Sunday, July 25, 2021

આશા, ઉત્સાહ અને હકારાત્મકતાનો સંચાર

એક રાજા પાસે ઘણાં હાથી હતાં. પણ આ બધાં માંથી રાજાને એક હાથી વિશેષ પ્રિય હતો કારણ તે ઘણો શકિતશાળી, આજ્ઞાકારી, સૂઝબૂઝ ધરાવતો અને કૌશલ્યધારી હતો - ખાસ કરીને યુદ્ધમાં લડવામાં.

ઘણાં યુદ્ધમાં તેને સમરાંગણમાં મોકલવામાં આવતો અને તે યશસ્વી થઈ પાછો ફરતો. આમ રાજાને ઘણી વાર વીજયી બનાવવાને કારણે તે રાજાને ખૂબ પ્રિય હતો.

સમય તો વહેતો જ રહે છે. તેના વહેણમાં એક સમય એવો આવ્યો જ્યારે આ હાથી વૃદ્ધ થઈ ગયો. હવે તેનું બળ ઓછું થયું હતું. આથી રાજાએ તેને લડાઈના મેદાનમાં મોકલવાનું બંધ કર્યું. છતાં તે રાજાના કાફલાનો તો ભાગ હતો જ.

એક દિવસ આ હાથી પાણી પીવા તળાવે ગયો. પણ તેનો પગ ત્યાં કાદવમાં ખૂંપી ગયો અને તે ડૂબવા લાગ્યો. તેણે બચવા માટે ખૂબ ફાંફા માર્યા પણ એમાં તે ફાવ્યો નહીં.

તેની બૂમો સાંભળી લોકો ત્યાં ભેળાં થયાં અને સૌ એ જોયું કે હાથી મુશ્કેલીમાં ફસાયો છે. રાજા સુધી આ ખબર પહોંચી ગઈ.

રાજા પોતાના ખાસ માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને બધાં એ હાથીને બચાવવાના પ્રયત્નો કરવા માંડ્યા. પણ ઘણાં સમય સુધી મહેનત કરવા છતાં કોઈ હાથીને કાદવમાંથી બહાર કાઢી શક્યું નહીં.

એ સમયે ગૌતમ બુદ્ધ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે આ દ્રશ્ય જોયું. તેમણે રાજાને હાથીને બચાવવા તળાવ પાસે યુદ્ધમાં વગાડાતાં નગારા વગાડાવવાનું સૂચન કર્યું.

સાંભળનારાઓ સૌ આવું વિચિત્ર સૂચન સાંભળી ચોંકી ઉઠયા. યુદ્ધમાં વગાડાતાં નગારા વગાડી કઈ રીતે કાદવમાં ફસાયેલા હાથીને બહાર કાઢી શકાય એ તેમની સમજની બહાર હતું. પણ તેમનામાં ગૌતમ બુદ્ધના સૂચન સામો પ્રશ્ન કે સંદેહ કરવાની હિંમત નહોતી. તરત તળાવ પાસે નગારા મંગાવવામાં આવ્યા અને તેમને વગાડવાનું શરૂ થયું.

જેવો હાથીએ યુદ્ધમાં વગાડાતાં નગારાંનો ધ્વનિ સાંભળ્યો કે તરત તેના હાવભાવ, વર્તન અને નિર્ધારમાં દેખીતું પરિવર્તન જોવા મળ્યું.

પહેલાં હાથી ધીરે ધીરે પોતાના પગ પર જ ઉભો થયો અને પછી તેણે પોતાના બળ અને બુદ્ધિનો ઉપયોગ કર્યો અને થોડી જ વારમાં તે પોતાની મેળે કાદવમાંથી બહાર આવી ગયો. સૌ કોઈ આ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં.

ગૌતમ બુદ્ધે સસ્મિત કહ્યું, "હાથીમાં બળની કમી નહોતી પણ તેનામાં ઉત્સાહ, પ્રેરણા અને અંતર થી જીતવાની ઈચ્છા ફૂંકવાની જરૂર હતી. જીવનમાં ઉત્સાહ જાળવી રાખવા મનુષ્યે પણ અર્થપૂર્ણ વિચારધારા અપનાવવાની જરૂર છે અને નિરાશાને પોતાના પર હાવી થવા દેવાની નથી."

  આજે સમય થોડો કઠણ છે, તેવામાં આપણે સૌ એ પોતાનામાં તેમજ આપણી આસપાસનાં લોકોમાં આશા અને ઉત્સાહનો સંચાર કરતા રહેવાનો છે, પેલાં હાથીને મુશ્કેલીમાંથી બહાર કાઢનાર યુદ્ધનગારાં જેવાં વાદ્ય વગાડી. તેના હકારાત્મક ધ્વનિ દ્વારા આનંદની છોળો ઉડાડવાની છે અને તંદુરસ્તી અને સુખ છલકાવવાના છે.

યાદ રાખો : આ પણ પસાર થઈ જશે. સુખ ફેલાવો... આનંદ પ્રસરાવો...

 

(ઈન્ટરનેટ પરથી)

કેટલીક પ્રેરણાત્મક કોર્પોરેટ કથાઓ

આ બે કોર્પોરેટ કથાઓ સદાય યાદ રહેશે.

૧. Yahoo એ Google ને નકારી હતી.

૨. Nokia એ Android ને જાકારો આપ્યો હતો.

ઉપસંહાર :

- તમારી જાતને સમય સાથે અપડેટ કરતા રહો, નહિતર એક દિવસ તમે બિન જરૂરી બની રહેશો અને ફેંકાઈ જશો.

- જોખમ ના લેવું એ સૌથી મોટું જોખમ છે. સાહસી બનો અને નવી નવી ટેકનોલોજી સ્વીકારતા રહો.


બીજી બે કોર્પોરેટ કથાઓ પણ યાદ રાખો :

૧. Google એ You Tube અને Android ને હસ્તગત કરી લીધાં.

૨. Facebook એ Instagram અને WhatsApp હસ્તગત કરી લીધાં.

ઉપસંહાર :

- એટલાં શક્તિશાળી બનો કે તમારાં શત્રુ કે પ્રતિસ્પર્ધીને તમારાં દોસ્ત બની જવાની ફરજ પડે.

