Saturday, May 25, 2019

મમળાવવા જેવા સુવિચારો

મનુષ્યો વચ્ચે પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે, તેમની વચ્ચે હોય છે એ હોય છે લગાવ કે વળગણ.

આપણને મારી નાખે છે એ તાણ કે સ્ટ્રેસ નહીં પરંતુ તેની સામેની આપણી પ્રતિક્રિયા હોય છે.
     
આભને મર્યાદા નથી હોતી, મર્યાદા હોય છે તમારા આત્મવિશ્વાસને.

જે ક્યારેય હાર માનતું જ ન હોય તેને ક્યારેય કોઈ હરાવી શકતું નથી.

શ્રેષ્ઠતા કોઈ અકસ્માત નથી, એ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે.

જ્યારે આપણે પ્રેમમાં હોઈએ છીએ ત્યારે આપણે સૌથી વધુ જીવંત હોઈએ છીએ.

આત્મવિશ્વાસ પ્રગતિ નું પ્રથમ પગથિયું છે.

મહત્વકાંક્ષા જીવન માટે પ્રાણ સમાન છે.

જ્યારે તમે જે જોઈતું હોય એ મેળવવા કામ કરતા હોવ ત્યારે તમારી પાસે જે હોય છે તેનાથી સંતુષ્ટ અને ખુશ રહો.

જીવન એટલે અપેક્ષિત વસ્તુઓ માટે ઝૂરવું અને બિનઅપેક્ષિત વસ્તુઓનો સામનો કરવો.

જો તમે તમારા બાળપણને સાથે રાખી જીવશો તો ક્યારેય વૃદ્ધ નહીં થાઓ.

અંતે સૌ સારાવાના થશે, જો તમે અંત સુધી એવી આશા ટકાવી રાખશો તો.

જ્યારે એમ કરવું બિનઆરામદાયી કે કષ્ટદાયક હોય ત્યારે પણ સંવાદ સાધતા રહો.

આજની મહામુસીબત આવતી કાલે સાવ ક્ષુલ્લક વાત સાબિત થાય છે.

અંતે કઈ રીતે એ મહત્વનું છે, નહીં કે કેટલું.

 જીવન તમને એટલું જ આપે છે જેટલું તમે ઝંખ્યું હોય.

(ઇન્ટરનેટ પરથી)

તમારા ઘરને ફેંગશૂઈની જરૂર છે?

