Saturday, December 27, 2014

ચા, દાળ અને સાસુ


ઇન્ટરનેટ પર વાંચવામાં આવેલી રમૂજી કૃતિ ના સર્જકની જાણ નથી પણ મને શેર કરવા યોગ્ય લાગી તેથી આજે ઇન્ટરનેટ કોર્નરમાં લીધી છે.
 
ચા બગડી ચા બગડી એની સવાર બગડી,  
દાળ બગડી એનો દિવસ બગડ્યો,

સાસુ બગડી એની જિંદગી બગડી.
આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે

એવું સામ્ય છે.

ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે!
ઊકળવું એ જ એમનો સંદેશ.

ઊકળે નહિ ત્યાં સુધી જામે ય નહિ.

પરફોર્મન્સ જ ના આપે.
ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે.  

નિખાર એટલે કેવો?
 ચા ઊકળે તો લાલ થાય,

દાળ ઊકળે તો પીળી થાય અને સાસુ ઊકળે તો લાલપીળી થાય !

 આ ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી!
એક સવાર બગાડે,

બીજી દિવસ બગાડે,
ત્રીજી જિંદગી બગાડે.

ચાની ચૂસકી, દાળનો સબડકો અને સાસુનો ફડકો !
આ ત્રણનું કોમ્બીનેશન તો જુઓ!

 ત્રણેય સ્ત્રી જાતિ,
અને સુધારવું બગાડવું એના હાથમાં !!! 

 ('ઈન્ટરનેટ પરથી')

Monday, December 22, 2014

એ શહીદને લાખો સલામ...


તેને અતિશય પ્રિય એવા મેદાનમાં હતો એ જુવાન... ખરા દિલથી, નિષ્ઠાપૂર્વક અને આવેશ તેમજ જુસ્સા પૂર્વક ધ્યાન કેન્દ્રીત કરતો હતો ત્યારે જ વિધાતાએ પોતાની ક્રૂર રમત રમી અને નિર્દયતાથી તેના પ્રાણ હરી લીધાં...

એક ઉચ્ચ કારકિર્દીનો અકાળે પળવારમાં અંત આવી ગયો.આશાઓ,સપનાં અને પૂરા ન થયેલા વચનો...એ જુવાનના આત્માને ઇશ્વર ચિર શાંતિ બક્ષે...

તમને લાગતું હશે હું ફિલ હ્યુજીસની વાત કરી રહ્યો છું,ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જેનું તાજેતરમાં જ ૨૭મી નવેમ્બર ૨૦૧૪ના દિવસે ક્રિકેટના મેદાનમાં મૃત્યુ નિપજ્યું. તમારો વાંક નથી. અતિ સામ્યતા ધરાવતાં આવાજ એક કિસ્સામાં ફિલિપના મૃત્યુના બીજાજ દિવસે ભારતીય લશ્કરી દળનો એક હોનહાર યુવા સૈનિક કુલવિન્દર સિંઘ નાઈક રણમેદાનમાં કાશ્મીર ખાતે દુશ્મનો સામે લડતા લડતા વીરગતિ પામ્યો. આ એક એવો યુવાન છે જેણે દેશ માટે પોતાનો જાન આપી દીધો પણ કમનસીબે તેને આપણામાંના મોટા ભાગના ઓળખતા નહિ હોય...તેનું નામ પણ કોઈએ ભાગ્યે જ સાંભળ્યું હશે.જેમ ફિલ પોતાના કર્તવ્યનું પ્રમાણિકતા અને ખંતપૂર્વક પાલન કરી રહ્યો હતો તેમજ કુલવિન્દર પણ પોતાના દેશ માટે કર્તવ્યનિષ્ઠા બજાવી પોતાની પવિત્ર ફરજનું પાલન કરી રહ્યો હતો. તેણે એમ કરતાં કરતાં પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી.

પણ અહિ એક મોટો ફરક છે : ફિલનું મરણ તેના દેશ સહિત લગભગ આખી દુનિયામાં ગાજ્યું અને તેને નહોતા ઓળખતાં એવાં લોકોએ પણ તેના મૃત્યુ બદલ ઘેરા શોકની લાગણી અનુભવી - વ્યક્ત કરી, જ્યારે કુલવિન્દર સિંઘ નાઈકની શહીદી આ નગુણા દેશના ઇતિહાસમાં,અહિના છાપાંઓમાં નજરે પણ ન ચડે એ રીતે છપાયેલી એક ખબર બની ભૂતકાળ થઈ ગઈ, એક દુ:ખદ મરણનોંધનો આંકડો બનીને રહી ગઈ...એક પણ રાષ્ટ્રીય અખબારમાં આ વીરનો ફોટો સુદ્ધાં છપાયો નહોતો. શું આ એક આઘાતજનક દુ:ખદ બાબત નથી?

