Monday, July 29, 2019

દરેક વસ્તુ તમારા સમય અને ધ્યાનને લાયક હોતી નથી

       એક હાથી નદીમાં સ્નાન કર્યા બાદ રસ્તે ચાલી પોતાના ઘેર જઈ રહ્યો હતો. માર્ગમાં એક પુલ આવ્યો અને તેણે સામેથી એક કાદવથી ખરડાયેલા ગંદા-ગોબરા ભૂંડને આવતા જોયું. હાથીએ શાંતિથી એક બાજુ ખસી જઈ ભૂંડને પસાર થઈ જવા દીધું. પછી તે પોતે પુલ પરથી પસાર થયો અને તેણે આગળ ચાલવા માંડ્યું.
પેલી બાજુ ભૂંડે પોતાના મિત્રો આગળ શેખી વઘારતા અહંકારપૂર્વક કહ્યું, "જોયું હું કેટલો તાકાતવાન અને મહાન છું? હાથી જેવા હાથીએ પણ બાજુમાં ખસી જઈ મને માર્ગ કરી આપ્યો!"
આ વાત એક બીજા હાથીએ સાંભળી લીધી અને તેણે પેલા પહેલા હાથીને પ્રશ્ન કર્યો કે શું ખરેખર તેણે ભૂંડથી ડરી જઈ તેને માર્ગ કરી આપ્યો હતો? પહેલા હાથીએ જવાબ આપ્યો, "હું ઇચ્છત તો એ તુચ્છ ભૂંડને એક ક્ષણમાં મારા પગ નીચે કચડી નાંખી શકત પણ હું સ્વચ્છ હતો અને તે મહા ગંદો - કાદવકીચડથી ખરડાયેલો. તેને કચડવામાં મારો પગ ખરાબ થાત અને એ મને મંજૂર નહોતું. આથી હું બાજુ પર ખસી ગયો હતો."
વાર્તાનો સાર : મહાન લોકો નકારાત્મકતાનો સહેલાઈથી નાશ કરી શકવા સમર્થ હોય છે પણ તેઓ તેને એટલા માટે ટાળે છે જેથી તેના સંપર્કમાં આવી તેમણે મલિન ન થવું પડે. તમારે  દરેક અભિપ્રાય, ટીપ્પણી કે પરિસ્થિતી સામે પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. અડચણ સામે આંખ આડા કાન કરી આગળ વધતા રહો. તમારી લડાઈઓ ધ્યાનપૂર્વક પસંદ કરો. દરેક વસ્તુ તમારા સમય અને ધ્યાનને લાયક હોતી નથી.
(ઇન્ટરનેટ પરથી)

Saturday, July 20, 2019

દીકરીનો એની મમ્મીને પત્ર

મૂળ લેખક કે લેખિકાની જાણ નથી પરંતુ ઇન્ટરનેટ પર વાંચવામાં આવેલો
દરેક દીકરીની આંખમાં કરુણાના અશ્રુ લાવે એવો એક બહુ જ સરસ પત્ર, એક દીકરીનો એની મમ્મીને...
== === === === === === === === ==

પ્રિય મમ્મી,

    ૮ જી.બી. ની પેન ડ્રાઇવમાં, થોડી જગ્યા ઓછી પડી નહિં તો, મારું આખું બાળપણ એક ફોલ્ડરમાં નાંખીને અહીં સાસરે લઇ આવી હોત.

પણ, મારું બાળપણ તો તારા ખોળામાં જ રહી ગયું.

તારા ખોળામાં, હું માથું મૂકીને સુઈ જતી, એ સમય સોનાનો હતો  અને એટલે જ એ ચોરાઈ ગયો. સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી. ગમે ત્યાં ખોવાઈ જાય છે. ઘરે હતી ત્યારે તો, તું મને શોધી આપતી. સાસરે આવ્યા પછી, મારી જ જાત મને મળતી નથી તો બીજી વસ્તુઓ તો ક્યાંથી મળે ?

