Wednesday, December 30, 2015

કરી બતાવો તમે!

કુદરતની અમૂલ્ય ભેટ પુષ્પના સૌન્દર્ય જેવું જીવી બતાવો તમે
 જીવન છે અનમોલ ભેટ સુગંધિત રીતે જીવી બતાવો તમે

ઝરમર વરસતા વરસાદની સુરાવલી ના વાજિંત્રો સાંભળી
 પ્રેમનો આલાપ ગુનગુનાવી મદમસ્ત બની બતાવો તમે

સાગરમાં પૂનમની ભરતીના મસ્તી ભર્યા મોજાની ઘેઘૂરતા
 જેવી ભીનાશભરી આ મન ની લચકતા સમજી બતાવો તમે

ધરતીની ગોદે આ મખમલી ચાદર જેવા લીલાછમ ઘાસ માં
 ઝાકળના આ બિંદુને પારખી નઝર થી ઓળખી બતાવો તમે

ગુલ ગુલશન ના બાગમાં ઉગતી આ નિર્દોષ કુમળી કુંપણ માં
 ફુલ બની રહેલ કળીની સુગંધિતતાને પારખી બતાવો તમે

અરમાનોના ઓઢણાં ઓઢાડીને પાલવડે બાંધી રાખેલ પ્રીતને
 પ્રીતિના છુંદણા છુંદી લોહીની ટસરો ને ભૂસી બતાવો તમે..

  • આરતી ત્રિવેદી

(‘ઇન્ટરનેટ પરથી)

Monday, December 21, 2015

ઇન્દ્રા નૂયીનું પ્રેરણાદાયી વક્તવ્ય


વર્ષ ૨૦૧૩માં પેપ્સીકો કંપનીના વડા ઇન્દ્રા નૂયીને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, અમિતાભ બચ્ચન, ઇલા ભટ્ટ,એ.આર.રહેમાન વગેરે જેવા મહાનુભવોની હાજરીમાં એન.ડી.ટી.વી.દ્વારા આયોજીત કાર્યક્રમમાં ૨૫ મહાન વૈશ્વિક ધોરણે વિખ્યાત ભારતીયોમાંના એક તરીકે સન્માનિત કરાયા, તે સમયે તેમણે આપેલ ટૂંકુ પણ અસરકારક વક્તવ્ય ખરેખર પ્રેરણાદાયી હતું જેનો ભાવાનુવાદ આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ.

                શ્રીમાન રાષ્ટ્રપતિ અને એન.ડી.ટી.વી. નો હું અવિશ્વસનીય સન્માન માટે આભાર માનું છું. માલ્કોમ ગ્લેડવેલે તેમના પુસ્તક આઉટલાયર્સમાં લખ્યું છે કે તમે કોણ છો તેનો બધો આધાર તમે જ્યાંથી આવો છો તેના પર રહેલો છે.

મેં આજથી ૩૫ વર્ષ પહેલાં ભારત છોડ્યું અને હું અમેરિકામાં સ્થાયી થઈ અને લાયકાત જોઇને ચૂંટી કાઢવામાં આવતા લોકોનું જ્યાં શાસન ચાલે છે એવા પરદેશમાં જઈ ઘણી સિદ્ધીઓ હાંસલ કરી પણ બધું શક્ય બન્યું હોત જો મારો આદર્શ અને અદભૂત ઉછેર અહિં ભારતમાં થયો હોત. આથી હું ભારતનો આભાર માનું એટલો ઓછો છે.હવે હું ત્રણ પાઠ તમારા સૌ સાથે વહેંચવા ઇચ્છુ છું.

પહેલું - આજીવન વિદ્યાર્થી બની રહો,સતત કંઈક ને કંઈક શીખતા રહો.જ્યારે આપણે બાળક હોઇએ છીએ ત્યારે આપણે ઘણાંબધાં પ્રશ્નો પૂછતાં હોઇએ છીએ - આકાશ શા માટે ભૂરું છે?પંખીઓ શા માટે આકાશમાં આટલે ઉંચે ઉડે છે?પણ જેમ જેમ આપણે વયમાં મોટા થતા જઈએ છીએ તેમ તેમ કોણ જાણે કેમ આપણામાં રહેલી જીજ્ઞાસા ઘટતી જાય છે. જો આપણે જેટલું જ્ઞાન છે તેટલાંથી સંતુષ્ટ થઈ બેસી જઈશું તો આપણી પ્રગતિ રૂંધાઈ જશે માટે આજીવન વિદ્યાર્થી બની રહો, તમારામાં રહેલી જીજ્ઞાસાવૃત્તિને  મરવા દો.

