Thursday, July 30, 2015

એક પગે એવરેસ્ટ સર કરનાર અરુણિમા સિંહાનું પ્રેરણાત્મક વક્તવ્ય(ભાગ - ૧)


હું ૨૬ વર્ષની છું. હું વોલીબોલ ચેમ્પિયન રહી ચુકી છું. ૨૦૧૧માં હું એક વાર લખનૌથી દિલ્હી આવી રહી હતી ત્યારે કેટલાક બદમાશોએ મને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધી. મેં સોનાની ચેઈન પહેરી હતી. સામાન્ય વર્ગનો ડબ્બો હતો,ઘણાં બધાં લોકોએ માત્ર તમાશો જોયા કર્યો. કોઈ મદદ માટે આગળ આવ્યું નહિ. પણ એક રમતવીરનો આત્મા તેની પાસેથી કોઈક કંઈ ઝૂંટવી જાય ત્યારે શાંત રહી શક્તો નથી, તે સામનો કરે છે. મેં પણ બદમાશોએ ચેઈન ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમની સામે ઝૂકી જવાને બદલે તેમનો સામનો કર્યો પણ તેઓ ચાર-પાંચ હતાં. તેમણે મને ઉંચકીને ચાલુ ટ્રેને ડબ્બાની બહાર ફેંકી દીધી. દુર્ભાગ્યવશ તે સમયે સામેના પાટા પરથી ટ્રેન આવી રહી હતી. હું ટ્રેન સાથે ભટકાઈ અને પાટા પર નીચે પડી ગઈ. બંને ટ્રેનો પસાર થઈ ગઈ ત્યાર બાદ મેં મારા બંને હાથ વડે ટેકો લઈ ઉભા થવા પ્રયત્ન કર્યો અને મેં શું જોયું? મારો એક પગ કપાઈ ગયો હતો. મેં જીન્સ પહેર્યું હતું તેમાંથી મારો એક પગ કપાઈને બહાર ફેંકાઈ ગયો હતો અને બીજા પગનાં પણ હાડકા વગેરે તૂટી ગયા હતાં, બહાર આવી ગયા હતાં. આખી રાત હું પાટા પર પથ્થરો વચ્ચે પીડાથી કણસતી મદદ માટેની ચીસો પાડતી પડી રહી. કોઈ બચાવવા આવ્યું. મારી દ્રષ્ટી ક્ષીણ થઈ રહી હતી. પાટા પરથી અન્ય ટ્રેન પસાર થાય ત્યારે આજુ બાજુની જમીન સાથે હું પણ ધ્રૂજી ઉઠતી હતી. રાતે મારા કપાયેલા પગ પર ઉંદરો આવીને ચાંચ મારવા લાગ્યાં. મારા શરીરની સઘળી ચેષ્ટાઓ બંધ થઈ ગઈ હતી પણ મારૂં મગજ સતત કાર્યરત હતું. આખી રાત હું એમ વિચારતી પડી રહી કે હું કઈ રીતે મારી જાત ને બચાવું?

સવારે આસપાસના ગામવાળાઓએ મને પાટા પર પડેલી જોઈ. ઉત્તર પ્રદેશના બરેલી જીલ્લા પાસે ઘટના બની હતી. ગામવાળાઓએ મને ત્યાંની હોસ્પિટલમાં પહોંચાડી. ગામડાની નાનકડી હોસ્પિટલમાં મને જોઈ ડોક્ટરો, ફાર્માસિસ્ટ વગેરે સૌ ચર્ચા કરવા માંડ્યા કે છોકરીનો ઇલાજ શરૂ કઈ રીતે કરવો? અમારી પાસે એનેસ્થેશિયા નથી,શસ્ત્રક્રિયાના સાધનો નથી. મને કંઈ દેખાઈ રહ્યું નહોતું પણ હું બધું સાંભળી રહી હતી. કોણ જાણે ક્યાંથી મારામાં અદભૂત તાકાત આવી ગઈ હતી. મેં ડોક્ટર અને ફાર્માસિસ્ટ સાથે વાતચીત કરી મને બચાવી લેવા કહ્યું.તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ડોક્ટરે દર્દીને પોતાનું લોહી આપી તેનો ઇલાજ કર્યો હોય?પણ મારી હિંમત જોઈ ડોક્ટર અને ફાર્માસિસ્ટે એક એક બાટલો લોહી મને આપી મારા પગને એનેસ્થેસિયા વગર શસ્ત્રક્રિયા થકી દૂર કર્યો.આજે પણ હું દર્દને મહેસૂસ કરું છું.જ્યારે જ્યારે હું ઘટના શબ્દોમાં વર્ણવું છું ત્યારે ત્યારે પીડા હું ફરી અનુભવું છું.

