Saturday, October 26, 2019

બ્રાહ્મણના પુત્રની ચતુરાઈ

      એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેની વિચક્ષણ બુદ્ધિપ્રતિભાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. એક વાર ત્યાંના રાજાએ તેને ચર્ચા વિચારણા માટે પોતાની સભામાં બોલાવ્યો. ઘણાં લાંબા સમય સુધી ચાલેલી ચર્ચા બાદ રાજાએ કહ્યું, "મહાશય, આપ અતિ જ્ઞાની છો, આટલા ભણેલા-ગણેલા છો તો પછી આપનો પુત્ર આટલો બધો મૂર્ખ કેમ છે? એને પણ કઇંક શીખવો.એને તો સોના - ચાંદીમાં કોનું મૂલ્ય વધારે એ વિશે પણ ગતાગમ નથી." એમ કહી રાજા જોરજોરથી હસવા લાગ્યો.
     બ્રાહ્મણને ખરાબ લાગ્યું. તેણે ઘેર જઈ પુત્રને પૂછ્યું, "સોના અને ચાંદીમાં કોનું મૂલ્ય વધારે? “
એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પુત્રે જવાબ આપ્યો," સોનાનું."
"તું આ જાણે તો છે, તો પછી રાજાએ બધા વચ્ચે આ અંગે મારી ઠેકડી કેમ ઉડાડી? “
      પુત્રને આનું કારણ સમજાઈ ગયું. તે બોલ્યો, "રાજા ગામ પાસે એક ખુલ્લો દરબાર ગોઠવે છે, જેમાં ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામેલ થાય છે. એ દરબાર મારી શાળાએ જતાં માર્ગમાં આવે છે. મને જોઈ તેઓ મને બોલાવે છે અને એક હાથમાં સોનાનો અને બીજા હાથમાં ચાંદીનો સિક્કો રાખી જે અધિક મૂલ્યવાન હોય તે મને લઈ લેવા કહે છે. હું ચાંદીનો સિક્કો લઈ લઉં છું. બધાં ખડખડાટ હસે છે અને આ ઘટનાની મજા લૂંટે છે. આવું લગભગ દર બીજે દિવસે બને છે. "
     "તો પછી તું સોનાનો સિક્કો કેમ લઈ નથી લેતો? ચાર જણ વચ્ચે પોતાની જાત સાથે મારો પણ ફજેતો કરાવે છે?" બ્રાહ્મણે પુત્રને પ્રશ્ન કરતા કહ્યું.
     પુત્ર હસીને બ્રાહ્મણને અંદરના કક્ષમાં લઈ ગયો અને તેણે કબાટમાંથી એક ચાંદીના સિક્કાથી ભરેલી સંદૂક કાઢી પિતાને બતાવી. એ જોઈ બ્રાહ્મણ તો હતપ્રભ બની ગયો.
પુત્રે તેને કહ્યું," જે દિવસે હું સોનાનો સિક્કો ઉપાડીશ, તે દિવસથી આ ખેલ બંધ થઈ જશે. એ લોકો મને મૂર્ખ સમજી મજા લઈ રહ્યા હોય તો ભલે લે, જો હું બુદ્ધિમાન સાબિત થઈશ તો મને કંઈ નહીં મળે. હું આપ જેવા ચતુર બ્રાહ્મણનો પુત્ર છું અને તેથી અક્કલથી કામ લઉં છું."
     મૂર્ખ હોવું અલગ વાત છે અને મૂર્ખ ગણાવું અલગ.
     સ્વર્ણિમ મોકાનો ફાયદો ઉઠાવવાને બદલે સારું છે દરેક મોકા ને સુવર્ણમાં ફેરવી નાખવાનું.

(ઇન્ટરનેટ પરથી)

