Saturday, August 31, 2019

કષ્ટોનું મૂળ કારણ

એક મહિલા રોજ મંદિરે જતી. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે હવેથી તે મંદિરે નહીં આવે. પૂજારીએ તેને કારણ પૂછ્યું.
ત્યારે મહિલા બોલી, "હું જોઉં છું કે મંદિરમાં લોકો ફોન પર સતત પોતાના નોકરી - ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો મંદિરને જ પોતાની ગુસપુસનું સ્થાન બનાવી દીધું છે. ઘણાં પૂજા ઓછી ને દેખાડો વધારે કરે છે.“
પૂજારીએ તેની વાત ધ્યાન થી સાંભળી કહ્યું, "ઠીક છે. પણ અંતિમ નિર્ણય લેતા પહેલા મારી એક વાત માનશો?" મહિલા બોલી, "હા, કહો મારે શું કરવાનું છે?"
પૂજારીએ કહ્યું," એક ગ્લાસ પાણી ભરી લો અને તે હાથમાં પકડી બે વાર મંદિર પરિસરની પ્રદક્ષિણા કરી લો. શરત એટલી કે ગ્લાસમાં થી બિલકુલ પાણી ઢોળાવું જોઈએ નહીં."
મહિલાએ કહ્યું, "વારુ, હું એ મુજબ કરીશ. "
પછી થોડી વારમાં મહિલાએ પૂજારીના કહ્યા પ્રમાણે કરી બતાવ્યું. પાછી ફરેલી મહિલાને પૂજારીએ ત્રણ સવાલ પૂછ્યા -
૧. શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયાં?
૨. શું તમે કોઈને મંદિરમાં ગુસપુસ કરતાં જોયાં?
૩. શું કોઈને પાખંડ કરતાં જોયાં?
મહિલા બોલી, "ના, મેં આમાંથી કંઈ નથી જોયું"
પૂજારી બોલ્યા, "જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર કેન્દ્રીત હતું જેથી તેમાંથી પાણી છલકાઈ ન જાય, એથી તમને બીજું કંઈ દેખાયું નહીં.
હવે જ્યારે પણ મંદિરે આવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પરમાત્મામાં કેન્દ્રિત કરજો તો તમને આસપાસ નું કંઈ દેખાશે નહીં. માત્ર ઇશ્વર જ સર્વત્ર નજરે ચડશે. "

જીવનમાં દુ:ખો માટે કોણ જવાબદાર છે?
ના ભગવાન
ના ગ્રહ - નક્ષત્રો
ના ભાગ્ય
ના સગાસંબંધીઓ
ના પાડોશી
ના સરકાર
જવાબદાર તમે પોતે જ છો.

તમારો માથાનો દુખાવો નકામા વિચારોનું પરિણામ છે.
તમારો પેટનો દુખાવો ખરાબ કે ખોટું ખાવાનું પરિણામ છે.
તમારું દેવું જરૂરત કરતા વધુ ખર્ચનું પરિણામ છે.
તમારું દુર્બળ, જાડું, બીમાર શરીર ખોટી જીવનશૈલીનું પરિણામ છે.
તમારા કોર્ટ કેસો તમારા અહંકારનું પરિણામ છે.
તમારા નકામા વિવાદો વધુ અને વ્યર્થ બોલવાનું પરિણામ છે.
ઉપરોકત કારણો સિવાય પણ એવા બીજા સેંકડો કારણ છે જેનાથી પ્રેરાઈ તમે વગર કારણે અન્યો પર દોષારોપણ કર્યા કરતા હોવ છો. આમાં ઇશ્વરનો કોઈ વાંક નથી. જો આપણે આ કષ્ટોના મૂળ કારણોનો બારીકાઈથી વિચાર કરીએ તો જણાશે કે ક્યાંક ને ક્યાંક તેની પાછળ આપણી પોતાની કોઈક મૂર્ખામી જવાબદાર છે.
સર્વે નું જીવન પ્રકાશમય અને શુભ બની રહો...