બીજું તમે જે કંઈ પણ કરો તેમાં તમારી જાતને હોમી દો.તમારા હાથ,મગજ અને હ્રદયને એમાં સંપૂર્ણ રીતે જોતરી દો.હું મારા કામને એક નોકરી તરીકે નથી જોતી,હું તેને એક ઇશ્વરી તેડાં તરીકે જોઉં છું,એમાં મને રોમાંચ અનુભવાય છે.કામમાં હોઉં ત્યારે હું કલાકો સામે નથી જોતી,આંખ મીંચીને મહેનત કરું છું. કારણ મારા માટે કામ એક આનંદ છે.આથી તમે જે કંઈ પણ કરો તેને એક નોકરી તરીકે ન જુઓ, હંગામી વસ્તુ તરીકે ન જુઓ તેને એક ઇશ્વરી તેડાં તરીકે જુઓ,એમાં રોમાંચ અનુભવો.

ત્રીજું અને અને સૌથી મહત્વનું - આપણે સૌ કોઈ જેમનાં હાથમાં કોઈક પ્રકારની સત્તા રહેલી છે કે જેઓ ઉંચા પદે છે તેમના પર એક ઋણ છે - બીજાઓને ઉંચું લાવવાનું.આજે જ્યારે હું આ મંચ પર ઉભી છું ત્યારે હું આ સૌભાગ્યને માત્ર એક સન્માન મેળવવાના અવસર તરીકે નથી જોતી પણ તેને એક જવાબદારી તરીકે જોઉં છું, એક પડકાર તરીકે જોઉં છું - અન્ય યુવા પ્રતિભાઓને આ મહાનતાના સ્તર સુધી લઈ આવવાની ફરજ તરીકે જોઉં છું  જેથી ભવિષ્યમાં તેઓ પણ એક દિવસ આ મંચ ઉપર આવી શકે અને આ સન્માનને લાયક બની શકે.”


