Saturday, October 17, 2020

એક ચકા-ચકીની વાર્તા

    હું જ્યારે પપ્પાના રૂમમાં  સવારે જતો ત્યારે પપ્પાના ખભા ઉપર ચકલી બેઠી હોય. ચકલો પપ્પાની બારી પાસે રાખેલ ડીશમાંથી ચણ ખાતો હોય. આ ચકા ચકીને પપ્પા સાથે મિત્રતા થઈ ગઈ હતી. કોઈ વખત ચકો ચીં ચીં કરતો પપ્પાના માથે કે હાથ ઉપર બેસે તો કોઈ વખત ચકલી.

પપ્પાને પણ મજા આવતી. આ ચકા ચકી ની ધમાલ જોવાની.

     મમ્મી ના ગયા પછી પપ્પા બહારથી હસતા પણ અંદરથી દુઃખી હતા. વાતો કરતા કરતા પણ એ પહાડ જેવી વ્યક્તિની આંખમાં આંસુ આવી જતા. ફક્ત જિંદગીના દિવસો પસાર કરતા હોય તેવું અમને લાગતું.

     તેમણે અમારા ડ્રોઈંગ રૂમમાં  બેસવાનું ઓછું  કરી નાખ્યું હતું.સાંજે જમતી વખતે અમે સાથે બેસીએ. સવારે અમે ઑફિસે નીકળી જઈએ.

આજે રવિવાર હોવાથી હું પપ્પાના રૂમમાં ગયો જેથી તેમની સાથે વધારે સમય પસાર કરી શકું.

પપ્પાની સાથે ચકલા ચકલીને રમત કરતા જોઈ મને મજા આવી ગઈ. ઉનાળાનો સમય એટલે પપ્પા પાણીનું કુંડું પણ ભરેલુ  મૂકતા.

  મેં કહ્યું, "પપ્પા, ચકા ચકી તમારા ખાસ મિત્ર થઈ ગયા લાગે છે!“

"હા બેટા, ખબર નહીં. અમને એકબીજાની માયા થઈ ગઈ છે. રોજ આવી એક કલાક જેવો મારો સમય પસાર કરી જતા રહે છે."

   પપ્પાએ પોતાનો બેડ રૂમ ઘણો સારો બનાવ્યો હતો. હું તેમનો રૂમ જોઈ ખુશ થઈ જતો. તે ચોખ્ખાઈના આગ્રહી. પોતાના રૂમમાં દરેક વસ્તુ તેની જગ્યા એ જ પડી હોય.

ટીવી, ટેપ, એ. સી. , પુસ્તકો માટે નાનું કબાટ, ડ્રેસીંગ ટેબલ, હીંચકો, બેડ, આરામ ખુરશી  પાસે પાન પેટી અને પૂજાનું કબાટ - આ તેમની દુનિયા હતી.

     ઉંમરને કારણે તેમને મોડી ઊંઘ આવે અને વહેલી ઊંઘ ઊડી જવાને કારણે, હું તેમના રૂમમાં અચાનક જાઉં ત્યારે તેઓ ધીરૂ ધીરૂ ટેપ વગાડતાં હોય કે ટીવી જોતા હોય. હું પપ્પાના માથે હાથ ફેરવી પૂછું, "પપ્પા ઊંઘ નથી આવતી? “

"ના બેટા. ઉંમરના કારણે એવું રહેવાનું."

મને ખબર હતી મમ્મીનો ખાલીપો તેમને અંદરથી તોડી રહ્યો હતો. એક પુત્ર તરીકે પપ્પા વધારેમાં વધારે આનંદમાં રહે તેવો હું , મારી પત્ની અને મારો  પુત્ર પ્રયત્ન કરતા, પણ જીવનસાથીની ખોટ કોઈ પૂરી શકતું નથી. ભીડમાં પણ એકલતાનો જ્યારે અનુભવ થાય ત્યારે સમજી લ્યો તમે જીંદગીમાં કોઈ અમૂલ્ય વ્યક્તિનીને ગુમાવી છે.

મેં સવારે પપ્પાના રૂમનું બારણું ખોલ્યું. "પપ્પા, જય શ્રી કૃષ્ણ."

"આવ બેટા જય શ્રી કૃષ્ણ. આજે રજા, રવિવાર એટલે શાંતિ. બેસ."