- ઝડપથી વૃદ્ધિ સાધો, મોટાં બની જાઓ અને સ્પર્ધા દૂર કરી દો.


આ બે મહાન હસ્તીઓનાં ભૂતકાળની કથા વાંચો :

૧. બરાક ઓબામા એક સમયે આઇસક્રીમ વેચવાનું કામ કરતા હતા.

૨. એલન મસ્ક લાકડાની વખારનો કક્ષ સાફ કરવાનું કામ કરતા હતા.

ઉપસંહાર :

- કોઈનું તેના ભૂતકાળના કામ ને આધારે આકલન ના કરો.

- તમારો વર્તમાન તમારું ભવિષ્ય નક્કી કરતો નથી, તમારી મહેનત અને હિંમત એનું નિર્માણ કરે છે.


આ બે વાતો જાણો છો? :

૧. કર્નલ સેન્ડર્સ પાંસઠ વર્ષની ઉંમરે KFC નું સર્જન કરે છે.

૨. જેક મા KFC દ્વારા અસ્વીકૃતી પામી Alibaba નું સર્જન કરે છે.

ઉપસંહાર :

- ઉંમર માત્ર એક આંકડો છે. તમે ગમે તે ઉંમરે સફળતા પામી શકો છો.

- જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં, જે ક્યારેય હિંમત હારતાં નથી, તે અંતે જીતે જ છે.


આ પણ વાંચો અને તેમાંથી બોધપાઠ લો :

૧. Ferrari નાં માલિકે એક ટ્રેક્ટર બનાવનારનું અપમાન કર્યું હતું.

૨. એ જ ટ્રેક્ટર બનાવનારે Lamborgini નું સર્જન કર્યું.

ઉપસંહાર :

- ક્યારેય કોઈને નાના ગણશો નહીં કે કોઈનું અપમાન કરશો નહીં.

- સફળતા એ બદલો લેવાની શ્રેષ્ઠ રીત છે.


આ બધી કથાઓ પરથી શીખવા મળે છે કે :

- તમે કોઈ પણ કામ કરતાં હોવ કે કોઈ પણ ઉંમર ના હોવ; ખંત, ધગશ અને મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી શકો છો.

- મોટાં સ્વપ્નો જુઓ. ધ્યેય નિર્ધારીત કરો. અથાગ મહેનત કરો.

- જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં. સદાય એવી શ્રદ્ધા રાખો કે આવતી કાલ બહેતર હશે.

(ઈન્ટરનેટ પરથી)

ભગવાનનો ભાગ...!

       હું નાની હતી ત્યારે મારી બા અમને બધા બાળકોને બધી જ વસ્તુના ભાગ પાડી દેતી. અમે કાકા બાપાના થઇ તેર બાળકો, એટલે ફળ હોય, ડ્રાયફ્રુટ હોય કે મીઠાઈ, ભાગ જરૂર પડતા. ધારોકે દ્રાક્ષ હોય, તો ૧૩ વાટકીમાં બધાને ૩૫-૩૫ દાણા અપાતા અને પછી એક ૧૪મી વાટકી મૂકી બા કહેતી કે, “ આ ભગવાનની વાટકી છે, તમારામાંથી બધાએ એમાં ૨-૨ નંગ મૂકવાના. અને અમે એવું કરતા પણ ખરા. ભગવાનની વાટકી એમ જ ભરેલી પડી રહેતી અને અમે રમવા ચાલી જતા.

      ઘણીવાર એમ બનતું કે અચાનક કોઈ મહેમાન આવી જાય, તો એ વાટકીમાંથી એમને પણ પીરસાતું. અને કોઈ ના આવે, તો એને ઝાડ નીચે પધરાવવાનું. અને પક્ષીઓ, કીડીઓ, મંકોડાને આ ખાતા અમે જોઈ રહેતા. પણ અમને એ રીતે બાએ શીખવાડ્યું કે આંગણે આવેલા મહેમાન, ભિક્ષુક, કે જીવજંતુમાં ભગવાન આવીને એમનો ભાગ ખાઈ જાય છે. અમને ક્યારેય એવું ના લાગ્યું કે બાજુવાળા રમીલામાસી અમારી કેરી ખાઈ ગયા! અમને સંતોષ હતો કે ભગવાન જ આવીને આ લે છે.

     સાયકોલોજીકલી આ વાતથી કેટલી અસર અત્યારે પણ મારા જીવનમાં પડે છે! બાનું ગણિત કેટલું સાચું હતું! અત્યારે હું જમવા બેસું  ને કોઈ આવી જાય, તો મારો મૂડ બગડી નથી જતો. બિલાડી આવીને કોઈવાર દૂધ પી જાય, ઢોળી નાખે, બનાવીને ઢાંકીને મૂકેલા લાડુ પર કીડીઓ ચડી જાય તો ગુસ્સો નથી આવતો, એ રીતે કદાચ ભગવાન એમનો ભાગ લઇ રહ્યા છે એમ માની હળવી થઇ જાઉં છું. ચિડચીડી નથી થઇ જતી. અને શાંતિથી વિચારીને ફરીથી કામે લાગી જાઉં.

     સૌથી મોટો ફાયદો એ થયો કે ક્યારેય એવું નથી લાગ્યું કે “જોયું? મેં આપ્યું! હું બીજા કરતા ચઢિયાતી છું. મેં ના આપ્યું હોત, તો એનું શું થાત !" આમ ક્યારેય અભિમાન નથી આવ્યું. અને અભિમાન ના આવે, એટલે છકી પણ ન જવાય!

      દોસ્તો, ભગવાને તો આપણને કેટલું બધું આપ્યું છે. માતા, પિતા, ભાઈ, બહેન, દાદી, દાદા - આખું કુટુંબ, રહેવા માટે ઘર, ખાવા માટે જમીનમાં અનાજ, ફળફળાદિ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને કંઈ કેટલુંય! હવે થોડુંક જતું કરવું પડે, તો એનો અહંકાર શેનો? માતાએ નાના ભાઈ ને કશુંક વધારે આપ્યું, તો એ મારામાંથી ભગવાનનો ભાગ હતો, એમ માનીએ, તો કેટકેટલા સંઘર્ષો અટકી જાય! કેટલા કેસ સમૂળગા બંધ થાય! અહંકાર અને મનદુઃખ કશું જ ના રહે, ત્યારે જીવવાની કેવી મઝા આવે !

