Sunday, June 6, 2021

આઠ મિનિટની શ્રેષ્ઠ ફિલ્મ

      એક સિનેમાગૃહે જાહેર કર્યું કે આઠ મિનિટની એક ટૂંકી ફિલ્મને જગતની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવવામાં આવી છે અને મહત્તમ લોકો તે જોઈ શકે એટલે તેના એક વિનામૂલ્ય શો નું આયોજન કરવામાં આવ્યું છે. નિયત દિવસે શો નો સમય થયો અને આખો સિનેમા હોલ ભરાઈ ગયો. ફિલ્મ શરૂ થઈ અને પડદા પર એક ખાલી ઓરડાની સાવ સાદી છત પ્રદર્શિત થઈ, કોઈ પ્રકારના રંગરોગાન કે ભપકા વગરની, માત્ર સફેદ રંગની સાદી છત.

ત્રણ મિનિટ પસાર થઈ ગઈ. પણ પડદા પરનું દ્રશ્ય બદલાયું જ નહીં. માત્ર પેલી ધોળી છત જ સિનેમા હોલના પડદા પર કાયમ રહી.

    બીજી ત્રણ મિનિટ પસાર થઈ ગઈ, પણ કેમેરો પેલી છત પરથી ખસતો જ નહોતો. છ મિનિટ પસાર થઈ જવા છતાં સિનેમા માં કંઈ આગળ જ વધતું નહોતું એટલે હવે પ્રેક્ષકો અકળાયા. કેટલાક ઉભા થઈ બહાર જવા પ્રયત્ન કરવા લાગ્યાં. કેટલાકે બૂમો પાડી વિરોધ નોંધાવ્યો અને એવો સૂર જતાવ્યો કે માત્ર છત બતાવવા બોલાવી શા માટે આટલાં બધાં લોકોનો સમય બરબાદ કર્યો.

   પણ વધુ હોબાળો થાય એ પહેલાં, સિનેમા હોલ ના પડદાં પરનો કેમેરો ધીમે ધીમે છત પરથી ખસી ઘરની એક ખાલી દિવાલ પર કેન્દ્રિત થયો અને થોડી વાર પછી ઘરની જમીન પડદા પર દેખાઈ. જ્યાં એક ખાટલો હતો અને તેના પર એક દિવ્યાંગ બાળક સૂતેલ નજરે ચડયો, જેના નાનકડા શરીરની કરોડરજ્જુમાં ઈજાને કારણે તે બિલકુલ હલનચલન કરી શકતો નહોતો.

    થોડી વાર પછી કેમેરો ફરી પાછો પેલી કંટાળાજનક છત પર પાછો ફર્યો પણ આ વખતે તેના પર આ પ્રમાણે લખાણ અંકિત થયેલું હતું :

અમે તમને આ બાળકની રોજનીશીમાંથી માત્ર આઠ મિનિટ બતાવી છે. તમે જે માત્ર થોડી મિનિટ જોયું તે આ દિવ્યાંગ બાળક તેની આખી જિંદગી જુએ છે. તમે એ માત્ર આઠ મિનિટ પણ સહન કરી શક્યા નહીં... આથી તમારા જીવનની સાજા સારા વિતાવેલી દરેક ક્ષણનું મૂલ્ય સમજો અને તેને ઈશ્વરના તમારા પર આશિર્વાદ સમજી એ માટે તેનો આભાર વ્યક્ત કરો. જીવન અને સમયનું મૂલ્ય તમે તેને ગુમાવી નહીં બેસો ત્યાં સુધી તમને સમજાશે નહીં.

તમે મુક્ત રીતે હલનચલન કરી શકો છો, ઘરની બહાર નીકળી જીવન, તાજી હવા, પ્રકૃતિ વગેરે જુદા જુદા રંગે, સ્વરૂપે માણી અને અનુભવી શકો છો. તેનું મૂલ્ય સમજી તેને વેડફી ન દો.

(ઇન્ટરનેટ પરથી)


ભગવાન અને શેતાન

નાનો પરિવાર ધરાવતી એક અતિ ગરીબ સ્ત્રીએ એક વાર "મહાદેવ"ની મદદ માગવા રેડીઓ સ્ટેશને ફોન કર્યો. એક નાસ્તિક માણસ પણ આ રેડીઓ કાર્યક્રમ સાંભળી રહ્યો હતો. તેણે પેલી ગરીબ સ્ત્રીની મજાક ઉડાવવાનું નક્કી કર્યું.