      સહદેવે પોતાના વ્યવસાયમાં કાઠુ કાઢ્યું અને કમાયેલા નાણાં યોગ્ય રીતે રોકવા લંડન ખાતે જમીનનો એક ટુકડો ખરીદી તેના પર ત્રણ માળનો બંગલો બંધાવ્યો. તેના બંગલામાં સ્વિમિંગ પૂલ પણ હતો અને બગીચો પણ! તેના બંગલાના પ્રાંગણમાં ૧૦૦ વર્ષ જૂનું એક લીચીનું ઝાડ હતું. ખરું જુઓ તો આ જમીન ખરીદી ત્યાં બંગલો બંધાવવાનું મૂળ કારણ આ લીચી નું ઝાડ જ હતું. તેની પત્નીને લીચીઓ ખૂબ ભાવતી હતી.
      બંગલો બંધાવતી વખતે તેના એક મિત્રે સૂચન કર્યું કે તેણે સાવચેતી રૂપે કોઈક ફેંગશૂઈ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. હવે આમ તો તે ફેંગશૂઈ વગેરેમાં વિશ્વાસ ધરાવતો નહોતો પણ ખબર નહીં કેમ આ વખતે તેણે હ્રદયની વાત સાંભળી મિત્રની સલાહને અનુસરતા ખાસ હોંગકોંગના એક ફેંગશૂઈ નિષ્ણાતની સલાહ લેવાનું નક્કી કર્યું. આ નિષ્ણાત એટલે ફેંગશૂઈ વર્તુળમાં સારી એવી ખ્યાતિ અને એ ક્ષેત્રે ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા માસ્ટર કાઓ. તેમને લેવા સહદેવ પોતે ગયો અને તેમણે સાથે શહેરમાં બપોરનું ભોજન લીધું અને પછી તેઓ લંડન જવા રવાના થયા. તે પોતે સોનાનું હ્રદય ધરાવતો હતો અને તે ડૉ. કાઓને પોતે ગાડી હંકારી તેના બંગલે લઈ આવ્યો. માર્ગમાં જો કોઈ ગાડી તેમની ગાડીને ઓવર ટેક કરવા જાય તો તે સસ્મિત એ બધી ગાડીઓને એમ કરવા દેતો.
    ડૉ. કાઓએ હસતા હસતા કહ્યું, "તમારું ડ્રાઇવિંગ અતિ સુરક્ષિત છે! ". સહદેવે આ ટિપ્પણી પર હસતા હસતા જવાબ આપ્યો, "મોટે ભાગે જે લોકો ઓવર ટેક કરતા હોય છે, તેમને કોઈક અતિ જરૂરી બાબત સાથે નિપટવાની ઉતાવળ હોય છે તો તેમની વચ્ચે આવવું જોઈએ નહીં."
ઘર નજીક આવતા શેરી સાંકડી થઈ અને સહદેવે ગાડીની ઝડપ ઓછી કરી નાખી.
    ત્યાં અચાનક એક હસતું રમતું બાળક ગલીમાં ક્યાંકથી સામે આવી ચડયું અને ગાડીની સમાંતરે દોડવા માંડ્યું. સહદેવે ગાડીની ઝડપ ઓછી કરી નાખી. એણે કોઈની રાહ જોઈ રહ્યો હોય એમ ગલીની એક તરફ જોયા કર્યું. ત્યાં તો કોણ જાણે ક્યાંથી બીજું એક બાળક આવી પેલા પહેલા દોડી રહેલા બાળકની પાછળ દોડવા માંડ્યું.
     ફેંગશૂઈ  માસ્ટર નવાઈ પામ્યા અને તેમણે સહદેવને પૂછ્યું, "તમને કઈ રીતે જાણ થઈ કે બીજું બાળક પણ આ પહેલા બાળકને અનુસરવાનું છે?"
સહદેવે સહજતાથી કહ્યું, "બાળકો હંમેશા એકબીજાની સાથે રમતાં હોય છે. પેલો પહેલો છોકરો કોઈ સાથીની સોબત વગર આટલા ગેલમાં હોઈ જ ન શકે!"
    ડૉ કાઓ આ સાંભળી સહદેવને હસતા હસતા શાબાશી આપી કહી રહ્યાં, "તમારી અન્યો વિશે વિચારવાની ભાવનાને સલામ!"
     બંગલે પહોંચતા જેઓ તેવા ગાડીમાંથી ઉતર્યા કે ત્યાં જ બંગલાના બાગમાંથી અચાનક સાત - આઠ પંખીઓ ઉડી આવ્યાં. આ જોઈ સહદેવે માસ્ટર કાઓ ને પૂછ્યું ," જો તમને વાંધો ન હોય તો અહીં બે - પાંચ મિનિટ રોકાશો? " પછી જવાબની રાહ જોયા વગર પોતે જ ઉમેર્યું, "બાગમાં કદાચ થોડાં બાળકો લીચીના ઝાડ પરથી લીચી તોડી રહ્યાં છે. જો આપણે અત્યારે જ ત્યાં જઈ પહોંચીશું તો તેઓ ડરી જશે અને કદાચ ઝાડ પર ચડ્યા હશે તો રઘવાટ માં તેમાંનું એકાદ બાળક ઝાડ પરથી નીચે પડી જવાનો ભય પણ છે. "
    ડૉ કાઓ થોડી વાર શાંત થઈ ગયા અને પછી તેમણે કહ્યું "આ બંગલામાં ફેંગશૂઈની જરૂર જ નથી. જે જગાએ તમારા જેવા સજ્જન ની હાજરી હોય તે જગા કુદરતી રીતે સૌથી પવિત્ર ફેંગશૂઈ  વાળી આપોઆપ બની રહે છે.
જ્યારે આપણું મન બીજાઓનાં સુખ શાંતિ ને પોતાના અંગત સુખ શાંતિ કરતા વધુ પ્રાધાન્ય આપે છે ત્યારે તેનો ફાયદો એ બીજાઓને જ નહીં પરંતુ આપણને પોતાને પણ થતો હોય છે.
    જ્યારે કોઈ વ્યક્તિ દરેકે દરેક સંજોગોમાં અન્યો અંગે વિચારે ત્યારે તે વ્યક્તિએ અજાણતા સંતત્વ ધારણ કરી લીધું હોય છે. સંત ખરું જુઓ તો અન્યોના ભલા વિશે વિચારીને જ સંતત્વ પામ્યાં હોય છે.
    તમારું ઘર પણ એવું બની રહે કે તેને કોઈ ફેંગશૂઈ નિષ્ણાતની જરૂર ન રહે...