આપણાં દેશ માટે જાન કુરબાન કરી દેનારાં ગણવેશધારી પુરુષો અને સ્ત્રીઓની સાહસિકતા અને શૌર્ય પ્રત્યે આપણે કેટલાં બેદરકાર અને બેપરવા છીએ તેનો જીવતોજાગતો દાખલો છે આ. આપણે આપણી આ શરમજનક વર્તણૂંક બદલ ક્ષોભ અનુભવી એક જાગૃત રાષ્ટ્ર બનવાની સખત જરૂર છે.

('ઈન્ટરનેટ પરથી')

Sunday, December 14, 2014

પ્રેમનો ચમત્કાર


કેરનને જ્યારે ખબર પડી કે તે બીજી વાર માતા બનવાની છે કે તરત તેણે એક આદર્શ માતાની જેમ પોતાના વર્ષના પ્રથમ સંતાન માઈકલને પોતાના બીજા સંતાનના આગમન માટે તૈયાર કરવાની શરૂઆત કરી દીધી. માઈકલને જાણે અણસાર આવી ગયો કે આવનાર નાની બહેન હશે અને તે દિવસ રાત મમ્મીના પેટ પાસે પોતાની નાની બહેન માટે ગીત ગાયા કરતો! હજી તો તેની બહેન દુનિયામાં આવી પણ નહોતી ત્યારથી તેનો પોતાની નાની બહેન સાથે એક અનોખો સંબંધ બંધાઈ ગયો.

સમય વિતતો ચાલ્યો અને આખરે એક દિવસ કેરનને પ્રસૂતિની પીડા ઉપડી.પ્રસૂતિ દરમ્યાન થોડી સમસ્યા ઉભી થઈ અને બાળકને ઓપરેશન દ્વારા લેવું પડે એવી પરિસ્થિતી ઉભી થઈ.

આખરે માઈકલની નાની બહેને દુનિયામાં પ્રવેશ કર્યો પણ તેની સ્થિતી ખુબ નાજુક હતી અને જન્મ બાદ તરત તેને બાળકોની ખાસ હોસ્પિટલમાં ઇન્ટેનસીવ કેર યુનિટમાં ખસેડવામાં આવી. ડોક્ટરોએ તેને સારામાં સારી સારવાર આપી પણ તેની તબિયત વધુ ને વધુ નાજુક થતી ચાલી.બે-ત્રણ દિવસ બાદ ડોક્ટરોએ શસ્ત્રો હેઠાં મૂકી દીધાં. કેરન અને તેના પતિને તેમની નવજાત બાળકીની અંતિમ ક્રિયા માટે જગા નોંધાવી દેવાનું કહી દેવામાં આવ્યું. બંને પોતાના ઘરમાં નવા મહેમાન માટે એક અલાયદો ઓરડો સજાવી રાખ્યો હતો પણ તેમને ક્યાં ખબર હતી કે તેમને આવા દુર્ભાગ્યનો સામનો કરવો પડશે.

માઈકલ બધાંથી સાવ અજાણ હતો અને તેણે સતત પોતાની વહાલી નાની બેન ને જોવાની અને તેની સમક્ષ ગીત ગાવાની નિર્દોષ બાળહઠ કર્યે રાખી. બાળકોને ક્યારેય ઇન્ટેનસિવ કેર યુનિટમાં પ્રવેશવા દેવામાં આવતાં નથી. નાની બાળકીની તબિયત એટલી લથડી ગયેલી કે લાગતું  હતું  જાણે  એક-બે દિવસમાં તે ઇશ્વર પાસે ચાલી જશે. કેરનનું માતૃ હ્રદય માઈકલની લાગણીભરી જીદ આગળ પિગળી ગયું અને તેણે કોઈ પણ ભોગે તેને હોસ્પિટલમાં તેની નાની બેન ને મળવા લઈ જવાનો નિર્ધાર કર્યો કારણ પછી કદાચ ક્યારેય પોતાની નાની બહેનને જોવા પામે એવી પરિસ્થિતી હતી.

તેણે માઈકલને પોતાના પતિના કોટ-પાટલૂન પહેરાવ્યાં અને તે એને ઇન્ટેનસિવ કેર યુનિટ સુધી લઈ ગઈ.  હાલતી ચાલતી કપડાની દુકાન જેવો લાગતો હતો. ત્યાં ફરજ પરની હેડ નર્સે તરત બાળક છે જાણતાં ઘાંટો પાડ્યો," બાળકને તાત્કાલિક અહિ થી બહાર લઈ જાઓ.તમને ખબર નથી પડતી અહિ બાળકોને પ્રવેશ નથી."

કેરનમાં રહેલું માતૃત્વ પૂર જોશમાં ઉમટી પડ્યું અને સદાયે શાંત રહેતી તેણે સીધું હેડ નર્સની આંખોમાં તાકીને દ્રઢતા પૂર્વક મક્કમ હોઠો સાથે કહ્યું," અહિ થી તેની નાની વહાલાસોયી બહેન સામે ગીત ગાયા વગર પાછો નહિ જાય." આમ બોલી તેણે માઈકલને તેની બહેનના પારણા સુધી હળવેથી ધકેલ્યો.

