Saturday, November 23, 2019

એક સમજુ પિતાનો પત્ર

પ્રિય પુત્ર,

જીવન, નસીબ અને મૃત્યુ અંગે કોઈ જાણી શક્યું નથી, તો અમુક વાત જરૂરી છે કે વહેલામાં વહેલી જ કહી દેવાય. હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું, તો તને કોઈ જ નહિ કહી શકે. આ બધી વાત હું મારા અનુભવથી કહું છું અને જો હું નહિ કહું, તો પણ તું તારા જીવનમાં શીખીશ જ. પણ, ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય. જીવન સારૂં ને શાંતિથી જીવવા આટલું જરૂર કરજે.

૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે, તો મન માં દુઃખ ના લાવીશ. તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે, બાકી દુનિયાની કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે, તો એના માટે
માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેજે. કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે, તો એનો આભાર વ્યક્ત કરવો, પણ હંમેશા સાવચેત રહેવું. આ દુનિયામાં મારા અને તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ/સ્વાર્થ
પણ હોઈ શકે છે. ઉતાવળમાં કોઈ ને પણ સારા મિત્ર ના માની લેવા.

૨) દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય. આ વાત તને ખાસ કામ
લાગશે, જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી
ચાલ્યા જ કરે છે અને બધી જ વસ્તુઓ કે વ્યક્તિઓ વગર ખુશ રહેતા શીખી લેજે.

૩) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફીશ, તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. જીંદગીના દરેક દિવસ-દરેક પળનો સદુપયોગ કરજે.

૪) પ્રેમ એ બીજું કાંઈ જ નથી, પણ એક બદલાતી લાગણી જ છે, જે સમય અને સંજોગો સાથે બદલાતી જ રહે છે. જો તારો પ્રેમ તને છોડી જાય, તો સંયમ રાખજે. સમય દરેક દર્દને ભૂલાવે જ છે. કોઈની સુંદરતા અથવા પ્રેમમાં જરૂરત કરતાં વધુ ડૂબી ના જવું અને કોઈના દુઃખમાં પણ જરૂર કરતા વધુ પરેશાન ના થવું.

૫) અભ્યાસમાં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળ બન્યા છે, પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસમાં નબળો માણસ સફળ જ થાય. વિદ્યાથી વધુ કશું જ
નથી. ભણવાના સમયે ધગશથી ભણજે.

૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે અથવા હું પણ
તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ, તે પણ મને ખબર નથી. મારી ફરજ તને મોટો કરીને, સારું ભણતર આપીને પૂરી થાય છે. એ પછી તું દુનિયાની મોંઘી ગાડીઓમાં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ, એ તારી
મહેનત અને આવડત ઉપર નિર્ભર છે.

૭) તું તારું વચન હંમેશા પાળજે, પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખતો. તું સારું કરજે પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખતો. જો આ વાત તને વહેલી સમજાઇ જશે, તો તારા જીવનના મોટા ભાગ ના દુઃખ દૂર થઇ જશે.

૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવનમાં એમ નસીબથી
જ અમીર થઇ જવાતું નથી, એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. તો મહેનતથી કોઈ દિવસ ભાગતો નહિ.

૯) જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો કોઇ જ ભરોસો નથી, તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ, તેટલો વિતાવી લઈએ કારણ કે આવતો જન્મ તો આવશે જ, પણ એ જન્મમાં આપણે મળશું કે નહિ તે ખબર નથી. તો આ જન્મ માં વધુમાં વધુ સમય પરિવાર સાથે વિતાવજે.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, November 17, 2019

