Wednesday, February 26, 2020

આપણો ભ્રમ

      અશોક વાટિકામાં જ્યારે રાવણ ક્રોધમાં આવીને સીતા માતાને તલવાર લઈ મારવા દોડ્યો, ત્યારે હનુમાનજીને લાગ્યું કે રાવણ પાસેથી તલવાર છીનવી લઈને, તેનું ગળું કાપી નાખવું જોઈએ. પરંતુ એ જ સમયે મંદોદરીએ રાવણનો હાથ પકડી લીધો. આ દ્રશ્ય જોઈને હનુમાનજી ગદગદ થઈ ગયા. પરંતુ હનુમાનજી વિચારવા લાગ્યા કે, “જો હું સીતાજીને બચાવવા આગળ ગયો હોત, તો મને એ વાતનો ભ્રમ થઈ જાત કે, હું ન હોત તો આજે સીતા માતાનું શું થાત ? તેમને બચાવવા માટે કોણ આગળ આવે ?” તો આવી જ રીતે ઘણીવાર આપણને પણ એવો ભ્રમ થતો હોય છે કે હું ન હોત તો શું થાત ?
     પરંતુ ત્યારે બન્યું એવું કે સીતાજીને બચાવવાનું કામ પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને સોપ્યું. ત્યારે હનુમાનજી સમજી ગયા કે, “પ્રભુ જે કાર્ય જેમની પાસે કરવાવવા માંગે છે, તેઓ તેમની પાસે જ કરાવે છે.” ઈશ્વરની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થતું નથી.
     આગળ જતા જ્યારે ત્રીજટાએ રાવણને કહ્યું કે, “લંકામાં કોઈ વાનર ઘુસી આવ્યો છે અને તે લંકાને સળગાવવાનો છે.” ત્યારે હનુમાનજી ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે, “પ્રભુએ મને લંકા સળગાવવાનું તો કહ્યું નથી. તો પછી આ ત્રીજટા કેમ આવું કહે છે કે, મેં સપનું જોયું છે અને તેમાં એક વાનર લંકાને સળગાવી રહ્યો છે. તો હવે મારે શું કરવું ?" હનુમાનજીએ ત્યારે કહે છે જેવી પ્રભુની ઈચ્છા.
     જ્યારે રાવણનાં સૈનિકો તલવાર લઈ હનુમાનજીને મારવા દોડ્યા, ત્યારે હનુમાનજીએ પોતાના બચાવમાં થોડો પણ પ્રયત્ન ન કર્યો. પરંતુ એ સમય જ ત્યાં વિભીષણ આવ્યા અને કહ્યું કે, કોઈ દૂતને મારવા એ અનીતિ છે. ત્યારે પણ હનુમાનજી સમજી ગયા કે પ્રભુએ મને બચાવવા માટે આ ઉપાય કર્યો છે.
   હનુમાનજીને ખૂબ જ આશ્ચર્ય થયું કે જ્યારે રાવણે કહ્યું કે, આ વાનરને મારવો નથી, પરંતુ તેની પૂછડી પર કપડું બાંધી, ઘી નાખી અને આગ લગાવી દો. ત્યારે હનુમાનજી વિચારવા લાગ્યા કે ત્રીજટાના સપનાની વાત સાચી હતી. કેમ કે લંકા સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું ? અને આગ પણ કંઈ રીતે પ્રગટાવત ? પણ આ બધી તૈયારીઓ પ્રભુએ રાવણ પાસે જ કરાવી લીધી. ત્યારે હનુમાનજી કહે છે, જ્યારે તમે રાવણ પાસે પણ આવું કામ કરાવી લ્યો છો, તો મારે આમાં આશ્વર્ય કર્યા જેવું કંઈ નથી. ત્યારે હનુમાનજીને પણ સમજાય જાય છે કે આપણા વગર પણ બધું શક્ય હોય છે. આપણે બસ નિમિત્ત હોઈએ છીએ.
   હંમેશા યાદ રાખો કે આ સંસારમાં જે કંઈ પણ થાય છે, તે ક્રમબદ્ધ થાય છે.
હું અને તમે, તેના માત્રને માત્ર નિમિત્ત માત્ર છીએ. માટે ક્યારેય મનુષ્ય જીવે એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે, “હું ન હોત તો શું થાત ?અથવા હું નહી હોઉં તો શું થશે ?” જો આપણે એ સ્થાન પર ન હોઈએ તો તેની જગ્યાએ ભગવાન કોઈ બીજા પાત્રને નિમિત્ત બનાવે.