('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 12, 2015

ગર્ભમાંના બે બાળકોની વાતચીત

જેઓ ઇશ્વરમાં માને છે અને જેઓ તેનામાં નથી માનતા તેમના વિષે એક રસપ્રદ વાત આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ. તમને ચોક્કસ બે ઘડી માટે વિચાર કરતા કરી મૂકશે. વાત ડો.વાય્ન ડાયરના પુસ્તક "Your Sacred Self" માંથી લેવામાં આવી છે.
એક માના ગર્ભમાં બે બાળકો હતાં.
એકે બીજાને પૂછ્યું "શું તું પ્રસૂતિ પછીના જીવનમાં માને છે?"
બીજાએ જવાબ આપ્યો,"ચોક્કસ માનું છું વળી. પ્રસૂતિ પછી ચોક્કસ જીવન હોવું જોઇએ. કદાચ આપણે ત્યાં જે બનવાના હોઈશું તેની પૂર્વતૈયારી રૂપે અત્યારે આપણે અહિ છીએ."
પહેલા કહ્યું," મને તારી વાત બિલકુલ ગળે ઉતરતી નથી. પ્રસૂતિ પછી તો કંઈ જીવન જેવું હોતું હશે ભલા? જરાયે નહિ..."
બીજાએ કહ્યું,"મને ખબર નથી પણ એવું લાગે છે કે જાણે ત્યાં અહિ કરતા વધુ રોશની હશે.કદાચ ત્યાં આપણે પોતાના પગ પર ચાલતા હોઈશું અને પોતાના મોઢે ખાતા હોઈશું. કદાચ આપણને એવી ઘણી અનુભૂતિઓ થશે જેનો આપણે હાલ અનુભવ કરી શકતા નથી."
પહેલાએ કહ્યું,"કંઈ પણ બોલે છે તું. ચાલવું તો અશક્ય છે. અને પોતાના મોઢે ખાવું? બકવાસ! ગર્ભની નાળ આપણને પોષણ આપી શકે છે અને આપણને જીવતા રાખવા જે કંઈ બીજા જરૂરી પોષક તત્વો જોઇએ છે બધાં પણ. પણ નાળ કેટલી ટૂંકી છે. મને તો નથી લાગતું કે પ્રસૂતિ પછી જીવન જેવું કંઈક હોય..."
બીજાએ આગ્રહપૂર્વક કહ્યું,"મને તો લાગે છે અહિ કરતા જુદું એવું કંઈક ચોક્કસ ત્યાં હશે. કદાચ ત્યાં આપણને ગર્ભની નાળની જરૂર પડે એવું પણ બની શકે ને?"
પહેલાએ કહ્યું,"સાવ વાહિયાત વાત કરે છે તું. અને કદાચ ચાલો એકાદ પળ માટે માની પણ લઈએ કે ત્યાં જીવન જેવું કશુંક હોય તો પછી એક વાર ત્યાં ગયા પછી કોઈ કેમ અહિ ક્યારેય પાછું નથી ફર્યું? પ્રસૂતિ એટલે જીવનનો અંત. ત્યાર બાદ હોય છે માત્ર અંધકાર, મૌન અને ગૂઢ ઉંડી ગર્તા જે આપણને ક્યાંય લઈ જાય..."
બીજાએ કહ્યું," બધી તો મને નથી ખબર પણ બેશક આપણે આપણી માતાને મળીશું અને આપણું ખૂબ ધ્યાન રાખશે,જતન કરશે..."
પહેલાએ કહ્યું,"તું ખરેખર માતામાં વિશ્વાસ ધરાવે છે? હાસ્યાસ્પદ છે. જો માતા હોય તો અત્યારે ક્યાં છે?"
બીજાએ જવાબ આપ્યો," આપણી આસપાસ સર્વત્ર છે. આપણે તેના સુરક્ષિત છત્ર હેઠળ ઘેરાયેલા છીએ. આપણે તેના છીએ. તેના વગર વિશ્વ બનવું કે ટકી રહેવું સંભવ નથી."
પહેલો કહે," મને તો દેખાતી નથી. એટલે તાર્કીક દ્રષ્ટીએ જોતા મારા માટે તો અસ્તિત્વ ધરાવતી નથી."
બીજાએ કહ્યું," તું મૌન થઈ જા અને ધ્યાન કેન્દ્રીત કરી સાંભળવાનો પ્રયત્ન કર, તને ચોક્કસમા’ની હાજરી વર્તાશે અને તને તેનો મધુર અવાજ સંભળાશે..."
મૃત્યુ પછીના જીવન અને ઇશ્વરના અસ્તિત્વની વાત સમજવાનું વાર્તાથી વધુ સારૂં ઉદાહરણ બીજું હોઈ શકે ખરું?


('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 5, 2015

જીવન જીવવાની ટીપ્સ

    તમે ગમે એટલા સુંદર કેમ દેખાતા હોવ પણ યાદ રાખજો કે વાંદરા કે માંકડાયે સહેલાણીઓને તો આકર્ષતા હોય છે! - ક્યારેય બડાઈ હાંકશો નહિ.

    તમે ગમે એટલા મોટા કે કદાવર કેમ હોવ તમારૂં શરીર તમારી સાથે પરમ ધામે આવશે નહિ,રાખમાં ભળી જશે - સદાયે નમ્ર રહો.

    તમે ગમે એટલા ઉંચા કેમ હોવ, આવતી કાલને જોઈ શકશો નહિ - ધીરજ રાખો.

    તમે ગમે એટલા ઉજળા કેમ હોવ, અંધારામાં તમને ઉજાશની જરૂર પડશે -  ગર્વ કરશો, ધ્યાન રાખો.

    તમે ગમે એટલા શ્રીમંત કેમ હોવ અને તમારી પાસે ગમે એટલી ગાડીઓ હોય પલંગ સુધી તમારે ચાલીને જવાનું છે - સંતોષ રાખો.

જીવન ને હળવાશ થી લો.

સેવા કરવી હોય તો સમય જુઓ.
પ્રસાદ ખાવો હોય તો સ્વાદ જુઓ.
સત્સંગ કરવો હોય તો જગા જુઓ.
વિનંતી કરવી હોય તો સ્વાર્થ જુઓ.
દાન કરવું હોય તો ખર્ચ સામુ જુઓ.

જીત કોના માટે હાર કોના માટે જિંદગીભર તકરાર કોના માટે
જે આવ્યું છે તે જવાનું છે ચોક્કસ એક દિવસ તો પછી, માણસ આટલો અહંકાર શેના માટે?


('ઈન્ટરનેટ પરથી')