બર્ડમેન ઓફ ઈન્ડિયા - સલીમ અલી

       સલીમ અલી એટલે સૌથી મહાન પક્ષીશાસ્ત્રી અને પર્યાવરણવિદ ભારતના બર્ડ મેન તરીકે જગવિખ્યાત છે. તે ભારત અને વિશ્વભરમાં પદ્ધતિસર પક્ષી સર્વેક્ષણ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિકો માંના એક હતા. પક્ષી શાસ્ત્રના વિકાસમાં તેમના સંશોધને ખાસ્સો પ્રભાવ પાડયો છે.
      ૧૨મી નવેમ્બરે તેમની ૧૨૩મી જન્મજયંતિ છે, આ નિમિત્તે ચાલો આજે તેમના વિશે, તેમના જીવન અને કાર્ય વિશે થોડું જાણીએ.
સલીમ મોઇઝૂદ્દીન અબ્દુલ અલી વર્ષ ૧૮૯૬માં જન્મ્યા અને તેમના માતાપિતાને થયેલા નવ સંતાનોમાં તે સૌથી નાના હતા. તે એક વર્ષના હતા ત્યારે તેમના પિતા મોઇઝૂદ્દીન અવસાન પામ્યા અને ત્રણ વર્ષની ઉંમરે તેમણે માતા ઝીનત-ઉન-નિસ્સાનું છત્ર ગુમાવ્યું.  અકાળે અનાથ બનેલા સલીમનો ઉછેર તેમના સગા હમીદા બેગમ અને અમીરુદ્દીન તૈયબજીએ કર્યો. તેઓ મુંબઈમાં વસતા હતા.
દસ વર્ષની કુમળી વયે એક વાર તેમણે એક ઉડતું પારેવડું દીઠું અને એમણે તેને ઠાર માર્યું. હ્રદયથી નરમ એવા સલીમે દોડીને તેને હાથમાં ઉપાડી લીધું. એ તેમને ચકલી જેવું લાગ્યું, પણ તેના ગળા પર તેમણે એક અલગ જણાતો પીળો પટ્ટો જોયો. ઉત્સુક એવા તેમણેએ પાલક પિતા અમીરુદ્દીનને બતાવ્યો અને આ કયું પક્ષી છે એ અંગે પૃચ્છા કરી. આ અંગે નો જવાબ ન આપી શકતા અમીરુદ્દીન તેમને પોતાના મિત્ર, બી. એન. એચ. એસ. - બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના માનદ સચિવ ડબ્લ્યુ. એસ. મિલાર્ડ પાસે લઈ ગયા. (બી. એન. એચ. એસ. પર્યાવરણ અને તેની જાળવણી અંગે સંશોધન કરતી વર્ષો જૂની અગ્રેસર બિનસરકારી સંસ્થા છે.)
     મિલાર્ડ નાનકડા સલીમનો પક્ષીમાં અસાધારણ રસ જોઈ તેને ભૂસુ ભરેલા સંગ્રહાયેલા પક્ષીઓ જોવા લઈ ગયા. જ્યારે સલીમે એ પંખીઓમાં પોતે પકડેલું એ જ જાતિનું અન્ય પક્ષી જોયું ત્યારે તેના હરખ અને આશ્ચર્ય નો પાર ન રહ્યો. એ પછી તો સલીમ ત્યાં વારંવાર જવા માંડ્યો.
    સલીમે કૉલેજ અટેન્ડ તો કરી પણ તેણે ફોર્મલ યુનિવર્સિટીની ડીગ્રી મેળવી નહીં. ટંગસ્તન માઇનિંગ એન્ડ ટીમ્બરમાં કામ કરતા  પોતાના ભાઈને મદદ કરવા તે બર્મા (હાલના મ્યાનમાર) ગયા પણ ત્યાંયે પોતાનો મોટા ભાગનો સમય તેમણે પંખીઓ શોધવા અને જોવામાં વિતાવ્યો. જલ્દી જ તેઓ મુંબઈ પાછા ફર્યા.
      પાછા ફર્યા બાદ તરત સલીમે સેન્ટ ઝેવિયર્સ કોલેજ માંથી પ્રાણીશાસ્ત્રમાં ડીગ્રી હાંસલ કરી. ૧૯૧૮ના ડિસેમ્બરમાં તેમણે દૂરના સગામાં થતા તેહમીના બેગમ સાથે નિકાહ પઢ્યા. ૧૯૨૬માં બી. એન. એચ. એસ.ના સંગ્રહાલયમાં તેમણે ગાઇડ તરીકે નોકરી મેળવી.
  તે મુલાકાતીઓને સંગ્રહાયેલા પક્ષીઓ બતાવતા અને તેમના વિશે માહિતી પૂરી પાડતા. તેમનો પંખીઓની જીવવાની રીત, ટેવો વગેરેમાં રસ ઓર વધ્યો. આથી સલીમ જર્મની ગયા અને ત્યાં વસતા વિશ્વ વિખ્યાત પક્ષીવિદ ડૉ. ઈર્વિન સ્ટ્રાસમેનને મળ્યા. એક વર્ષ પછી ૧૯૩૦ માં તેઓ ભારત પરત ફર્યા પણ ત્યારે આર્થિક સંજોગોને કારણે બી. એન. એચ. એસ.ના સંગ્રહાલયની તેમની ગાઇડની નોકરીનું પદ કાઢી નાખવામાં આવ્યું હતું.
     સલીમ અલીને પરિણીત હોઈ પૈસાની જરૂર હતી આથી પેટીયું રળવા તેમણે સંગ્રહાલયમાં જ કારકૂન તરીકેની નોકરી સ્વીકારી લીધી. આ નોકરીએ તેમને પક્ષી જગતનું તેમનું સંશોધન ચાલુ રાખવાની તક આપી. તેમની પત્નીનું ઘર મુંબઈ નજીક કિહિમ નામના નાનકડા ગામે હતું જે વૃક્ષોથી ઘેરાયેલું એક શાંત સ્થળ હતું. અહીં સલીમ પોતાનો મોટા ભાગનો સમય વણકર પંખીની દિનચર્યા નો અભ્યાસ કરવામાં વિતાવતા.
     ૧૯૩૦માં તેમણે એક સંશોધન પત્ર રજૂ કર્યું જેમાં વણકર પક્ષીના સ્વભાવ અને પ્રવૃત્તિઓની વિસ્તારથી ચર્ચા હતી. આ લેખે તેમને સારી એવી પ્રસિદ્ધિ અપાવી અને પક્ષીશાસ્ત્ર ક્ષેત્રે તેમનું નામ અગ્રેસર બન્યું. સલીમ એક જગાએ થી બીજી જગાએ પક્ષીઓના સર્વેક્ષણ માટે જવા લાગ્યા અને તેમણે પક્ષીઓનો વિસ્તૃત અભ્યાસ કર્યો.
    બદનસીબે ૧૯૩૯માં એક સાધારણ શસ્ત્રક્રિયા દરમ્યાન તેમની પત્ની નું મૃત્યુ થયું.
      તેમણે પક્ષીઓ અંગે જે જે બાબતો નોંધી હતી તે સઘળું એક પુસ્તક તરીકે પ્રકાશિત થયું જેનું નામ હતું "The Book of Indian Birds in 1941". આ પુસ્તકમાં ભારતીય પંખીઓના પ્રકાર અને આદતોની માહિતી હતી. ઘણાં વર્ષો સુધી આ પુસ્તકની સારી એવી નકલો વેચાતી રહી. તેમણે અન્ય એક વિશ્વ વિખ્યાત પંખી નિષ્ણાત એસ. ધિલ્લો રિપ્લે સાથે મળી પંખી સંશોધનની દિશામાં ઘણું મહત્વનું કામ કર્યું જે "Handbook of the Birds of India and Pakistan" (૧૦ પુસ્તકોનો સંપુટ) માં પરિણમ્યું. આ પુસ્તકો તેમની ૧૯૬૪ થી ૧૯૭૪ ના એક દસકાની મહેનતનો નિચોડ હતાં જેમાં ઉપખંડના પક્ષીઓનું વર્ણન, તેમના દેખાવ, રહેઠાણ, પ્રજોત્પત્તિ, સ્થળાંતર વગેરે સમાવિષ્ટ હતાં.
     સલીમે અન્ય પણ કેટલાંક પ્રખ્યાત પુસ્તકો લખ્યાં છે જેમકે "Common Birds" (૧૯૬૭), તેમની રસપ્રદ આત્મકથા “The Fall of Sparrow” (૧૯૮૫)
     સલીમે માત્ર પંખીઓ અંગે સંશોધન જ નથી કર્યું પણ પર્યાવરણના સંરક્ષણની દિશામાં પણ અતિ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના અસામાન્ય પ્રયાસો બદલ તેમને પાંચ લાખ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો પણ તે આખી રકમ તેમણે બી. એન. એચ. એસ.ને દાનમાં આપી દીધી. ભારત સરકારે પણ તેમને ૧૯૫૮માં પદ્મભૂષણ અને ૧૯૭૬માં પદ્મવિભૂષણ સન્માનથી નવાજ્યા.
આ મહાન વિભૂતિનું ૯૦ વર્ષની વયે ૧૯૮૭ માં જૂનની ૨૦મી તારીખે પ્રોસ્ટેટ કેન્સર સામે લાંબી લડત બાદ નિધન થયું.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, November 3, 2019