ત્યાર બાદ વાત મિડીયામાં આવી,લોકોને ખ્યાલ આવ્યો કે અરુણિમા રાષ્ટ્રીય સ્તરની ખેલાડી છે, મને કે.જી.એમ.સી.(કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ) લખનૌથી  દિલ્હીની AIIMS (All India Institute of Medical Sciences) ટ્રોમા સેન્ટર સારવાર અર્થે લઈ જવામાં આવી.ખેલાડી હોવાને કારણે મને સારી ટ્રીટમેન્ટ મળી રહી હતી.ચારેક મહિના સુધી હું AIIMS માં રહી. પછી જ્યારે મને થોડી કળ વળી અને મેં અખબારો વાંચ્યા ત્યારે તેમાં છપાયેલી ગોળ ગોળ વાતો વાંચી મને આઘાત લાગ્યો.એક ખબરમાં એમ લખાયેલું કે અરુણિમા પાસે ટિકીટના પૈસા નહોતા એટલે એણે ટ્રેનમાંથી કૂદકો માર્યો.મારા ઘરવાળાઓએ અફવાનું ખંડન કર્યું.બીજી એક ખબરમાં એમ જણાવ્યું હતું કે અરુણિમા આત્મહત્યા કરવા પાટા પર કૂદી હતી.એક છોકરીનો પગ કપાઈ ગયો છે,તેના ભવિષ્યનું કંઈ ઠેકાણું નથી,તે હવે પોતાને પગે ચાલી શકશે કે વ્હીલચેરના સહારે તે નક્કી નથી,તેના કરોડરજ્જુમાં ત્રણ ફ્રેક્ચર હતાં, તેને પણ ખબર નહોતી કે પથારીમાંથી ફરી બેઠી થઈ શકશે કે નહિ,ત્યારે તમે માત્ર અંદાજ લગાવી શકશો કે મિડીયામાં ચગેલી ખોટી વાતો વાંચી-સાંભળી મારા હ્રદયમાં કેવા સ્પંદનો ઉઠતા હશે, મારી મનોસ્થિતી કેવી થઈ હશે, પરીવારની શી પરિસ્થિતી થઈ હશે જેની એક જુવાન છોકરીનો આવો કમનસીબ અકસ્માત થયો હતો પણ કહેવાય છે ને જ્યાં ચાહ હોય ત્યાં રાહ મળી રહે છે.ત્યારે AIIMS ની પથારીમાં સૂતા સૂતા મેં નિર્ણય કર્યો કે હું પરિસ્થિતી સામે ઝૂકીશ નહિ, લાચાર બની જઈશ નહિ.અમારો એક મધ્યમ વર્ગીય પરિવાર હતો અને વાતો ઘણી ઉંચા સ્તરની ચાલી રહી હતી.અમે બૂમો પાડી પાડીને સત્ય કહેવાની કોશિષ કરી રહ્યા હતા,પણ કોઈ સુધી અમારો સાચો અવાજ પહોંચી રહ્યો નહોતો.

