Friday, September 20, 2019

કાળજીપૂર્વક વપરાશ (ભાગ - ૧ & ર)

    વખત જતાં મને સમજાયું છે કે સૃષ્ટિ પાસેથી મેં તેને જે આપ્યું છે તેના કરતાં અનેક ગણું વધારે લીધું છે. જરૂર અને ઇચ્છા વચ્ચેનો ફરક સતત શોધતા રહેવાની કવાયતે મારી આંખ ઉઘાડી નાંખી છે. હવે મારો પ્રયત્ન હોય છે જવાબદારી પૂર્વક જીવવાનો, વિવેકબુદ્ધિ સાથે જીવવાનો. માઇંડફૂલ કન્સમ્પશન એટલે કે કાળજીપૂર્વકનો વપરાશ હવે મારો જીવનમંત્ર બની ગયો છે. હું આ રીતે જીવવા સતત પ્રશ્નો કરતો રહું છું.
દા. ત. ૧. શું હોટેલમાં ખાવા જાઉં ત્યારે મારી સામે ધરાતા પાણી ભરેલા પ્યાલાની મને ખરેખર જરૂર હોય છે? જ્યારે હું ત્યાંથી વિદાય લઈશ ત્યારે એ પાણી ગટરમાં જ વહી જવાનું ને? શું હું આમ થવા દઈ જેને પીવાનું પાણી મેળવવા કેટલાયે કિલોમીટર ચાલી જવું પડે છે તેની સાથે ઘોર અન્યાય નથી કરી રહ્યો? આટલું ચાલીને પણ રામ જાણે તેને પીવા લાયક શુદ્ધ પાણી મળે છે કે નહીં?

૨. શું કોઈને ભેટ આપું તે મફતમાં મળતા કાગળમાં વીંટાળીને આપવાની જરૂર છે ખરી? ભેટ ખોલ્યા બાદ તો એ ચળકાટ વાળા, જેનો નાશ નથી થઈ શકતો એવા કાગળને ફેંકી જ દેવાનો છે.

૩. શું મારે ભેટ ખરીદવાની ખરેખર જરૂર છે જ્યારે હું ચોક્કસ નથી કે મેળવનાર તેનો ઉપયોગ કરશે કે કેમ? માત્ર સારા દેખાવા મારે એવો ખોટો ખર્ચ કરવાની જરૂર છે ખરી? તેના કરતાં એટલી જ કિંમતના ફળ કે સૂકો મેવો ખરીદી આપવા વધુ યોગ્ય ગણાય કારણ તેનો ઉપયોગ તો મેળવનાર ચોક્કસ કરશે જ.

૪. બુફે જમણ વખતે, શું મારે મારા પેટ નો અવાજ સાંભળવો જોઈએ કે પછી મફતમાં મળે છે કે મેં પૈસા ચૂકવ્યા છે એવું કારણ ધરી આખી પ્લેટ ભરી પરાણે ખાવું જ જોઈએ?

૫. હું એકલો જ ખાવા ગયો હોઉં અને હોટલ કે ફૂડ સ્ટોર વાળો મને કાંટાવાળી બે ચમચી અને ચાર ટિશ્યૂ પેપર આપે ત્યારે મારે શું કરવું જોઈએ? શું મારે વધારાના એક ચમચી અને ત્રણ ટિશ્યૂ પેપર પાછા આપી દેવા જોઈએ કે આ અંગે ચૂપ રહી ભોજન પતાવી દેવું જોઈએ? સૌથી સારું તો એક પણ ચમચી કે ટિશ્યૂ પેપર સ્વીકાર્યા વગર મારે ઘેરથી મારા પોતાના ચમચી અને નેપ્કિન લઈ જવાના પર્યાય અંગે વિચારવું જોઈએ.

૬. માત્ર કોઈક વસ્તુ બાયોડીગ્રેડેબલ (કુદરતી રીતે જેનો ચોક્કસ ટૂંકા સમયમાં પર્યાવરણને નુકસાન પહોંચડ્યા વગર નાશ થઈ જાય છે) હોય એટલે તેનો ઉપયોગ કરવો જ જોઈએ? શું હું કાગળ કે કપડાંની થેલીનો ઉપયોગ કરવાનું પણ ન ટાળી શકું? એ કાગળ બનાવવા માટે પણ કોણ જાણે કેટલા ઝાડ કાપવા પડ્યા હશે અને એ કપડું બનાવવા પૃથ્વી પર કેટલો અત્યાચાર થયો હશે? રીયૂઝ કે રીસાઇકલ વિશે વિચારતા પહેલા શું હું મારો મૂળ વપરાશ કેમ ઘટાડવો એ અંગે ઘટતું ન કરી શકું?

૭. જ્યારે હું ફૂલ પ્લેટ થાળી જમવા જાઉં છું ત્યારે તેમાં ઘણી એવી વસ્તુઓ મૂકેલી હોય છે જે હું ખાવાનો નથી જેમ કે દહીં ની કટોરી કે બંગાળી મીઠાઈ કે કોઈ ન ભાવતું શાક. શું હું એ તરત પરત કરી દઉં છું જેથી એ કોઈ બીજાને આપી શકાય કે પછી એને મારા ભાણા માં જ વણ સ્પર્શયું રહેવા દઉં છું જે ફેંકી દેવામાં આવશે?