     તું રોજ સવારે, મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી. હવે મારે, અલાર્મ મુકવું પડે છે.

આજે પણ રડવું આવે છે, ત્યારે તારી જૂની સાડીનો છેડો આંસુઓ સામે ધરી દઉં છું.

આંસુઓને તો મૂરખ બનાવી દઉં, પણ આંખો ને કેવી રીતે બનાવું ? આંખો પણ હવે ઇન્ટેલીજન્ટ થઇ ગઈ છે.

મમ્મી, જયારે પણ વાહન ચલાવું છું, ત્યારે પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું કે ધીમે ચલાવ.
ધીમે ચલાવ એવું કહેવા વાળું હવે કોઈ નથી, એટલે ફાસ્ટ ચલાવવાની મજા નથી આવતી.

મમ્મી, મારા ઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં, એક પણ યુ-ટર્ન આવ્યો નહિ. નહિ તો, હું તને લેવા ચોક્કસ આવી હોત.

લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે, જે ગાડીમાં બેસી ને હું વિદાય પામી હતી, એ ગાડી ના રેર-વ્યૂ મિરર  માં લખેલું હતું કે

OBJECTS IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR.

બસ, એ જ અરીસા માં છેક સુધી મેં તારો ચેહરો જોયા કર્યો.

મમ્મી, કેટલાક રસ્તાઓ ONE-WAY હોય છે.
એવા રસ્તાઓ ઉપર હું આગળ નીકળી ગઈ છું.

કોઈ ને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે મારી SURNAME અને સરનામું, બંને બદલાઈ ગયા છે.

પણ એ રસ્તાઓ ઉપર WRONG SIDE માં DRIVE કરી ને પણ, તને મળવા હું ચોક્કસ આવીશ.

કારણ કે , મારું DESTINATION તો તું જ છે, .....

મમ્મી, મારું DESTINATION અને મારી DESTINY બંને તું જ છે.

મારું વિશ્વ તારાથી જ શરૂ થઈ તારામાં જ વિલય પામે છે.

મમ્મી, સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી.

કારણ કે, મારી દુનિયા તો તું છે.

લી :- મમ્મીની વ્હાલી દિકરી.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, July 14, 2019

જીવન જીવવાની ફોર્મ્યુલા

   એક મહિલાને રોજ સૂતા પહેલા પોતાની દિવસભરની ખુશીઓ કાગળ પર લખવાની આદત હતી. એક રાતે તેણે લખ્યું :

# હું ખુશ છું કે મારા પતિ આખી રાત મોટેથી નસકોરાં બોલાવે છે કારણ એ દર્શાવે છે કે તે જીવિત છે અને મારી પાસે છે. આ ઈશ્વરની કૃપા છે.

# હું ખુશ છું કે મારો પુત્ર સવારે સવારે એ વાતનો ઝઘડો કરે છે કે આખી રાત મચ્છર - માંકડ સૂવા નથી દેતા. આનો અર્થ એવો થયો કે એ રાત ઘેર જ વિતાવે છે, બહાર આવારાગર્દી  નથી કરતો. આ ઈશ્વરની કૃપા છે.
 
#હું ખુશ છું કે દર મહિને વિજળી, ગેસ, પેટ્રોલ, પાણી વગેરેનું બિલ ભરવું પડે છે. આ દર્શાવે છે કે આ બધી ચીજવસ્તુઓનો હું વપરાશ કરું છું - એ મારી પાસે છે. જો એ ન હોત તો જિંદગી કેટલી મુશ્કેલ બની રહેત? આ ઈશ્વરની કૃપા છે.
 
#હું ખુશ છું કે દિવસને અંતે મારા થાકીને બૂરા હાલ થઈ જાય છે. આમ થવાનું કારણ એ છે કે મારામાં દિવસભર સખત કામ કરવાની તાકાત અને હિંમત છે. આ ઈશ્વરની કૃપા છે.
 
