Monday, April 29, 2019

ભગવાન છે ને!

એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.

માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’

ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’

માણસે કહ્યું, ‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’

ભગવાન હસ્યા. પૂછ્યું, ‘પણ શું થયું?’

માણસે કહ્યું, ‘સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઊઠવામાં મોડું થયું...’

ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘પછી મોડું થતું હતું એમાં સ્કૂટર બગડી ગયું. માંડ-માંડ રિક્ષા મળી.’

ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘ટિફિન લઈ ગયો નહોતો, કૅન્ટીન બંધ હતી... એક સૅન્ડવિચ પર દિવસ કાઢ્યો. એ પણ ખરાબ હતી.’

ભગવાન માત્ર હસ્યા.

માણસે ફરિયાદ આગળ ચલાવી, ‘મને કામનો એક મહત્વનો ફોન આવ્યો હતો અને ફોન બંધ થઈ ગયો.’

ભગવાને પૂછ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘વિચાર કર્યો કે જલદી ઘરે જઈ એ. સી. ચલાવીને સૂઈ જાઉં, પણ ઘરે પહોંચ્યો તો લાઇટ ગઈ હતી. ભગવાન, બધી તકલીફ મને જ. આવું કેમ કર્યું તેં મારી સાથે?’

ભગવાને કહ્યું, ‘જો, મારી વાત શાંતિથી સાંભળ. આજે તારી ઘાત હતી. મારા દેવદૂતને મોકલીને મેં એ અટકાવી. અલાર્મ વાગે જ નહીં એમ કર્યું. સ્કૂટરમાં ઍક્સિડન્ટ થવાનો ભય હતો એટલે સ્કૂટર મેં બગાડ્યું. કૅન્ટીનના ખાવાથી ફૂડ-પૉઇઝન થઈ જાત. ફોન પર મોટા કામની વાત કરનાર પેલો માણસ તને મોટા ગોટાળામાં ફસાવી દેત. એટલે ફોન બંધ થયો. તારા ઘરે સાંજે શૉર્ટ સર્કિટથી આગ લાગત અને તું એ. સી. માં સૂતો હોત એટલે તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી ! હું છું ને! તને બચાવવા જ મેં આ બધું કર્યું.’

માણસે કહ્યું, ‘ભગવાન, મારી ભૂલ થઈ. મને માફ કરો. આજ પછી ફરિયાદ નહીં કરું.’

ભગવાન બોલ્યા, ‘માફી માગવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ રાખ કે હું છું. હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે. જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે. મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ. જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખભે મૂકી દે. હું છું ને! '

(ઇન્ટરનેટ પરથી)

Saturday, April 20, 2019

ચૂંટણીમાં વોટ વિચારીને આપજો!

           એક હોસ્ટેલની કેન્ટીનમાં રોજ સવારે નાસ્તામાં ઉપમા પીરસવામાં આવતો. મોટા ભાગના વિદ્યાર્થીઓ ઉપમાથી કંટાળી ગયા હતાં અને તેમણે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો, વોર્ડન ને ફરિયાદ કરી અને સવારના નાસ્તામાં કઇંક નવું આપવાની માંગણી કરી. પણ કુલ સો માંથી વીસ વિદ્યાર્થીઓ એવા હતાં જેમણે ક્યારેય ઉપમા સિવાય અન્ય કંઈ ચાખ્યું જ નહોતું અને તેઓ બદલાવ નહોતા ઝંખતા. વોર્ડને નવી વાનગીઓનું એક લિસ્ટ તૈયાર કર્યું અને વિદ્યાર્થીઓને પોતપોતાની પસંદગી મુજબ વોટ આપવા કહ્યું. પેલા વીસ વિદ્યાર્થીઓએ અન્ય વિકલ્પો જોવાની પણ દરકાર કર્યા વગર ઉપમાને જ મત આપ્યો. 
      હવે બાકી એંસી વિદ્યાર્થીઓએ સંગઠિત થયા વગર અલગ અલગ વાનગીઓ પસંદ કરી. ૧૮ જણે ઢોસા પસંદ કર્યાં, ૧૬ જણે રોટલીને મત આપ્યો, ૧૪ જણે ઈડલી પર પસંદગીની મહોર મારી,૧૨ જણે બ્રેડ-બટર પસંદ કર્યાં અને ૧૦ - ૧૦ જણે પોંગલ અને નૂડલ્સને વોટ આપ્યાં.
       કહેવાની જરૂર ખરી કેન્ટીનમાં ઉપમા જ સવારના નાસ્તામાં ચાલુ રહ્યો.
       ચૂંટણી આવી રહી છે... વિચારીને વોટ આપજો!