(ઇન્ટરનેટ પરથી)

Saturday, August 24, 2019

તંદુરસ્તી વિષયક ટિપ્સ

જો તમે ચાળીસની વય વટાવી ચૂક્યા હોવ તો આ તંદુરસ્તી વિષયક ટિપ્સ ધ્યાનમાં રાખો

૧. બે બાબત સતત ચકાસતા રહો :
- તમારું બ્લડપ્રેશર
- તમારી બ્લડશુગર

૨. છ વસ્તુઓ તમારા ખોરાકમાં બને એટલી ઘટાડી દો :
- મીઠું
- સાકર
- જાળવેલા /સંઘરેલા ખાદ્ય પદાર્થો
- લાલ માંસ (ખાસ કરીને શેકેલું)
- દુગ્ધ પદાર્થો
- કાંજીયુક્ત પદાર્થો

૩. ચાર વસ્તુઓ તમારા ખોરાકમાં વધારો :
- લીલા શાકભાજી
- ફળો
- વાલ વગેરે કઠોળ
- શીંગ દાણા

૪. ત્રણ વાતો ભૂલી જાઓ :
- તમારી વય
- તમારો ભૂતકાળ
- તમારી ફરિયાદો

૫. ચાર વસ્તુઓ તમે ગમે તેટલા મજબૂત કે ઢીલા હોવ, તમારી પાસે હોવી જ જોઈએ :
- મિત્રો જે તમને સાચા અર્થમાં ચાહતા હોય
- કાળજી કરતો પરિવાર
- હકારાત્મક વિચારો
- ઉષ્માભર્યું ઘર

૬. ચાર બાબતો જે તમારે તંદુરસ્ત રહેવા કરવાની જરૂર છે :
- ઉપવાસ
- હસતાં રહેવું
- ટ્રેક /કસરત
- વજન ઘટાડો

૭. છ બાબતો કરશો નહીં :
- તમને ભૂખ ન લાગે ત્યાં સુધી ખાવું નહીં
- તમને તરસ ન લાગે ત્યાં સુધી પાણી પીવું નહીં
- તમને ઉંઘ ન આવે ત્યાં સુધી સૂવું નહીં
- તમને થાક ન લાગે ત્યાં સુધી આરામ કરવો નહીં
- માંદા ન પડો ત્યાં સુધી મેડિકલ ચેક અપ કરાવવું નહીં
- મુશ્કેલી આવે નહીં ત્યાં સુધી ભગવાન ને યાદ કરવા નહીં.

(ઇન્ટરનેટ પરથી)