#હું ખુશ છું કે મારે રોજ મારા ઘેર ઝાડુ - પોતા કરવા પડે છે, બારી - દરવાજા સાફ કરવા પડે છે. ભગવાનનો આભાર માનવાનો કે મારી પાસે મારું પોતાનું ઘર છે! આ ઈશ્વરની કૃપા છે. જેમની પાસે તેમનું પોતાનું ઘર અને માથે છત નથી હોતાં તેમની શી હાલત થતી હશે?
 
#હું ખુશ છું કે હું ક્યારેક ક્યારેક માંદી પડું છું.મોટે ભાગે તો હું સાજી જ હોઉં છું ને? આ ઈશ્વરની કૃપા છે.

#હું ખુશ છું કે દર વર્ષે તહેવારો આવે એટલે ભેટ સોગાદો આપવામાં પાકીટ ખાલી થઈ જાય છે. આ દર્શાવે છે કે મારી પાસે મારા ચાહવાવાળાઓ, મારા આપ્તજનો, સગા સંબંધીઓ, મિત્રો છે જેમને હું ભેટ સોગાદ આપી શકું છું. જો એ ના હોય તો જિંદગી કેટલી નીરસ હોય! આ ઈશ્વરની કૃપા છે.
 
#હું ખુશ છું કે રોજ એલાર્મ વાગતા મારે ઉઠી જવું પડે છે. આનો અર્થ એવો થાય છે કે રોજ એક નવી સવાર જોવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થાય છે. આ ઈશ્વરની કૃપા છે.
   
  જીવન જીવવાના આ ફોર્મ્યુલાનો અમલ કરી પોતાની અને પોતાની આસપાસનાં લોકોની જીંદગી સુખ - શાંતિમય અને વધુ જીવવાલાયક બનાવવી જોઈએ. નાની કે મોટી કોઈ પણ મુશ્કેલીમાંયે ખુશીની તલાશ કરવી જોઈએ અને ઈશ્વરનો આભાર માની જીંદગી ખુશહાલ બનાવવી જોઈએ.

(ઇન્ટરનેટ પરથી)

Monday, July 8, 2019

શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરો

મહાભારતના યુદ્ધ પછી... 

      ૧૮ દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમર ૮૦ વર્ષ જેવી કરી નાંખી હતી, શારીરીક અને માનસિક બંને રીતે. શહેરમાં ચારે તરફ વિધવાઓના આક્રંદ ગૂંજી રહ્યાં હતાં. પુરુષો નજરે ચડવા બચ્યા જ નહોતા. અનાથ બાળકો આમતેમ ભટકતા નજરે ચડી રહ્યાં હતાં અને એ બધાની મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરના મહેલમાં નિશ્ચેષ્ટ બેઠી શૂન્યને તાકી રહી હતી.
      ત્યારે જ શ્રી કૃષ્ણ કક્ષમાં દાખલ થયા.
      દ્રૌપદી કૃષ્ણને જોતા જ દોડતી તેમને વીંટળાઈ ગઈ. કૃષ્ણે તેના માથે હેતપૂર્વક હાથ ફેરવતા તેને રડવા દીધી. થોડી વાર બાદ તેને અળગી કરી પાસેના પલંગ પર બેસાડી.