     ભગવદ્ગીતામાં પણ કૃષ્ણ એ જ કહે છે ને કે, “ તું કર્મ કર ! ફળની અપેક્ષા ના રાખ ! ફળ તને આપોઆપ મળશે.” તો આ રીતે જીવીશું, તો આપોઆપ જ ફળની અપેક્ષા નહિ રહે. 

ઈશ્વર કરે આપણે બધાજ આવા અહોભાવથી જીવી શકીએ!

(ઇન્ટરનેટ પરથી)

શંખલા - છીપલાના બદલામાં ઢીંગલી

    છ વર્ષનો એક છોકરો તેની ચાર વર્ષની બહેન સાથે બજારમાં ચાલી રહ્યો હતો. તેણે જોયું કે બહેન થોડી પાછળ રહી ગઈ હતી. તે પણ થોભ્યો અને તેણે નોંધ્યું કે બહેન રમકડાંની એક દુકાન પાસે ઉભી રહી ગઈ હતી અને ભારે કુતૂહલ પૂર્વક અને ધ્યાનથી કંઈક જોઈ રહી હતી. 

    છોકરાએ તેની પાસે જઈ પૂછયું કે શું તેને કંઈ જોઈએ છે? છોકરીએ એક ઢીંગલી તરફ આંગળી ચીંધી. છોકરાએ એક જવાબદાર મોટા ભાઈ ની જેમ એ ઢીંગલી લીધી અને નાની બહેનના હાથમાં મૂકી દીધી. છોકરી તો રાજીના રેડ થઈ ગઈ. 

     દુકાનદાર આ બધું જોઈ રહ્યો હતો અને તેને આ નાનકડા છોકરાની મોટેરી ચેષ્ટા જોઈ ભારે આશ્ચર્ય થયું. ખુશી પણ થઈ. 

    હવે એ છોકરો દુકાનદાર પાસે આવ્યો અને તેણે દુકાનદારને પૂછયું, "કાકા, આ ઢીંગલી કેટલાની છે?" 

    દુકાનદાર એક ભલો આદમી હતો અને તેણે જીવનમાં અનેક તડકા-છાંયા જોયાં હતાં. તેણે પ્રેમ પૂર્વક છોકરાને સામો પ્રશ્ન કર્યો, "તું કેટલી કિંમત આપી શકીશ?" 

    છોકરાએ દરિયા કિનારેથી જમા કરેલા બધાં શંખલા - છીપલા પોતાના ખિસ્સામાંથી ખાલી કરી તે દુકાનદાર સમક્ષ ઢગલો કર્યા. દુકાનદારે જાણે પૈસાના સિક્કા ગણતો હોય એમ એ શંખલા - છીપલા એક એક કરી ગણવા માંડ્યા. ગણી રહ્યા બાદ તેણે છોકરા સામે જોયું. છોકરાએ ભારે નિર્દોષતા સાથે પૂછયું, " ઓછા છે?" 

   દુકાનદારે કહ્યું, "ના... ના...આ તો ઢીંગલીની કિંમત કરતાં વધારે છે. એટલે હું તને વધારાના છે એ પાછા આપીશ." આમ કહીને તેણે માત્ર ચાર છીપલા પોતાની પાસે રાખી બાકીનાં બધાં છોકરાને પાછા આપી દીધાં. 

   છોકરાએ તો ખુશી ખુશી પાછા મળેલા શંખલા - છીપલા પોતાના ખિસ્સામાં સેરવી દીધાં અને બહેનનો હાથ પકડી દુકાનમાંથી વિદાય લીધી. 

    દુકાનમાં કામ કરતા નોકરે પણ આ સમગ્ર ઘટના ક્રમ નિહાળ્યો અને છોકરાંઓના ગયા પછી દુકાનદારને પૂછયું, "સાહેબ, તમે શા માટે આટલી મોંઘી ઢીંગલી આ છોકરાઓને માત્ર ચાર છીપલા લઈને તેના બદલામાં આપી દીધી?" 

દુકાનદારે સ્મિત સાથે કહ્યું," ભાઈ, આપણાં માટે એ માત્ર મામૂલી શંખલા - છીપલા હશે, પણ એ નાના ભૂલકાઓ માટે એ ભારે કિંમતી છે. આ ઉંમરે એ છોકરાને પૈસાનું મૂલ્ય શું છે તેનો ખ્યાલ નહીં હોય, પણ એ મોટો થશે એટલે તે એને આપોઆપ સમજાઈ જશે. અને ત્યારે જ્યારે એને યાદ આવશે કે તેણે પોતાની નાની બહેન માટે ઢીંગલી પૈસા ને બદલે શંખલા - છીપલા આપીને ખરીદી હતી, એ વેળાએ તે વિચારશે કે વિશ્વ ઘણાં સારા લોકોથી ભરેલું છે. આથી તે એક હકારાત્મક અભિગમ કેળવી શકશે અને પોતે પણ સારો માણસ બની સારા કાર્યો કરવા પ્રેરાશે."

(ઇન્ટરનેટ પરથી) 


સ્વીસ ટાઇમ બૅન્ક

    જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ ૬૭ વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવન નિર્વાહની કોઈ ચિંતા નહોતી.

    છતાં તેણે ૮૭ વર્ષના એક એકાકી વૃદ્ધની કાળજી રાખવાનું 'કામ' સ્વીકાર્યું હતું. મેં ક્રિસ્ટિનાને પૂછ્યું શું તે પૈસા માટે આ કામ કરી રહી હતી?

તેના જવાબે મને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂક્યો. તેણે કહ્યું, "હું આ કામ પૈસા માટે નથી કરતી પણ હું મારો સમય 'ટાઇમ બૅન્ક'માં જમા કરાવું છું. જ્યારે હું ઘરડી થઈશ અને હલનચલન કરવા અસમર્થ બની જઈશ ત્યારે હું 'ટાઇમ બૅન્ક'માંથી એનો ઉપાડ કરી શકીશ."