સાસુ-વહુની એક લઘુકથા

    "આ લો મમ્મી, ત્રણ હજાર... તમારી પાસે રાખો"  નવી વહુએ નોકરી જતી વખતે સાસુને કહ્યું. સાસુની આંખોમાં પાણી આવી ગયા. તેમણે કહ્યું," આટલા બધા પૈસાનું મારે શું કરવું છે? “
   “મમ્મી, આખો દિવસ કેટલી બધી વસ્તુઓ માટે પૈસાની જરૂર પડતી હોય છે. હું એક મહિનાથી જોઈ રહી છું. શાક વાળો, ફળવાળો અને ક્યારેક કામવાળી પણ તો વધુ પૈસા માંગે છે. તમારી પાસે આ રકમ ભલે રહી."
" અરે તારા સસરાજીનું પેન્શન આવે છે ને. એ હતા ત્યારે તેમની પાસે માંગતી હતી, હવે સરકાર વગર માંગ્યે દર મહિને આપી દે છે!" સાસુએ હસીને કહ્યું.
" મમ્મી, તમે કિટી પાર્ટી જોઈન કરી લો. તેમની સાથે ફિલ્મ, ભેલ પાર્ટી, નાટક વગેરે માણો. તમારી જિંદગી જીવો. આમણે મને કહ્યું કે તમે કેટલી તકલીફ વેઠીને ઘર ચલાવ્યું છે. મોટા ભાઈ અમેરીકા છે, દીદી પોતાને સાસરે ખુશ છે. હવે તમે નવું જીવન શરૂ કરો. મને ખબર છે તમે અત્યાર સુધી તમારી બધી ઈચ્છાઓ મનમાં દાબી દાબીને જીવ્યા છો. હવે તમે તમારા માટે જીવો. "
" આટલી નાની ઉંમર માં આવડી મોટી મોટી વાતો તને કોણે શીખવી વ્હાલી દીકરી?! “
“હું દસ બાર વર્ષ ની હોઈશ. એક વાર મારા દાદી મારા ફોઈને ત્યાં જઈ રહ્યા હતા. મારી મમ્મીએ છસ્સો રૂપિયા કાઢી તેમના હાથમાં મૂક્યા અને બોલી બચ્ચાઓ ને બહાર ફરવા લઈ જજો. નાની વતી એટલે કે તમારા તરફથી તેમને ખવડાવજો - પીવડાવજો, રમકડાં અપાવજો. દાદી મમ્મીને ગળે વળગી રોઈ પડ્યા હતા! તેમણે કહેલું આટલા પૈસા તેમણે ક્યારેય ખર્ચ કર્યા નહોતા! એ દિવસ પછી મમ્મી અને દાદી ઘણી સારી સખીઓ બની ગઈ! "
“ હવે મારો વારો છે તમારી સખી બનવાનો! મને ખબર છે ઘર સંભાળવા તમારે તમારી નોકરી છોડવી પડી હતી. કેટલું ખરાબ લાગ્યું હશે ત્યારે તમને. કેટલી ઈચ્છાઓ, મહત્વકાંક્ષાઓનું ગળું દાબી દેવું પડયું હશે તમારે. આ સિવાય, દરેક નાની મોટી વાતે પતિ સામે હાથ લંબાવવો પડ્યો હશે તમારે. તમારું પેન્શન તમારી પાસે જ જમા કરો મમ્મી. મને ક્યારેક જરૂર પડી તો હું માંગીશ "
" હવે તને ઓફીસ જવાનું મોડું થશે, તું નીકળ." " મને બોલવા દો મમ્મી. આ હું મારી ખુશી માટે કરી રહી છું. મારી મા એ કહ્યું હતું કે ૧૮ કલાક કામના ઢસરડા કરનાર મહિલા ને કોઈ સમજતું  નથી. પણ તું તારી સાસુમાનું ધ્યાન રાખજે. પ્રેમ વાવીશ તો પ્રેમ પામીશ. "
    સાસુએ ભર્યા મનથી અને પ્રેમ ભર્યા હ્રદયથી વહુના ગાલે હાથ ફેરવ્યાં. અને પછી તે વહુ આંખો સામેથી ઓઝલ ન થઈ ત્યાં સુધી તેને જતી જોઈ રહ્યા. તેમણે મનોમન કહ્યું," મેં વિચાર્યું હતું કે નોકરી કરતી વહુ ઘરમાં આવશે પછી હું ચાર દિવાલો વચ્ચે પુરાઈ જઈશ,પણ તે તો મને બહારનું આકાશ દેખાડ્યું વહુ દીકરી!"
    બધી સાસુ - વહુ વચ્ચે આવા સંબંધ પાંગરે તો કેટલું સારું!
(ઇન્ટરનેટ પરથી)

Wednesday, August 14, 2019

'જેના હ્રદયમાં ઇશ્વર છે તેને કોઇ “સુતક” નડતું નથી

[પત્રકાર ડૉ કેયુર જાનીએ કવર કરેલી હજારો સ્ટોરીઝમાંથી જે તેમના હૃદયની સૌથી નજીક છે તેવી સ્ટોરીઝ પૈકીની એક સત્ય ઘટના ઇન્ટરનેટ પર વાંચવામાં આવી અને મને પણ એ એટલી બધી સ્પર્શી ગઈ કે અહીં શેર કર્યા વગર ના રહી શક્યો.