પહેલા તો માઈકલ નાનકડી દેવદૂત સમી મોત સામે ઝઝૂમી રહેલી પોતાની સગી નાની બહેન સામે એકીટશે સ્નેહ પૂર્વક તાકી રહ્યો. થોડી ક્ષણો બાદ તેણે ગાવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષની વયના હ્રદયથી શુદ્ધ એવા સ્વરમાં માઈકલ તેની બહેનને સંબોધી તેની સમક્ષ ગાવા લાગ્યો "તું મારા સૂર્યની રોશની છે...તું મારા સૂર્યનું અજવાળું છે...આકાશ જ્યારે કાળું ડિબાંગ થઈ જાય ત્યારે તું મને ખુશી આપે છે..."  અને તરત આની જાદૂઈ અસર થઈ! નાનકડી બાળકી જાણે પોતાના ભાઈની ચેષ્ટાનો ત્વરીત પ્રતિભાવ આપી રહી. તેના ધબકારા સામાન્ય થવા માંડ્યા. કેરન આંખોમાં હર્ષાશ્રુ સાથે ઉતાવળે બોલી "માઈકલ બેટા ગાવાનું ચાલુ રાખ...ગાતો રહે..." માઈકલે ગાવાનું ચાલુ રાખ્યું  " તું જાણતી નથી વહાલી, હું તને કેટલું ચાહું છું... કૃપા કરી મારા સૂર્યની રોશની ક્યારેય છિનવી લઈશ નહિ..."

માઈકલના ગીતે ચમત્કાર સર્જ્યો અને નાનકડી બાળકીના અનિયમિત અને ભારે શ્વાચ્છોશ્વાસ બિલાડીનાં સુંદર બચ્ચાનાં નાજુક કંપન  જેવા સુંવાળા થઈ ગયાં.

"ગાતો રહે વહાલા દિકરા"  કેરન રડતા રડતા બોલી રહી...

" ...અને બે દિવસ પહેલાંની રાતે મેં સ્વપ્ન દીઠું જેમાં મેં તને વહાલથી મારા હાથોમાં તેડી હતી..."

માઈકલની નાની બહેન ધીમે ધીમે આરામથી સૂવા માંડી - શાંતિ પૂર્વક.

"માઈકલ ગાવાનું ચાલુ રાખ બેટા.." કડક એવી હેડ નર્સની આંખોનાં ખૂણાં પણ ભાવવાહી દ્રષ્ય જોઈ ભીનાં બન્યાં. કેરન આનંદવિભોર બની ગઈ હતી.

" તું મારા સૂર્યની રોશની છે...તું મારા સૂર્યનું અજવાળું છે...આકાશ જ્યારે કાળું ડિબાંગ થઈ જાય ત્યારે તું મને ખુશી આપે છે..."

બીજા દિવસે નાનકડી પરીની તબિયત એટલી સુધરી ગઈ હતી કે તે પોતાને ઘેર જવા તૈયાર હતી! મહિલાઓના એક મેગેઝીનમાં વાત ભાઈના ગીતના ચમત્કાર શિર્ષક હેઠળ છપાઈ .હોસ્પિટલના સ્ટાફે ઘટનાને માત્ર ચમત્કાર લેખાવી. કેરને તેને પ્રભુના પ્રેમનો ચમત્કાર કહ્યો.

તમે જેને ચાહતા હોવ તેને માટે સદાયે આશા જીવંત રાખજો. પ્રેમમાં અમાપ તાકાત છે.

જીવન સુંદર છે. તમારો દિવસ શુભ રહો!

('ઈન્ટરનેટ પરથી')

Sunday, December 7, 2014

જે વ્યક્તિ…



v  જે વ્યક્તિ બીજાઓની ખૂબ કાળજી રાખતી હોય તેને પોતાને કાળજીની ખૂબ જરૂર હોય છે.

 

v  જે વ્યક્તિ બીજાઓને સદાયે હસાવતી હોય અને હંમેશા બીજાના મુખ પર સ્મિત આણતી હોય તેના પોતાના હ્રદયમાં ભારોભાર વેદના ભરી હોય છે.

 

v  જે વ્યક્તિ બધાનો સારો મિત્ર બનવાના પ્રયત્ન કરતી હોય તેને પોતાને શ્રેષ્ઠ મિત્રની જરૂર હોય છે.

 

v  જે વ્યક્તિ હંમેશા સ્મિત કરતી હોય અને કહેતી હોય 'હું મજામાં છું...', ભગ્નહ્રદયી હોય છે પણ એટલું મજબૂત મનોબળ ધરાવતી હોય છે કે અંતે સૌ સારાવાના થશે.

 
('ઈન્ટરનેટ પરથી')