Wednesday, October 23, 2019

એક મહિનામાં જાતને સુધારવાના ૨૦ નુસખા

૧. તમારી ભાષા નિર્મળ બનાવી દો, સઘળાં ઝેરી શબ્દો ત્યાગી દો. નકારાત્મક શબ્દો બોલવા બંધ કરી દો. નમ્ર બનો.
૨. રોજ વાંચો. ગમે તે વાંચો. પણ ચોક્કસ વાંચો.
૩. જાતને વચન આપો કે ક્યારેય માતાપિતા સાથે ઉદ્ધતાઈ પૂર્વક વાત કરીશ નહીં. તેમનું અપમાન ક્યારેય થવું જોઈએ નહીં.
૪. તમારી આસપાસ ના લોકોનું નિરીક્ષણ કરો. તેમના સદગુણો તમારા જીવનમાં ઉતારો.
૫. રોજ થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં ગાળો.
૬. રસ્તે રઝળતાં પ્રાણીઓને ખવડાવો. ભૂખ્યાને ખવડાવીને ખૂબ સારી લાગણી અનુભવાય છે.
૭. અહમ્ નહીં, અહમ્ નહીં, અહમ્ નહીં. માત્ર અભ્યાસુ વૃત્તિ, અભ્યાસુ વૃત્તિ, અભ્યાસુ વૃત્તિ.
૮. શંકાનું સમાધાન કરતા ક્યારેય ખચકાટ ન અનુભવો. કોઈ પ્રશ્ન કરે તો તે પાંચ મિનિટ માટે મૂરખ ઠરે છે પણ જે પ્રશ્ન જ નથી કરતો તે સદાને માટે મૂરખ રહે છે.
૯. જે કંઈ પણ કરો તે પૂરી સમર્પિતતા સાથે કરો. આ જ સાચું ધ્યાન છે.
૧૦. નકારાત્મક લોકોથી દૂર રહો પણ કોઈ પ્રત્યે ક્યારેય પૂર્વગ્રહ ન રાખો.
૧૧. તમારી જાતની અન્યો સાથે સરખામણી કરવાનું બંધ કરો. જો તમે એમ નહીં કરો તો તમે તમારું ખરું કૌવત ક્યારેય જાણી નહીં શકો.
૧૨. જીવનની મોટામાં મોટી નિષ્ફળતા પ્રયત્ન ના કરવામાં છે. આ હંમેશા યાદ રાખો.
૧૩. હું રડ્યો કારણ મારી પાસે પગમાં પહેરવા જૂતા નહોતા, પણ જ્યારે મેં એક વ્યક્તિને જોઈ જેને પગ જ નહોતા ત્યારે મેં રડવાનું બંધ કરી દીધું. ક્યારેય ફરિયાદ કરશો નહીં.
૧૪. તમારા દિવસનું આયોજન કરો. એમાં થોડો જ સમય જશે પણ એમ કરવાથી તમારો ઘણો બધો સમય વેડફાતો અટકી જશે.
૧૫. દરરોજ થોડો સમય મૌન ધારણ કરી બેસો. તમારી જાત સાથે એ સમય ગાળો. માત્ર તમારી જાત સાથે. ચમત્કાર થશે!
૧૬. તંદુરસ્ત મન તંદુરસ્ત શરીરમાં વસે છે, તેમાં કચરો પધરાવશો નહીં.
૧૭. થોડી થોડી વારે પાણી પીતા રહો. દિવસના ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાની ટેવ પાડો.
૧૮. રોજ કાચા શાકભાજીનું સલાડ ઓછામાં ઓછી એક વાર ખાવાની આદત કેળવો.
૧૯. તમારા આરોગ્યનું ધ્યાન રાખો. જેની પાસે તંદુરસ્તી છે તેની પાસે આશા છે અને જેની પાસે આશા છે તેની પાસે સઘળું છે.
૨૦. જીવન ટૂંકુ છે. જીવન સરળ રાખો. તેને સંકુલ ન બનાવો. સદાયે સ્મિત આપવાનું ન ભૂલો.
  આ નુસખા રોજ વાંચો અને તેને અમલમાં મૂકો.
(ઇન્ટરનેટ પરથી)

જૂની પેઢી

આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે, જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે.
રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા, સવારના અંધકારમાં ફરવા નીકળવાવાળા, આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા
અને રોજ મંદિર જવાવાળા...
રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા,
તેમનું સુખ દુઃખ પૂછવાવાળા,
બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા,
તેમજ સ્નાન વગર અન્ન ગળે નહીં ઉતારવા વાળા.

તેમનો અલગ સંસાર, વાર તહેવાર, મહેમાન,  શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, તીર્થયાત્રા , રીતી-રિવાજ અને સનાતન ધર્મની
આગળ પાછળ ફરવાવાળા.

જુના ફોનના ડબલા ઉપર જ મોહિત રહેવા વાળા, ફોનનંબરની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા...!

હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, સમાજનો ડર પાળવા વાળા, જૂના ચપ્પલ, ફાટેલી બંડી અને
તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા......!!

ગરમીની સીઝનમાં આચાર પાપડ બનાવવાવાળા, ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવાવાળા અને હંમેશા દેશી ટામેટા, દેશી રીંગણ અને દેશી મેથી જેવી શાકભાજી શોધવાવાળા........!

