Friday, December 20, 2019

સમજવા જેવી વાતો

ઝેર શું છે?
 જરૂર કરતા વધારે દરેક ચીજ ઝેર છે. સત્તા, આળસ, ખોરાક, અહમ્, મહત્વકાંક્ષા, મિથ્યાભિમાન, ડર, ક્રોધ અને બીજું બધું જે હદથી વધી જાય તે ઝેર છે.

ડર શું છે?
અનિશ્ચિતતાનો અસ્વીકાર. જો આપણે અનિશ્ચિતતા સ્વીકારી લઈએ તો તે સાહસ બની જાય છે.

ઇર્ષ્યા શું છે?
અન્યની સારી બાબતનો અસ્વીકાર. જો એ સ્વીકારી લઈએ તો તે પ્રેરણા બની જાય છે.

 ક્રોધ શું છે?
 જે આપણાં નિયંત્રણમાં નથી તેનો અસ્વીકાર. જો એ સ્વીકારી લઈએ તો તે ધૈર્ય બની જાય છે.

 નફરત શું છે?
 સામેનું પાત્ર જેવું છે તે સ્વરૂપે તેનો અસ્વીકાર. જો આપણે તેનો બિન શરતી સ્વીકાર કરી લઈએ તો એ પ્રેમ બની જાય છે. 

(ઇન્ટરનેટ પરથી)

Wednesday, December 18, 2019

સાચો લીડર કઈ રીતે સમસ્યાનો ઉકેલ લાવે છે

 તાતા સ્ટીલના અધ્યક્ષ રૂસી મોદીએ જમશેદપુર ખાતે પોતાના કર્મચારીઓ સાથે એક સાપ્તાહિક બેઠક યોજી હતી. એક કર્મચારીએ એક ગંભીર મુદ્દો ચર્ચ્યો. તેણે કહ્યું કે કર્મચારીઓના શૌચાલયની સ્થિતી, ગુણવત્તા અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણી ખરાબ હતી જે તેમના આરોગ્ય માટે પણ જોખમી બાબત હતી. જ્યારે ઉપરીઓના શૌચાલયની સ્થિતી, ગુણવત્તા અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણી સારી હતી.
        શ્રી મોદીએ તેમના એક ઉચ્ચ અધિકારીને આ સમસ્યાનો નિકાલ કેટલા સમયમાં લવાશે એવો પ્રશ્ન કર્યો. તે ઉચ્ચ અધિકારીએ આ માટે એક મહિનાનો સમય માગ્યો.
      શ્રી મોદીએ કહ્યું, "હું તો કદાચ આ સમસ્યા એક જ દિવસમાં હલ કરી દઈશ. મારી પાસે એક સુથાર મોકલી આપો."
     બીજે દિવસે જ્યારે સુથાર આવ્યો ત્યારે શ્રી મોદીએ તેની પાસે કર્મચારીઓ અને ઉપરીઓના શૌચાલયોના નામના પાટીયાઓની અદલાબદલી કરાવી નાખી.
       કર્મચારીઓના શૌચાલય પર 'ઉચ્ચ અધિકારીઓ' અને ઉચ્ચ અધિકારીઓના શૌચાલય પર 'કામદારો' એમ દર્શાવતા પાટિયા લટકી રહ્યાં.
    શ્રી. રૂસી મોદીએ દર પખવાડિયે આ અદલાબદલી ફરી કરવી એવો આદેશ આપ્યો. ત્રણ જ દિવસમાં બંને શૌચાલયોની સ્થિતી એક સરખી - ઘણી સારી થઈ ગઈ.
      સાચો લીડર ઘણી ધીરજથી તમારી વાત સાંભળે છે અને સમય વધુ બરબાદ કર્યા વગર તમારી સમસ્યાનો ઉકેલ સૂઝાડે છે.
      લીડરશીપ ખાલી અધિકારી કે ઉપરી બની જવા કરતા કંઈક વિશેષ છે. 
      સમસ્યા શું છે એ સમજવા ક્રિટિકલ થિંકિંગ કરવું પડે છે પણ સમસ્યાનો ઉકેલ લાવવા ક્રિએટિવ થિંકિંગ કરવું પડે છે.