મેં કહ્યું, "પપ્પા, આજે તમારા રૂમમાં શાંતિ કેમ છે ? તમારા બે મિત્ર ચકો ચકી કેમ દેખાતા નથી....?"

પપ્પાની આંખ અચાનક ભીની થઈ ગઈ. એ આંખમાં આંસુ સાથે બોલ્યા, "બેટા, બે દિવસથી એકલો ચકો આવે છે. બારી પાસે બેસી મારા હાથ ઉપર બેસે છે. નથી ચણ ખાતો નથી પાણી પીતો. નથી ચીં ચીં  કરતો. થોડીવાર તેની ડોક ફેરવી મારી સામે, થોડીવાર બારી સામે જોઈ, એ ઉડી જાય છે."

મેં પપ્પાનો મૂડ હળવો કરવા કહ્યું, "ચકી પિયર ગઈ હશે."

"ના બેટા. કાલે ફરીથી ચકો આવ્યો હતો. મારા હાથ ઉપર બેઠો. મેં  તેના ઉપર હાથ ફેરવ્યો. બેટા, ફક્ત માણસ રડે છે તેવું નથી. ચકાની આંખમાંથી પડતાં આંસુએ મારો હાથ ભીનો કરી નાખ્યો. બેટા, તેને ફક્ત વાચા નથી, લાગણી તો હોય જ છે. થોડી વાર પછી, ચણ પણ ન ખાધી અને પાણી પણ ન પીધું. ચકો ઉડી ગયો."

પપ્પા આકાશ સામે જોઈ બોલ્યા," મારી અનુભવી આંખ અને દિલ એવું કહે છે બેટા, ચકી કાયમ માટે ઉડી ગઇ લાગે છે. ચકો આ વિરહ સહન નથી કરી શક્તો."

   અત્યાર સુધી હિંમત એકઠી કરી વાત કરતા કરતા પપ્પા મારા ખભે માથું મૂકી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા. મારી આટલી ઉમ્મરમાં પપ્પાની આંખમાં આંસુ ક્યારેય જોયાં ન હતાં. તેમની આંખોમાંથી આંસુનો ધોધ પડતો જોઈ હું પણ હિંમત હારી પપ્પા સાથે રડવા લાગ્યો.

"બેટા તારી મમ્મી વગર નથી ગમતું."

મેં કહ્યું, "પપ્પા હું સમજુ છું. પણ ભગવાન પાસે આપણે બધા લાચાર છીએ."

પપ્પાને પાણી પીવરાવી થોડા ફ્રેશ કર્યા.

"લો પપ્પા, છાપું વાંચો. ત્યાં સુધીમાં ચા બની જશે. આપણે બધા સાથે ચા નાસ્તો કરશું." કહી હું તેમના રૂમની બહાર બ્રશ કરવા નીકળ્યો.

થોડીવાર પછી હું તેમના રૂમમાં ફરી ગયો. ધીરૂ ધીરૂ ટેપ વાગતું હતું.

ઉમટ્યો અજંપો એને પંડનારે પ્રાણનો

અણઘારો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો

અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે

બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે....

હીંચકો હલતો હતો.

પપ્પા હીંચકાની નીચે ઊંધા પડી ગયા હતા. ટેપ ધીરે ધીરે વાગી રહ્યું હતું. હું દોડતો તેમની બાજુમાં ગયો. "પપ્પા..પપ્પા....શું થયું..." તેમને ચત્તા કર્યા ત્યારે તેમના શ્વાસ ચાલતા બંધ થઈ ગયા હતા.

ડોક્ટરને બોલાવ્યા. તેમણે તપાસ કરી નિદાન કર્યું "દાદાનું અચાનક હાર્ટ ફેઈલ થઈ ગયું છે."

આખા જીવનભરના સંગાથ પછી, જીવનસાથી વગરના જીવનની કલ્પના હચમચાવી નાખે તેવી હોય છે. મેં બારી સામે જોયું. આજે ચકો પણ આવ્યો ન હતો. પપ્પાનો રૂમ ખાલી. જાણે બે ચકાઓએ સાથે ઉડવાનો નિર્ણય લઈ લીધો હોય.