ફેબ્રુઆરી 2007નો સમયગાળો. વડોદરાથી 50 કિલોમીટર દૂર આવેલું 30 હજારની વસ્તી ધરાવતું એક નગર, જ્યાં 80 વર્ષના વૃદ્ધ સ્થાનિક ડોક્ટરો પાસે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. પણ કેન્સર જેવી બીમારીનો ઈલાજ સ્થાનિક તબીબોના ગજા બહારની વાત હોવાથી ફેમેલી ડોક્ટરે વૃદ્ધને ચેન્નાઈની પ્રસિદ્ધ અડયાર કેન્સર હોસ્પિટલમાં ઈલાજ માટે જવા સલાહ આપી.
વૃદ્ધની સારવાર માટે ડોક્ટર દ્વારા તમામ ગોઠવણ અહીંથી જ ફોન કરીને કરી આપવામાં આવી. એક મહિનો ચેન્નાઇ રહી અને સારવાર કરવાની હતી જેથી બે પુત્રોમાંથી કોઈ એક મહિનો સાથે જઈ અને રહી શકે તેમ ના હોવાથી તે વૃદ્ધ પોતાની 75 વર્ષની પત્નીને સાથે લઈને ચેન્નાઇ સારવાર કરાવવા નીકળ્યા.
ચેન્નાઇ ટ્રેન પહોંચતા પાંચ કલાક મોડી પડી અને રાત્રે નવ વાગે ચેન્નાઇ ઉતરી અને વૃદ્ધ દંપત્તિ રીક્ષા દ્વારા કેન્સર હોસ્પિટલ પહોંચ્યું. રીક્ષાથી રાત્રે દસ વાગ્યા પછી હોસ્પિટલના કેમ્પસમાં પહોંચેલા વૃદ્ધાએ પૈસા ચૂકવી અને પતિને નીચે ઉતરો હવે તેમ કહ્યું ત્યારે જોયું કે પતિનો દેહ નિષ્ચેત છે અને કોઈ જવાબ નથી આપી રહ્યો. વૃદ્ધા ગભરાયા અને દોડીને હોસ્પિટલમાં ગયા ત્યાં ચેન્નાઇમાં ભાષાની ભારે તકલીફ પડી પણ વૃદ્ધાના ઈશારાઓથી ચેન્નાઇના ડોક્ટરો કંઈક સમઝ્યા અને બહાર આવી વૃદ્ધને ચકાસી અને જણાવ્યુંકે તેઓનો દેહાંત થઇ ચુક્યો છે. વૃદ્ધના મૃતદેહને રીક્ષામાંથી ઉતારી સ્ટ્રેચર ઉપર મૂકી દેવામાં આવ્યો. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરી શકાય પણ મૃતદેહને નહીં એટલે હોસ્પિટલના કેમ્પસમાજ સ્ટ્રેચર ઉપર મૃતદેહ મૂકી રાખવામાં આવ્યો.
રાતે દસ વાગ્યા પછીનો સમય હતો હોસ્પિટલનું ચોગાન પણ સુમસામ હતું અને 75 વર્ષની વૃદ્ધા ઘરથી 1800 કિલોમીટર દૂર પતિના મૃતદેહ સાથે અજાણ્યા મહાનગરમાં એકલી હતી જ્યાં કોઈ તેની ભાષા સમઝતું ના હતું કે તે કોઈની ભાષા સમઝતી ના હતી. 
દરમ્યાન માઠા સમાચાર આપવા વૃદ્ધાએ ઘરે દીકરાને ફોન જોડ્યો. ઘરે અમંગળના સમાચાર મળતા પરિવારજનો ભાંગી પડ્યા પણ તેથી વધુ દુઃખ હતું કે ઘર થી આટલા દૂર પિતાના મૃતદેહ સાથે માતા એકલી તો હવે કરવું શું? સંબંધી અને આસપાડોસમાં સમાચાર વહેતા થયા અને લોકો એકત્રિત થવા લાગ્યા.
તપાસ કરી પણ ટ્રેન કે વિમાન દ્વારા ચેન્નાઇ ચોવીસ કલાક પહેલા પહોંચવું કે ત્યાંથી મૃતદેહ પણ અહીં લાવવો બંને માંથી કાંઈજ કોઈ પણ રીતે શક્ય નહતું, છેવટે ભીડમાં મોજુદ આધેડ વયના અશોકભાઈએ પોતાની રીતે પ્રયત્નો શરુ કર્યા.
તેઓ વડોદરાની એમએસ યુનિવર્સીટીમાં ભણતા હતા ત્યારે ત્રીસ વર્ષ અગાઉ તેઓના ગ્રુપમાં વંદના નામની છોકરી હતી તેના લગ્ન ચેન્નાઇ થયા હતા અને ત્યારે તેના લગ્નમાં ગયા હતા અને જાન ચેન્નાઇ થઇ આવી હતી તેમ યાદ આવતા અશોકભાઈ એ પોતાના મિત્ર વર્તુળ માં રાતે  અગ્યાર વાગે ફોન ઘુમાવવાના શરુ કર્યા.
લગ્ન બાદ વંદના સાથે કોઈ સંપર્ક નહતો છતાં પાંચ-છ મિત્રોનો સંપર્ક કર્યા બાદ વંદનાના વડોદરા ખાતેના પિયરનો લેન્ડલાઈન નમ્બર મેળવી શકાયો જે પ્રક્રિયા દરમ્યાનમાં રાતના એક વાગી ગયો હતો.
પરિવારના સભ્યો સતત ચેન્નાઇમાં પોતાની માતાના સંપર્કમાં હતા પણ ઉપર ઉપર કોલથી  ફોન ચાલુ રહેવાને કારણે ચેન્નાઇમાં વૃદ્ધાની મોબાઈલની બેટરી પણ ઉતરી ગઈ.. સંપર્ક તૂટી ગયો.
