Sunday, March 31, 2019

બસ ડ્રાઇવર તમારો પિતા હોય તો તમારે બસસ્ટોપની ચિંતા કરવાની જરૂર નથી

      એક છોકરો બસની રાહ જોતો માર્ગમાં વચ્ચે ઉભો હતો જ્યાં એ બસ થોભતી નહોતી. ત્યાંથી પસાર થઈ રહેલા એક ભલા માણસે તેને સલાહ આપી, "બેટા, મને લાગે છે કે તું બસની રાહ જોઈ રહ્યો છે. પણ બસ અહીં વચ્ચે થોભતી નથી. તું થોડો આગળ જઈ જમણી બાજુએ બસસ્ટોપ છે ત્યાં જઈ બસની વાટ જો. બસ ત્યાં જ થોભશે."
     "હું અહીં જ ઉભો રહી બસની રાહ જોઈશ અને બસ મારા માટે અહીં જરૂર થોભશે." છોકરાએ જવાબ આપ્યો. પેલા માણસે ફરી એ છોકરાને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ છોકરો ટસનો મસ ન થયો. ત્યાં જ બસ આવી. નવાઈની વાત એ બની કે બસ એ છોકરો ઉભો હતો ત્યાં થોભી! અને એ છોકરો બસમાં ચડયો ય ખરો! પેલો માણસ તો આ ઘટના જોઈ આભો જ બની ગયો. ત્યાં પેલા છોકરાએ બસમાંથી બહાર ડોકિયું કરી એ માણસને જણાવ્યું કે "મને ખબર જ હતી કે બસ અહીં ચોક્કસ ઉભી રહેશે કારણકે બસના ડ્રાઇવર મારા પપ્પા છે!"
      જ્યારે બસનો ડ્રાઇવર તમારા સગામાં હોય ત્યારે તમારે બસસ્ટોપની ચિંતા કરવાની જરૂર પડતી નથી. જ્યારે તમે તમારું હ્રદય રાજાધિરાજને સોંપ્યું હોય ત્યારે અકથ્ય લાભો ધરાવતા રજવાડી પરિવાર સાથે તમે નાતો જોડ્યો છે એમ જાણવું. આ વાર્તાનો સાર એ છે કે જ્યારે તમે બસડ્રાઇવર ને જાણતા હોવ ત્યારે જીંદગીની બસ ગમે તે મુકામેથી પકડી શકો છો. લોકોને અશક્ય લાગે એવી જગાએથી પણ એ ડ્રાઇવર (ઇશ્વર) તમને બસમાં ચડાવી દેશે.
     ભલે તમે બેરોજગાર હોવ, ભગ્નહ્રદયી હોવ, કુંવારા હોવ કે પરિણીત, બાળબચ્ચા વગરના હોવ કે છૂટાછેડા લીધેલ કે પછી વિધુર કે વિધવા. શરત એટલી છે કે તમે તેને જાણતા હોવા જોઈએ. તેને, જે આપણે સૌ વિચારી શકીએ કે જેની કલ્પના કરી શકીએ એથી પણ અનેક ગણું વધારે અને સારું કરી શકવાની ક્ષમતા ધરાવે છે. બસ, તે તમારો પિતા હોવો જોઈએ. તમને લાભ તો જ મળે જો તમે એની સાથે સંબંધ ધરાવતા હોવ.
       તમારા પિતા સાથેની બસ સફર માણો! ઇશ્વર સર્વજ્ઞ છે, એ હંમેશા શ્રેષ્ઠ હોય એ જ કરે છે અને એ સદાયે (તમારા માટે) શ્રેષ્ઠ હોય એ જ તમને આપે છે. તમે તેના ચહીતા બની રહો અને તેની પરમ કૃપા તમને પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના...

(ઇન્ટરનેટ પરથી)

Thursday, March 28, 2019

મમળાવવા જેવી ગુજરાતી ઉક્તિઓ

ઝોકું "જલેબી" નથી, તો ય "ખવાઈ" જાય છે. 

આંખો "તળાવ" નથી, તોય "ભરાઈ" જાય છે. 

અહમ્ "શરીર" નથી, તોય "ઘવાઈ" જાય છે. 

દુશ્મની "બીજ" નથી, તોય "વવાઈ" જાય છે. 

હોઠ "કપડું" નથી, તોય "સિવાઈ" જાય છે. 