દ્રૌપદી : આ શું થઈ ગયું સખા? આવું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું.
કૃષ્ણ : નિયતિ અતિ ક્રૂર હોય છે પાંચાલી. એ આપણા ધાર્યા મુજબ નથી વર્તતી. આપણા કર્મોને એ પરિણામોમાં બદલી નાંખે છે. તું બદલો લેવા ઇચ્છતી હતી અને એમાં તું સફળ થઈ દ્રૌપદી. તારો બદલો પૂરો થયો, માત્ર દુર્યોધન અને દુશાસન જ નહીં પરંતુ બધાં જ કૌરવો ખતમ થઈ ગયાં. તારે તો પ્રસન્ન થવું જોઈએ.
દ્રૌપદી : સખા, તમે મારા જખમો રૂઝવવા આવ્યા છો કે તેના પર મીઠું ભભરાવવા?
કૃષ્ણ : ના દ્રૌપદી, હું તો તને વાસ્તવિકતાથી અવગત કરાવવા માટે આવ્યો છું. આપણાં કર્મોના પરિણામ આપણે દૂર સુધી જોઈ શકતા નથી અને તે જ્યારે આપણી સમક્ષ હોય છે ત્યારે આપણાં હાથમાં કંઈ બચ્યું હોતું નથી.
દ્રૌપદી : તો શું આ યુદ્ધ માટે પૂરેપૂરી હું જ જવાબદાર છું કૃષ્ણ?
કૃષ્ણ : ના દ્રૌપદી. તું પોતાને એટલું બધું મહત્વ ન આપ. પણ જો તે પોતાના કર્મોમાં થોડું દૂરંદેશીપણું રાખ્યું હોત તો તું આટલા કષ્ટો ન ભોગવતી હોત.
દ્રૌપદી : હું શું કરી શકતી હતી કૃષ્ણ?
કૃષ્ણ : જ્યારે તારું સ્વયંવર યોજાયું ત્યારે તે કર્ણને અપમાનિત ન કર્યો હોત અને તેને પ્રતિયોગીતામાં ભાગ લેવા દીધો હોત તો કદાચ આજે તેનું પરિણામ કંઈક જુદું જ હોત.
ત્યારબાદ જ્યારે કુંતી માતાએ તને પાંચ પતિ ની પત્ની બનવાનો આદેશ આપ્યો ત્યારે એ તે ન સ્વીકાર્યો હોત તો પણ તેનું પરિણામ કંઈક નોખું હોત. પછી તે તારા મહેલમાં દુર્યોધનને અપમાનિત ન કર્યો હોત તો તારું વસ્ત્રાહરણ ન થાત. તો પણ કદાચ પરિસ્થિતી કંઈક જુદી હોત.
આપણાં શબ્દો પણ આપણાં કર્મો જ છે. આપણે દરેક શબ્દ બોલતા પહેલા તેને તોળવો જરૂરી છે અન્યથા તેનું દુષ્પરિણામ ફક્ત આપણે પોતે જ નહીં, પરંતુ આપણી સાથે સંકળાયેલા અને ન સંકળાયેલા અનેકને દુખી કરે છે.આ સંસારમાં મનુષ્ય એક માત્ર પ્રાણી છે જેનું ઝેર તેના દાંતોમાં નહીં પણ શબ્દોમાં રહેલું હોય છે. આથી જ શબ્દોનો ઉપયોગ અતિ સમજી વિચારીને કરો. એવા જ શબ્દો બોલો જેનાથી કોઈની ભાવનાને ઠેસ ન પહોંચે.

(ઇન્ટરનેટ પરથી)