નજર ઉતારવા વાળા, અંબોઈ ખસી હોય તો ઠીક કરવા વાળા, લીમડાનું કે બાવળનું દાતણ કરવાવાળા અને શાકભાજીની લારી વાળા સાથે
એક-બે રૂપિયા માટે જીભા જોડી કરવા વાળા.....!!
શું તમે જાણો છો?
આ બધા ધીરે ધીરે આપણો સાથ છોડી
કાયમ માટે જતા રહેવાના છે.

શું તમારા ઘરમાં આવું કોઈ છે? જો હા,
તો જરૂર તેઓનું ખૂબ ધ્યાન રાખજો...
નહિતર એક મહત્વપૂર્ણ શીખ તેમની સાથે જ જતી રહેશે.
એમનું છે સંતોષ ભર્યું જીવન,
સાદગી પૂર્વકનું જીવન,
પ્રેરણા દાયક જીવન,ભેળસેળ વિનાનું જીવન,
ધર્મ અને સતમાર્ગ પર ચાલવાવાળું જીવન,
બધાની ચિંતા કરવાવાળું જીવન.....!

તમારા પરિવારમાં જે લોકો વડીલ છે
તેમનું માન સન્માન રાખજો,
તેઓને પોતાપણું મહેસૂસ કરાવો
 અને ખૂબ જ પ્રેમ કરો.........!

   સંસ્કાર જ અપરાધ રોકી શકે છે, સરકાર નહિ !!

(ઇન્ટરનેટ પરથી)

Tuesday, October 15, 2019

શ્રાદ્ધ

   અચાનક મેં કાર ને બ્રેક મારી. મારાથી બૂમ પડાઈ ગઈ, "ઓ દાદા... રસ્તા વચ્ચે મરવા નીકળ્યા છો?આવી રીતે રોડ ક્રોસ થાય ?"
અચાનક બ્રેકના મોટા અવાજ માત્રથી દાદા નીચે પડી ગયા.

     હું ગાડીમાંથી બહાર આવ્યો.દાદાનો હાથ પકડ્યો. દાદાનો હાથ ગરમ. ગળેને માથે હાથ મૂક્યો, એ પણ એકદમ ગરમ. દાદા તાવથી ધ્રુજતા હતા.મને મારા બોલવા ઉપર પસ્તાવો થયો. મેં દાદાનો હાથ પકડી તેમને કારમાં બેસાડ્યા.
      "દાદા આટલો તાવ હોવા છતાં રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો? અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવારના કોઈ સભ્યનો નંબર આપો.હું તેને દવાખાને બોલાવી લઉં.“

       દાદા ભીની આંખે મારી સામે જોતા રહ્યા.
મેં કહ્યું, "દાદા, એકલા રહો છો ?"

"હા." તે એટલું જ બોલ્યા.

"પરિવારમાં કોઈ...?"

"કોઈ નથી.પત્ની હતી પણ વર્ષ પહેલાં..." આકાશ સામે હાથ કરી એ બોલ્યા.

       હું તેમને અમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટર મારી સાથે દાદાને જોઈ બોલ્યા,"પંડ્યા દાદા, આરામ કરવાનું કહેલું ને? ફરીથી એકલા બહાર નીકળ્યા?“

મેં ડૉક્ટર સામે જોઈ પૂછ્યું, "તમે ઓળખો છો દાદાને ?"

"હા.. સારી રીતે. હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આ તો અમારા પંડ્યાદાદા છે."

ડૉક્ટર દાદાનો તાવ માપી કહ્યું,"દાદાની ઉંમર પ્રમાણે દાખલ કરવા હિતાવહ લાગે છે."

"પણ કોઈને પૂછ્યા વગર?" મેં પ્રશ્ન કર્યો.
ડૉક્ટર તેમની રૂમમાં મને અંદર લઈ ગયા અને કહ્યું, "દીકરો વહુ છે, પણ તેમનાથી જુદા થઈ ગયા છે.દાદા ને ગાંઠિયા બહુ ભાવે છે.દીકરો વહુ ગાંઠિયા લાવે નહીં.ઝાડા થશે તો કોણ સાફ કરશે એવી દલીલો કરે. ઘડપણ છે, જુદું જુદું ખાવાની ઈચ્છા પણ થાય. દાદાને અઠવાડીયામાં બે વખત ગાંઠિયા જોઇએ જ. એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા. ત્યાં સુધી વાંધો ન હતો. એક દિવસ દીકરો વહુ બોલ્યા તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દો." દાદાએ કહ્યું, "હું મરી જાઉ પછી મિલકત તમારી જ છે મારા જીવતા એ નહીં બને."

દીકરો કહે,"કેમ ના બને ?"