કુદરત "પત્ની" નથી, તોય "રિસાઈ" જાય છે. 

બુદ્ધિ "લોખંડ" નથી, તોય "કટાઈ" જાય છે. 

અને માણસ "હવામાન" નથી, તોય "બદલાઈ" જાય છે. 

🔹શબ્દ એક જ મુકાય
        ને અર્થ ફરી જાય છે,
🔹આંકડો એક જ મુકાય
           ને દાખલો ફરી જાય છે,
🔹પગલું એક જ મુકાય
          ને દિશા ફરી જાય છે,

સાથ અગર સારી
       એક જ વ્યક્તિનો મળે ને સાહેબ,
      આખી જિંદગી બદલાઈ જાય છે.

*********************************
રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલા ગુજરાતી કવિ અને સર્જક શ્રી ઝવેરચંદ મેધાણી રચિત કેટલીક સુંદર પંક્તિઓ :

# ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા;
સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!


* પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે, પણ પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.

* પ્રભુ એટલું આપજો શોધવું પણ ના પડે, સંતાડવું પણ ના પડે.

* વિચાર ગમે તેટલો સુંદર હોય
તે આચાર વિના નકામો છે.

* પ્રભુ હું ક્યાં કહુ છું કે તૂ આંગણ સુધી આવ?
આંખ મીચું... ને બસ પાંપણ સુધી આવ..!

(ઇન્ટરનેટ પરથી)