પહેલી વાર મેં 'ટાઇમ બૅન્ક' વિશે સાંભળ્યું. મને ઉત્સુકતા થઈ અને મેં એ વિશે વધુ જાણવા રસ દાખવ્યો.

    મૂળ 'ટાઇમ બૅન્ક' સ્વીસ ફેડરલ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ સિક્યોરિટી દ્વારા વિકસાવાયેલો એક વૃદ્ધાવસ્થા માટેનો પેન્શન કાર્યક્રમ હતો. લોકો જ્યારે જુવાન હોય ત્યારે ઘરડાં લોકોની સેવા કરી સમયને 'જમા' કરે અને પછી પોતે ઘરડાં થાય કે માંદા પડે કે અન્ય કોઈ કારણ સર જરૂર પડે ત્યારે તેનો 'ઉપાડ' કરવાનો.

  ઉમેદવાર તંદુરસ્ત, સારી વાક્છટા ધરાવનાર અને પ્રેમથી સભર હોવો જોઈએ. રોજ તેમણે જરૂરિયાતમંદ વ્યક્તિની કાળજી રાખવાની અને તેને મદદ કરવાની.

જેટલો સમય તે સેવા આપે તે એના સોશિયલ સિકયુરિટી સિસ્ટમના વ્યક્તિગત 'ટાઇમ' અકાઉન્ટમાં જમા થાય. 

ક્રિસ્ટિના અઠવાડિયામાં બે વાર કામે જતી. દરેક વખતે બે કલાક ૮૭ વર્ષના પેલા વૃદ્ધની મદદ કરવા, તેમની માટે ખરીદી કરવા, તેમના ઘરની સાફ સફાઈ કરવા, તેમને સૂર્ય પ્રકાશમાં આંટો મારવા લઈ જવા, તેમની સાથે વાતો કરવા.

કરાર મુજબ, તેની એક વર્ષની સેવા બાદ, 'ટાઇમ બૅન્ક' તેના કુલ સેવાના કલાકોની ગણતરી કરી તેને એક 'ટાઇમ બૅન્ક કાર્ડ' આપશે. જ્યારે તેને મદદની જરૂર પડે ત્યારે તે આ કાર્ડ નો ઉપયોગ કરી વ્યાજ સાથે જમા થયેલ સમય નો 'ઉપાડ' કરી શકશે.

માહિતી ચકાસ્યા બાદ 'ટાઇમ બૅન્ક' તેને મદદ કરી શકે એવા ખાતેદારને હોસ્પિટલ કે તેના ઘેર મોકલી આપશે.

એક દિવસ હું શાળામાં હતો અને ક્રિસ્ટિનાનો ફોન આવ્યો કે તે ઘરમાં બારી સાફ કરતાં ટેબલ પરથી પડી ગઈ છે. મેં અડધી રજા મૂકી ઘેર દોટ મૂકી અને ક્રિસ્ટિનાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી. તેને પગની એડી એ ઇજા પહોંચી હતી અને થોડા સમય સુધી ખાટલે આરામ કરવાની ફરજ પડી.

મને જ્યારે ચિંતા થઈ કે હવે તેનું ધ્યાન કોણ રાખશે ત્યારે તેણે તરત મને ચિંતા ન કરવા જણાવ્યું. તેણે 'ટાઇમ બૅન્ક' માં 'ઉપાડ' ની અરજી કરી દીધી હતી! બે જ કલાકમાં એક સ્વયંસેવક હાજર પણ થઈ ગયો ક્રિસ્ટિનાની સેવામાં. 'ટાઇમ બૅન્કે' વ્યવસ્થા કરી હતી તેની. 

એ પછી એક મહિના સુધી, તે સ્વયંસેવકે ક્રિસ્ટિનાની ખૂબ સારી કાળજી રાખી, રોજ તેની સાથે સમય પસાર કર્યો, વાતો કરી તેના માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું. એક મહિનામાં તો આ સ્વયંસેવકની દેખરેખ હેઠળ ક્રિસ્ટિના સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ.

સાજા થયા બાદ ક્રિસ્ટિના ફરી 'કામે' લાગી ગઈ. તેની ઈચ્છા હતી કે તે જ્યાં સુધી તંદુરસ્ત છે ત્યાં સુધી આ રીતે કામ કે સેવા કરી શકય એટલો વધુ સમય 'ટાઇમ બૅન્ક' માં જમા કરી શકે.

સ્વિત્ઝર્લેન્ડમાં વૃદ્ધોની મદદ માટે 'ટાઇમ બૅન્ક'નો ઉપયોગ પ્રચલિત છે. આ પ્રથા માત્ર દેશના પેન્શન ખર્ચાઓ ને જ નથી બચાવતી પણ અન્ય સામાજિક સમસ્યાઓનો પણ ઉકેલ લાવે છે.

ઘણાં સ્વીસ નાગરિકો આ ઓલ્ડ - એજ પેન્શન પ્રથાને ઉત્સાહભેર આવકારે છે અને તેનો ભાગ બનવા ટાઇમ બૅન્કમાં જોડાય છે.

સ્વીસ સરકારે ટાઇમ બૅન્ક પેન્શન યોજનાને લગતો કાયદો પણ પાસ કર્યો છે.

આપણે ત્યાં પણ આવી ટાઇમ બૅન્ક હોય તો?


(ઇન્ટરનેટ પરથી)

Sunday, July 18, 2021

વર્ક ફ્રોમ હોમ

'વર્ક ફ્રોમ હોમ'ને કારણે હવે પછી બાયો-ડેટા માં કંઈક આવી હાઈલાઈટ્સ જોવા મળશે :

- સાઉન્ડપ્રૂફ વર્કસ્ટેશન સાથેનું ઘર ધરાવું છું.

- બાળકોના ભણવા માટે અલાયદા રૂમ સાથેનું ઘર ધરાવું છું.

- ઘેર ચોવીસ કલાક ઘરકામ કરનાર બાઈ છે.

- ઘેર બે બ્રોડબૅન્ડ કનેક્શન અને મોબાઈલ નેટવર્ક બૂસ્ટરની સુવિધા ઉપલબ્ધ છે.