મેં મારા દિલોદિમાગથી એક વાત નો સંકલ્પ કર્યો કે ભલે આજે સમય મારી સાથે નથી,જેને જેટલું બોલવું હોય બોલી લે પણ એક દિવસ મારો પણ આવશે અને હું સાબિત કરી દઈશ કે હું શું હતી - શું છું.
(ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')

Saturday, July 18, 2015

ઇદ સ્પેશિયલ : એક નાનકડા ફરીશ્તાની વાત


દર શુક્રવારે બપોરે જુમ્માની નમાઝ પછી ઇમામ અને તેનો અગિયાર વર્ષનો પુત્ર તેમના નગરની શેરીઓમાં જઈ લોકોમાં "જન્નતની રાહ" અને એવા અન્ય ઇસ્લામિક સાહિત્યના ફરફરીયા વહેંચતા.
ખાસ બપોરે જ્યારે ઇમામ અને તેમના પુત્રનો શેરીઓમાં જઈ તેમના ફરફરીયા વહેંચવાનો સમય થયો ત્યારે વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો અને ભારે વર્ષા સાથે ખૂબ ઠંડી પડવા માંડી. ઇમામના પુત્રે પોતાના ગરમ અને કોરા કપડા પહેર્યાં અને પિતાને કહ્યું કે પોતે બહાર નિકળવા તૈયાર છે.
ઇમામે પૂછ્યું,"તૈયાર શાના માટે બેટા?"
પુત્રે કહ્યું,"આપણા નિયમ મુજબ ઇસ્લામિક સાહિત્યના ફરફરીયા વહેંચી લોકોને જીવનની સાચી રાહ બતાડવાનું કાર્ય કરવા..."
ઇમામે કહ્યું,"દિકરા અત્યારે બહાર ખૂબ ઠંડી છે અને મૂશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે."
           ઇમામના નિર્દોષ પુત્રે નવાઈ પામતાં પૂછ્યું,"તેથી શું થયું અબ્બા...વરસતા વરસાદમાં પણ લોકો તો નર્કમાં જઈ રહ્યા છે ને? તેમને સાચી રાહ તો બતાવવી પડશે ને?"