Wednesday, July 3, 2019

કર્મનો બદલો

         અચાનક હોસ્પિટલમાં એક એક્સીડેન્ટ કેસ આવ્યો.ડોક્ટર સાહેબે તાત્કાલિક ICU માં આવી એક્સીડેન્ટ કેસની જાતે તપાસ કરી.
સ્ટાફને કહ્યું આ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઇએ.રૂપિયાની લેવડદેવડની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં.
     પંદર દિવસના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું.ડોક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજરને જણાવ્યું એક રૂપિયો પણ આ વ્યક્તિ પાસેથી લેવાનો નથી. 
       એકાઉન્ટ મેનેજર બોલ્યા, "સાહેબ, ત્રણ લાખ બિલની રકમ થાય છે.આ તમારી જાણ ખાતર.." 
     ડોક્ટર બોલ્યા, "દસ લાખ કેમ નથી થતા?
એ દર્દી ને મારી ચેમ્બરમાં લાવો.તમે પણ સાથે આવજો." 
    દર્દીને વ્હીલચેરમાં અંદર લાવવામાં આવ્યો.
     "ભાઈ પ્રવીણ ઓળખાણ પડે છે?" 
ડોક્ટર સાહેબ દર્દીના માથે હાથ ફેરવી બોલ્યા.
    "હા..આપને જોયા હોય તેવું તો  લાગે છે..." દર્દી બોલ્યો. 
     "ત્રણ વર્ષ પહેલાં મારો પરિવાર પીકનીક ઉપરથી પાછો વળતો હતો, ત્યાં અચાનક  કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. કારને બાજુ ઉપર ઉભી કરી. થોડી વાર સુધી અમે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ કાર ચાલુ જ ના થાય. 
એકાંત રસ્તો હતો, કોઈ અવર જવર નહીં.સૂર્ય  આથમવાની તૈયારીમાં. મારા પરિવારના દરેક સદસ્યના ચહેરા પર ચિંતા હતી.પત્ની, યુવાન દીકરી અને પુત્ર, સૌ ભગવાનને પ્રાર્થના કરતા હતાં. થોડા સમયમાં ચમત્કાર થયો.કોઈ મેલાઘેલાં કપડાંવાળો યુવાન બાઇક ઉપર નીકળ્યો.અમે બધાએ દયાની નજરથી હાથ ઊંચો કર્યો હતો. 
એ તું જ હતો ને?
તે ઉભા રહી અમારી મુશ્કેલીનું કારણ પૂછ્યું. પછી તું કાર પાસે ગયો. કારનું બોનેટ ખોલી ચેક કરવા લાગ્યો. અમારા પરિવાર માટે તો ભગવાને મદદ કરવા તને મોકલ્યો હોય તેવું લાગ્યું કારણ કે અંધારું થવાનું ચાલુ થઈ ગયું હતું.પરિવાર સાથે આવી એકાંત જગ્યા એ રાત કાઢવી મુશ્કેલ અને જોખમી પણ હતું.
      દસ મિનિટની મહેનત પછી તેં અમારી કાર ચાલુ કરી દીધી.અમારા બધાના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો. 
       મેં પાકીટ ખોલી કહ્યું હતું, "ભાઈ, પ્રથમ તારો આભાર. ઘણી વખત રૂપિયા કરતા સમય ની કિંમત વધુ હોય છે. તે અમારા મુશ્કેલી ના સમયમાં મદદ કરી છે.તેની કિંમત
હું રૂપિયાથી આંકી શકું તેમ નથી, છતાં પણ તેં મહેનત કરી છે તો તેના વળતરનો તું હકદાર છે.
કેટલા રૂપિયા મારે તને આપવાના થાય છે ?" 
તેં એ વખતે મને હાથ જોડીને જે શબ્દો કહ્યા હતાં એ મારી જિંદગીનો સિદ્ધાંત બની ગયાં. 
      તે કહ્યું હતું,  "મારો નિયમ અને સિદ્ધાંત છે, મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું વળતર લેતો નથી.મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે."