- ફોન દ્વારા જ સવારે ઉંઘ ઉડે ત્યારે પણ એક સરખો અવાજનો ટોન જાળવી શકવાની ક્ષમતા.

- માત્ર સત્તર સેકંડમાં ઓનલાઈન મીટિંગ શરૂ કરી શકવાની કે તેમાં જોડાવાની ક્ષમતા.


તો હવે પછીના કોરોના કાળ બાદના ઇન્ટરવ્યૂમાં આવા પ્રશ્નો જોવા મળશે :


- તમારું બાળક રડી રહ્યું છે, તમારી કામવાળી બાઈ નથી આવી અને તમારે એક ઝૂમ કોલ હોસ્ટ કરવાનો છે - તમારી અગ્રતા જણાવો!

- તમારા ઇન્ટરનેટની સ્પીડ ૧૦  એમ. બી. પી. એસ. છે, તમારી પત્નીને એક ઓનલાઈન મીટિંગ એટેન્ડ કરવાની છે, તમારી સાસુ નેટફ્લિક્સ પર એક ફિલ્મ જોઈ રહી છે અને તમારા સંતાનના ઓનલાઈન ક્લાસ છે. તમારી ટીમ ફરિયાદ કરી રહી છે કે વિડિયો કોન્ફરન્સમાં તમારો અવાજ બ્રેક થઈ રહ્યો છે. તમે શું કરશો?


(ઈન્ટરનેટ પરથી)  


તમારું ઘર

કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે તેવા ટાણે વોટ્સએપ પર વાંચવામાં આવેલો આ સંદેશ વ્યાજબી જણાય છે.

મારી દ્રષ્ટિએ આપણે જેને ચાહતા હોઈએ તેમની સાથે ઘરમાં રહેવાને આઈસોલેશન કે લોકડાઉન ગણવું જોઈએ નહીં.

આઈસોલેશન તો હોસ્પિટલમાં ગંભીર માંદગીને બિછાને પીડાતા દર્દી ભોગવે છે તેને કહેવાય.

મહેરબાની કરીને એમ કહેવાનું બંધ કરી દો કે તમે કંટાળી ગયા છો કારણ તમે ઘરની બહાર નીકળી શકતા નથી. હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર લઈ રહેલી વ્યક્તિને પૂછો તેને ઘેર જવાની કેટલી ઉત્કંઠા અને ઉતાવળ હોય છે.

ઈશ્વરનો પાડ માનો કે તમને ઘેર રહેવા મળે છે કારણ પૈસા સાથે કે પૈસા વગર, નોકરી સાથે કે નોકરી વગર, ઘેર હોવ ત્યારે તમે દુનિયાની શ્રેષ્ઠ જગા એ હોવ છો, તમને પ્રેમ કરતી વ્યક્તિ કે વ્યક્તિઓ સાથે!

કદાચ આ સમય છે તમારા ઘરને ધરમૂળથી પરિવર્તિત કરવાનો એવી અદ્ભુત જગામાં, જ્યાં શાંતિ હોય, યુદ્ધ કે કંકાસ નહીં ; જ્યાં આલિંગન હોય, અંતર નહીં.

તમે હાલ જે પરિસ્થિતિમાં છો તેને એક નવી દ્રષ્ટિએ નિહાળવાનો પ્રયત્ન કરો.

તમારા ઘરને પાર્ટી કરવાનું સ્થળ બનાવો - તેમાં સારું સંગીત સાંભળો, ગાઓ, નાચો...

તમારા ઘરને એક મંદિર બનાવો - તેમાં પ્રાર્થના કરો, ધ્યાન ધરો, પ્રશ્નો પૂછો, આભાર માનો, પ્રશંસા કરો, આજીજી કરો...

તમારા ઘરને એક શાળા બનાવો - તેમાં વાંચો, લખો, ચિત્રકામ કરો, રંગો, અભ્યાસ કરો, શીખો, શીખવો...

તમારા ઘરને એક દુકાન જેવું બનાવો - તેમાં સ્વચ્છતા જાળવો, ચીજ વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવો, સુશોભન કરો, ચીજ વસ્તુઓને નામ આપો, તેમની જગા બદલો, નકામી ચીજ વસ્તુઓ વેચી દો કે તેમનું દાન કરો...

તમારા ઘરને એક સારી હોટલ બનાવો - તેમાં સારું સારું રાંધો, ખાઓ, નવા પ્રયાસો હાથ ધરો, નવી વાનગીઓ બનાવો, નવા મસાલા ચકાસો, નાનું કિચન ગાર્ડન બનાવો...

આ બધાં સાથે તમારા ઘરને તમારા પરિવાર સમું બનાવો - તેમાં પ્રેમથી ઘરનાં સૌ સભ્યો સાથે હસી ખુશી સાથે રહો... જીવનમાં આવી પડેલી આ તક નો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો...


(ઈન્ટરનેટ પરથી)

ગાય દૂધ નથી આપતી, તમારે તેને દોહવી પડે છે

    એક ગોવાળિયાએ તેનાં પુત્રોને કહ્યું જ્યારે તમે બાર વર્ષના થઈ જશો ત્યારે હું તમને જીવનનો એક મંત્ર જણાવીશ. સૌથી મોટો પુત્ર જ્યારે બાર વર્ષનો થઈ ગયો ત્યારે તેણે જઈને પિતાને મંત્ર વાળી વાત યાદ કરાવતા ભારે ઉત્સુકતાપૂર્વક પૂછયું કે એ મંત્ર કયો છે. ગોવાળિયાએ કહ્યું કે એ જરૂર આ મંત્ર તેને જણાવશે પણ તેણે પોતાના નાના ભાઈઓને આ મંત્ર જ્યાં સુધી તેઓ પણ બાર વર્ષના ન થઈ જાય ત્યાં સુધી ના જણાવવો.

પછી તેણે જીવનનો મંત્ર કહ્યો : ગાય દૂધ આપતી નથી.

છોકરાએ ગાઢ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતાં પૂછ્યું, 'બાપુ, એ તમે શું બોલ્યા?'