દાદા કહે,"તું નોકરી એ લાગ્યો. લગ્ન કર્યા. ભણાવીને તૈયાર અમે કર્યો.અત્યારે પગાર મારા ખાતામાં જમા કરાવે છે કે તારા ખાતા માં ?
રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે ?  કોઈ દિવસ મારા માટે ધોતી કે તારી માઁ માટે સાડી લાવ્યો ? જો તું બધું તારા પરિવારનું વિચારતો હોય તો મારે પણ મારું કેમ ન વિચારવું ?"

બસ, આ નાની બાબત ઉપર દીકરા વહુ જુદા થઈ ગયા. એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા. દાદા એકલા પડી ગયા. આમ તો હું કોઈ ના ઘરે વિઝીટ પર નથી જતો, પણ દાદાનો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો કારણ કે તમણે  મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો.

ડોક્ટર દાદા સામે જોઈ બોલ્યા," દાદા, ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા?"
દાદા આવા તાવમાં પણ હસી પડ્યા.

હું બાજુમાં ગયો. માથે હાથ ફેરવી પૂછ્યું, "પછી ગાંઠિયા ખાધા કે નહીં ? ગાંઠિયાનો તાવ હોય તો કહો હું લઈ આપું."

દાદાએ મારો હાથ પકડી કહ્યું," બેટા ૧૦૦ ગ્રામ... "

મેં ડોક્ટર સામે જોયું. ડોક્ટર સાહેબે હસીને મને હા પાડી.એમણે દાદા ને અંદરના રૂમમાં સુવાડી ઇંજેકશન આપ્યું અને કહ્યું," આરામ કરો, ત્યાં સુધીમાં પ્રતિકભાઈ ગાંઠિયા લઇ આવશે."

હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો. ગાંઠિયા લઈને  પાછો આવ્યો. ડોક્ટર મારી રાહ જોતા હતા.એ બોલ્યા," પ્રતિકભાઈ, આપણે સહેજ મોડા પડ્યા."

મેં કહ્યું, "કેમ શુ થયું..?"
તેમણે જણાવ્યું, "દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા."
મારા હાથમાંથી ગાંઠિયાનું પેકેટ નીચે પડી ગયું.

ફક્ત એક કલાકના અજાણ્યા સંબંધો હતા છતાં પણ હું મારા આંસુ ને રોકી શક્યો નહીં.
મા-બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય, એ સંતાનો આવી રીતે  ઘડપણમાં તેમને કઈ રીતે તરછોડી શકતા હશે?

મેં ઑફિસે ફોન કરીને કહ્યું,"આજે મારા દાદાનું શ્રાદ્ધ છે.હું ઑફિસે નહીં આવી શકું."

ડોક્ટર સાહેબ બોલ્યા, "ભાઈ પ્રતિક, તે એક માનવતાનું કામ કર્યું છે.આજે મારૂ દવાખાનું પણ દાદાના માનમાં બંધ રહેશે."

ડોક્ટર સાહેબ બોલ્યા,"પ્રતિક, તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી. તેમના પુત્રનો મોબાઈલ નંબર મારી પાસે છે આપણે તેને જાણ કરી દઈએ."

અગત્યની વાત એ છે દાદા એ તેમના વકીલનો નંબર ડોક્ટર સાહેબને આપીને ગયા હતા અને કહ્યું હતું," મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે તે ઈચ્છા પૂરી કરવાની જવાબદારી ડૉકટર સાહેબ તમારી છે. મારા મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે. દાદાના વિલ પ્રમાણે તેમની મિલકત નો 75% હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચાની દુકાન ખોલવી ત્યાં રોજ ઘરડા અને ગરીબ વ્યક્તિને મફત મા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી. ગાંઠિયાની દુકાનનું નામ મારા અને મારી પત્ની નામ ઉપર થી રાખવું.
બાકી ના ૨૫% રકમમાંથી ગરીબ વ્યક્તિઓ ને તમારે  દવા આપવી."

મેં કહ્યું , "વાહ દાદા! વાહ!
આનું નામ સાચું દાન. મંદિર મસ્જિદ કે ધાર્મિક સ્થાન કે આશ્રમોને રૂપિયાની જરૂર નથી, જરૂર સમાજને છે. આપણા મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં, જીવતા સાચવો. સ્વર્ગ માં કોઈ ટિફિન વ્યવસ્થા નથી.
મરતી વખતે ગંગા જળની કોઈ જરૂર તેઓ ને નથી, ઘરડી વ્યક્તિઓને ભાવતી વસ્તુ તેમના જીવતા આપો એટલે એ તૃપ્ત થઇ જશે."

(ઇન્ટરનેટ પરથી)