(ઇન્ટરનેટ પરથી)

Sunday, May 12, 2019

આદર્શ માતા કે આનંદી માતા? - મધર્સ ડે સ્પેશિયલ

        મને તમારાં વિશે તો ખ્યાલ નથી પણ આ મારી વાત છે, જે મારા ધ્યાનમાં આવી છે. હું એક પૂર્ણ સમય ઘરમાં રહેનારી માતા છું - ફૂલ ટાઇમ સ્ટે એટ હોમ મોમ. મારા મિત્રો મને સુપર મોમ કહે છે. મારું બાળક ઓલ રાઉંડર બને એનું હું ધ્યાન રાખું છું. તે ભણવામાં અવ્વલ આવે છે, ડ્રામા, ડાંસ, સ્પોર્ટ્સ, વકતૃત્વ અને કંઈ કેટલું ય - એ બધામાં તે આગળ છે! તેના ખોરાક પ્રત્યે પણ હું વધુ પડતી સભાન છું. તેને સારામાં સારું આરોગ્યપ્રદ હોય એવું જ ખાવાનું આપવા હું પોતે વધુ પડતી તાણ અનુભવું છું.
     તેના માટે જ હું એકડે એકથી એકઝોટીક ફૂડ બેક કરતાં અને રાંધતા શીખી છું. લગ્ન પહેલાં તો મને માત્ર ઇન્સ્ટન્ટ નૂડલ્સ બનાવતાં આવડતું. મારા પુત્રને મારા હાથે બનાવેલું ખાવાનું ખૂબ ભાવે છે અને રોજ તે રીસેસમાં મમ્મીએ ટિફિન બૉક્સમાં શી સરપ્રાઇઝ આઇટમ મૂકી હશે તેની રાહ જોતો હોય છે!
     હું મારા બાળકની દરેક પ્રવૃતિઓ પર ધ્યાન આપતી રહું છું અને કદાચ તેની ધોરણ ૮ ની સમાજ-વિજ્ઞાનની ટીચર કરતાં વધુ જ્ઞાન મને હશે! હું પોતે ડ્રાઇવ કરીને તેને તેનાં દરેક પ્રવૃતિના વર્ગોમાં મૂકવા જાઉં છું અને જ્યારે તે કોઈક સ્પર્ધામાં જીતે ત્યારે હું તેને લાડ લડાવી બગાડું છું!
    પણ જેમ જેમ મારો પુત્ર મોટો થતો ગયો છે તેમ તેમ આદર્શ મોમ બનવાની લ્હાયમાં હું ક્યાંક આનંદી મોમ બનવાનું ભૂલી ગઈ છું. એ સમય સાથે પરિવર્તન પામતો ગયો છે, પણ હું નહીં. મારો એ પુત્ર જે એક સમયે મારી પૂજા કરતો હતો, ચિડાવા અને બળવો પોકારવા માંડ્યો છે. મેં આ સમસ્યાના સમાધાન માટે અજ્ઞાત રહી એક હેલ્પલાઇનની મદદ લેવાની પણ કોશિશ કરી, પણ એનાથી કંઈ વળ્યું નથી.
    થોડા દિવસ અગાઉ ગુસ્સામાં મેં એની પર હાથ ઉગામ્યો અને ત્યારે એણે મને પ્રતિભાવમાં જે રીતે ઘૂરી એ જોઈને હું ડઘાઈ ગઈ. એ આઘાત પામ્યો, ગુસ્સે થયો અને નિરાશ થયો. તેની આંખો આંસુ અને નફરતથી ભરાઈ ગઈ. તેણે મારી સાથે બોલવું બંધ કરી દીધું. એ રાતે તે મને ગુડ નાઇટ કીસ આપ્યા વગર જ સૂઈ ગયો.  પહેલાં એ બસમાં સ્કૂલે જતો હોય તો બસમાંથી હું દેખાવાની બંધ થઈ જાઉં ત્યાં સુધી હાથ હલાવી આવજો કરતો, પણ બીજે દિવસે તેણે સ્કૂલે જતાં મને આવજો કર્યું નહીં
તેના ગયા પછી હું ખૂબ રડી. પણ હું વિચારે ચડી. આ મારા માટે બ્રેક પોઇન્ટ હતો.
