Thursday, December 10, 2020

વિચારો જીવંત હોય છે

     વિચારો જીવંત હોય છે. એક પથ્થરનો ટુકડો જેટલો નક્કર અને મજબૂત હોય છે એટલો જ એક વિચાર. મનુષ્ય મરી જાય છે પણ તેના વિચારો અમર છે.

વિચારના દરેક પરિવર્તન સાથે તેની નક્કરતા કે મજબૂતાઈના કંપન જોડાયેલા હોય છે. વિચાર ને વાસ્તવિકતામાં બદલાવા માટે તેની નક્કરતા ચોક્કસ પ્રમાણમાં હોવી જરૂરી છે. જેટલો વિચાર વધુ મજબૂત તેટલો તે જલ્દી વાસ્તવિકતામાં પરિવર્તિત થાય છે. વિચારને યોગ્ય ધ્યાન પ્રાપ્ત થવું જોઈએ, તે કેન્દ્રિત થવો જોઈએ. તેને યોગ્ય દિશા પ્રાપ્ત થવી જોઈએ. જો આમ થાય તો તે જે કાર્ય માટે કરાયો હોય તે અસરકારક રીતે પરિપૂર્ણ થાય છે.

- સ્વામી શિવાનંદ સરસ્વતી

(ઇન્ટરનેટ પરથી)  

સોનેરી સુવિચારો

# તમારી વ્યક્તિગત છબી અંગે સભાન રહો, ઉંમર અંગે નહીં.

# જીવન તમારી સાથે બનતી ઘટના નથી, પણ તમે કરેલા કર્મોનો પ્રતિભાવ છે.

# આદર્શ હોવાનો ડોળ કરવા કરતાં ભૂલો કરવી વધારે સારી.

# સ્વપ્નો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર એટલે કર્મ.

# ઘણાં લોકો તમને પસંદ કરતા હશે પણ તેઓ તમને આદર આપે એવા બનવું મહત્ત્વનું છે.

# દરેક નવું 'એડજસ્ટમેન્ટ' તમારા સ્વમાન માટે ઝંઝાવાત સમાન હોય છે.

# તમે કેટલી હદે માફ કરી શકો છો તેનો આધાર તમે કેટલો પ્રેમ કરો છો તેના પર છે.

# દરેક નવા સૂર્યોદયની સાથે તમે નવી શરૂઆત કરતાં હોવ છો.

# પીડા ક્યારેય કાયમી હોતી નથી.

# તમે એટલાં જ માંદા પડતાં હોવ છો જેટલી તમારી મૂડી હોય છે.

# તમારો જૂનો મિત્ર શ્રેષ્ઠ દર્પણ સમાન છે.

# શ્રમ અને પ્રાર્થના સાથે મળી ચમત્કાર સર્જી શકે છે.

# અંતે 'કઈ રીતે' એ મહત્ત્વનું છે, નહીં કે 'કેટલું'.

# એક માત્ર 'ચેમ્પિયન' હારવાથી ડરતો હોય છે, અન્ય દરેક જણ જીતવાથી ડરતો હોય છે.

# ઔદાર્ય સલાહ આપવાની જગાએ સહકાર કે માર્ગદર્શન આપવામાં છે.

કંટાળવું એ પોતાની જાતના અપમાન કરવા સમાન છે. (તમે એકલા હોવ ત્યારે પણ કંટાળી કઈ રીતે શકો, તમે ત્યારે તમારા શ્રેષ્ઠ મિત્ર - 'સ્વ' સાથે હોવ છો!)

(ઇન્ટરનેટ પરથી)

તમે કોણ છો?

     એક વાર પ્રવાસ કરતી વખતે કાલિદાસને ખૂબ તરસ લાગી અને તે આસપાસ ક્યાંય પાણી છે કે નહીં તે શોધવા ફાંફાં મારવા લાગ્યા. થોડે દૂર એક કૂવો દેખાયો, જેમાંથી એક સ્ત્રી પાણી ભરી રહી હતી. કાલિદાસે તેની પાસે જઈ પાણીની માંગણી કરી. તે સ્ત્રીએ પહેલા કાલિદાસને પોતાનો પરિચય આપવા જણાવ્યું. કાલિદાસને ઘમંડ આવ્યો અને લાગ્યું કે ગામડાંની કોઈ સામાન્ય સ્ત્રીને પોતાનો પરિચય શા માટે આપવો? આથી વાત ટાળવા તેમણે કહ્યું, "હું એક પ્રવાસી છું." 