    મેં મમ્મીના ફોટા સામે ભીની આંખે જોઈ કહ્યું," મમ્મી તારા ગયા પછી પપ્પાને ખુશ રાખવાના બધા પ્રયત્નો અમે કર્યા, પણ તેમના અંદરના અજંપા અને એકલતા સામે અમે લાચાર હતા. એ દૂર કરવાની તાક્ત તો તારી પાસે જ હતી."

     દરેકની જીંદગી આ ચકા ચકીની વાર્તા જેવી જ હોય છે. ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો... આ ઘરઘર રમતાં રમતાં જીવન ક્યાં પૂરું થઈ જાય છે એ ખબર નથી પડતી.

   આ પંખીના માળા જેવી આપણા બધાની જીંદગી છે. નવા પંખીઓ આવે છે, જૂના ઉડતા જાય છે.

પપ્પાનું ગમતું ગીત યાદ આવી ગયું....

आदमी मुसाफिर है, आता है, जाता है

आते जाते रस्ते में, यादें छोड जाता है


झोंका हवा का, पानी का रेला

मेले में रह जाये जो अकेला

फिर वो अकेला ही रह जाता है....


(ઇન્ટરનેટ કોર્નર) 

Saturday, October 10, 2020

વિચારકણિકાઓ

  # આપણું કૌશલ્ય આપણાં ધ્યેયોની અગ્નિમાં શેકાઈને જ વિકસીત થાય છે. 

# મુશ્કેલીઓ વિજય મેળવવાં પહેલાં કરાતાં પ્રયોગો સમાન છે. 

# ઉત્સુકતા ભય પર બહાદુરી કરતાં વધુ સારી રીતે વિજય મેળવી શકે છે. 

# કોઈક વિચાર વાસ્તવિકતા ત્યારે જ બની શકે જ્યારે તે અમલમાં મૂકાય. 

# તમારી અંદર જેનું અસ્તિત્વ છે તેની સાથે વફાદાર રહો. 

# આળસના કર્કરોગનો સ્વપ્ના જ નાશ કરી શકે છે. 

# તમારા બહાનાં કરતાં સદાય વધુ મજબૂત બનો. 

# જો તમે ઈચ્છા રાખશો અને સતત શીખવાનું ચાલુ રાખશો તો જ જીવનમાં કંઈક પામી શકશો. 

# જ્યાં સુધી આપણે અસુરક્ષિતતાઓનો પુલ ઓળંગીશું નહીં, ત્યાં સુધી શકયતાઓના મહાસાગર સુધી પહોંચી શકીશું નહીં. 

# આપણે અન્યો કરતાં શાણા બનવાની જરૂર નથી, માત્ર અન્યો કરતાં વધુ શિસ્તના આગ્રહી અને અનુયાયી બનવાની જરૂર છે. 

# ગુણવત્તા સૌથી સારો બિઝનેસ પ્લાન છે. 

# કિંમત વિશે ન વિચારો, મૂલ્ય અંગે વિચારો. 

# તમે પરિપક્વ બની જશો ત્યારે સમજાશે કે કોઈક મુદ્દો ખરો સાબિત કરવા કરતાં મૌન વધારે મહત્વનું હોય છે. 

# વિશ્વમાં બધું જ સુંદર છે, જો એ જોવા માટે આપણી પાસે દૃષ્ટિ અને સારા વિચારો હોય તો. 

# યાદ રાખો તમે મોડા પડી શકશો પણ સમય કયારેય મોડો નહીં પડે. 

(ઇન્ટરનેટ પરથી) 

Saturday, October 3, 2020

મારી માતા એવી જીત અંગે શું વિચારત?

      કેન્યા દેશનું પ્રતિનિધિત્વ કરનાર એથ્લેટ ખેલાડી અબેલ મૂતાઈ સ્પર્ધા જ્યાં પૂરી થતી હોય છે એ ફિનિશ લાઇનથી થોડે જ દૂર હતો અને ત્યાં મૂકેલી નિશાનીનું ખોટું અર્થઘટન કરી એમ ધારી બેઠો કે સ્પર્ધા પૂરી થઈ ગઈ છે. તે ત્યાં થોભી ગયો. તેની બરાબર પાછળ સ્પેનિશ ખેલાડી ઈવાન ફર્નાન્ડીસ હતો. તેને સાચી પરિસ્થિતિ સમજાઈ ગઈ અને આથી તેણે અબેલને દોડવાનું ચાલુ રાખવા બૂમો પાડી પણ કમનસીબે અબેલને સ્પેનિશ ભાષા આવડતી નહોતી. આથી અબેલ સમજી ન શક્યો કે ઈવાન તેને શું કહેવા જતો હતો. 