ઇમામે પુત્રને સમજાવવાના ખૂબ પ્રયત્નો કર્યા પણ તેણે તો આવા દુષ્કર વાતાવરણમાં પણ શેરીઓમાં એકલા જવાની હઠ પકડી.
છેવટે ઇમામે તેને સંમતિ આપી અને તેના હાથમાં કેટલાક ધાર્મિક ફરફરીયા મૂક્યાં અને કહ્યું," જેવી અલ્લાની મરજી...જા બેટા...જા પણ ધ્યાન રાખજે."
 "ધન્યવાદ પિતાજી!" કહી તે તો દોડ્યો નગરની શેરીઓ ભણી...વરસાદમાં ભીંજાતો...ઠંડીમાં ધ્રૂજતો...
માર્ગમાં જે મળ્યું તેના હાથમાં તેમજ કેટલાક ઘરોના બારણાં ખખડાવી એમાં રહેતા લોકોના હાથમાં તેણે જન્નતનો રાહ બતાવતા ફરફરીયા આપ્યાં.
ધોધમાર વરસતા વરસાદમાં તે સંપૂર્ણપણે પલળી ગયો અને ઠંડીના કારણે ધ્રૂજી રહ્યો હતો પણ તેણે ફરફરીયા વહેંચવાનું ચાલુ રાખ્યું અને છેવટે બે કલાક બાદ તેના હાથમાં છેલ્લું ફરફરીયું બચ્યું.તે શેરીના એક ખૂણે ઉભો ઉભો વિચારતો હતો કે છેલ્લું ફરફરીયું કોના હાથમાં આપું? શેરી આખી સૂનકાર ભરી બની ગઈ હતી. માર્ગમાં ચકલું યે દેખાતું નહોતું.
પણ અચાનક તેની નજર તે ઉભો હતો તેની સામેના એક ઘરના બંધ બારણાં પર પડી. સાહજીક સ્ફૂરણાથી પ્રેરાઈ તે ત્યાં તરફ ગયો અને તેણે બારણાની બાજુ પર રહેલી ઘંટડી વગાડી. અંદરથી કોઈ પ્રતિભાવ મળ્યો. તેણે ફરી વાર ઘંટડી વગાડી પણ કોઈ જવાબ નહિ. પછી તો તેણે ઘણી બધી વાર ઘંટડી વગાડી પણ કોઈ બારણું ખોલવા આવ્યું નહિ. તેણે થોડી રાહ જોઈ પણ કોઈ પ્રતિભાવ નહિ.
છેવટે તેણે ત્યાંથી પાછા ફરવાનું નક્કી કર્યું પણ કંઈક તેને રોકી રહ્યું હતું. તેણે ફરી એક વાર ઘંટડી વગાડી અને પછી પોતાના હાથ વડે જોર જોર થી બારણું ખખડાવવા માંડ્યું. કોઈક અકથ્ય ભાવ તેને ત્યાંથી આગળ વધવા દેતો નહોતો! જાણે ત્યાં જડાઈ ગયો હતો. છેવટે ઘણાં સમય બાદ તેને લાગ્યું કે કોઈક બારણું ખોલી રહ્યું છે અને ધીમેથી ખરેખર બારણું ખુલ્યું.
બારણું ખોલનાર એક અતિ વૃદ્ધ ઉદાસ ચહેરો ધરાવતી સ્ત્રી તેની સામે ઉભી હતી. તેણે મૃદુતાથી પૂછ્યું,"અહિં કેમ આવવું થયું બેટા?"
તેજસ્વી આંખો ધરાવતા અને દૈવી સ્મિત ધરાવતા કિશોરે તેને કહ્યું,"મને માફ કરશો અમ્મા જો મેં તમને ખલેલ પહોંચાડી હોય તો...પણ મારે તમને એટલું કહેવું છે કે અલ્લા તમને ખુબ પ્રેમ કરે છે અને તેને તમારી ખુબ પરવા છે. મારી પાસે અલ્લાનો સંદેશ આપતું છેલ્લું ફરફરીયું બચ્યું છે જેનો તમે સ્વીકાર કરો. એમાં સંસારના સર્જનનું રહસ્ય વ્યક્ત થયેલું છે અને સાચી ખુશી કઈ રીતે પામી શકાય તેની વાત સમજાવેલી છે."
 .... અને તેણે પોતાનું છેલ્લું ફરફરીયું તે મહિલાના હાથમાં મૂકી ત્યાંથી સંતોષપૂર્વક વિદાય લીધી.