૮. શું મારે કોટન ની કૂર્તી એ ઘણી સારી દેખાય છે એટલા માટે ખરીદવાની જરૂર છે? ફેશન ઈંડસ્ટ્રી દેખાય છે તેના કરતા ઘણી વધારે 'શેતાની' છે. એ જે રીતે કોટન કે શણ નું ઉત્પાદન કરતી વખતે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે કે મનુષ્યો સાથે કેવું વર્તન કરે છે કે ટેક્સટાઇલ અને કાપડ ઉદ્યોગ દ્વારા પેદા થતાં કચરાનો નિકાલ જે રીતે કરે છે તે ઘણું ભયાનક છે.

૯. મારી પાસે એ ખાસ સ્ટાઇલના જૂતાં નથી એટલે મારે એ પ્રકારની વધુ એક જોડ જરૂર ન હોવા છતાં ખરીદવી જોઈએ? શું મારે એ ધ્યાનમાં લેવાની જરૂર નથી કે કોઈ પણ પ્રકારનાં જૂતાં (ભલે પછી તે ચામડાનાં કેમ ન હોય) એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે કે પૃથ્વી પર તેનો વપરાઈ રહ્યાં બાદ વિનાશ લગભગ અશક્ય છે?

૧૦. જ્યારે મહેમાન આવે ત્યારે મારે અનેકવિધ વાનગીઓ બનાવવી જરૂરી છે? શું હું એટલું જ ન રાંધી શકું જેથી મારા સહિત આવનાર સૌ નું પેટ ભરાઈ રહે અને અમે સારો સમય પસાર કરવા સાથે એ પણ સુનિશ્ચિત કરી શકીએ કે જરા પણ ખાવાનો બગાડ થાય નહીં. ઘણી વાર આવું વધેલું ખાવાનું પછીના ત્રણ દિવસ સુધી ખાઈ ને ખતમ કરવું પડે છે જે પોષકતત્વો તો ગુમાવી જ બેસેલું હોય છે પણ સ્વાસ્થ્ય માટે પણ અતિ હાનિકારક છે.

૧૧. વસ્તુઓ 'સેલ' માં સસ્તી મળી રહી હોય તો જરૂર ન હોવા છતાં મારે એ ખરીદવી જોઈએ? 'રિટર્ન પોલીસી' સારી છે એટલે માટે થઈને મારે વસ્તુઓ ખરીદવી જોઈએ? એક અહેવાલ વાંચી મને આઘાત લાગ્યો જેમાં આપેલી માહિતી મુજબ મોટા રિટેલ ઉદ્યોગગૃહો  રિટર્ન થયેલા ઉત્પાદનો દરિયામાં પધરાવે છે અને મનુષ્યોની લાલચ અને અવિચારીપણાંને લીધે દરિયામાં પધરાવેલો કચરો પર્યાવરણ માટે કેટલો જોખમી છે.

૧૨. હું જ્યારે કોઈક નવા સ્થળે ફરવા જાઉં છું ત્યારે પર્યટક તરીકે કેટલો જવાબદાર અને સભાન હોઉં છું? શું હું જે સ્થળે પ્રવાસી તરીકે જાઉં ત્યાંના સન્માન અને ગરિમા જાળવું છું? 'મૌન જાળવો', 'શાંતિ રાખો' કે 'ગંદકી ના કરશો' આવી સૂચનાઓનું હું કેટલી ગંભીરતાથી પાલન કરું છું?
  આવા પ્રશ્નો વારંવાર પૂછતાં રહેવાનો સમય આવી ગયો છે. માઇંડફૂલ કન્સમ્પશન જ આપણને અને આવનારી પેઢીને બચાવી શકશે.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, September 8, 2019

સાઇકલિસ્ટ કે મૅકડોનાલ્ડ

    યૂરો એક્ઝિમ બેંક ના સી.ઈ.ઓ. સંજય ઠકરારની એક નાનકડી વાતે અર્થશાસ્ત્રીઓને વિચાર કરતા કરી મૂક્યા.

તેમણે કહ્યું :
એક સાઇકલિસ્ટ (સાઇકલ ચલાવનાર) દેશના અર્થતંત્ર માટે સૌથી મોટો ખતરો છે (!).
- તે ગાડી ખરીદતો નથી કે નથી કાર લોન લેતો.
- તે કાર નો વીમો ખરીદતો નથી.
- તે પેટ્રોલ કે ડીઝલ ખરીદતો નથી.
- તે કાર સર્વિસીંગ કે રીપેર માટે મોકલતો નથી.
- તે પેઇડ પાર્કિંગનો ઉપયોગ કરતો નથી.
- તે જાડિયો થતો નથી (!).
- હા... સાલા, તંદુરસ્ત લોકોની અર્થતંત્રને જરુર નથી. તેઓ દવાઓ ખરીદતા નથી. હોસ્પિટલ કે ડોક્ટર ની મુલાકાત લેતા નથી. તેઓ દેશના જી. ડી. પી. માં કશો ઉમેરો કરતા નથી.
ઊલટાનું, મૅકડોનાલ્ડ જેવા જંક ફૂડ સ્ટોર્સ ઓછામાં ઓછી ૩૦ રોજગારની તકો ઉભી કરે છે - ૧૦ કાર્ડિયોલોજીસ્ટ, ૧૦ ડેન્ટિસ્ટ, ૧૦ વજન ઉતારવાની ગેરન્ટી આપતા નિષ્ણાત અને  પાછું આ સ્ટોર્સ માં કામ કરતા સ્ટાફના માણસો ની નોકરી તો અલગ!
હવે તમે જ કહો શું દેશના અર્થતંત્ર માટે વધારે મહત્વનું છે : સાઇકલિસ્ટ કે મૅકડોનાલ્ડ?

(ઇન્ટરનેટ પરથી)