Sunday, November 29, 2020

જાપાને કોરોના સાથે જીવતી વખતે અનુસરવા સૂચવેલા ૨૬ ખાસ પગલાં

    જાપાને કોરોના વાઇરસ સાથે કઈ રીતે જીવવું તેની માર્ગદર્શિકા બહાર પાડી છે. કોરોનાના ત્રાસ માંથી આપણે સંપૂર્ણપણે ક્યારે મુક્ત થઈ શકીશું તેની કોઈ ખાતરી નથી તેવામાં જાપાને આ નવા જીવનનું એક મોડેલ બનાવ્યું છે અને લોકોને તેને અનુસરવા જણાવ્યું છે અને વધુ લાંબા સમય સુધી વાઇરસ સાથે પનારો પડવાનું નિશ્ચિત હોવાથી તેની સાથે જીવતાં જીવતાં કામ કરતાં શીખી લેવા અપીલ કરી છે.

આ મોડેલને જોતાં માલૂમ પડે છે કે જાપાનીઝ સરકારે તાર્કિકતા, વિજ્ઞાન અને જોખમ આકારણીના સિદ્ધાંતો પર આધારિત આ અતિ વ્યવહારિક પગલાંની યાદી તૈયાર કરી છે જે પ્રજાએ અનુસરવાના છે. જાપાનીઝ લોકો એમ માને છે કે ખરાબ બાબતોને પણ સદાય નજર અંદાજ કરી શકાય નહીં. જોખમ આકારણીના મોડેલના સિદ્ધાંતો અનુસરીને તમે સારી રીતે જીવી શકો છો. આ બધાં પગલાં એક પછી એક ધ્યાનથી વાંચો. તેમનો મુખ્ય સાર ત્રણ મુદ્દાઓ માં વર્ણવી શકાય :
૧ લોકો વચ્ચે અંતર જાળવો.
૨ માસ્ક પહેરો.
૩ વારંવાર હાથ ધૂઓ.

