Monday, January 21, 2019

આપણાં જીવનમાં ગુરૂની જરૂર શા માટે છે?

          એક વાર એક ગાય જંગલમાં ચરવા ગઈ. અચાનક તેણે એક વાઘને પોતાના તરફ ધસતા દીઠો. તેણે ઝડપથી પોતાની દિશા બદલી અને ભાગવા માંડયું. તેને એવો ભય સતાવવા માંડ્યો કે કોઈ પણ ઘડીએ વાઘ તેના પર તરાપ મારી તેના નહોર પોતાના શરીરમાં ઘૂસાડી દેશે. તેણે હાંફળાફાંફળા થઈ બચવા માટે કોઈ સુરક્ષિત જગા શોધવા નજર દોડાવી અને ભાગતા ભાગતા છેવટે તેની નજર એક છીછરા તળાવ પર પડી. વાઘ સાવ નજીક આવી ગયો હોવાને લીધે હવે વધુ કંઈ વિચાર્યા વગર તેણે પાણીમાં છલાંગ લગાવી. પીછો કરતા કરતા વાઘે પણ તેની પાછળ આંધળુકીયું કરી કૂદકો માર્યો.
        બંનેના આશ્ચર્ય વચ્ચે તળાવનું પાણી ભલે છીછરું હતું પણ તેમાં કાદવના પડળ પર પડળ હતાં. વાઘે ગાય પર તરાપ તો મારી પણ બંને વચ્ચે થોડું અંતર રહી ગયું અને બંને ગળા સુધી કાદવ માં ફસડાઈ પડયાં. બંનેનાં માથાં પાણીની બહાર હતાં પણ આખું બાકીનું શરીર કાદવમાં બૂરી રીતે ફસાયેલું હતું. તેમણે કાદવમાંથી છૂટવા ખૂબ હવાતિયા માર્યાં પણ તેઓ એમાં વધુ ને વધુ ફસાતા ચાલ્યાં.
      આ સ્થિતીમાં પણ વાઘ વારંવાર ગાય તરફ ઘૂરકિયા કરી કહેવાનું ચૂકતો નહોતો, "હું તને ફાડી ખાઈશ. "
       ગુસ્સામાં તે ધૂંઆપૂંઆ થઈ ગયો પણ તેનું કંઈ ચાલ્યું નહીં.
       ગાયે વાઘને મુક્ત થવા હવાતિયા મારતો જોઈ વિચારશીલ થઈ હસતાં હસતાં પૂછ્યું, "શું તારો કોઈ માલિક છે?"
      વાઘે તિરસ્કાર પૂર્વક ઉત્તર આપ્યો, "હું જંગલનો રાજા છું. તું મને શા માટે પૂછે છે કે મારો કોઈ માલિક છે કે નહીં?હું પોતે જ મારો માલિક છું!"
        ગાયે કહ્યું," તું ભલે જંગલનો રાજા રહ્યો પણ આજે આ પરિસ્થિતિમાં તારી બધી તાકાત પણ તારો જીવ બચાવી શકશે નહીં."
       વાઘે સામો પ્રશ્ન કર્યો, "અને તારું શું થશે?તું યે અહીં કાદવમાં જ મરી જશે!"
        ગાયે સસ્મિત મર્માળું હસતાં કહ્યું, "ના, એવું નહીં બને. "
        "જો હું જંગલનો રાજા પણ આ કાદવમાંથી મારી જાતને બચાવી શકવાનો ન હોઉં તો તું એક તુચ્છ ગાય કઈ રીતે બચી શકવાની છે?"
        ગાયે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, "હું મારી જાતને આ કાદવમાંથી બચાવી શકવાની નથી, પણ મારો માલિક મને ચોક્કસ એમાંથી બચાવી લેશે. જ્યારે અંધારુ થઈ જશે અને હું ઘેર પાછી નહીં ફરું ત્યારે એ મને શોધવા નીકળશે અને ચોક્કસ અહીં સુધી આવી પહોંચશે. હું જ્યારે એને અહીં ફસાયેલી મળી જઈશ એટલે એ મને અહીં થી બહાર કાઢી ઉગારી લેશે અને કાળજીપૂર્વક મને અમારા સુંદર ઘર સુધી દોરી જશે. "
       આ કેફિયત સાંભળી વાઘ ચૂપ થઈ ગયો અને તેણે ઠંડા કલેજે ગાય તરફ નિહાળ્યા કર્યું.
      પછી થોડા જ સમયમાં સૂર્યાસ્ત થયો અને ખરેખર ગાયનો માલિક તેને શોધતો શોધતો કાદવ ભર્યા તળાવ સુધી આવી પહોંચ્યો. ગાયના કહ્યા મુજબ જ તેણે સાચે પરિસ્થિતીનો તાગ મેળવી લીધો અને કાળજી પૂર્વક ગાયને કાદવમાંથી બહાર કાઢી લીધી. બંને જ્યારે પાછા ઘર તરફ ડગ માંડી રહ્યાં ત્યારે પરસ્પર નવી કૃતજ્ઞતા અનુભવી રહ્યાં. તેમને વાઘની દયા આવી અને વાઘ મોઢું વકાસી તેમને જતાં જોઈ રહ્યો.
      આ પ્રતિકાત્મક વાર્તામાં ગાય સમર્પિત હ્રદય છે, વાઘ અહંકારી મન અને માલિક ગુરૂ નું પ્રતિક છે. કાદવ આ દુનિયા છે અને વાઘનો ગાયનો પીછો તેમજ કાદવમાં બચવા માટે હવાતિયા દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષને દર્શાવે છે.
સારાંશ :
-----------
સ્વતંત્ર હોવું, કોઈના પર આધાર ન રાખવો સારું છે. પણ એનો અર્થ એવો નથી કે જીવનમાં ગુરુ નું કોઈ સ્થાન કે મહત્વ નથી. તમને એવા સાથી, શિક્ષક કે માર્ગદર્શકની સદાયે જરૂર હોય છે જે સતત તમારું ધ્યાન રાખી શકે કે જ્યારે જરૂર હોય ત્યારે તમે ચોક્કસ તેમની પાસે જઈ શકો.
એ તમારા જીવનમાં હોય એનો અર્થ એવો નથી કે તમે નબળા છો, તેમની હાજરી કે મદદથી તમે વધુ સક્ષમ જરૂર બની રહો છો.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, January 13, 2019