(ઇન્ટરનેટ પરથી)

Sunday, April 14, 2019

ધર્મ અને અધ્યાત્મ

ધર્મ એક નથી, ઘણાં છે; અધ્યાત્મ એક જ છે.

ધર્મ સૂતેલાઓ માટે છે, અધ્યાત્મ જાગેલા માટે છે.

ધર્મ એમના માટે છે જેમને શું કરવું એ કહેવાની અને માર્ગદર્શનની જરૂર હોય છે, અધ્યાત્મ એમના માટે છે જેઓ પોતાના અંતરના અવાજ પ્રત્યે સભાન હોય છે.

ધર્મ ના ચૂસ્ત નિયમો હોય છે, અધ્યાત્મ આપણને દરેક બાબતનું કારણ શોધવા, પ્રશ્નો પૂછવા પ્રેરે છે.

ધર્મ ધમકાવે અને ડરાવે છે, અધ્યાત્મ આંતરીક શાંતિ બક્ષે છે.

 ધર્મ પાપ અને પસ્તાવાની વાત કરે છે, અધ્યાત્મ ભૂલમાંથી કઇંક શીખવાની વાત કહે છે.

ધર્મ દરેક ખોટી વસ્તુને દબાવે છે, અધ્યાત્મ દરેક વસ્તુને ઉંચે લઈ જાય છે, સત્ય ની નજીક આણે છે.

ધર્મ એક ભગવાનની વાત કરે છે, એ પોતે ભગવાન નથી. અધ્યાત્મ સર્વજ્ઞ છે અને તેથી એ ઈશ્વરમાં છે.

ધર્મ છતું કરે છે, અધ્યાત્મ નવી શોધ કરે છે.

ધર્મ કોઈ પ્રશ્ન સહન કરતો નથી, અધ્યાત્મ દરેક બાબત અંગે પ્રશ્ન કરે છે.

ધર્મ મનુષ્યો સર્જિત છે, એ માણસો દ્વારા બનાવાયેલા નિયમો દ્વારા સંચાલિત થાય છે. અધ્યાત્મ દિવ્ય છે, કોઈ પ્રકારના માનવ સર્જિત નિયમો દ્વારા ચાલતો નથી.

ધર્મ ભાગલાનું કારણ છે, અધ્યાત્મ જોડે છે.

ધર્મ તમે એમાં વિશ્વાસ કરો એવી અપેક્ષા રાખે છે, અધ્યાત્મમાં વિશ્વાસ કેળવવા તેને આત્મસાત કરવો પડે છે.

ધર્મ કોઈક પવિત્ર પુસ્તકમાં લખેલા સિદ્ધાંતો અનુસરે છે, અધ્યાત્મ દરેક પુસ્તકમાં પવિત્રતા ઝંખે છે.

ધર્મ ડર પર નભે છે, અધ્યાત્મ વિશ્વાસ અને શ્રદ્ધા પર નભે છે.

ધર્મ વિચારમાં જીવે છે, અધ્યાત્મ અંતરની શુદ્ધિમાં.

ધર્મ કર્મકાંડ માં માને છે, અધ્યાત્મ અંતર મન સાથે વાર્તાલાપમાં.

ધર્મ અહં ને પોષે છે, અધ્યાત્મ પરમાત્મામાં વિલીન કરવા પ્રેરે છે.

ધર્મ આપણને એક ઈશ્વરને પામવા સંસારનો ત્યાગ કરવા સમજાવે છે, અધ્યાત્મ આપણને આપણી સાંસારિક જવાબદારીઓનો ત્યાગ કર્યા વગર પરમાત્મામાં એકાકાર થઈ જીવવા કહે છે.

ધર્મ એક ધૂન છે, સાંપ્રદાયિક પ્રણાલિ છે, અધ્યાત્મ અંતરના ધ્યાનની પ્રક્રિયા છે.

ધર્મ આપણને સ્વર્ગમાં કીર્તિ, યશ અને સુખના સ્વપ્ન બતાવે છે, અધ્યાત્મ આપણને પૃથ્વી પર સ્વર્ગનો અનુભવ કરતા શીખવે છે.

ધર્મ ભૂત કાળ માં અને ભવિષ્યકાળમાં જીવે છે, અધ્યાત્મ વર્તમાનમાં જીવે છે.

ધર્મ આપણાં મનમાં ગાંઠો સર્જે છે, અધ્યાત્મ આપણી વિવેકબુદ્ધિને મુકત કરે છે.

ધર્મ આપણને શાશ્વત જીવનમાં વિશ્વાસ કરતા શીખવે છે, અધ્યાત્મ આપણને શાશ્વત જીવન વિશે જાગૃત કરે છે.

ધર્મ મૃત્યુ પછીના જીવન વિશે વાત કરે છે, અધ્યાત્મ આપણા જીવન દરમ્યાન, મૃત્યુ પહેલા ભગવાનને અંતરાત્મામાં શોધતા શીખવે છે.