  ગોવાળિયાએ કહ્યું, 'હા બેટા, તેં બરાબર જ સાંભળ્યું. ગાય દૂધ આપતી નથી. દૂધ મેળવવા તમારે એને દોહવી પડે છે. તમારે સવારે ચાર વાગે ઉઠી ખેતરે જવું પડે છે, ત્યાં છાણથી ભરેલાં ગમાણમાં જઈ ગાયનું પૂંછડું ખીલે બાંધવું પડે છે, તમને એ લાત ના મારે એટલે એના પગ દોરડાંથી બાંધવા પડે છે. પછી ટેબલ પર બેસી, ગાયના આંચળ નીચે બાલદી બરાબર ગોઠવવી પડે છે અને છેલ્લે ગાયને બરાબર દોહો એ પછી દૂધ મળે છે. આ બધું કામ જાતે કરો એ પછી જ દૂધ મેળવી શકો છો. આ જ જીવનનું રહસ્ય છે - ગાય દૂધ નથી આપતી. તમે એને ન દોહો, મહેનત ના કરો તો એ દૂધ નથી આપતી. પણ નવી પેઢીને બધું તૈયાર ભાણે જોઈએ છે. તેઓ માને છે કે ગાય દૂધ આપે છે. વગર મહેનતે, વગર પૈસે - મફતમાં. આ માનસિકતા ખોટી છે.

તેઓ ધારે છે "મારે બસ ઈચ્છા કરવાની છે, માગવાનું છે અને મને વસ્તુ મળી જાય છે."

તેમને તેઓ જે ઈચ્છે તે સરળતાથી મેળવવાની આદત પડી ગઈ છે. પણ ના, જીવનમાં બધું એટલું સરળ નથી. તમે ધારો, માગો એ બધું તમને વગર મહેનતે મળી જતું નથી. સિંહના મોઢામાં હરણ સામે ચાલીને આવી પડતું નથી. કોઈને પણ જે મળે છે એ મહેનત કર્યા બાદ જ મળે છે. એ મહેનત કર્યા બાદ તમને સાચું સુખ અનુભવવા મળે છે. વગર મહેનતે ક્રોધ અને નિરાશા સાંપડે છે.'

    તમારા બાળકો નાના હોય ત્યારથી જ જીવનનો આ મંત્ર તેમને જણાવો. જેથી તેઓ એવી માનસિકતા સાથે મોટા ન થાય કે તેમને જે કંઈ પણ જોઈએ છે તે સરકાર કે તેમના માતા પિતા કે પછી તેમનો નાજુક, સુંદર ચહેરો તેમને વગર મહેનતે રળી આપશે. જેની તેમને જીવનમાં જરૂર છે, એ મેળવવા તેમણે મહેનત કરવી પડશે.

યાદ રાખો -

ગાય દૂધ નથી આપતી, તમારે તેને દોહવી પડે છે.

(ઇન્ટરનેટ પરથી)  


સુવર્ણકણિકાઓ

અપેક્ષા રાખવાનું છોડી દેશો અને સ્વીકાર કરવાનું શીખી લેશો ત્યારે જીવન સરળ બની જશે.


'એવરેસ્ટ' ની ટોચે પહોંચવું હોય તો 'એવર' 'રેસ્ટ' લેવાનું નહીં વિચારતા. (સફળતાના શિખરની ટોચે પહોંચવા 'આરામ હરામ હૈ' નો મંત્ર અનુસરો)


જ્યારે તમે તમારા સપનાં માં વિશ્વાસ રાખશો ત્યારે એ પૂરા કરવાના સાધનો આપોઆપ જડી રહેશે.


જ્યારે તમે તમારી જાતને જીતી લેશો ત્યારે તમે તમારા બધાં સ્પર્ધકોથી આગળ હશો.


સુખી લોકો માત્ર કર્મનું આયોજન કરતાં હોય છે, પરિણામોનું નહીં.


જો તમારા હેતુ, તમારી ભાવનાઓ શુદ્ધ હશે તો તમે કોઈને ગુમાવશો નહીં.


જ્યારે આપણે પોતાની જાત પ્રત્યે જ નિરુત્સાહી હોઈએ ત્યારે આપણે બીજાઓ માટે પણ ઠંડા જ સાબિત થતાં હોઈએ છીએ.


તમારી હકારાત્મક વિચારસરણી દ્વારા તમે તમારી સાજા થવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી શકો છો.


ખજાનો તમારી નીચે નહીં, ભીતર છે.


દરેક બાબત તમારી પાસે પરત ફરે છે - સારી અને ખરાબ.


એક માત્ર સમય ફરી પેદા કરી શકાતો નથી કે પાછો લાવી શકાતો નથી.


જીવન તમારા આરામના દાયરાની બહારથી શરૂ થતું હોય છે.


ધૈર્ય કેળવો અને તમારા (જીવન) સફરમાં વિશ્વાસ રાખો.


સારું હ્રદય અને પરિપક્વ મન પસંદ કરો (કેળવો).


જ્યારે તમે તમારો ભાગ ભજવી રહો છો, પછી જ ઈશ્વર તેનો ભાગ ભજવે છે.


જ્યારે તમારા બધાં બહાના પૂરાં થઈ રહે, પછી જ તમને પરિણામ મળે છે.


અનુભવનો ખરો નીચોડ શિક્ષણ કે અભ્યાસ છે.


(ઇન્ટરનેટ પરથી)


સ્વ. મનોહર પાર્રિકરનું એક યાદગાર વક્તવ્ય

   આપણાં ભૂતપૂર્વ સુરક્ષા મંત્રી અને ઘણાં વર્ષો સુધી ગોવાના મુખ્યમંત્રી રહી ચૂકેલા સ્વ. મનોહર પાર્રિકરની દ્વિતિય મરણતિથી ૧૭મી માર્ચે ગઈ. તેમનું એક પ્રેરણાત્મક અને યાદગાર વક્તવ્ય વાંચી તેમને યાદ કરીએ.