(ઇન્ટરનેટ પરથી) 

પરીક્ષા ટાણે તમારા અને તમારા સંતાનો માટે

  બોર્ડ પરીક્ષાઓનો સમય આવી ગયો છે. તમારું સંતાન દસમા કે બારમાના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યું હશે તો તો તમેય ટેન્શનમાં હશો ખરું ને? આગામી પંદર - વીસ  દિવસો તમારા બંને માટે અતિ મહત્વના બની રહેશે. તમારા સંતાનો પાસેથી તમે આ સમયગાળા દરમ્યાન મૂડ પરિવર્તન, ઉદાસી, ઉત્સાહ, આરામદાયી વલણ, ઉદ્ધતાઈ વગેરે અનેક મિશ્ર લાગણીઓની અપેક્ષા રાખી શકો છો. પણ તમારે સંભાળી લેવાનું છે. આપણી શિક્ષણ પદ્ધતિ આમ પણ વિદ્યાર્થીઓમાં ઘણો તણાવ પેદા કરે છે, ખાસ કરીને બોર્ડ પરીક્ષા વખતે.
      તો ચાલો આપણાં બાળકોને સહારો આપીએ, તેમની સાથે ઉભા રહીએ. તેમનો તણાવ ઓછો કરીએ. આ કઈ રીતે કરી શકીશું? વાંચો...

૧. તેમને સવારે એક હકારાત્મક ઉમળકા સાથે પ્રેમભર્યા સ્પર્શથી ઉઠાડો, તેમને આલિંગન આપો. દરેક બાળક માતાપિતા પાસેથી આની અપેક્ષા રાખે છે.

૨. તમારા સંતાનના દિવસની શરૂઆત એક હકારાત્મક વિધાન સાથે કરો જેવા કે - હું તને ખૂબ ચાહું છું, ચાલો એક સુંદર મજાના દિવસની શરૂઆત સાથે કરીએ...

૩. તમારા સંતાન સાથે વાતચીત કરતી વખતે ખૂબ કાળજી રાખો. એ પરીક્ષા આપવા જાય એ પહેલા ખાસ. "મને ખાતરી છે કે તું ચોક્કસ ખૂબ સારું પેપર લખીશ... તારું પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે... બેસ્ટ ઓફ લક! જલ્દી થી સરસ પેપર લખીને આવીજા, હું તારી રાહ જોઈશ..." વગેરે.

૪. તમારો ઉચાટ તમારા સંતાન સુધી ન પહોંચવા દો. ગમે તેવી પરિસ્થિતિ હોય, છેલ્લી ક્ષણોમાં તમારા તરફથી હકારાત્મક સહકાર, તમારા સંતાનના આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો કરે છે.

૫. જ્યારે તમારું સંતાન પરીક્ષા આપી પાછું આવે ત્યારે માત્ર 'પેપર કેવું ગયું' જ ના પૂછો, તેના બદલે પૂછો કે તેનો પરીક્ષાનો અનુભવ કેવો રહ્યો. તેને કહો, ચાલ, હવે થોડું બહાર ખુલ્લામાં ફરી આવીએ. સાથે ચા કે કોફી પી ને રિલેક્સ થઈ આવીએ... જે વિષયની પરીક્ષા પતી ગઈ, તેના વિશે ચર્ચા કર્યા કરવાનું ટાળો. જે ગયું તે ગયું. એ તમે બદલી શકવાના નથી પણ હજી જે આવવાનું બાકી છે એના માટે તમે તમારા સંતાનને આધાર આપી શકો છો.

૬. એ સુનિશ્ચિત કરો કે તેની પરીક્ષા દરમ્યાન તમારા સંતાનને તમે ઘરમાં એક આનંદીત અને તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડો છો. પરિવારમાં બિનજરૂરી વિખવાદ-ચર્ચા ટાળો, મતભેદો પછી પણ ઉકેલી શકાય છે. એ ના ભૂલો કે આ બધી નકારાત્મકતા તમારા સંતાનના તણાવમાં વધારો કરી શકે છે.

