Saturday, September 12, 2020

સતત પ્રયત્નશીલ રહેવું

      એક વાર ઇન્દ્રદેવ ખેડૂતોથી નારાજ થઇ ગયા અને જાહેર કર્યું કે આવનારા બાર વર્ષો સુધી વરસાદ થશે નહીં અને તમે કોઇ પણ પાકની ખેતી કરી શકશો નહીં. 


ખેડૂતોએ ઇન્દ્રદેવને ખૂબ જ પ્રાર્થના કરી અને દયા કરવા વિનવ્યા તેથી તેમણે કહયું કે જાઓ જો ભગવાન શિવ ડમરૂ વગાડશે તો વરસાદ થશે. 

બીજી તરફ ઇન્દ્રદેવે બધી હકીકત ખાનગીમાં જણાવીને ભગવાન શિવને બાર વર્ષ સુધી ડમરૂ ન વગાડવા મનાવી લીધા. ખેડૂતો ભગવાન શિવના શરણે ગયા તો શિવજીએ કહયું કે હું બાર વર્ષે જ ડમરૂ વગાડીશ જાઓ. 

દુઃખી થયેલા ખેડૂતો પાસે બાર વર્ષ સુધી રાહ જોયા સિવાય કોઇ વિકલ્પ ન હતો. પરંતુ તે ખેડૂતો પૈકીનો એક ખેડૂત ખેતર ખેડતો, સમારકામ કરતો અને પાક ઉગવાનો નથી તે જાણવા છતાં દર વર્ષે વાવેતર પણ કરતો. 

અન્ય ખેડૂતો તેની મશ્કરી કરતાં, છતાં પણ દર વર્ષે તે આ મુજબ જ તેની પ્રક્રિયાનું પુનરાવર્તન કરતો હોવાથી બધા ખેડૂતો એ કહયું કે ડોબા, તને ખબર છે કે બાર વર્ષ સુધી વરસાદ પડવાનો નથી તો પણ તું ગધ્ધામજૂરી કરીને સમય અને શક્તિનો વ્યય શા માટે કરે છે?

તેણે જણાવ્યું કે હું પણ જાણું છું કે પાક ઉગવાનો નથી પરંતુ હું તો ખેતીની પદ્ધતિ ભૂલી ન જાઉં તે માટે અભ્યાસ કરું છું. બાર વર્ષ પછી જયારે વરસાદ આવશે ત્યારે તો મારે આ બધી પ્રક્રિયા કરવાની જ છે જેથી હું દર વર્ષે સતત તેનું પુનરાવર્તન કરતો રહું છું જેથી બાર વર્ષ પછી મારું શરીર પાક ઉગાડવા માટે સશક્ત તેમજ સારું રહે.

ખેડૂતની આ દલીલ સાંભળીને માતા પાર્વતીએ શિવજી સામે તેના વખાણ કર્યા અને કહ્યું કે બાર વર્ષે તો તમે પણ ડમરૂ વગાડવાનું ભૂલી જશો ભોળાનાથ. 

શિવજીએ મા પાર્વતીની વાત સાંભળીને ડમરૂ વગાડીને કહયું જુઓ હું ડમરૂ વગાડવાનું ભૂલ્યો નથી. 

ડમરૂનો અવાજ સાંભળીને ચોથા જ વર્ષે વરસાદ પડવા લાગ્યો અને જે ખેડૂતે પોતાના ખેતરમાં બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને વાવેતર કર્યુ હતું તેના ખેતરમાં પાક ઉગી ગયો અને બાકીના ખેડૂતો નિરાશ થઇને બેસી રહ્યા. 

સતત પુનરાવર્તન કરવાથી જ આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ છીએ . આપણે રોગી બનીએ કે વૃદ્ધત્વ પામીએ છીએ કારણકે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા આપણે સતત પ્રયાસો કરતા નથી. સતત પ્રયત્નશીલ રહેવું એ ગુણવત્તાયુકત જીવનનો મૂળમંત્ર છે. 

જેથી લોકડાઉન ચાર અઠવાડિયે, બે મહિને કે એક વર્ષે ખૂલે પરંતુ આપણે આપની ક્ષમતા, શક્તિને વિકસાવવા સતત પ્રયત્નો કરતા રહેવું જોઇએ. આપણી પાસે જે છે તેને ઉન્નત, સમૃદ્ધ કરીએ અને જ્ઞાનમાં વૃદ્ધિ કરતા રહીએ. 

લોકડાઉન ખૂલવાની રાહ જોતા રહેવું તે વરસાદ પડવાની રાહ જોવા જેવું છે. ડમરૂ વહેલું મોડું વાગશે જ પરંતુ તે સમયે આપણે તૈયાર નહીં હોઈએ તો તકલીફ પડશે. જેથી પડકારનો સામનો કરવા તૈયાર થઈએ. તથાગત બનીએ. 

🙏🙏ઘરમાં રહો સુરક્ષિત રહો🙏🙏

(ઇન્ટરનેટ પરથી) 

Sunday, September 6, 2020

રતન ટાટાના હકારાત્મક વિચારો

નિષ્ણાતો કોરોનાને કારણે અર્થતંત્રને ભારે નુકસાન થશે એવું સૂચવી રહ્યાં છે. હું આ નિષ્ણાતો વિશે વધુ જાણતો નથી. પણ મને ખાતરી છે કે તેઓ માનવીની ધગશ, ખંત અને કૃતનિશ્ચયી પ્રયત્નોના મહત્વ અંગે જાણતા નથી.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, બીજા વિશ્વયુદ્ધમાં સંપૂર્ણપણે ધ્વસ્ત થયા બાદ જાપાનનું કોઈ ભવિષ્ય નહોતું. પણ એ જ જાપાને માત્ર ત્રણ દાયકાના ટૂંકા ગાળામાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાને બજારમાં હંફાવ્યું.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, આરબો દ્વારા ઇઝરાયલ વિશ્વના નકશામાંથી ભૂંસાઈ જવું જોઈતું હતું પણ સત્ય આજે એથી વેગળું છે.

એરોડાઈનામિકસના સિદ્ધાંતો મુજબ ભમરો ઉડી જ શકવો જોઈએ નહીં, પણ ભમરો ઉડે છે કારણ તે એરોડાઈનામિકસના સિદ્ધાંતો જાણતો નથી.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, આપણે ક્રિકેટના ૧૯૮૩ વિશ્વકપની ફાઇનલમાં  હોવા જોઈતા નહોતા.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, એથ્લેટિક્સમાં સૌ પ્રથમ વાર ચાર સુવર્ણચંદ્રક જીતનાર અમેરીકન મહિલા વિલ્મા રૂડોલ્ફ, દોડવું તો દૂર રહ્યું, બ્રેસિસ(કાખઘોડી) વગર ચાલી પણ શકે એમ નહોતું.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, અરુણીમા સિંહા સહેલાઈથી સામાન્ય જીવન જીવી શકે તેવી શક્યતા નહોતી, પણ અરુણીમાએ માઉન્ટ એવરેસ્ટના શિખરો સર કર્યાં.

કોરોના મહા સંકટ પણ કંઈ જુદું નથી. મને કોઈ શંકા નથી કે આપણે કોરોના વાઇરસને મહાત આપી જલ્દી આ સંકટ માંથી ઊગરી જઈશું અને ભારતીય અર્થતંત્ર ફરી જલ્દી જ બેઠું થઈ જશે.

- રતન ટાટા 

(ઇન્ટરનેટ પરથી)