અશોકભાઈએ રાતે એક બાદ વંદનાના વડોદરા ખાતે પિયરના ઘરે ફોન કરી એક પ્રયત્ન કરવાનું ઠીક માન્યું. રાત્રે રિંગ વાગીતો કોઈક કિશોરી એ ફોન ઉપાડ્યો અને અશોકભાઈએ વંદના વિષે પૂછતાં કિશોરી એ જણાવ્યું કે તે મારા ફોઈ છે અને ચેન્નાઇજ રહે છે. અને તેઓની દીકરીનું પરમ દિવસ લગ્ન છે એટલે મારા પરિવારના તમામ સભ્યો ચેન્નાઇ ગયા છે. મારે માર્ચ માં બોર્ડની પરીક્ષા છે એટલે હું નથી ગઈ અને મારા બા અને હું અહીં જ છીએ.
અશોકભાઈએ વંદનાનો ચેન્નાઇનો નંબર માંગતા મળી ગયો અને રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ખચકાતા ખચકાતા અશોકભાઈએ વંદનાના મોબાઈલ પર ફોન કર્યો. બીજા દિવસે વંદનાની દીકરીનું લગ્ન હતું જેથી શું વાત કરવી અને કઈ રીતે તે માટે અશોકભાઈ અવઢવ માં હતા ત્યાં વંદનાના પતિએ ફોન ઉપાડ્યો. અશોકભાઈએ પોતાનો પરિચય આપી વંદના સાથે વાત કરાવવા કહ્યું. વંદનાને પતિએ ફોન આપ્યો તો અશોકભાઈએ સમગ્ર બાબત જણાવી.. તારી દીકરી નું લગ્ન છે તેવા સમયે ત્રીસ વર્ષ પછી જિંદગીમાં પહેલી વાર તને ફોન કરું છું પણ આવી મજબૂરી છે તારાથી થાય તો મદદ કર બોલતા અશોકભાઈનું ગળું ભરાઈ આવ્યું.
વંદનાએ નામઅને સરનામું લીધું અને બને તે મદદ કરવાની ખાતરી આપી. 
છત્રીસ કલાક બાદ જેના ઘરના આંગણામાં દીકરીને પરણવા જાન આવવાની હતી તે વંદના તેના પતિને લઇ અને રાતે અઢી વાગે ચેન્નાઇની કેન્સર હોસ્પિટલમાં પહોંચી અને વૃદ્ધાને મળી.
અજાણ્યા પ્રદેશમાં કોઈ ગુજરાતી માણસ શોધતો આવીને મળતા દસ વાગ્યાના પતિની લાશ સાથે મુર્તિવંત બનીને બેસેલી વૃદ્ધા દિલ ખોલી અને વંદનાના ખભા ઉપર માથું મૂકી રડી. દરમ્યાન વંદનાના પતિએ હોસ્પિટલના જવાબદારો સાથે વાત કરી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાની વ્યવસ્થા કરી. અને મૃતક વૃદ્ધના પરિવાર સાથે પરામર્શ કરી અને મૃતદેહને ચેન્નાઇમાંજ અંત્યેષ્ઠી કરવાની વાત નક્કી કરી. વંદનાને વૃદ્ધા સાથે છોડી અને એનો પતિ અંતિમ ક્રિયાની તૈયારી કરવા ગયો. 
સવારે સાત વાગે હોસ્પિટલના ચોગાન માં એક એક કરી અને માણસ ભેગા થવા લાગ્યા. આંઠ વાગ્યાની આસપાસ ચારસો ગુજરાતીઓ હોસ્પિટલના ચોગાન માં ભેગા થઇ ગયા અને વંદનાનો પતિ અંતિમ સમાન લઇ અને આવ્યો. જરૂરી વિધિ પતાવી ચેન્નાઇ માં ચારસો ગુજરાતીઓ એક અજાણ્યા ગુજરાતીનો મૃતદેહ લઇ રામ નામ નો જાપ કરી સ્મશાન પહોંચ્યા અને મૃતદેહને પંચમહાભૂત માં વિલીન કર્યો.
વંદનાએ વૃદ્ધાને પોતાને ત્યાં લઇ જઈ થોડા સ્વસ્થ કર્યા અને ચેન્નાઇ થી વડોદરા આવવા ટ્રેનમાં રવાના કરવાની વિધિ પતાવી અને બીજે દિવસે જ્યાં દીકરીની જાન આવવાની હતી અને લગ્નમાં મોસાળું કરવા આવેલા ભાઈને મોસાળું કરવાની જવાબદારી બીજા નિભાવી લેશે તું માજી ને ઘરે પહોંચાડવાનું કામ કર કહી અને માજી સાથે જ ટ્રેનમાં વડોદરા રવાના કર્યો.
વંદનાના ઘરે લગ્ન પતિ ગયાના બે સપ્તાહ બાદ પોતાના પિયર અને સાગા-સંબંધીઓને ત્યાં દીકરી જમાઈને લઈને આવી ગુજરાતમાં કુળદેવીના મંદિર ખાતે નવપરણિત યુગલને પગે પણ લગાવવાના હતા ત્યારે વંદના ચેન્નાઇ થી અસ્થિ કળશ અને મૃત્યુનું પ્રમાણપત્ર પણ સાથે લઇ ને આવવાનું ના ભૂલી.
એટલેજ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...