     સ્ત્રીએ કહ્યું, "આ વિશ્વમાં પ્રવાસીઓ તો માત્ર બે જ છે - સૂર્ય અને ચંદ્ર. બંને ઊગે છે, આથમે છે અને નિરંતર પ્રવાસ કર્યા જ કરે છે. પણ એ કહો તમે કોણ છો?"

      કાલિદાસે કહ્યું, "તો હું એક મહેમાન છું."

સ્ત્રી તરત બોલી, "આ વિશ્વમાં મહેમાન તો માત્ર બે જ છે - યૌવન અને સંપત્તિ. બંને થોડાં સમય માટે આવે છે અને પછી ચાલ્યાં જાય છે. પણ એ કહો તમે કોણ છો?"

     કાલિદાસ મૂંઝાયા અને બોલ્યા," હું એક સહનશીલ વ્યક્તિ છું."

    સ્ત્રી કહે, "આ વિશ્વમાં સહનશીલ તો માત્ર બે જ છે - ભૂમિ અને વૃક્ષ. ભૂમિ પર તમે ગમે તેટલી વાર પગ પછાડો અને વૃક્ષ સામે ગમે તેટલાં પથ્થર ફેંકો (ફળ માટે) , એ તમને સમૃદ્ધ જ કરતાં રહેશે. હવે કહી દો, તમે કોણ છો. "

    હવે કાલિદાસ પૂરેપૂરા અચંબિત થઈ ઉઠયા. તે બોલ્યા, "વારું, હું એક હઠીલો વ્યક્તિ છું."

     સ્ત્રીએ સ્મિત સાથે કહ્યું, "આ વિશ્વમાં હઠીલા તો માત્ર બે જ છે - નખ અને વાળ. આપણે તેમને કાપ્યા જ કરીએ છીએ તો યે એ તો વધ્યાં જ કરે છે! હવે કહી દો કે તમે કોણ છો."

     અત્યાર સુધી સંયમમાં રહેલા કાલિદાસ હવે ક્રોધિત થઈ ઉઠયા અને બોલ્યા, "હું મૂર્ખ છું."

સ્ત્રી હસતાં હસતાં બોલી, "આ વિશ્વમાં મૂર્ખ તો માત્ર બે જ છે - એવો રાજા જે કોઈ જ પ્રકારનાં ક્ષમતા કે જ્ઞાન વગર શાસન કરે છે અને તેનો ચમચો મંત્રી જે આવાં નકામા રાજાના ખોટાં ખોટાં વખાણ કર્યા કરે છે. પણ તમે કોણ છો."

      કાલિદાસને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. તેઓ તરત તેના ચરણોમાં પડી ગયા અને ઉભા થઈ ને જુએ છે તો સામે કોણ? સાક્ષાત મા સરસ્વતી! જ્ઞાન અને ચતુરાઈના દેવી.

તેમણે કહ્યું,"કાલિદાસ, તમે ચતુર છો, પણ જો તમે જાણી લો કે તમે કોણ છો તો જ તમે ખરા અર્થમાં મનુષ્યત્વ પામી શકો છો. માણસ જ્યાં સુધી સ્વ ને ઓળખતો નથી, ત્યાં સુધી તે સાચા અર્થમાં મહાન બની શકતો નથી."

(ઇન્ટરનેટ પરથી)  

ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો, હું તમને ચાહું છું...

     એક શનિવારે નાનકડો છોકરો શાળાએથી ઘેર આવ્યો અને તેણે પોતાના પિતાને કહ્યું, "મારા શિક્ષકે અમને ઘરકામમાં એક કામ સોંપ્યું છે - દસ જણને ભેટવાનું અને તેમને કહેવાનું કે 'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું'. "

તેના પિતાએ કહ્યું, "કંઈ વાંધો નહીં. હું કાલે તને મોલમાં લઈ જઈશ. ત્યાં તું આ કામ પતાવી શકીશ."

     છોકરો બીજે દિવસે સવારે ઉઠી, અતિ ઉત્સાહ પૂર્વક તૈયાર થઈ ગયો અને તેના પિતાને કહેવા લાગ્યો, "ચાલો પપ્પા મોલ જઈએ!".

બહાર ખૂબ જોરથી વરસાદ પડી રહ્યો હતો એટલે પિતાએ કહ્યું, "બેટા, થોડી વાર રહી ને જઈશું? અત્યારે આટલાં વરસાદમાં મોલમાં કોઈ નહીં હોય."

પણ છોકરાએ તો જીદ જ પકડી. આથી પિતાએ તેની બાળહઠ આગળ ઝૂકી જઈ, તેને ભારે વરસાદ વચ્ચે પણ કાર હંકારી મોલમાં લઈ જવો પડ્યો.