પછીના શુક્રવારે બપોરે જુમ્માની નમાઝ બાદ ઇમામ કોઈ પ્રવચન કરી રહ્યા હતા અને તે પૂરું થતા નિયમ પ્રમાણે તેમણે શ્રોતાઓને પ્રશ્ન કર્યો કે કોઈને કંઈ કહેવું કે પૂછવું છે.
ધીમેથી પાછળ બેઠેલી મહિલાઓમાંથી એક અવાજ આવ્યો "મારે કંઈક કહેવું છે..." કોઈ   મહિલાને ઓળખતું નહોતું. તેણે કહ્યું,"હું અહિ પહેલા ક્યારેય આવી નથી.ગયા શુક્રવાર પહેલા હું સાચી મુસલમાન પણ નહોતી અને મને લાગતું કે હું ક્યારેય બની શકીશ પણ નહિ."
મારા પતિ મને કાયમને માટે એકલી મૂકીને થોડા વર્ષો પહેલાં ચાલ્યા ગયા.હું સાવ એકલી પડી ગઈ હતી.મારા જીવનમાં આશાનું એક પણ કિરણ બચ્યું નહોતું. ગયા શુક્રવારે ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે મેં મારા જીવનનો અંત આણવાનું નક્કી કરી નાંખ્યુ હતું.આથી હું એક દોરડું અને ખુરશી લઈ મારા ઘરના મેડે ચડી હતી. મેં દોરડું છત પર બાંધી અને તેના પર ફાંસો ખાવા હું ખુરશી પર ચડી પણ ગઈ હતી. મારા દુ:ખી જીવનનો અંત આણવાની તૈયારીમાં હતી ત્યાં મારા બારણે ટકોરા પડ્યા.
મેં વિચાર્યું, હું થોડી રાહ જોઉ, જે હશે ચાલ્યું જશે. મેં રાહ જોઈ પણ બારણે વાગતી ઘંટડી બંધ થઈ. થોડી વાર બાદ તો બારણે ઉભેલા આગંતુકે ઘંટડીને બદલે બારણું જોરજોરથી ખખડાવવાનું શરૂ કર્યું.
મને વિચાર આવ્યો મને મળવા તો ક્યારેય કોઈ આવતું નથી.તો પછી આટલું અધીરું થઈ આજે કોણ આવ્યું હશે બારણે?
મેં ફાંસી ખાવા હાથમાં લીધેલું દોરડું છોડી દીધું અને દરવાજો ખોલવા નીચે ઉતરી બારણાં તરફ જવા માંડ્યું. દરમ્યાન બારણાં પર નો ખખડાટ વધતો ચાલ્યો.જેવો મેં દરવાજો ખોલ્યો કે હું આભી બની ગઈ.મારી સામે અલ્લાના ફરિશ્તા જેવો ધોળો ધોળો દૂધ જેવો દૈવી કિશોર ઉભો હતો. તેના મુખ પર હતું એવુ સ્મિત મેં જીવનમાં ક્યારેય કોઈના મુખ પર જોયું નહોતું. હું મારી ત્યારે અનુભવેલી લાગણીઓને શબ્દોમાં વર્ણવી શકીશ નહિ. તેના મુખકમળમાંથી સરેલા શબ્દોએ જાણે મારા મૃત હ્રદયને ફરી ધડકતું કરી નાંખ્યુ! તેણે તેના અતિ મધુર સ્વરે કહ્યું," અમ્મામારે તમને એટલું કહેવું છે કે અલ્લા તમને ખુબ પ્રેમ કરે છે અને તેને તમારી ખુબ પરવા છે."
પછી એણે મને ફરફરીયું આપ્યું "જન્નત ની રાહ" જે અત્યારે પણ મારા હાથમાં છે. જેવો દૈવી છોકરો મારી આંખો સામેથી દૂર થયો કે મેં બારણું બંધ કર્યું અને ઘરમાં આવી તરત મેં ફરફરીયામાં લખેલો એકે એક શબ્દ વાંચ્યો. પછી  હું ફરી ફાંસી લેવા માટે તૈયાર રાખેલા દોરડા પાસે ગઈ અને મેં તેને ફેંકી દીધું કારણ હવે હું ક્યારેય એનો ઉપયોગ કરવાની નહોતી.
હવે હું અલ્લાની સાચી ભક્ત,અનુયાયી બની ચૂકી છું.ફરફરીયામાં છેલ્લે લખેલા તમારા સરનામાને શોધતી શોધતી હું અહિ લગી આવી છું અલ્લાના નાનકડા ફરીશ્તાનો હ્રદયપૂર્વક આભાર માનવા કારણ તેણે અણીના સમયે આવીને મને મારું મૂલ્યવાન જીવન ટૂંકાવી દઈ શાશ્વતી નર્કાગારમાં જતાં બચાવી છે.”
મસ્જીદમાં ઘટના સાંભળી એક પણ આંખ કોરી રહી નહિ. હવામાં "તકબીર...અલ્લાહ અકબર..." ના નારા ગૂંજી રહ્યાં.
પિતા ઇમામ પોતાની બેઠક પરથી ઉતરી નીચે પ્રથમ હરોળ પાસે આવ્યા જ્યાં તેમનો પુત્ર બેઠો હતો અને તેને બાથમાં લઈ ચોધાર આંસુએ રડી પડ્યા.
ક્ષણ અદભૂત હતી, વિરલ હતી, દિવ્ય હતી જ્યારે સંસારનો એક પિતા – ઇમામ પોતાના પુત્ર માટે સૌથી વધુ  પ્રેમ અને આદર અનુભવી રહ્યો હતો !

('ઈન્ટરનેટ પરથી')