Monday, March 18, 2019

સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ

   રામકૃષ્ણ મિશનના એક સંતનો ઇન્ટરવ્યૂ ન્યૂયોર્કના એક પત્રકાર દ્વારા લેવાઈ રહ્યો હતો. પહેલેથી તૈયારી કર્યા મુજબ પત્રકાર સંતને પ્રશ્નો પૂછી રહ્યો હતો. 
    પત્રકાર - "સર, તમારા ગત પ્રવચનમાં તમે અમને જોગાજોગ (સંપર્ક) અને સંજોગ (જોડાણ) અંગે કહ્યું હતું. પણ એ મૂંઝાવનારું છે. તમે એ ફરી થોડું વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકશો? "
     સંતે સસ્મિત પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે પત્રકારને પ્રતિ પ્રશ્ન કર્યો, "શું તમે ન્યૂયોર્કથી આવો છો?" પત્રકારે હકારમાં જવાબ આપ્યો.
     સંત - "તમારે ઘેર કોણ કોણ છે?"
પત્રકારને લાગ્યું કે સંત તેનો પ્રશ્ન ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ તેમનો આ સામો પ્રશ્ન અતિ અંગત અને બિનઅપેક્ષિત અને બિનજરૂરી જણાતો હતો.
આમ છતાં પત્રકારે જવાબ આપ્યો," મારી માતા મૃત્યુ પામી છે. પિતા હયાત છે. મારા ત્રણ ભાઈઓ અને એક બહેન છે જે બધાં પરણેલા છે."
      સંતે મુખ પરનું સ્મિત જાળવી રાખતા પૂછ્યું, "શું તમે તમારા પિતાજી સાથે વાતચીત કરો છો?"
      પત્રકારના મુખ પર સ્પષ્ટ દેખાય એવા અણગમાના ભાવ ઉપસી આવ્યાં. સંતે આગળ ચલાવ્યું, "તેમની સાથે તમે છેલ્લે ક્યારે વાત કરી હતી?"
પત્રકારે પોતાની નારાજગી દબાવી જવાબ આપ્યો, "કદાચ એક મહિના પહેલા."
      સંતે નવો પ્રશ્ન પૂછ્યો, "તમે બધાં ભાઈ - બહેન વારે ઘડીએ મળો છો? તમારા પરિવારનું સમૂહ મિલન છેલ્લે ક્યારે મળ્યું હતું? “
      હવે પત્રકારના કપાળે પરસેવાના ટીપાં બાઝી ગયાં. ઇન્ટરવ્યૂ કોણ લઈ રહ્યું હતું પત્રકાર કે સંત? એમ લાગતું હતું કે જાણે સંત પત્રકારનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હોય!
     નિસાસા સાથે પત્રકારે જવાબ આપ્યો, "બે વર્ષ અગાઉ અમે બધાં સાથે નાતાલ વખતે મળ્યાં હતાં."
સંતે પૂછ્યું, "કેટલાં દિવસ તમે બધાં સાથે રહ્યાં હતાં?"
     પત્રકારે કપાળ પરથી પરસેવો લૂછતાં જવાબ આપ્યો, "ત્રણ દિવસ..."
સંતે પૂછ્યું, "તમારા પિતાની બરાબર બાજુમાં બેસીને તમે કેટલો સમય પસાર કર્યો હતો? “
     પત્રકારે હવે મૂંઝારો અને શર્મિંદગી અનુભવતા કાગળ પર કંઈક લખવાનું શરૂ કર્યું.
સંતના પ્રશ્નોનો જાણે અંત જ નહોતો આવતો! તેમણે પૂછ્યું," તમે સવારનો નાસ્તો, બપોરનું જમણ કે રાત્રિનું ભોજન સાથે લીધા હતા? તમે તેમને પૂછ્યું હતું કે તેઓ કેમ છે? તમે તેમને પૂછ્યું હતું કે તમારી માતાના અવસાન પછી તેમનો સમય કઈ રીતે પસાર થઈ રહ્યો છે?"
      પત્રકારની આંખોમાંથી અશ્રુની સરવાણી વહી રહી.
     સંતે પત્રકારનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું," દુ:ખી કે નારાજ ન થાઓ. જો મેં અજાણતા તમને દુભવ્યા હોય તો હું એ બદલ દિલગીર છું, મને માફ કરી દેશો...
    પણ આ તમારા જોગાજોગ અને સંજોગ(સંપર્ક અને જોડાણ) અંગે ના પ્રશ્ન નો જવાબ છે. તમારો તમારા પિતા સાથે સંપર્ક છે પણ તમારું તેમની સાથે જોડાણ નથી. તમે તેમની સાથે જોડાયેલા નથી. જોડાણ હ્રદયથી હ્રદય સાથેનું  હોય છે. સાથે બેસવું, સાથે જમવું, એકમેકની કાળજી કરવી, સ્પર્શ, હાથ મિલાવવો, આંખમાં આંખ મિલાવવી, સાથે સમય પસાર કરવો... આ બધું જોડાણમાં હોય છે. તમે બધાં ભાઈ-બહેન પણ સંપર્કમાં છો, પણ તમારી વચ્ચે જોડાણ નથી.
      પત્રકારે આંખો લૂંછતાં કહ્યું, "મને આ ક્યારેય ન ભૂલી શકાય એવો સુંદર પાઠ શીખવવા બદલ તમારો ખૂબ આભાર."
       આ આજના સમયની વાસ્તવિકતા છે. ઘરમાં કે સમાજમાં બધાં સંપર્કમાં હોય છે પણ તેઓનું એકમેક સાથે જોડાણ હોતું નથી. તેમની વચ્ચે સંવાદ નથી સધાતો, દરેક પોતપોતાની દુનિયામાં ડૂબેલા હોય છે.
ચાલો, આપણે સંકલ્પ કરીએ કે માત્ર સંપર્કો ન વધારતા, આત્મીયજનો સાથે જોડાણ સાધીશું,તેમની કાળજી કરીશું, તેમની સાથે સુખ દુઃખ વહેંચીશું અને તેમની સાથે સમય વ્યતિત કરીશું.
આ સંત એ બીજું કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદ હતાં.

(ઇન્ટરનેટ પરથી)