૭. જ્યારે તમારું સંતાન નાસ્તો કરી રહ્યું હોય, જમી રહ્યું હોય કે પછી તમારી સાથે નિરાંતની ક્ષણો માણી રહ્યું હોય ત્યારે હળવું વાદ્ય સંગીત વગાડો.

૮. તમારા સંતાનને માર્કસ ના લક્ષ્યો ના આપો. એ પોતાના લક્ષ્યાંકો સમજી શકે એટલું સંવેદનશીલ હોય જ છે.

૯. ઘરમાં તાજા ફૂલો રાખો, એ ઘણી હકારાત્મક ઉર્જા આણે છે.

૧૦. કોઈ પણ કારણસર વાતો ને લાંબી ના ખેંચો. સતત ટોક્યા કરવાનું અને દોષો શોધ્યા કરવાનું બંધ કરો.

૧૧. રાત્રે તમારા સંતાનની પીઠ પર હકારાત્મકતા ભર્યા સ્પર્શ સાથે હાથ ફેરવતા તેને સૂવાડો. આ બે મિનિટની ચેષ્ટા તેની પૂરતા કલાકોની નિદ્રા ગાઢ અને અસરકારક બનાવશે અને તે બીજે દિવસે વધુ સારો અભ્યાસ કરી શકશે.

૧૨. સતત સલાહસૂચન ટાળો. સંતાનને તેની થોડી અંગત જગા આપો.

૧૩. પરીક્ષાનું પેપર તમારી કે તમારા સંતાનની અપેક્ષા મુજબ ન જાય તો પણ તમારા સંતાનની પડખે ઉભા રહો.

૧૪. સૌથી અગત્યનું : પરીક્ષાના દિવસો દરમ્યાન તમારા સંતાનને તમારા સગા - સંબંધીઓ કે મિત્રોને ન મળવા દો. છેલ્લી ક્ષણોમાં નકારાત્મક વિધાનો કે અપેક્ષાઓ તમારા સંતાન માટે જોખમી સાબિત થઈ શકે છે.

તમારા સંતાનોને ઘણો બધો પ્રેમ અને ઘણાં બધાં શુભાશિષ... અને હા, તમે શાંત અને ધૈર્યવાન બનજો, તમને પણ ઓલ ધ બેસ્ટ!!!

- એક ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ દ્વારા.

(ઇન્ટરનેટ પરથી)

Monday, February 24, 2020

ભૂલો પર ચોકડી મારી આગળ વધો.

   પ્રાથમિક શાળામાં મેં નવી નવી પેન થી લખવાની શરૂઆત કરી હતી, ત્યારે જો લખવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો શિક્ષકને બતાવતા પહેલા, એ ભૂલ ભૂંસી નાખતા ભારે શ્રમ ઉઠાવવો પડતો. ક્યારેક ઈન્ક-રબર તો ક્યારેક ચોકનો ઉપયોગ કરતો, પણ એ ભૂલ ભૂંસી નાખવામાં જોઈએ એવી સફળતા મળતી નહોતી.
     ક્યારેક તો થૂંકનો ઉપયોગ પણ ભૂલ ભરેલું લખાણ દૂર કરવા કરેલો અને ક્યારેક એ હેતુ માટે રેઝર - બ્લેડ પણ વાપરેલી. પણ એમ કરતાં, નોટબુકના પાનામાં કાણાં પડી જતાં. શિક્ષકના હાથનો માર પણ આ રીતે નોટબુક ગંદી કરવા માટે ખાધો હતો. પણ અહીં આશય મારી ભૂલ ઢાંકવાનો જ હતો.
      એક દિવસ મને ખૂબ ચાહતા એક ભલા હ્રદયના શિક્ષકે મને બોલાવ્યો અને કહ્યું," જ્યારે કોઈ ભૂલ કરે ત્યારે તેના પર ચોકડી મૂકી દેવી અને આગળ વધી જવું. તમારી ભૂલોને ભૂંસવા જશો તો કંઈ વળશે નહીં અને તમારી નોટબુક ખરાબ થઈ જશે. "
      મેં તેમનો પ્રતિકાર કરતા કહ્યું કે હું નથી ઇચ્છતો કે લોકો મારી ભૂલ જૂએ. આ સાંભળી મારા એ શિક્ષકે હસતાં હસતાં કહ્યું, "એ ભૂલ ને ભૂંસવાનો પ્રયત્ન કરવામાં તું વધુ લોકો સમક્ષ એ છબરડો છતો કરે છે. અને પછી એનો પસ્તાવો જીવન ભર રહે છે."
      તમે પણ જ્યારે જીવનમાં ભૂલો કરો છો ત્યારે આ પાઠ શીખવા લાયક છે. તેના પર ચોકડી મૂકી દો અને આગળ વધો. તમારી ભૂલો છૂપાવવાનો પ્રયત્ન કરવામાં તમારી જાતને ખૂલ્લી ન પાડો. આગળ વધુ સારી ચીજ વસ્તુઓ, પ્રસંગો તમારી રાહ જોઈ રહ્યા હોય છે.કરેલી ભૂલોને મમળાવ્યાં ન કરો, આગળ વધો.