      "એક ગરીબ અને મહેનતુ વ્યક્તિ જો પોતાના સિદ્ધાંત થી ચાલી શકતો હોય તો હું કેમ નહીં...?" મેં મારા અંતરઆત્માને સવાલ કર્યો. 
        તે કહ્યું હતું," અહીં થી દસ કિલોમીટર દૂર મારૂં ગેરેજ આવેલું છે.આપની કાર ની પાછળ હું બાઇક ચલાવુ છું.કોઈ તકલીફ પડે તો હું પાછળ જ છું."
      માણસાઈ હજી મરી પરવારી નથી એ તે પૂરવાર કર્યું. 
      "દોસ્ત,એ વાત ને ત્રણ વર્ષ થવા આવ્યા.
હું તને કે તારા શબ્દો ને  હજુ નથી ભૂલ્યો.ભગવાન મારી અપેક્ષા કરતા વધારે આપી રહ્યો છે કારણ સિદ્ધાંતથી ચાલુ છું.મારી રોયલ્ટી ફક્ત માણસાઈ છે. એક વાત ની ખાતરી થઈ ગઇ કે દિલ તો મોટા, નાની વ્યક્તિઓના જ હોય છે. એ સમયે અમારી તકલીફ જોઈ તું તારી મરજી મુજબ રૂપિયાનો  સોદો અમારી સાથે કરી શક્યો હોત, પણ તેં એવું ના કર્યું.પ્રથમ કાર ચાલુ કરી એ પણ કોઈ પણ પ્રકાર ના પ્રલોભન વગર.
       આ હોસ્પિટલ મારી છે.તું અહીંનો મહેમાન થઈ આવ્યો છે.તારી પાસે રૂપિયા ના લેવાય."
      "સાહેબ, ડિસ્કાઉન્ટ સાથે પણ લ્યો તો ખરા જ", પ્રવીણ બોલ્યો. 
      "મેં મારી ઓળખ કે કાર્ડ એ વખતે તને નહોતા આપ્યા કારણ કે તારા શબ્દો એ મારા અંતર આત્માને જગાડી દીધો હતો. મેં ફક્ત ભગવાન ને એટલી પ્રાર્થના એ વખતે કરી હતી કે 
"હે પ્રભુ, આ વ્યક્તિનું ઋણ ઉતારવાનો મોકો મને આપીશ તો હું મારી જાત ને ધન્ય ગણીશ. આજે ત્રણ વર્ષ પછી ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે. આને ફક્ત  કુદરતી સંકેત જ સમજ. દોસ્ત, તારા શબ્દો જ તું યાદ કર - મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું વળતર લેતો નથી.મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે. આ ઉપરવાળાએ તારા વળતરનો હિસાબ કરવા મને મોકલ્યો એવું સમજી લેજે.“
         એકાઉન્ટ મેનેજર  ડોકટર સાહેબ સામે જોતો રહ્યો.
         ડોક્ટરે કહ્યું, "પ્રવીણ કોઈ પણ તકલીફ પડે તો અહીં આવી મને મળી લેજે." 
         એકાઉન્ટ મેનેજર ના ખભે હાથ મૂકી ડોક્ટર સાહેબ બોલ્યા." સુધરવા માટે આશ્રમ કે ગુરુ ની જરૂર નથી હોતી. કોઈ વખત આપણાથી નાની, કે અજ્ઞાની લાગતી વ્યક્તીઓ પણ આપણા અંતર આત્મા ને જગાડી જતો રહે છે." 
        પ્રવીણ ચેમ્બરમાં રાખેલ કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડી બોલ્યો, "કોણ કહે છે ભગવાન સારા કે ખરાબ કર્મ નો તું 
હિસાબ નથી રાખતો? હા...સમય કદાચ લાગતો હશે, પણ વ્યાજ સાથે ખરાબ કે સારા કર્મનો જવાબ મળશે એ ચોક્કસ!"
"કોઈનું બાકી રાખતો નથી ગિરધારી 
વ્યાજ સાથે પાછું આપે છે મુરારી "
ભગવાનનો ભેદ અને કર્મના સિદ્ધાંતો સમજવા માટે જન્મો જન્મ ઓછા પડે. એ જયારે આપવા બેસે છે ત્યારે છપ્પર ફાડી ને આપે છે અને જયારે  લેવા બેસે છે ત્યારે છાતી ઉપર પગ રાખી થપ્પડ મારીને પણ બહાર કઢાવે છે.
યાદ રાખો - સમય ફક્ત ચહેરો યાદ રાખે છે.
ભગવાન કહે છે હું એક સમયે તને માફ કરી દઈશ પણ કર્મ માફ નહીં કરે.

(ઇન્ટરનેટ પરથી)