    મને ખ્યાલ આવ્યો કે મેં તેની સાથે સંવાદ સાધવાનું બંધ કરી દીધું હતું. હું માત્ર તેને ફલાણું કર - ઢીંકણું કર,ક્લાસ માટે તૈયાર થઈ જા, ભણવા બેસ વગેરે કહી આદેશો આપ્યા કરતી. તેના માર્કસ ઓછા આવે ત્યારે હું ખીજાઈ જતી. મેં તેને દિવસ કેવો ગયો, તે કેવું અનુભવે છે, શું વિચારે છે એ બધું પૂછવાનું જ બંધ કરી દીધું હતું. મેં તેને સુવડાવવાનું બંધ કરી દીધું હતું, હું તેને કેટલો પ્રેમ કરું છું એ વ્યક્ત કરવાનું બંધ કરી દીધું હતું.હું તેને ઝટપટ ઉંઘાડી દેતી, જેથી તેનો બીજા દિવસનો ડબ્બો તૈયાર કરી શકું. તે ડબ્બો ખોલી સરપ્રાઇઝ પામવો જોઈએને ?
     એ દિવસે આ બધું વિચારતા મેં ઉંડો શ્વાસ લીધો. એ સ્કૂલેથી પાછો ફર્યો ત્યારે મેં સરસ આનંદી સ્મિત સાથે તેને આવકાર્યો. તેના માટે મેં તેનો મનપસંદ નાસ્તો બનાવ્યો અને એ તેણે ખાધો ત્યારે મેં રસપૂર્વક તેની સાથે વાતચીત કરી. હું એ દિવસે તેને ટ્યૂશન માં લઈ ગઈ ત્યારે રસ્તામાં ડ્રાઇવ કરતી વખતે પણ મેં તેની સાથે વાર્તાલાપ કર્યો. એ રાતે જમ્યો ત્યારે પણ મેં તેની સાથે વાતચીતનો દોર જાળવી રાખ્યો.
એ સૂવા ગયો ત્યારે પણ મેં તેની સાથે વાત માંડી. મેં તેને 'બિગ બોય' તરીકે ટ્રીટ ન કરવા બદલ તેની માફી માંગી. આ બધું હું બોલી રહી હતી એ દરમ્યાન તે મૂક બની સાંભળી રહ્યો હતો. પણ હવે એ બોલ્યો.
    તેણે કહ્યું, "મમ્મી મને ખબર છે કે તું મારા માટે કેટલી મહેનત કરે છે. પણ તું માનીશ, તું જ્યારે મારી સાથે વાત કરે છે ને ત્યારે મને એ સૌથી વધારે ગમે છે. મારા માટે દર વખતે કઇંક નવું રાંધવાની મથામણ ને કારણે તું મારી સાથે વાત કરવાનું ચૂકી જતી હોય તો એ રાંધવાનું મૂકી દે. પણ મારી સાથે વાત કર. "
મુદ્દો આ છે : તેમના માટે સમય કાઢો, તેમની સાથે વાત કરો. તમે એમના માટે શું ખરીદ્યું એ તેમને યાદ રહેશે નહીં. બાળકોને અહમ્ હોતો નથી. તમારી ભૂલ થાય તો તેમની માફી માંગી લો. તેમને પ્રશંસાના શબ્દો કહેતા રહો, તેમને કહેતા રહો કે તમે તેમને કેટલું ચાહો છો. તેમને સતત તમારા તરફથી કંઈક સાંભળતા રહેવાની ખેવના હોય છે. આજની પેઢીના બાળકો જુદાં છે અને તેમની સામે જૂની પરંપરાગત પેરેન્ટીંગ પદ્ધતિઓ ચાલશે નહીં.
     પેલા દિવસ પછી મારા ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું છે. હવે મારા ઘરમાં વધુ શાંતિ છે. મારો પુત્ર હું તેને જે કહું તે સાંભળે છે, મારું બધું કહ્યું માને છે. એ પોતે પણ મને વધુ શાંત અને પાકટ થઈ ગયો હોય એવું લાગે છે. આપણે સૌ માતાપિતા આ જ નથી ઇચ્છતા? આદર્શ માતા કરતા આનંદી માતા હોવું વધારે અગત્યનું છે.

