સળગાવી દેવા આદેશ આપ્યો. યુદ્ધ પહેલા તેણે પોતાના સૈનિકોને ઉદ્દેશીને કહ્યું ,"તમે જોઈ રહ્યા છો આ બધી હોડીઓ બળીને રાખ થઇ ગઇ છે. એનો અર્થ હવે જીવતા પાછા જવા માટે આપણી પાસે જીતવા સિવાય અન્ય કોઈ માર્ગ બચ્યો નથી. હવે આપણી પાસે બે જ વિકલ્પ છે કાં જીતવું અને કાં મરવું..." 
તેઓ જીતી ગયા. 

સફળતાના સિદ્ધાંતો 
સેનાપતિની જેમ આપણે જો જીતવું હોય તો આપણી બધી હોડીઓ બાળી મૂકવી જોઈએ. પીછેહઠ કે શરણાગતિનો વિકલ્પ જ ન હોવો જોઈએ. આપણો અભિગમ 'કંઈ પણ થઈ જાય મારે જીતવું જ છે' નો હોવો જોઇએ, માત્ર એટલું ધ્યાન રાખવાનું કે જીતવાના ધ્યેયમાં કુદરતના નિયમો અને આપણાં અન્ય માનવ સમુદાયને કોઈ રીતે નુકસાન ન પહોંચવું જોઈએ. ભૂતકાળમાં રમમાણ ન રહો. આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને જુઓ ચોક્કસ સફળતા તમારા કદમ ચૂમશે. 
હીરો એક સામાન્ય માણસ જ છે જે મહામુશ્કેલીભરી પરિસ્થિતીમાં પણ સ્વબળ,ખંત અને ધીરજ જેવા ગુણો જાળવી રાખે છે.

('ઈન્ટરનેટ પરથી')

Tuesday, October 2, 2018

બુદ્ધિમત્તા અને ડહાપણ વચ્ચેનો ભેદ

૧. બુદ્ધિમત્તા દલીલ તરફ દોરી જાય છે, ડહાપણ સમાધાન તરફ. 
૨. બુદ્ધિમત્તા ઈચ્છાઓનું બળ છે, ડહાપણ ઈચ્છાઓ પર બળ (સંયમ). 
૩. બુદ્ધિમત્તા ગરમી છે, એ બાળે છે; ડહાપણ હૂંફ છે, એ શાતા આપે છે. 
૪. બુદ્ધિમત્તા જ્ઞાનની તલાશ છે, એ થકવી દે છે ; ડહાપણ સત્યની શોધ છે, એ સદાયે પ્રેરણા આપતું રહે છે. 
૫. બુદ્ધિમત્તા જકડી રાખતા શીખવે છે, ડહાપણ જતું કરતા. 
૬. બુદ્ધિમત્તા દોરે છે, ડહાપણ તમને માર્ગદર્શન આપે છે. 
૭. બુદ્ધિમાન માણસ વિચારે છે કે તેને બધી જ ખબર છે, જ્યારે ડાહ્યો માણસ વિચારે છે કે હજી કઇંક શીખવાનું બાકી છે. 
૮. બુદ્ધિમાન માણસ પોતાનો કક્કો ખરો કરવાની વેતરણમાં પડ્યો હોય છે, ડાહ્યો માણસ જાણે છે કે કોઈ જ મુદ્દો સો ટકા સાચો કે સો ટકા ખોટો હોતો નથી. 
૯. બુદ્ધિમાન માણસ મુક્તતાથી વણ-માંગી સલાહ આપતો ફરે છે, ડાહ્યો માણસ જ્યાં સુધી બધાં જ પર્યાય સમાપ્ત ન થઈ ગયા હોય ત્યાં સુધી મૌન સેવે છે. 
૧૦. બુદ્ધિમાન માણસ કહેલું બધું સમજી જાય છે, ડાહ્યો માણસ ન કહેલું પણ સમજી જાય છે. 
૧૧. બુદ્ધિમાન માણસ કહે છે જ્યારે તેને કઇંક કહેવું હોય છે, ડાહ્યો માણસ કહે છે જ્યારે તેની પાસે કઇંક કહેવા જેવું હોય છે. 
૧૨. બુદ્ધિમાન માણસ બધું સાપેક્ષ છે (relative) એમ સમજે છે, ડાહ્યો માણસ બધું સંકળાયેલું કે સંબંધિત (related) છે એમ સમજે છે. 
૧૩. બુદ્ધિમાન માણસ ટોળાને કાબુમાં લેવાના પ્રયત્નો કરે છે, ડાહ્યો માણસ ટોળામાંથી પોતાનો રસ્તો શોધી લેવાનો પ્રયત્ન કરે છે. 
૧૪. બુદ્ધિમાન માણસ ઉપદેશ આપે છે, ડાહ્યો માણસ સારું આચરણ અમલમાં મૂકી પોતાની મંઝિલ સુધી પહોંચી જાય છે. 

બુદ્ધિમત્તા સારી છે પણ ડહાપણ વધુ સારા પરિણામ આણે છે. 

(ઇન્ટરનેટ પરથી)