કઈ રીતે વધુ સુખી થવું

     શું તમને ખબર છે કે વિશ્વની સૌથી ખ્યાતનામ વિદ્યાપીઠોમાંની એક એવી હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે સૌથી લોકપ્રિય અને સફળ અભ્યાસક્રમ તમને કઈ રીતે વધુ સુખી થવું એ શીખવે છે.
     બેન શાહર દ્વારા ભણાવાતો પોઝીટીવ સાઇકોલોજીનો વિષય વૈકલ્પિક હોવા છતાં દરેક છ માસિક સત્રમાં તે વીસેક ટકા જેટલા ૧૪૦૦ વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરાય છે.
     બેન શાહરના જણાવ્યા મુજબ તેના વર્ગમાં શીખવવામાં આવતા સુખ, આત્મવિશ્વાસ અને પ્રેરણા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતા મુદ્દાઓ વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થતા અને જીવનને વધુ આનંદ પૂર્વક જીવતા શીખવે છે. ૪૫ વર્ષીય બેન શાહરને ઘણાં "હેપીનેસ ગુરૂ" કહે છે. તેમણે પોતાના એક વર્ગમાં પોતાની અંગત સ્થિતી સુધારવાના અને વધુ હકારાત્મક જીવન જીવવાના ૧૫ નુસખા વર્ણવ્યા છે જે આ મુજબ છે :

૧ તમારી પાસે જે કંઈ પણ છે તેના માટે ઈશ્વરનો આભાર માનો. તમારા જીવનની ૧૦ એવી વસ્તુઓની યાદી બનાવો જે તમને ખુશી બક્ષતી હોય. સારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો.

૨ શારીરિક કસરત કરો. નિષ્ણાતો કહે છે કે કસરત કરવાથી 'મૂડ' સુધરે છે. માત્ર અડધા કલાકની કસરત ઉદાસીનતા અને તાણ સામેનો રામબાણ ઈલાજ છે.

3 કેટલાક લોકો અતિ વ્યસ્ત હોવાને લીધે કે જાડા ન થઈ જવા સારુ સવારનો નાસ્તો નથી કરતાં. અભ્યાસ દર્શાવે છે કે સવારનો નાસ્તો તમને ઉર્જા આપે છે, તમને તમારા કામો વિષે વિચારવામાં અને તેમને સફળતા પૂર્વક પાર પાડવામાં મદદ કરે છે.