ઉક્તિઓ

દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું..
જયાં મૂકો ત્યાં અજવાળું કરે છે..!

વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,
સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે?

ગમી જઈએ છીએ આપણે ઘણાને
એ પણ ગમતું નથી ઘણાને....

જિંદગી ત્યારે સફળ ગણાય
જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!

ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી
એકબીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે...

હીરા પારખું કરતાં...
પીડા પારખુંનું સ્થાન ઊંચું છે.

ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ,
સૌથી આગળ ક્યાંક એકલું ના થઈ જવાય !!

હક વગરનું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારતનું સર્જન થાય છે......
પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે !!!

નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે.... અને
તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે !!

શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે.
તેમને છંછેડવા, છેતરવા, છાવરવા, છુપાવવા કે છલકાવવા
એ નક્કી આપણે કરવાનું !

આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,
પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ !!

કેમ કરીને રહી શકાય ફુટપટીમાં? ઇચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે !!!!

દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે,
પછી તે સારો હોય કે ખરાબ !!!!

'ખોવાઈ' ગયેલી વ્યકિત મળી શકે, પણ
'બદલાઈ' ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી.

'અભિમાન' અને 'પેટ' જ્યારે વધે છે
ત્યારે 'વ્યકિત'ની ઇચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી નથી શકતો !!!!

જબરી ચીજ બનાવી છે ધન,
મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે..

એકલા ચાલવું આમ તો અઘરું નથી,
પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખૂબ જ અઘરું છે !!

(ઇન્ટરનેટ પરથી)