ખાસ પગલાં
----------------
૧ લોકો ઓછામાં ઓછું બે મીટરનું અંતર જાળવે.
૨ શક્ય એટલું બહાર રમો.
૩ અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતે સીધા સામસામે આવવાનું ટાળો.
૪ બહારથી ઘેર પહોંચો એટલે તરત તમારો ચહેરો અને કપડાં ધોઈ નાંખો.
પ કોઈના હાથનો સ્પર્શ થઈ જાય તો તરત તમારા હાથ ધોઈ નાંખો.
૬ ઓનલાઈન ખરીદી અને વ્યવહારની પતાવટ ઈલેક્ટ્રોનિક રીતે કરવાની ટેવ પાડો.
૭ સુપરમાર્કેટ માં ખરીદી કરવા માટે એકલાં જાઓ અને જ્યારે ત્યાં સૌથી ઓછાં લોકો હોય એવો સમય પસંદ કરો.
૮ વસ્તુઓનાં નમૂનાને અડવાનું ટાળો.
૯ જાહેર વાહનોમાં પ્રવાસ દરમિયાન બોલવાનું ટાળો.
૧૦ કામે બાઈક પર કે પગે ચાલીને જાવ.
૧૧ ઈલેક્ટ્રોનિક બિઝનેસ કાર્ડનો ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ છે.
૧૨ મીટીંગ માટે વિડિયો કોન્ફરન્સનો ઉપયોગ કરો.
૧૩ મીટીંગ માટે બને એટલા ઓછા લોકોને બોલાવો, માસ્ક પહેરો અને હવાની અવરજવર માટે બારી ખુલ્લી રાખો.
૧૪ ઘરે રહીને કામ કરવું અથવા ઓફ-પિક (ગિર્દી ના હોય એવા) સમયે કામ માટે બહાર નીકળવું /પ્રવાસ કરવો.
૧૫ એવા શહેર, દેશમાં કે એવી જગાએ જવાનું ટાળો જ્યાં રોગનું સંક્રમણ હોય.
૧૬ પ્રવાસ કરીને ઘેર જવાનું કે સગાં-વહાલાંઓને મળવા જવાનું ટાળો. બિઝનેસ ટ્રીપ્સ પણ શક્ય હોય ત્યાં સુધી ટાળો.
૧૭ જ્યારે તમને રોગના ચિહ્નો જણાય, ત્યારે તમે ક્યાં ક્યાં ગયા અને કોને કોને મળ્યા એ યાદ રાખો.
૧૮ અન્ય લોકો સાથે જમતી વખતે સામસામે બેસીને ન જમો, બને ત્યાં સુધી આજુબાજુમાં અંતર જાળવી જમવા બેસો.
૧૯ ખૂબ મોટા વાસણમાં જમવાનું ન ખાઓ કે પીરસો. પોતે માત્ર પોતાનું ભોજન ખાઓ (ઉજાણી કે સમૂહ ભોજન ટાળો).
૨૦ ખાતી વખતે બોલવાનું કે વાતો કરવાનું ટાળો. શાકભાજી વધુ ખાઓ.
૨૧ સમૂહમાં મળવાનું કે મેળાવડા યોજવાનું ટાળો.
૨૨ બંધિયાર જગાઓ, ગિર્દી અને અંગત સંપર્ક ટાળો.
૨૩ તમારા શરીરનું તાપમાન દરરોજ જાતે તપાસો. તમારી તબિયતનું પોતે બરાબર ધ્યાન રાખો.
૨૪ જાજરૂ ફ્લશ કરતી વખતે જાજરૂની બેઠક પરનું ઢાંકણું બંધ રાખો.
૨૫ સાંકડી જગામાં વધુ વાર ન રોકાઓ.
૨૬ જ્યાં ચાલવા કે દોડવા જાઓ ત્યાં ધ્યાન રાખો કે વધુ લોકો ભેગા ન થયા હોય. ત્યાં લોકો ને મળો, ત્યારે સુરક્ષિત અંતર જાળવો.
      જાપાનની સરકારી સમિતિના ચેરમેન શિગેરુ ઉ કહે છે કે રસી પૂર્ણપણે શોધાતાં, સત્તાવાર રીતે ઉપયોગમાં આવતાં અને દરેક જણ સુધી પહોંચતા હજી એક - દોઢ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ દુશ્મનની સંપૂર્ણ નાબૂદી અશકય છે એટલે આપણે વાઇરસની સાથે જીવતાં શીખવાનું છે. જો આપણે નિયમોનું ચૂસ્ત પાલન કરીશું તો જ કોરોના સાથે લાંબા સમય સુધી અને સુખથી જીવી શકીશું.
    જાપાનીઝ સ્વભાવથી અતિ શિસ્તપૂર્વક જીવનાર પ્રજા છે અને તેઓ સૂચનાઓ અને નિયમોનું ખૂબ સારી રીતે પાલન કરે છે. આપણે તેમની પાસેથી આ ગુણો શીખવા જેવાં છે.

(ઇન્ટરનેટ પરથી)  

ચીજોનો વિચારપૂર્વક વપરાશ

બુદ્ધના એક શિષ્યે તેમને કહ્યું, "ગુરુદેવ, મારે તમને કંઈક પૂછવું છે." 

બુદ્ધ કહે, "બોલ વત્સ, શું છે?" 

શિષ્યે કહ્યું, "મારું પહેરણ ફાટી ગયું છે. તે હવે બિલકુલ પહેરવા લાયક રહ્યું નથી. શું હું નવું વસ્ત્ર લઈ શકું છું?" 

બુદ્ધે શિષ્યના વસ્ત્ર તરફ નજર નાખી અને નોંધ્યું કે ખરેખર એ વસ્ત્ર જીર્ણશીર્ણ થઈ ચૂક્યું હતું. ખરેખર તેને બદલવાની જરૂર હતી. આથી તેમણે શિષ્યને નવું વસ્ત્ર લેવાની પરવાનગી આપી.શિષ્યે આભારવશ ત્યાંથી વિદાય લીધી. 