તેણે એ સ્ત્રીનું સરનામુ નોંધી લીધુ અને પોતાની સેક્રેટરીને સારી એવી ખાદ્યસામગ્રી ખરીદી પેલી સ્ત્રીને ત્યાં પહોંચાડીઆવવાની આજ્ઞા કરી.

પણ તેણે પોતાની સેક્રેટરીને એક વિચિત્ર સૂચના આપી.

તેણે કહ્યું જ્યારે એ ગરીબ સ્ત્રી પૂછે કે આ ખાવાનું કોણે મોકલાવ્યું છે? ત્યારે જવાબ આપવો કે એ `શેતાને` મોકલાવ્યું છે.

સેક્રેટરીએ તો પોતાના બોસની આજ્ઞા પ્રમાણે સારી એવી માત્રામાં ખાદ્યસામગ્રી ખરીદી અને પેલી

ગરીબ સ્ત્રીના ઘરે પહોંચાડી. ગરીબ સ્ત્રી તો આટલી બધી ખાદ્યસામગ્રી જોઈને રાજીના રેડ થઈ ગઈ. આભારવશતાની લાગણી અનુભવતા અનુભવતા તેણે એ બધો સામાન પોતાના નાનકડા ઘરમાં ગોઠવવા માંડ્યો.

સેક્રેટરી એ થોડી રાહ જોયા બાદ જ્યારે ગરીબ સ્ત્રીના તરફથી કોઈ સવાલ ન થયો ત્યારે અકળાઈને સામેથી જ પૂછી નાખ્યું , "શું તમને એ જાણવાની ઇચ્છા નથી કે આ બધું કોણે મોકલાવ્યું?"

ગરીબ સ્ત્રીએ જવાબ આપ્યો, "ના. જેણે મોકલાવ્યું હોય તેનો ખૂબ ખૂબ આભાર માનજો. મને એની પરવા નથી એ જે કોઈ પણ હોય કારણ જ્યારે મારો 'નાથ' હૂકમ કરે ત્યારે શેતાને પણ તેની આજ્ઞાનું પાલન કરવું પડતું હોય છે!"

(ઇન્ટરનેટ પરથી)

અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડેન વિશે જાણવા જેવું

*અમેરિકાના નવા પ્રમુખ:- જો બાઇડેન.*

                ઉ.વ.૭૮.                  

1. પ્રથમ પત્ની નીલીયા હંટર બાઈડેન શિક્ષિકા હતા અને લગ્નના છ વર્ષ બાદ એક વર્ષની પુત્રી નાઓમી અને બે પુત્રો બીઉ અને હંટર સાથે ક્રિસમસ ટ્રી ખરીદવા જતાં રોડ અકસ્માતનો ભોગ બન્યા અને આ અકસ્માતમાં નીલીયા અને નાઓમી મૃત્યુ પામ્યા. બીઉ અને હંટર પણ ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા પણ બચી ગયા. 

2. પુત્ર બીઉ ૪૬ વર્ષની વયે ૩૦મી મે, ૨૦૧૫ ને દિવસે બ્રેઇન કેન્સરથી મૃત્યુ પામ્યો. 

3. પુત્ર હંટરને મે ૨૦૧૩ માં ડ્રગ્ઝના વ્યસનના

    કારણે નેવીમાંથી હાંકી કાઢવામાં આવ્યો.

4. બાઇડેન પોતે પણ સ્નાયુના લકવાની બીમારીનો (ફેસિયલ પાલ્સી) સામનો કરી ચૂકયા છે.

જીવનમાં આટલી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કર્યો હોવા છતાં જો બાઇડેન ૭૮ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ બન્યા છે. તેઓ શારીરિક તેમજ માનસિક રીતે આટલી મોટી જવાબદારી નિભાવવા સક્ષમ છે.

         જ્યારે કેટલાક વયસ્કો ૬૦ની ઉંમરે એવું માને છે કે - હવે બધું જ પુરું થઇ ગયું, હવે આપણાથી કંઈ થાય નહી.

        બધા સિનીયર સિટીઝનોએ બાઇડેનનું ઉદાહરણ નજર સમક્ષ રાખીને નવી શરુઆત કરવાની છે. એમ વિચારો કે તમે હજુ પણ યુવાન છો. તેથી તમે જીવનમાં હજુ સુધી જે કરી શક્યા નથી તે કરવા, શીખી શકયા નથી તે શીખવા, જાણી શકયા નથી તે અંગે જાણવા અને મેળવી શક્યા નથી તે મેળવવા તન-મનથી પ્રયત્ન કરો.

(ઈન્ટરનેટ પરથી)