     આખરે ઈવાને ફિનિશ લાઇન પાસે અબેલને ધક્કો માર્યો જેથી અબેલ ફિનિશ લાઇન પાર કરી જીતી જાય.

      એક પત્રકારે ઈવાનને પૂછયું કે તે પોતે જીતી જઈ શકે તેમ હતો ત્યારે તેણે આવું શા માટે કર્યું?

ઈવાને જવાબ આપ્યો, " મારું એક સ્વપ્ન રહ્યું છે કે એક દિવસ આપણે સૌ ખરું સમૂહ જીવન જીવીએ. હું કદાચ જીતી પણ ગયો હોત તો યે એ જીતનું ગૌરવ શું રહેત? એવી અંચઈ કરીને મેળવેલી જીતનો અર્થ શો? મારી માતા એવી જીત અંગે શું વિચારત?"

મૂલ્યોનું એક પેઢીથી બીજી પેઢીમાં વહન થાય છે.

આપણે સતત વિચારતાં રહેવું જોઈએ કે આપણે આપણાં બાળકોને કયા મૂલ્યો શીખવીએ છીએ.

આપણાં બાળકોને ખોટે રસ્તે જીત કે સફળતા ના મેળવતા શીખવવું જોઈએ.

(ઇન્ટરનેટ પરથી)

શ્રધ્ધાની કસોટી

          એક સંત વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા હતા. લગભગ ૬૦ વૃદ્ધોને સાચવે, સ્વજનથી વિશેષ ધ્યાન રાખે. પૈસાની સતત ખેંચ છતાંય વૃદ્ધોને આશ્રમની આર્થિક પરિસ્થિતિ  ખબર પડવા ન દે, કોઈ પણ બાબતની ઉણપ વર્તાવા ન દે. એક બપોરે મુનિમે આવીને કહ્યું ' આપણી સ્થિતી ભયંકર ખરાબ છે આજે સાંજે ભોજનની વ્યવસ્થા થાય તેમ નથી. બધાએ ભૂખ્યા રહેવું પડશે.'

            સંતને જાણીને દુઃખ થયું. હજાર હાથવાળો કેવી કસોટી કરે છે ? સંસાર છોડી ભેખ ધર્યો. સમાજના સ્વજનોએ ત્યજેલા વૃદ્ધોની સેવાનો સંકલ્પ લીધો. રડતાના આંખના આંસુ લુછ્યા. છતાંય આજે આ પરિસ્થિતિ.. સંતને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. ઉપરવાળો સવારે ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં.

       આશ્રમના મેદાનમાં હરતા ફરતા આનંદિત વૃદ્ધોને તો આ વાતનો અણસાર સુધ્ધાં પણ હતો નહીં.

  "બાજી હરિને હાથ"... તેમણે સાંજ પડ્યે ટેબલ પર થાળીઓ ગોઠવવાનું કહી દીધું. સાથે કહ્યું ' આજે એક થાળી વધારે રાખજો.'

મુનિમને મનમાં વિચાર થયો એક માણસ જમે તેટલું પણ અનાજ નથી અને એક થાળી વધારે?? !!!

     સંતને ઈશ્વર પર અપાર શ્રદ્ધા મારો  વ્હાલો ભૂખ્યા નહીં રાખે. જમવાનો સમય પસાર થતો હતો. ઈશ્વર પરની શ્રદ્ધાની કસોટી હતી.

      એવામાં ફોનની ઘંટડી રણકી. ' સંત વૃદ્ધાશ્રમ ? હું મનહર શેઠનો સચિવ બોલું છું એક વિનંતી કરવાની આજે શેઠે જન્મ દિવસ ઉજવણીનો કાર્યક્રમ ગોઠવેલ પણ તેઓશ્રીની તબિયત અચાનક બગડતાં કાર્યક્રમ રદ કરવો પડેલ છે. લગભગ ૬૫ માણસની રસોઈ તૈયાર છે. તમે કહો તો આપના આશ્રમે મોકલી દઈએ, સાથે શેઠ જન્મ દિવસની શુભેચ્છા પ્રસંગે આશ્રમને રુપિયા ૨૫૦૦૦નું અનુદાન પણ આપવા ઇચ્છુક છે.'