    આ ઘટનાનાં થોડાં દિવસ બાદ બુદ્ધને વિચાર આવ્યો કે તેમના શિષ્યને એક મહામૂલો પાઠ શીખવવાની તક તેઓ ગુમાવી બેઠા, આથી તેઓ શિષ્યના નિવાસકક્ષમાં તેની સાથે વાત કરવા ગયા. 

    બુદ્ધ બોલ્યા : શું તારા નવા વસ્ત્રમાં તને આરામ છે? તને બીજું કંઈ જોઈએ છે? 

શિષ્ય કહે : ગુરુદેવ તમારો ખૂબ ખૂબ આભાર. નવું વસ્ત્ર ખૂબ આરામદાયી છે. હવે મને કંઈ જોઈતું નથી. 

બુદ્ધ કહે : હવે જ્યારે તારી પાસે આ નવું વસ્ત્ર આવી ગયું છે, તો તે જૂના વસ્ત્રનું શું કર્યું? 

શિષ્યે કહ્યું, "તેની મેં રજાઈ બનાવી કાઢી જેથી હું તેના પર સૂઈ શકું." 

બુદ્ધે કહ્યું, "તે જૂની રજાઈ હતી તેનું શું કર્યું?" 

શિષ્યે કહ્યું, "તેનો મેં બારીના પડદાં તરીકે ઉપયોગ કર્યો છે. "

બુદ્ધે કહ્યું, "અને એ બારીના જૂના પડદાંનું તે શું કર્યું?" 

શિષ્યે જવાબ આપ્યો,"ગુરુદેવ, એ જૂના પડદાંના મેં ચાર ટુકડા કર્યા અને તેમાંથી મેં મસોતા બનાવ્યાં, જેમનો ઉપયોગ હું રસોડામાં ગરમ વાસણો ઊંચકવા માટે કરું છું." 

બુદ્ધે પૂછ્યું, "જૂના મસોતા ક્યાં ગયાં? તેનું શું કર્યું?" 

શિષ્યે જવાબ આપ્યો,"તેના મેં પોતા બનાવી કાઢ્યા છે. એ પોતા થી ભોંય ની સફાઈ કરું છું. "

બુદ્ધ કહે "અને જૂના પોતા?" 

શિષ્યે કહ્યું," ભગવન, જૂના પોતા એટલા ચીંથરે હાલ થઈ ગયા હતા કે તેના મેં દોરા છુટ્ટા કરી નાખ્યા અને તેમાંથી દીવાની દિવેટ બનાવી. આ જ એક દિવેટથી અત્યારે તમારા કક્ષમાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે."

બુદ્ધ શિષ્યના આ જવાબ સાંભળી સંતુષ્ટ થયા. તેમને એ વાતની ખુશી થઈ કે આ શિષ્ય સમજી ચૂક્યો હતો કે કોઈ જ વસ્તુ નકામી હોતી કે થતી નથી. જો આપણે દૃષ્ટિ કેળવીએ તો દરેક નજીવી વસ્તુનો પણ કોઈક ખપ જડી આવશે. કોઈ જ વસ્તુ નકામી હોતી નથી, સમય તો ખાસ! 

જો આપણે કરકસર કરી અને વિચારપૂર્વક જીવતા શીખીશું તો જેમ આપણાં પરદાદા આપણાં માટે સ્રોતો મૂકતા ગયા, એમ આપણે પણ આપણાં બાળબચ્ચાં માટે અને તેમની પણ આવનારી પેઢીઓ માટે બિનનવીનીકરણક્ષમ સ્રોતો મૂકીને જઈ શકીશું. 

આવો, આપણી પૃથ્વી માતાનું જતન કરવાનું વચન એક બીજાને આપીએ. 

(ઇન્ટરનેટ પરથી)