Saturday, March 9, 2019

પડતું મૂકો

      એક વાર એક કાગડો ખોરાકનો ટુકડો ચાંચ માં પકડી શાંતિથી બેસીને ખાઈ શકાય એવી જગા શોધતો અહીં-તહીં ઉડી રહ્યો હતો. તેની પાછળ સમડીઓનું એક ટોળું પડયું અને કાગડો થોડો અસ્વસ્થ થઈ વધુ ને વધુ ઉંચે ઉડવા માંડ્યો. પણ સમડીઓએ બિચારા કાગડાનો પીછો છોડ્યો નહીં.
      ત્યાં જ એક ગરુડને કાગડાની આંખમાંના ભય અને ઉચાટ નજરે પડ્યા અને તેણે કાગડાની બાજુમાં ઉડતા ઉડતા પહોંચી જઈ પૂછ્યું, "શું વાત છે, તારી આંખોમાં ભારે થાક, ચિંતા અને નિરાશા દેખાય છે?"
     કાગડાએ જવાબ આપ્યો, "આ સમડીઓ જુઓ ને, મારા જીવની પાછળ પડી છે."
      ગરુડ તો રહ્યું શાણપણનાં ભંડાર સમુ પક્ષી! તેણે કાગડાને સલાહ આપી, "હે મિત્ર, તેઓ તારી જાનની પાછળ નથી. તેઓ તારી ચાંચમાં તે પકડેલા માંસના ટુકડા પાછળ છે. એ છોડી દે અને જો શું થાય છે!"
        કાગડાએ ગરુડની સલાહ અનુસાર માંસનો ટુકડો ચાંચમાંથી છોડી દીધો અને બધી સમડીઓ કાગડાનો પીછો છોડી એ નીચે પડી રહેલા માંસના ટુકડા પાછળ ભાગી!
      ગરુડે સ્મિત કરતા કહ્યું, "વેદના કે દુ:ખોનું પણ આવું જ છે. જ્યાં સુધી તમે એને પકડી રાખો ત્યાં સુધી એ તમને પીડે છે. એમને પડતા મૂકી દો!"
       કાગડાએ ગરુડને નમન કરતા કહ્યું, "મેં એ માંસનો ટુકડો પડતો મૂકી દીધો અને હવે હું નિશ્ચિંત થઈ વધુ ઉંચે ઉડી શકું છું!"
        આ વાર્તામાં આપણાં બધાં માટે એક સંદેશ છે :
    લોકો અહમ્ નામના મસમોટા ભારનો બોજો સહન કરતાં હોય છે જેના કારણે તેમની એક આભાસી છબી સર્જાય છે. આના કારણે આપણે કહીએ છીએ મને પ્રેમ જોઈએ છે, મને આમંત્રણ મળવું જોઈએ, હું ફલાણો છું - ઢીંકણો છું... પડતું મૂકો.
      બીજાઓની ચેષ્ટાઓ દ્વારા આપણે રોષે ભરાતા હોઈએ છીએ - જે મિત્રો, માતાપિતા, સંતાનો, સહ કર્મચારીઓ, જીવનસાથી કોઈ પણ હોઈ શકે છે. તેમના વર્તનથી અસર પામી આપણે ક્રોધિત થઈ જઈએ છીએ. પડતું મૂકો.
      આપણે સતત આપણી જાતની સરખામણી અન્યો સાથે કરતા રહીએ છીએ, સૌંદર્ય બાબતે, સંપત્તિ બાબતે, જીવન શૈલીની દ્રષ્ટિએ, પરીક્ષામાં મેળવેલ માર્કસ, નોકરીમાં મળેલ બઢતી કે કૌશલ્યને લઈને. ઈશ્વરે આપણને જે આપ્યું છે તે બદલ આપણે તેનો આભાર માનવો જોઈએ. સરખામણીને, નકારાત્મક લાગણીઓને પડતાં મૂકો.

(ઇન્ટરનેટ પરથી)

Saturday, March 2, 2019

ભારતીય સેના : ૧૦ સર્વશ્રેષ્ઠ અણમોલ વચન

ભારતીય લશ્કરી દળનાં સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત ઇચ્છે છે કે દરેક ભારતીય નાગરિક ભારતીય સેના વિશે કે દ્વારા લખાયેલા નીચેના વાક્યો ચોક્કસ વાંચે અને આ અમૂલ્ય 'રાષ્ટ્ર સુરક્ષા સૂત્રો' જુદા જુદા માધ્યમો દ્વારા વધુ ને વધુ દેશવાસીઓ સુધી પહોંચાડે.

૧. હું ત્રિરંગો ફરકાવીને પાછો આવીશ કે પછી ત્રિરંગામાં લપેટાઈને, પણ પાછો આવીશ ચોક્કસ. - કેપ્ટન વિક્રમ બત્રા, પરમવીર ચક્ર

૨. જે તમારા માટે જીવનભરનો અસાધારણ રોમાંચ છે, એ અમારી રોજબરોજની જિંદગી છે.
- લેહ - લદાખ રાજમાર્ગ પર ભારતીય સેનાનું સાઇનબોર્ડ