(ઇન્ટરનેટ પરથી)

Wednesday, February 5, 2020

૪૦ વર્ષ પહેલા... અને આજે

૪૦ વર્ષ પહેલા સંતાનો તેમના માતાપિતા સાથે નમ્રતાથી વર્તતા. આજે માતાપિતાઓએ તેમના સંતાનો સાથે નમ્રતાથી વર્તવું પડે છે!

૪૦ વર્ષ પહેલા દરેકને બાળકો હોય એવી ઇચ્છા થતી, આજે ઘણાંને બાળકો પેદા કરતા ડર લાગે છે!

૪૦ વર્ષ પહેલા સંતાનો તેમના માતાપિતાને માન આપતા, તેમનો આદર જાળવતા. આજે માતાપિતાઓએ તેમના સંતાનોને માન આપવું પડે છે, તેમનો આદર જાળવવો પડે છે!

૪૦ વર્ષ પહેલા લગ્ન સરળ હતા, છૂટાછેડા મુશ્કેલીથી જોવા મળતા. આજે લગ્ન મુશ્કેલ થતાં જાય છે, છૂટાછેડા આસાનીથી થઈ જાય છે!

૪૦ વર્ષ પહેલા બધાં તેમના પાડોશીઓને ઓળખતા. આજે આપણે આપણાં પાડોશીઓ માટે અજાણ્યાં હોઈએ છીએ!

૪૦ વર્ષ પહેલા લોકો ખૂબ ખાતા કારણ તેમણે સખત મહેનત કરવા વધુ ઉર્જાની, તાકાતની જરૂર હતી જે વધુ ખાવાથી પૂરી થતી. આજે લોકો કોલેસ્ટ્રોલના ભયથી ચરબીયુક્ત ખોરાક ખાતાં ડરે છે!

૪૦ વર્ષ પહેલા ગ્રામવાસીઓ શહેરો તરફ નોકરી મેળવવા ઘસારો કરતાં. આજે શહેરના લોકો તાણના ત્રાસથી મુક્તિ મેળવવા શાંતિની શોધમાં ગામડાભણી દ્રષ્ટિ દોડાવે છે!

૪૦ વર્ષ પહેલા સુખી દેખાવા લોકો જાડા થવું પસંદ કરતા. આજે લોકો તંદુરસ્ત દેખાવા ડાયેટીંગ કરે છે!

૪૦ વર્ષ પહેલા શ્રીમંત લોકો ગરીબ હોવાનો ડોળ કરતા. આજે ગરીબ લોકો શ્રીમંત બનવાનો દંભ કરે છે!

૪૦ વર્ષ પહેલા ઘરની માત્ર એક વ્યક્તિ આખા પરિવારનું ગુજરાન ચલાવવા કામ કરતી. આજે ઘરની દરેક વ્યક્તિએ એક બાળકનું ભરણપોષણ કરવા કમાવું પડે છે!

૪૦ વર્ષ પહેલા લોકોને ભણવું અને વાંચવું ગમતું. આજે લોકોને ફેસબુક અપડેટ કરવું અને વોટસએપ પર મેસેજ વાંચવા ગમે છે!

(ઇન્ટરનેટ પરથી)