૪ તમને જે જોઈએ છે તે માગી લો અને તમે જે વિચારો છો એ કહી દો. સકારાત્મતા તમારામાં આત્મવિશ્વાસનો વધારો કરે છે. પાછળ રહી જવાથી અને મનની વાત મનમાં જ રાખવાથી દુખ અને લાચારી જન્મે છે.

૫ તમારા પૈસા નવા અનુભવ લેવા પાછળ ખર્ચો. એક અભ્યાસનું તારણ એવું છે કે ૭૫ ટકા લોકો ત્યારે વધુ સુખી હોવાનો અનુભવ કરે છે જ્યારે તેઓ પૈસા પ્રવાસ કે નવું કંઈક શીખવા પાછળ ખર્ચે છે. માત્ર ૨૫ ટકા લોકો જ ચીજ વસ્તુઓ ની ખરીદી બાદ વધુ આનંદ અનુભવે છે.

૬ પડાકારોનો સામનો કરો. અભ્યાસ બતાવે છે કે જેટલી તમે કોઈક બાબતને પાછી ઠેલશો એટલી વધારે મુંઝવણ અને ચિંતા પેદા થશે. કામોની ટૂંકી અઠવાડિક યાદી તૈયાર કરો અને તે કામો પૂર્ણ કરતા જાવ.

૭ જ્યાં જ્યાં શકય હોય ત્યાં ત્યાં તમારી સુખદ સ્મૃતિઓ, સુવાક્યો અને તસવીરો લગાડો /મૂકો. તમારા ફ્રિજ, કમ્પ્યુટર, ડેસ્ક, રૂમ બધાંને તમારા જીવનની સુખદ સ્મૃતિઓથી ભરી દો.

૮ સદાયે બધાંને સસ્મિત મળો અને અન્યો સાથે સારા બની રહો. સ્મિત તમારો મૂડ સુધારી નાખે છે.

૯ આરામદાયી જૂતા પહેરો. જો તમારા પગે ડંખ પડતા હશે તો તમે મૂડી બની જશો એમ અમેરિકન ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડૉ. કેઇંથ વેપનર કહે છે.

૧૦ તમારી શારીરિક સ્થિતી અંગે સભાન રહો. ખભા સહેજ પાછળ રહે એમ ટટ્ટાર ચાલશો તો મૂડ સારો રહેશે.

૧૧ સંગીત સાંભળો. એ સાબિત થયેલું છે કે સંગીત સાંભળવાથી તમારામાં ગાવા અંગેની ઇચ્છા જાગૃત થાય છે જે તમારા જીવનને સુખી બનાવે છે.

૧૨ તમે જે ખાઓ છો તેની તમારા મૂડ ઉપર અસર થાય છે. એક પણ સમયનું ભોજન ચૂકશો નહીં. દર ત્રણ - ચાર કલાકે હળવું ખાતા રહો અને ગ્લુકોઝ નું પ્રમાણ જાળવી રાખો. સફેદ લોટની વસ્તુઓ અને સાકર વધુ પ્રમાણમાં લેવાનું ટાળો. બધું ખાઓ, વૈવિધ્યસભર ખાઓ, જે આરોગ્યપ્રદ હોય.

૧૩ તમારી જાતનું ધ્યાન રાખો અને આકર્ષક બનો. ૭૦ ટકા લોકો કહે છે કે તેઓ જ્યારે અનુભવે છે કે તેઓ સારા દેખાય છે ત્યારે તેઓ વધુ આનંદિત હોવાનો અનુભવ કરે છે.

૧૪ ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા રાખો. તેની મરજી વગર પાંદડું પણ હલતું નથી અને તે સાથે હોય તો કંઈ અશક્ય નથી.

૧૫ રમૂજી સ્વભાવ કેળવો. વસ્તુઓ ને હસી કાઢતા શીખો, ખાસ કરીને જ્યારે તમારી સાથે બધું ધાર્યા કરતાં ઉલટું બની રહ્યું હોય.

😘🙏🏻સુખ એક રિમોટ કંટ્રોલ જેવું છે,વારંવાર એ આપણાંથી ખોવાઈ જાય છે અને ઘણી વાર અજાણતા આપણે પોતે જ એની પર બેસી પછી એને બીજે બધે શોધતા હોઈએ છીએ...

(ઇન્ટરનેટ પરથી)

Saturday, January 5, 2019

નવા વર્ષે મારે કહેવું છે...