૩. જો પોતાનું શૌર્ય સિદ્ધ કર્યા પહેલા મારું મૃત્યુ આવી જાય તો મારું વચન છે કે હું મૃત્યુ ને જ મારી નાખીશ.
- કેપ્ટન મનોજ કુમાર પાન્ડે, પરમ વીર ચક્ર, ૧/૧૧ ગોરખા રાઇફલ્સ

૪. આપણો ધ્વજ એટલા માટે નથી ફરફરતો કે હવા વાઈ રહી હોય છે, એ પ્રત્યેક જવાનના અંતિમ શ્વાસથી લહેરાય છે, જેણે તેની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપી છે.
- ભારતીય સેના

૫. અમને પામવા માટે તમારે અવશ્ય સારા થવું પડશે, અમને પકડવા તમારે તીવ્ર બનવું પડશે પરંતુ અમને જીતવા માટે તો તમારે બાળક જ હોવું જોઈશે.
- ભારતીય સેના

૬. ઇશ્વર અમારા દુશ્મનો પર દયા કરે, કારણ અમે તો એ કરવાના નથી.
- ભારતીય સેના

૭. અમારું જીવવું અમારો સંયોગ છે, અમારો પ્રેમ અમારી પસંદ છે, અમારું મરવું અમારો વ્યવસાય છે.
- ઑફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નાઈ

૮. જો કોઈ વ્યક્તિ કહે કે તેને મૃત્યુનો ભય નથી તો એ ખોટું બોલી રહી છે કાં તો તે ભારતીય લશ્કરી દળનો સિપાહી હશે.
- ફીલ્ડ માર્શલ સેમ માણેક શો

૯. આતંકવાદીઓને માફ કરવા ઇશ્વરનું કામ છે પણ તેમની ઈશ્વર સાથે મુલાકાત કરાવવાનું કામ અમારું છે.
- ભારતીય સેના

૧૦. એનો અમને અફસોસ છે કે પોતાના દેશ માટે આપવા માટે અમારી પાસે માત્ર એક જ જીવન છે.
- ઑફિસર પ્રેમ રામચંદાની

💐💐 🙏🙏🙏 💐💐

જય હિંદ...

(ઇન્ટરનેટ પરથી)

કાળજી કે નિયંત્રણ??

      હું એક મધ્યમ વયના યુગલનું કાઉન્સેલિંગ કરી રહ્યો હતો. તેઓ મારી સામે પણ ઝગડી રહ્યા હતા. દુ:ખી પતિ કહે, "જુઓ ડૉક્ટર, હું એની કેટલી કાળજી રાખું છું અને એ તેનો બદલો આવી રીતે વાળે છે."
પત્ની ધૂંઆપૂંઆ  થતી બોલી, "એ કાળજી ક્યાં કરે જ છે, એ તો નિયંત્રણ કરે છે!" 
એક વ્યક્તિ માટે કાળજી બીજી વ્યક્તિ દ્વારા નિયંત્રણ તરીકે જોવાય છે!
     આ વાતે મને વિચારે ચડાવી દીધો...કાળજી શું છે અને નિયંત્રણ શું છે ? બંને વચ્ચેનો ફરક કેવી રીતે પારખી શકાય?
   મને તરત જવાબ પણ મળી ગયો!
   મારી કિશોર વયની દિકરી સાથે સાવ ક્ષુલ્લક શિસ્ત બાબતે મારી બોલાચાલી થઇ. અમે બંને એક બીજાને ન બોલવાના શબ્દો બોલી બેઠા અને બંને પસ્તાયા.
     થોડા સમય બાદ જ્યારે આવેશ ઓસરી ગયો, અમે એકબીજાની માફી માંગી. મારી દિકરી મને ભેટી અને તેણે કહ્યું, "પપ્પા તમે જાણો છો તમે કેમ નારાજ થઈ ગયા હતા? મેં ખોટું કર્યું એ વાતે તમે નારાજ નહોતા, પણ મેં તમારું કહ્યું ન માન્યું એ બાબતે તમને નિરાશ કરી દીધા. બંને વચ્ચે ઘણો ફરક છે."
     તેના આ પાકટ વિચારોએ મને આશ્ચર્યચકિત કરી મૂક્યો. મને મારો જવાબ પણ મળી ગયો. હું તેને કાળજીના ઓઠા હેઠળ નિયંત્રણમાં રાખવા પ્રયત્ન કરી રહ્યો હતો. જેના કારણે વિખવાદ પેદા થયો હતો.
     જો હું કોઈની ખરેખર કાળજી કરતો હોઉં તો તેના પ્રત્યે ગુસ્સે કે નારાજ થાઉં નહીં. હું તેને મદદ કરવાના નવા નવા માર્ગો શોધતો રહીશ.
       જો મારો કોઈ પણ સંબંધ સંઘર્ષપૂર્ણ તબક્કા માંથી પસાર થઈ રહ્યો હોય તો મારે બારીકાઈથી એ ચકાસવાની જરૂર છે કે મારી સ્વભાવિક જણાતી કાળજી પાછળ છૂપું નિયંત્રણ તો નથી ને? કારણ...
કાળજી એ પ્રેમની અભિવ્યક્તિ છે જ્યારે નિયંત્રણ અહંની...
નિયંત્રણ કાપે છે... કાળજી જોડે છે...
નિયંત્રણ જખમ આપે છે... કાળજી જખમ રૂઝવે છે...
લોકોની કાળજી  કરતા રહો પણ તેમને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરશો નહીં કારણ
લોકો ખોટા નથી હોતા, માત્ર જુદા હોય છે...
કાળજી  કરતા રહો...