"હું ગોવાના પાર્રા નામનાં ગામનો વતની છું એટલે મારી અટક પાર્રિકર છે. મારું ગામ કલિંગર માટે પ્રખ્યાત હતું. જ્યારે હું નાનો હતો ત્યારે મે મહિનામાં કાપણીની મોસમ પતે એટલે ખેડૂતો કલિંગર ખાવાની એક સ્પર્ધા યોજતા. દરેક બાળકને તેણે જેટલા કલિંગર ખાવા હોય તે ખાવાની છૂટ અપાતી. વર્ષો બાદ હું એંજિનિયરીંગ ભણવા માટે મુંબઈના આઈ. આઈ. ટી. ખાતે આવ્યો. સાડા છ વર્ષ અહીં ભણ્યા બાદ હું ફરી મારે ગામ ગયો અને ત્યાં જઈ મેં મોટા કલિંગર શોધ્યા. પણ એ મને ક્યાંય ન જડયા. જે થોડા ઘણાં હતાં તે કદમાં સાવ નાના હતાં.

હું એક ખેડૂતને જઈ મળ્યો જે થોડાં વર્ષો પહેલાં કલિંગર ખાવાની સ્પર્ધા યોજતો હતો. હવે તેના પુત્રે કામકાજની દોર પોતાના હાથમાં લઈ લીધી હતી. તે પણ આ સ્પર્ધા યોજતો હતો પણ હવે તેનું સ્વરૂપ બદલાયું હતું. તેનો પિતા જ્યારે અમને કલિંગર ખાવા આપતો ત્યારે સાથે એક વાડકો આપતો જેમાં અમારે કલિંગરના બીજ થૂંકવાના રહેતાં. અમને સૂચના આપવામાં આવતી કે બીજ ખાઈ જવા નહીં. એ બીજ નો ઉપયોગ તે આવતા વર્ષની વાવણી માટે કરતો. ખરું જોઈએ તો અમે જેને વેતન આપવામાં આવતું નહોતું એવા બાળ મજૂરો હતાં! એ અમને તેનાં શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતાં કલિંગર ખાવા આપતો. જેમાંથી ખૂબ સારા બીજ નીકળતા અને આવતા વર્ષે તેનો પાક વધુ સારો અને વધુ મોટા કલિંગરનો પાકતો.

તેના પુત્રે કામકાજની દોર સંભાળ્યા બાદ જાણ્યું કે મોટા કલિંગર બજારમાં વેચતા તેના વધુ પૈસા નિપજે છે. આથી તેણે મોટા કલિંગર બજારમાં વેચવા મોકલી દઈ, સ્પર્ધા માટે નાના કલિંગર રાખ્યાં અને બાળકોને ખાવા આપ્યાં. અને દર વર્ષે ઉગતા પાકના કલિંગરોનું કદ ક્રમશઃ ઘટતું ચાલ્યું.

કલિંગરનો પાક વર્ષમાં એક વાર લેવામાં આવે છે. સાત વર્ષમાં તો પાર્રાના પેલાં શ્રેષ્ઠ મોટા કદના કલિંગરની જાત જ ખતમ થઈ ગઈ.

મનુષ્ય જાતમાં પેઢી દર પચ્ચીસ વર્ષે બદલાય છે.

આપણાં બાળકોને શિક્ષણ આપતાં આપણે શું ભૂલ કરી તે સમજાતા બસ્સો વર્ષ નીકળી જશે. જો આપણે સારા શિક્ષકોને બાળકોને ભણાવવાની તક આપીશું તો 'કલિંગર વાળી' આપણી સાથે નહીં થાય. શિક્ષણ ક્ષેત્રે આપણે શ્રેષ્ઠ લોકોને ચૂંટવાની (નિયુક્ત કરવાની) જરૂર છે."

(ઇન્ટરનેટ પરથી) 

જીવન જીત કે હારથી કંઈક વિશેષ છે

એક દિવસ એક યુવાન લામાઓનાં મઠમાં જઈ તેને ખાવાનું અને કંઈક કામ આપવાની વિનંતી કરવા લાગ્યો.

મુખ્ય લામાએ તેને પૂછયું કે તે શું શું જાણે છે? તેણે શું શું વાંચ્યું છે? તે કયા કયા કામ કરી જાણે છે?

યુવાને જવાબ આપ્યો : હું શાળામાં તો ક્યારેય જઈ શક્યો નથી કે નથી મારી પાસે કોઈ વિશેષ પ્રકારની આવડત. મેં અત્યાર સુધી છૂટક છૂટક કામો કર્યાં છે જેવા કે એઠાં વાસણ ધોવા, મકાન સાફ કરવું વગેરે. મને બીજું કંઈ ખબર નથી.

મુખ્ય લામાએ ફરી પ્રશ્ન કર્યો : શું તને ખાત્રી છે કે તને બીજું કંઈ આવડતું નથી?

યુવાને જવાબ આપ્યો : અરે હા! હવે યાદ આવ્યું, હું સારી રીતે શતરંજ રમી જાણું છું.

મુખ્ય લામાએ કહ્યું : સરસ. તારે આ સાબિત કરવા કસોટીમાંથી પસાર થવું પડશે. તેણે અન્ય એક લામા સાધુને શતરંજનું પાટીયું અને સોગઠીઓ લઈ આવવા જણાવ્યું અને એક લામા જેને શતરંજ રમતા આવડતી હતી તેને યુવાન સાથે રમત શરૂ કરવા જણાવ્યું.

હવે શતરંજની રમત શરૂ થાય એ પહેલાં એક તલવાર હાથમાં લઈ તેમણે એલાન કર્યું કે જે આ રમત હારશે તેનું નાક આ તલવારથી કાપી નાખવામાં આવશે.

યુવાન થોડો ગભરાયો. પણ તેણે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી આ શરત સ્વીકારી લીધી અને રમત શરૂ કરી.

શરૂઆતમાં યુવાને થોડી ભૂલો કરી અને રમતમાં તેની સ્થિતી અતિ ખરાબ બની ગઈ. પણ પછી તેણે સ્વસ્થતા હાંસલ કરી, પોતાનું સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત કર્યું અને હારેલ બાજી તેણે સુધારી લીધી. હવે જીત તેના હાથવેંતમાં હતી.

તેણે સામે બેઠેલા લામા સાધુ સામે જોયું. તે અસ્વસ્થ નહોતો પણ રમતની સ્થિતી તેની તરફેણમાં ન રહેતા તે થોડો વિચલિત જણાયો.