તેમણે મોલમાં એકાદ કલાક પસાર કર્યો અને છોકરો જુદા જુદા નવ લોકોને ભેટયો. હવે તેના પિતાએ કહ્યું, "બેટા વરસાદ ઘણો વધી ગયો છે, આપણે ફસાઈ જઈએ એ પહેલાં ચાલ ઘેર પહોંચી જઈએ."

     છોકરો તેનો દસ જણને ભેટવાનો લક્ષ્યાંક પૂરો ન થતાં થોડો ઉદાસ થયો પણ આખરે તેણે પિતાની વાત માની અને તેઓ ઘેર પાછા ફરવા કારમાં બેઠાં. તેઓ થોડાં જ આગળ વધ્યાં હતાં ત્યાં એક ઘર માર્ગમાં સામે જ દેખાયું તેના તરફ આંગળી ચીંધતા છોકરાએ પપ્પાને કાકલૂદી કરી કાર થંભાવવા કહ્યું અને ઉમેર્યું "પપ્પા, મને પેલાં ઘરમાં જઈ આવવા દો. મારે એક જ જણને ભેટવાનું બાકી છે. મને ચોક્કસ એ ઘરમાં કોઈક મળી જશે અને હું મારું ઘરકામ પૂરું કરી શકીશ."

પિતાએ સસ્મિત પોતાના નાનકડાં પુત્રની ઈચ્છા પૂરી કરવા કાર બાજુએ લીધી અને થોભાવી.

    છોકરાએ તે ઘર પાસે જઈ દરવાજાની ઘંટડી દબાવી. થોડી વાર પછી એક મહિલાએ બારણું ખોલ્યું, જે ખૂબ ઉદાસ દેખાતી હતી. છોકરાને જોઈ તેને થોડી નવાઈ લાગી. તેણે પ્રેમથી પૂછયું, "બેટા, તને કોનું કામ છે?"

     આંખોમાં ચમક અને ચહેરા પર મોટા સ્મિત સાથે એ નાનકડાં છોકરાએ કહ્યું," મારાં શિક્ષકે અમને દસ જણને ભેટવા કહ્યું છે અને તેમને એમ જણાવવા કહ્યું છે કે ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું. હું નવ જણાં ને ભેટી ચૂક્યો છું, હવે એક જ જણ ને ભેટવાનું બાકી છે. શું હું તમને ભેટી શકું છું અને મારા શિક્ષકનો સંદેશો પાઠવી શકું છું?"

    તે મહિલા નાનકડાં છોકરાને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા માંડી. આ જોતાં છોકરાના પિતા ત્યાં પાસે આવી ગયાં અને તેમણે મહિલાને પૂછયું કે શું તેમને કોઈ સમસ્યા છે?

     મહિલાએ પોતાની જાતને સંભાળી લીધી. પિતા પુત્રને ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું. તેમને ચા પાઈ અને પછી કહ્યું, "મારા પતિનું થોડાં સમય પહેલાં મૃત્યુ થયું છે અને એ પછી હું સાવ એકલી પડી ગઈ છું. આજે તો હદ થઈ ગઈ. સવારથી મને થતું હતું કે બસ હવે મારે પણ મારા જીવનનો અંત આણી દેવો જોઈએ. થોડી વાર પહેલાં મેં ખુરશી લીધી તેના પર ચડી હું પંખે લટકી મારો જાન આપવા જ તૈયારીમાં હતી ત્યાં દરવાજે ઘંટડી વાગી. મને આશ્ચર્ય થયું કે મને મળવા તો કોઈ આવતું નથી તો પછી અત્યારે બારણે કોણ આવ્યું હશે? મેં કુતૂહલવશ દરવાજો ખોલ્યો અને ત્યાં આ દેવદૂત આવીને મને કહે છે 'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું.' મને ખાતરી છે કે ચોક્કસ ઈશ્વરે પોતે મને આ સંદેશો તમારા પુત્ર દ્વારા મોકલ્યો છે. મારી મરવાની ઈચ્છા અને ઉદાસી ગાયબ થઈ ગયાં અને હવે મને જીવવા એક નવું બળ મળ્યું છે. "

યાદ રાખો : હંમેશા હકારાત્મક વિચારો લોકો સાથે વહેંચો. લોકોની પડખે ઉભા રહો. કંઈ બીજું ન કરી શકો તો માત્ર તેમને સાંભળો. કદાચ તમે કોઈકનું જીવન બચાવવાનું એક માધ્યમ બની શકશો.

(ઇન્ટરનેટ પરથી)