એક નવા વર્ષની હજી શરૂઆત થઈ છે. ત્યારે મારે કહેવું છે...

મારું સર્જન કરનારને : તમારો ખૂબ ખૂબ આભાર!

મારા મિત્રોને : હું તમારા બધાંની કદર કરું છું!

એ દરેકને જેમણે મને પ્રેમ કર્યો છે : હું તમારો ઋણી છું!

જેઓ દિવ્ય સ્પર્શ અને સ્મૃતિઓ આપી મારાથી ખાસ્સા દૂર ચાલી ગયા છે એવા ખાસ અંગતજનોને : હું તમને આવનારા પ્રત્યેક દિવસે અને વર્ષે ખૂબ યાદ કરીશ... તમે ચિરકાળ સુધી મારી સ્મૃતિમાં રહેશો.

જેમણે મને દુભવ્યો છે : હું માફ કરું છું, જે થયું એ ભૂલી ગયો છું.

જેમને મેં અજાણતા દુભવ્યા છે : હું અતિ દિલગીર છું, મને માફ કરશો.

જેમણે મને પડકાર્યો છે : ચાલો આવી જાઓ ફરી પાછા...

જેમના પ્રત્યે મેં પ્રેમ દાખવ્યો છે : હું હજી તમને ચાહું છું અને સદાયે ચાહતો રહીશ...                                             

જેમણે મને મદદ કરી છે : હું આભારવશ છું, તમારા ઉપકાર નો બદલો જલ્દી જ વાળીશ.
   
ગત વર્ષ ને યાદગાર બનાવવા માટે સૌનો હ્રદય પૂર્વક આભાર!!!

નવું વર્ષ તમારા સૌ માટે સમૃદ્ધિ સભર અને સારામાં સારું બની રહે એવી અભ્યર્થના...

(ઇન્ટરનેટ પરથી)

સાચું સુખ ક્યાં છે?

   ૫૦ જણનો એક સમૂહ એક પ્રશિક્ષણ સમારંભમાં હાજરી આપી રહ્યો હતો. અચાનક મુખ્ય વક્તા પ્રશિક્ષકે દરેકને એક ફૂલેલો ફુગ્ગો હાથમાં આપ્યો અને તેના પર પોતપોતાનું નામ માર્કર પેન વડે લખવા કહ્યું. પછી એ બધાં ફુગ્ગા લઈ લેવાયા અને બાજુના એક ખંડમાં મૂકી દેવામાં આવ્યાં. 
      થોડી વાર બાદ દરેક વ્યક્તિને એ ખંડમાં લઈ જવામાં આવ્યા અને તેમને પોતપોતાનું નામ લખેલો ફુગ્ગો શોધી કાઢવાનું જણાવવામાં આવ્યું,માત્ર પાંચ મિનિટમાં. ધમાચકડી મચી ગઈ! બધાં એક બીજા સાથે ભટકાતા, એકમેકને ધક્કો મારતા પોતપોતાનો ફુગ્ગો શોધવા મથી રહ્યાં. પણ પાંચ મિનિટ પૂરી થઈ જવા છતાં કોઈ પોતાનો ફુગ્ગો શોધી શક્યું નહીં. 
       હવે દરેક જણને કોઈ પણ એક જે ફુગ્ગો પોતાના હાથમાં આવે તે લઈ લેવા આદેશ અપાયો અને ત્યારબાદ જેનું નામ એ ફુગ્ગા પર લખ્યું હોય તેને એ સોંપી દેવા જણાવાયું. 
       ત્રણેક મિનિટમાં જ દરેક વ્યક્તિના હાથમાં પોતપોતાનું નામ લખેલો ફુગ્ગો હતો! 
       વક્તા પ્રશિક્ષકે કહ્યું કે આવું જ આપણાં જીવનમાં બનતું હોય છે. દરેક જણ સુખ આસપાસ શોધવા ફાંફાં મારે છે કારણ તેને જાણ નથી કે સાચું સુખ ક્યાં છે. પણ વાસ્તવિકતા એ છે કે સાચું સુખ બીજાના સુખમાં છુપાયેલું હોય છે, એ બીજાને સુખ આપીને મેળવી શકાય છે. 
અન્યને ખુશી આપીને તમે અપાર ખુશી મેળવી શકો છો. એ જ મનુષ્ય જીવનનો સાચો આશય છે. 

(ઇન્ટરનેટ પરથી)