(ઇન્ટરનેટ પરથી)

Monday, August 5, 2019

દરેક બાબત કંઈક શીખવે છે

જે કંઈ તમને હેરાન - પરેશાન કરે છે તે તમને ધીરજ રાખતા અને શાંત રહેતા શીખવે છે. 

જે કોઈ તમને તરછોડી દે છે તે તમને તમારા પોતાના પગ પર ઉભા રહેતા શીખવે છે. 

જે કંઈ તમને ઉશ્કેરે કે દુભવે છે તે તમને ક્ષમા અને ઉદારતાના પાઠ શીખવે છે. 

જે કંઈ તમારા પર હાવી થઈ જાય છે તે તમને નિયંત્રણ રાખતા શીખવે છે. 

જે કંઈ તમને ધિક્કારે તે તમને બિન-શરતી પ્રેમ કરતા શીખવે છે. 

જે કંઈ તમને  ડરાવે તે તમને તમારા ગર્ભિત ભય પર વિજય મેળવવા હિંમત રાખતા શીખવે છે. 

જે કંઈ તમે કાબૂમાં ન કરી શકો તે તમને જતું કરતા શીખવે છે. 

જે કંઈ તમને અન્યો પાસેથી મળતું નથી તે તમને સ્વતંત્ર થતા શીખવે છે. 

જે કંઈ તમને પ્રશ્ન રૂપે સતાવે તે તમને તેનો ઉકેલ શોધતા શીખવે છે. 

જે કંઈ તમારા પર હુમલા સ્વરૂપે આવે તે તમને સામનો કે પ્રતિકાર કરતા શીખવે છે. 

જે કંઈ તમને જાકારો આપે કે નીચા દેખાડે તે તમને ઉંચી નજર રાખતા, ઇશ્વર તરફ જોતા શીખવે છે. 

જીવનના દરેક તબક્કે ગમે તે પરિસ્થિતીમાં હંમેશા કોઈક ને કોઈક પાઠ છૂપાયેલો છે તે શીખો. આમ કરવાથી જીવન ધોરણ ચોક્કસ સુધરશે. 

(ઇન્ટરનેટ પરથી)