આપણે મનુષ્ય જીવો નથી જે આધ્યાત્મિક અનુભવમાંથી પસાર થાય છે પણ આપણે આધ્યાત્મિક જીવો છીએ જે મનુષ્ય અનુભવ માંથી પસાર થાય છે.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, April 7, 2019

મૂલ્યોની અદલાબદલી

       મને વહેલી સવારે ૪ વાગે એક સપનું આવ્યું અને હું સફાળો જાગી ગયો. હું એક અતિ ભવ્ય અને મોટા શોપીંગ મોલમાં હતો. મારે મોજાની એક જોડ અને ગળામાં પહેરવાની ટાઇ ખરીદવા હતાં. હું એક દુકાનમાં દાખલ થયો અને મેં એક સ્વેટર જોયું જેના પર પ્રાઇઝ ટેગ લગાડેલું હતું નવ હજાર રૂપિયાનું. બાજુમાં એક જીન્સ હતું દસ હજાર રૂપિયાના પ્રાઇઝ ટેગ સાથે અને મોજા આઠ હજાર અને ટાઇ સોળ હજાર રૂપિયાના પ્રાઇઝ ટેગ સાથે!
        મારી નજર કોઈ સેલ્સમેનને શોધવા માંડી જેની સાથે હું આ અસામાન્ય ભાવો અંગે ચર્ચા કરી શકું. એક સેલ્સમેન મને કાંડા - ઘડિયાળ વાળા કાઉન્ટર પર જોવા મળ્યો જે એક ગ્રાહકને સવા બસો રૂપિયાની રોલેક્સ ઘડિયાળ વેચી રહ્યો હતો. બાજુના એક અન્ય કાઉન્ટર પર કાચના ખાનામાં ઝગારા મારતી સાચા હીરાની વીંટી માત્ર પંચાણુ રૂપિયાના પ્રાઇઝ ટેગ સાથે વેચવા મૂકેલી જોવા મળી.
       આભા બની ગયેલા મેં સેલ્સમેનને પૂછ્યું, "રોલેક્સની ઘડિયાળ અહીં કઈ રીતે સવા બસો રૂપિયામાં અને મામૂલી મોજાંની જોડ આઠ હજાર રૂપિયામાં વેચવામાં આવે છે?"
તેણે જવાબ આપ્યો, "ગઈ કાલે રાત્રે કોઈકે દુકાનમાં પ્રવેશી બધી ચીજ વસ્તુઓના પ્રાઇઝ ટેગ્‌સની અદલાબદલી કરી નાંખી છે. ત્યારથી બધા મૂંઝાયેલા છે. લોકો એ રીતે વર્તી રહ્યાં છે જાણે તેઓ સાચા ભાવનાં મૂલ્ય અંગેનું ભાન ભૂલી બેઠાં હોય. તેઓ સાવ મામૂલી ચીજ માટે મસમોટી કિંમત ખર્ચવા તૈયાર છે અને અતિ મોંઘી, મૂલ્યવાન ચીજ સાવ નજીવા ભાવે ખરીદવા રાજી થઈ ગયા છે. એમ લાગે છે જાણે તેમને ખબર જ નથી કે શું મૂલ્યવાન હોવું જોઈએ અને શું નહીં. ભગવાન કરે ને બધાં પ્રાઇઝ ટેગ્‌સ ફરી યથાવત તેમના યોગ્ય સ્થાને આવી જાય. લોકોને આમ સાવ સસ્તી ચીજ આસમાની ભાવે ખરીદતા જોઈ મને દયા આવે છે. "
... અને હું સફાળો જાગી ગયો! મને વિચાર આવ્યો કે આપણાં જીવનની સ્થિતી પણ કદાચ આ સ્વપ્ન જેવી જ છે. કોઈકે આપણા જીવનમાં આવી સઘળાં પ્રાઇઝ ટેગ્‌સ આમતેમ ફેરવી નાખ્યાં છે.
     સ્પર્ધા, સત્તા, પદવીઓ, ખ્યાતિ, બઢતી, દેખાવ, પૈસા અને સમાજમાં સ્થાન જેવી બાબતોનું મૂલ્ય ઘણું વધારી દેવાયું છે અને સુખ, પરિવાર, સંબંધો, માનસિક શાંતિ, સંતોષ, પ્રેમ, જ્ઞાન, દયા અને મિત્રતા જેવી સારી વાતો પર મસમોટું ડિસ્કાઉંટ મૂકી દેવાયું છે.
     આપણે સૌ મેં જોયેલું સ્વપ્ન જીવી રહ્યાં છીએ... હું આશા રાખું છું કે આપણે સૌ સમયસર જાગી જઈએ....

(ઇન્ટરનેટ પરથી)