યુવાને વિચાર્યું, "હું સાવ નકામો છું. હું હારી જઈશ અને મારું નાક કપાઈ જશે તો દુનિયામાં કોઈને કંઈ ફરક પડવાનો નથી. પણ આ લામા સાધુ જ્ઞાની છે, ધ્યાન ધરે છે અને બુદ્ધત્વ ધારણ કરવાના માર્ગે છે. તે શા માટે હારી જવો જોઈએ. એ હારશે તો ચોક્કસ ફરક પડશે. એમ ન થવું જોઈએ." આમ વિચારી તેણે જાણી જોઈને એવી ચાલ ચાલી કે પોતે હારી જાય અને સામે વાળા લામા સાધુને જીતવાની તક મળે.

મુખ્ય લામા આ સમગ્ર ઘટના ક્રમ નિહાળી રહ્યા હતા. તેમણે અચાનક રમત પૂરી થાય એ પહેલાં તલવાર વડે રમત વિખેરી નાખી અને કહ્યું રમત પૂરી થઈ ગઈ છે. છોકરા, તું જીતી ગયો. હવે તું અમારી સાથે જ મઠમાં કાયમ માટે રહી શકશે.

યુવાન મૂંઝાઈ ગયો. મુખ્ય લામા એ તેને સમજાવ્યું : મેં તને શતરંજ રમવા તારું રમતમાં કૌવત કેટલું છે તે સાબિત કરવા નહતો આમંત્ર્યો. પણ મારે બે અતિ મહત્ત્વની બાબતો તારામાં ચકાસવી હતી.

એક છે મહા પ્રજ્ઞા. પોતાની જાત અંગે સભાનતા. જે મેં તારામાં જોઈ છે. જ્યારે તું હારવા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે એક સમયે તે એ અંગે જાગૃત થઈ પોતાનું સંપૂર્ણ ધ્યાન રમત સુધારવા પર કેન્દ્રિત કરી બાજી પલટી નાંખી. તું જીત સુધી પહોંચી ગયો. આ મહા પ્રજ્ઞા છે.

બીજી છે મહા કરુણા. દયા. એ પણ તે ખૂબ સારી રીતે દાખવી. જ્યારે તારો પ્રતિસ્પર્ધી હારવાની અણી પર હતો ત્યારે તે પરમ કરુણા દાખવી અને જાણી જોઈને એવી ચાલ ચાલી કે એ જીતી શકે.

આ બે સદ્ગુણો તમે જે જીવન જીવી રહ્યા છો તે અર્થપૂર્ણ બનાવવા અને સાધના કરવા પૂરતા છે.

જીવન માત્ર જીતવા કે હારવાનું નામ નથી. તમે કંઈ જીતતા નથી અને કંઈ હારતા નથી. વધુ માં વધુ તમે તમારો મર્યાદિત સમય જેને જીવન કહે છે તે શ્રેષ્ઠ રીતે માણી અથવા સહન કરી શકો છો. પણ આ માણો છો એ આનંદ કે સહન કરો છો એ પીડા પણ તમારી કલ્પનાથી વિશેષ બીજું કંઈ નથી.

જૂજ લોકો આ આનંદ કે પીડા, જીત કે હાર વગેરે થી પાર જઈ જુદી જ કેડી કંડારે છે.

જીતો કે હારો, પણ એક મહાન જીવન જીવો.

(ઇન્ટરનેટ પરથી)


આનંદમ્ પરમ સુખમ્

વોટ્સ એપ પર વાંચવામાં આવેલો એક સુંદર મેસેજ :

એક આધેડ ઉંમરના કાકા બોલ્યા, ઘરે પહોંચું તો ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ મા મારી આહટ ઓળખીને કહે આવી ગયો દીકરા.... એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક યુવાન બોલ્યો, કંઈ વાંધો નહિ, બીજી નોકરી મળી જશે કહેતો.. પત્નીનો હિંમત આપતો અવાજ એટલે 'આનંદમ પરમ સુખમ'.

એક પિતાએ કહ્યું, કંઈ જ કહ્યા વિના બધું સમજી જતું સંતાન એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક ભાઈએ કહ્યું, રોજ ઈશ્વર સમક્ષ કોઈ માગણી વિનાની પ્રાર્થના એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક કાકીએ કહ્યું, રોજ જમતી વખતે આ પ્રભુકૃપા જ છે એનો અહેસાસ એટલે 'આનંદમ પરમ સુખમ્'.

એક કાકા બોલ્યા, વહેલી સવારે મૉર્નિંગ વૉક પર પાછળથી ધબ્બો મારી... અલ્યા રસિકયા.... કહી વર્ષો પછી મળનાર જૂનો મિત્ર એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક દાદા બોલ્યા, પૌત્રના સ્વરૂપમાં મળી જતો એક નવો મિત્ર એટલે 'આનંદમ પરમ સુખમ. '

બીજા કાકાએ કહ્યું, સાસરે ગયેલી દીકરીની ખોટ પૂરી દેતી વહુનો મીઠો રણકો એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક યુવતી બોલી, ઓફિસેથી ઘરે પહોંચતાં સાસુમાએ આપેલો પાણીનો ગ્લાસ એટલે 'આનંદમ પરમ સુખમ'.

એક મહિલાએ કહ્યું, થાકી ગયાં હોઈએ. ત્યારે વહાલથી પતિનું કહેવું કોઈ એક વસ્તુ બનાવ ચાલશે એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક ભાઈએ કહ્યું, પથારીમાં પડતાંવેંત આંખ ક્યારે મીંચાઈ જાય એ ખબર પણ ન પડે એટલે 'આનંદમ પરમ સુખમ'.

આ બધાં 'આનંદમ પરમ સુખમ' ની વાતોમાં ક્યાંય પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય ચીજો નથી એ ધ્યાનથી જોજો અને આવી કેટલીયે 'આનંદમ પરમ સુખમ' ની ક્ષણો તમારી પાસે છે એ તપાસી ઈશ્વરનો આભાર ચોક્કસ માનજો..


(ઈન્ટરનેટ પરથી)