(ઈન્ટરનેટ પરથી)

Saturday, December 7, 2019

નસીબદાર ને ત્યાં દિકરી હોય

ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે લૂંટવા માટેના ગામની તપાસમાં નીકળ્યો છે.
રસ્તામાં તરસ લાગી. ગળું સૂકાવા માંડ્યું.
એક બાઈને કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું,'બેટા! દીકરી! મને પાણી પાઈશ?'
બાઈ બોલી, 'અરે બાપુ, પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.'
પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ.
ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને ભાવથી જમાડ્યો.
બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ 'બાપ'
અને 'દીકરી' આ બે શબ્દોએ તેને ઓગાળી નાખ્યો તેનાથી રે’વાણું નઈ અને બોલાઈ ગયું, 'દીકરી, આજ રાતે હું મારા ભેરુને લઈને આ ગામ લૂંટવા આવવાનો છું.
તેં મને 'બાપ' કીધો. હવે તો તું મારી 'દીકરી'
છો. તારા ઘરની બારે ગોખલે બે દીવા મૂકજે. તારું ઘર કોઈ નઈ લૂંટે.'

   રાતે ગામના ચોકમાં હાકલ પડી. બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઉપડ્યા.
પરંતુ જ્યાં જ્યાં જાય ત્યાં ઘરે ઘરે બે દીવા તેમના જોવામાં આવ્યા.
મૂંઝાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.

બહારવટિયો દીકરીના ઘરે ગયો અને કહ્યું, 'દીકરી મેં તો તને તારા ઘરની બાર બે દીવા મૂકવાનું કીધું'તું. તેં આ શું કર્યું ?'
દીકરી બોલી, 'બાપુ!, દીકરીનું સાસરું બાપથી લૂંટાય?'

'દીકરીનું સાસરું’ -આટલું સાંભળતા તો
એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો.
બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી
નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો.
એટલું જ તેનાથી બોલાણું, 'દીકરી! તારા જેવી ભગવાને મને એક દીકરી આપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.

નસીબદાર ને ત્યાં દિકરી હોય.

(ઇન્ટરનેટ પરથી)

સુખી આત્મા

     લેહ જતાં માર્ગમાં આવતા એક નાનકડા ગામમાં આવેલ બૌદ્ધ મઠમાં આ લખાણ વાંચવા મળે છે, જે સમજવું સરળ નથી, પરંતુ જો એ આચરવામાં આવે તો જીવન સમૂળગું બદલાઈ જશે એ નક્કી!

સુખી આત્મા કોણ છે?

૧. સુખી આત્મા એ છે જે અન્યને બદલવાનો પ્રયત્ન કરતો નથી, પણ પોતે પોતાની જાતને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

૨. સુખી આત્મા એ છે જે અન્યોને તેઓ જેવા છે તેવા સ્વીકારે છે.

૩. સુખી આત્મા એ છે જે સમજે છે કે દરેક જણ પોતપોતાની દ્રષ્ટિએ સાચું હોય છે.

૪. સુખી આત્મા એ છે જે જતું કરતા શીખે છે.

૫. સુખી આત્મા એ છે જે દરેક સંબંધ માંથી અપેક્ષા છોડી દે છે અને જે માત્ર આપવાની ભાવનાથી આપે છે.

૬. સુખી આત્મા એ છે જે સમજે છે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ તે આપણી પોતાની શાંતિ ખાતર કરીએ છીએ.

૭. સુખી આત્મા એ છે જે દુનિયા સમક્ષ પોતે કેટલો /કેટલી બુદ્ધિશાળી છે એ સાબિત કરવાનું છોડી દે છે.

૮. સુખી આત્મા એ છે જે અન્યો પાસેથી સ્વીકૃતિ યાચતો નથી.

૯. સુખી આત્મા એ છે જે અન્યો સાથે સરખામણી કરતો નથી.

૧૦. સુખી આત્મા એ છે જે પોતાની જાતથી સંતુષ્ટ, ખુશ છે.

૧૧. સુખી આત્મા એ છે જે જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ભેદ સમજે છે અને ઈચ્છાઓ ત્યાગી શકે છે.

૧૨. સુખી આત્મા એ છે જે સુખને ભૌતિક વસ્તુઓ સાથે સાંકળવાનું છોડી દે છે.

દરેક ને સુખી આત્મા તરીકે નું જીવન પ્રાપ્ત થાઓ!
ઝળકતા રહો અને વિકસતા રહો!

(ઇન્ટરનેટ પરથી)