       સંતે મનોમન શામળિયા સમા શેઠ મનહરલાલનો આભાર વ્યક્ત કરતાં ખુશી ખુશી હા પાડી અને બધાને જમવા બેસી જવા કહ્યું. થોડી વારમાં રસોઈ આવી ગઈ. કદીએ ન ચાખેલ અવનવી વાનગીઓ ખાતાં વૃદ્ધો પણ ખૂબ ખુશ હતાં.

          મુનિમને રુપિયા ૨૫૦૦૦નો આશ્રમના નામનો ચેક મળી ગયો હતો. બધાના જમી રહ્યે મુનિમ સંત પાસે આવીને બોલ્યા ' વંદન છે તમારી ઈશ્વર પ્રતિની શ્રદ્ધાને! મને તો હતું આજે ભૂખ્યા જ સૂવું પડશે પણ રસોઈ આવી ગઈ.. પરંતુ આપે આજે એક થાળી વધુ કેમ રખાવી હતી ? '

       સંતે સુંદર જવાબ આપ્યો ' એ વધારાની થાળી મારા  વ્હાલા  મોરલીવાળા શામળિયાની! મેં આજે એને કહી દીધેલ કે જો આજે અમે ભૂખ્યા રહ્યા તો ભલે તું જગતનો નાથ હોય શામળિયા, અમારી સાથે તારે પણ આજે ભૂખ્યા રહેવું પડશે અને મારા વ્હાલાએ ભાવતા ભોજન મોકલી દીધા.'

     ઈશ્વરમાં શ્રદ્ધા રાખો એ બધાનું સારું કરશે...!!!!!

(ઇન્ટરનેટ પરથી)

તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવાના તંદુરસ્ત નુસખા


~ ધૂમ્રપાન છોડી દો.

~ ખોરાકમાં ફળો અને શાકભાજી વધારે લો.

~ નિયમિત કસરત કરો.
~ તમારું વજન નિયંત્રણમાં રાખો. ઉંમર અને ઊંચાઈ ના પ્રમાણમાં તે કેટલું હોવું જોઈએ તે તમારા ડોક્ટર પાસેથી જાણી લો અને તેને જાળવી રાખો.
~ જો તમે મદ્યપાન કરતા હોવ તો તે અલ્પ માત્રા માં જ કરો.
~ પૂરતી ઉંઘ લો.
~ ચેપથી બચવા પૂરતા પગલા લો. જેમ કે તમારા હાથ વારંવાર ધૂઓ, માંસાહાર કરતા હોવ તો સંપૂર્ણ પણે રંધાયેલું માંસ જ ખાવ.
~ તણાવ બને એટલો ઓછો પેદા થવા દો.
~ વધુ લસણ ખાવ.
~ લીંબુ, મધ, આદુ અને હળદર ને ગરમ પાણીમાં નાંખી પીઓ.
~ ગ્રીન ટી નું સેવન કરો.
~ સવારના નાસ્તામાં દહીં લો.
~ સવારનો કુમળો તડકો શરીર પર પડવા દો જેથી તમારા શરીરમાં વિટામિન ડી નું પ્રમાણ વધે.
~ ખૂબ હસો.

રોગ પ્રતિકારક શક્તિ વધારતા ખાદ્ય પદાર્થો :
૧ ડાર્ક ચોકલેટ
૨ હળદર
૩ બ્રોકલી
૪ સૂરણ
૫ પાલક
૬ આદુ
૭ લસણ
૮ ગ્રીન ટી
૯ સૂર્ય મુખીના બીજ, ચીઆ બીજ
૧૦ બદામ અને અખરોટ
૧૧ સંતરા અને કીવી
૧૨ રેડ બેલ પેપર (લાલ મરી)
૧૩ દ્રાક્ષ અને સ્ટ્રોબેરી
૧૪ મધ
૧૫ કેળા
૧૬ કાંદા અને ગાજર
૧૭ કલિંગર
૧૮ દાડમનો રસ
૧૯ ફણસી અને પી નટ બટર
૨૦ મશરૂમ અને ઇંડા

(ઇન્ટરનેટ પરથી)