(ઇન્ટરનેટ પરથી)

એક બોધકથા : જીંદગી આજમાં જીવો

એક ફકીર નદીને કિનારે બેઠો હતો. કોઈએ તેને પૂછ્યું," બાબા, શું કરો છો? "
ફકીરે જવાબ આપ્યો, "રાહ જોઉં છું ક્યારે આખી આ નદી પસાર થઈ જાય, પછી પેલી પાર જાઉં." પેલી વ્યક્તિએ કહ્યું, "કેવી વાત કરો છો બાબા? આખી નદી પસાર થઈ જવાની રાહ જોયા કરશો તો ક્યારેય તેને પાર કરી શકશો નહીં."
ફકીરે કહ્યું, "એ જ તો હું તમને સૌને ક્યારનો સમજાવવા ઇચ્છું છું કે તમે સૌ હંમેશા કહ્યા કરો છો ને કે એક વાર જીવનની જવાબદારીઓ પૂરી થઈ જાય પછી હું મોજ કરીશ, ફરીશ, સૌને મળીશ, સેવા કરીશ... એ ક્યારેય શક્ય બનવાનું નથી. જેમ નદીનું જળ ખતમ થવાનું નથી અને આપણે જ વહેતા પાણી સાથે તેને પાર કરવાનો માર્ગ શોધવાનો છે તેમ જ જીવન પૂરું થઈ જશે પણ કામો અને જવાબદારીઓ પૂરા થવાના નથી. આથી જીંદગી આજમાં જીવો. "

(ઇન્ટરનેટ પરથી)

પ્રેમ વિશે... ❤

વેલેંટાઈન ડે નજીકમાં છે ત્યારે ચાલો આજે ઇન્ટરનેટ કોર્નર માં પ્રેમ વિશેના કેટલાક અલગ વિચારો મમળાવીએ...

તમારી જાતને એટલો તો પ્રેમ કરો જ કે જેથી તમે તમારા જીવનની એ બાબતોને ઓળખી શકો જે તમને પસંદ ન હોય અને એ બદલવાની હિંમત તમે કેળવી શકો.

હું મારી જાતને એક બુદ્ધિશાળી અને સુંદર એવા જાજરમાન વ્યક્તિ તરીકે જોઉં છું અને હું મારામાં જે જોઉં છું તેને હું પ્રેમ કરું છું.

વ્યક્તિની સૌથી કિંમતી જણસ તેનું જ્ઞાનથી ભરેલું મગજ નથી, પણ બીજાને સાંભળવા અને મદદ કરવા તૈયાર એવા પ્રેમથી ભરેલું હ્રદય છે.

મારી જાતને અરીસામાં જોઈ "હું તને ચાહું છું, હું તને ખરેખર ખૂબ ચાહું છું" એમ હું સરળતાથી કહી શકું છું. જ્યારે તમે અરીસામાં તમારી જાત સાથે આંખ મેળવવામાં મુશ્કેલી અનુભવતા હોવ ત્યારે યાદ રાખો અને એ વાતનું રટણ કરો કે અરીસો અને એમાં દેખાતી વ્યક્તિ તમારા શ્રેષ્ઠ મિત્રો છે.