(ઇન્ટરનેટ પરથી)

સાત ટૂંકી વાર્તાઓ

માઇક્રોસોફ્ટના સી. ઈ. ઓ. સત્યા નાદેલા દ્વારા શેર કરાયેલી સાત ટૂંકી વાર્તાઓ

પાછું વળી જોતાં...
     મારા સાઇકોલોજીના વર્ગના એક રિસર્ચ પેપર પર કામ કરતી વેળાએ મેં મારા દાદીનો ઇન્ટરવ્યૂ લીધો. મેં તેમને તેમના પોતાના શબ્દોમાં સફળતાની વ્યાખ્યા કરવા કહ્યું. તેમણે જવાબ આપ્યો," સફળતા એ છે જ્યારે તમે તમારા જીવનમાં ડોકિયું કરો અને પાછલી સ્મૃતિઓ તમારા ચહેરા પર સ્મિત લઈ આવે."

પ્રેમ વેદના અતિક્રમી જાય છે
મેં મારા પાળેલા કૂતરાને ગાડી નીચે કચડાઈ જતાં જોયો. હું તેની બાજુમાં બેસી પડ્યો, મેં તેને ખોળામાં લીધો અને રડવું શરૂ કર્યું. પણ તેણે મૃત્યુ પામતા પહેલા મારા ચહેરા પરથી આંસુ ચાટી સાફ કરી દીધા.

સાથ
મારા પિતા, ત્રણ ભાઇઓ અને અમે બે બહેનો મારી માતાના હોસ્પિટલના ખાટલાની આજુબાજુ વીંટળાઈ વળ્યા ત્યારે તે અસ્ફૂટ શબ્દો માં બોલી, "હું અત્યારે કેટલો બધો પ્રેમ પ્રાપ્ત કર્યાનું અનુભવી રહી છું! કાશ, આપણે સૌ આ પહેલા પણ આ જ રીતે સાથે વારંવાર મળ્યાં હોત! “

સ્નેહ... થોડો મોડો?
મારા પિતાના કપાળે મેં ચુંબન કર્યું જ્યારે તે નાનકડી એવી એક હોસ્પિટલના બિછાનેથી પરમધામે પ્રયાણ કરી ચૂક્યા હતા. થોડા સમય બાદ મને ખ્યાલ આવ્યો કે નાના બાળક તરીકે મેં મારા પિતાને આપેલ પપ્પી બાદનું વર્ષોના વ્હાણા બાદનું એ પ્રથમ અને અંતિમ ચુંબન હતું.

હર્ષ
જ્યારે મેં ૨૭ વર્ષની એ કેન્સર પીડિતાને તેની બે વર્ષની દીકરીના ગતકડાં પર મન મૂકીને ખડખડાટ હસતા જોઈ ત્યારે અચાનક મને અહેસાસ થયો કે મારે મારા જીવનમાં ફરિયાદો કરવાનું બંધ કરી દઈ નાની નાની ખુશીઓની ઉજવણી કરતા શીખવું જોઈએ.

ઉદારતા
વ્હીલચેરમાં બેઠેલા એક છોકરાએ મને મારા ભાગેલા પગ અને કાખઘોડીની મદદથી હવાતિયા મારતા જોયો અને તેણે મને મારી ખભે ભરાવવાની બેગ અને પુસ્તકો ઉપાડી લેવાની મદદની તૈયારી બતાવી. આખા કેમ્પસ દરમિયાન તેણે મારું આ વજન ઉંચકી મારા વર્ગ સુધી પહોંચી જાઉં ત્યાં સુધી મને સંગાથ આપ્યો. જતાં જતાં કહ્યું, "જલ્દીજ તમારો પગ સારો થઈ જાય એવી શુભેચ્છા!"

વહેંચીને ખાવું
હું કેન્યામાં પ્રવાસ કરી રહ્યો હતો. ત્યાં મને ઝિમ્બાબ્વેનો એક શરણાર્થી મળ્યો. તેણે કહ્યું છેલ્લા ત્રણ દિવસથી તેણે કંઈ ખાધું નહોતું. તે અતિ દુર્બળ અને માંદો દેખાતો હતો. મારા મિત્રે તેને અડધી ખાઈ લીધેલી સેન્ડવિચ આપી ત્યારે તેણે સૌ પ્રથમ કહ્યું, "આપણે એ વહેંચીને ખાઈએ."

જીવન આભારવશતાની લાગણી સાથે જીવો...

(ઇન્ટરનેટ પરથી)