જ્યારે આપણે આપણી પોતાની જાતને સૌથી ઓછી ચાહતા હોઈએ છીએ ત્યારે એ ક્ષણો જ હોય છે જે આપણાં જીવનમાં ખોટી વસ્તુઓને સૌથી વધુ આકર્ષે છે.

જ્યારે તમે એકલતા, નિરાશા અને કોઈ તમને ચાહતું નથી એવી નકારાત્મક લાગણી અનુભવો ત્યારે તમારી જાતને યાદ અપાવો કે તમારા વ્યક્તિત્વના કેન્દ્રમાં અખૂટ પ્રેમનો એક અનંત કૂવો છે, તમને સફળ અને સુખી જીવન જીવવા કોઈ બાહ્ય પ્રેમના આધારની જરૂર નથી.

તમે જેવા છો તેનો તમે પોતે સ્વીકાર કરો અને પછી જૂઓ તમે કેવા ચમત્કાર સર્જી શકો છો.

માત્ર પૈસો જ સમૃદ્ધિ નથી; સંબંધો, સુખ અને પ્રેમ માં બધે જ સમૃદ્ધિ રહેલી છે.

રટણ કરો કે હું પ્રેમ પામું છું, હું શાંત, સંતોષી અને સુખી છું. હું સુંદર છું અને બધાનો પ્રેમ પામું છું.

માણસ ની મોટામાં મોટી જરૂરીયાત છે ગણના પામવાની, કોઈના દ્વારા ચાહના પામવાની. જ્યારે કોઈને ચાહના પામ્યાનો અનુભવ થાય છે, ભલે પછી એ પોતાની જાત દ્વારા જ ચાહના પામ્યાનો અનુભવ કેમ ન હોય, ત્યારે ઘણી મોટી રાહત અને સુરક્ષિતતા અનુભવાય છે.

શાંતિ પામવા માટે નો શ્રેષ્ઠ માર્ગ છે પ્રેમ આપતા અને સ્વીકારતા રહો.

તમને સાંભળતા આવડે તો, આઈ લવ યુ કહેવાના અનેક પર્યાય છે : તમારો સીટ બેલ્ટ બાંધી લો, આજે રજા લઈ લો, તમે ખાધું? વગેરે..

તમે કેટલા સુંદર છો તેનો આધાર તમે પોતાને કેટલા સુંદર માનો છો તેના પર છે.

શું તમને બધે સુંદરતાના દર્શન થાય છે? જ્યારે તમે સુંદરતા બાબતે સમૃદ્ધિ અનુભવતા હોવ ત્યારે તમે સહસા આકર્ષક અને પ્રેમ પામવાને લાયક બની રહેતા હોવ છો.

હું અદ્ભુત લોકો માટે અને સાથે કામ કરું છું, હું મારા કામ - નોકરી કે ધંધા ને ખૂબ પ્રેમ કરું છું.

જો તમને આ વાત માનવામાં અઘરી જણાતી હોય તો તમારી આસપાસના લોકોનો આભાર તમે શા માટે વ્યક્ત કરી શકો એ વિચારવા માંડો.

હું જ્યાં જાઉં છું, ત્યાં પ્રેમ પામું છું.

પ્રેમ જોઈ પણ શકાય છે અને અદ્રશ્ય પણ છે.

અંદર જે છે તે બાહ્ય નું નિર્માણ કરે છે. તમારી અંદર પ્રેમ હોય તો એ બધે ફેલાય છે અને પછી તમે જાણતા પણ ન હોવ એ રીતે તે તમારી પાસે પાછો ફરે છે.

મારા જીવનમાં મને મળેલા પ્રેમ બદલ હું અનન્ય કૃતજ્ઞતાનો અનુભવ કરું છું.

પ્રેમ તમારી અંદર જ છે એટલે એને બહાર શોધવા ફાંફાં મારવાનું બંધ કરો. પ્રેમ સાથે અનુસંધાન સાધવા અને તમારી આસપાસના લોકો પાસેથી પ્રેમ પામવાનો શ્રેષ્ઠ માર્ગ છે આભાર વ્યક્ત કરીને.

વાતચીત, મિત્રતા, સંબંધો, ધ્યાન અને પ્રેમ - આમાનું કંઈ તમે બળજબરીથી પામી શકો નહીં.

(ઇન્ટરનેટ પરથી)