Monday, March 9, 2020

એને એનો સમય લેવા દો...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સૌ મહિલાઓને માનભેર, સાદર સમર્પિત...

એ જ્યારે ઠરી ગયેલી ચા પીતા થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો. એ પહેલાં એણે તમારા માટે ભોજન રાંધવા અને તમને એ પીરસવા માટે સમય લીધો છે.

એ જ્યારે મેનુ માંથી ડિશ પસંદ કરતા થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો. દરરોજ દરેક જણ માટે શું, કેટલું અને કેવું રાંધવું એ નક્કી કરવામાં અને પછી એ તૈયાર કરવા માટે એણે પોતાનો ઘણો સમય આપ્યો છે.

એ જ્યારે તમારી સાથે બહાર જતી વખતે તૈયાર થવામાં થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો.તમારાં ઇસ્ત્રીબદ્ધ કપડાં તેની જગાએ છે અને તમારા મોજા તમને ખબર નહી હોય ક્યાં છે પણ એ તમને જોઈએ ત્યારે મળી રહે એ સુનિશ્ચિત કરવા માટે તેણે સમય લીધો છે. એની ઠરી ગયેલી ચા પીતા પહેલા તમારું બાળક ચોખ્ખું અને સૌથી સારું લાગે એ રીતે તેને વિચારપૂર્વક તૈયાર કરવામાં એણે સારો એવો સમય લીધો છે.

એ જ્યારે અકારણ વ્યર્થ ટી. વી. જોવામાં થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો.એનું ધ્યાન ત્યારે ટી. વી. માં અડધું જ હોય છે અને ત્યારે પણ તેના મનમાં એક ઘડિયાળ સતત ટક ટક કર્યા કરતી દોડતી હોય છે. જેવો ભોજનનો સમય થવામાં હશે કે અન્ય કોઈક તાકીદનું કામ તેને યાદ આવશે કે તરત એ ટી. વી. સામેથી અદ્રશ્ય થઈ ગયેલી જોવા મળશે,એ કામમાં લાગી જવા.

એ જ્યારે તમને સવારનો નાસ્તો પીરસવામાં થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો. શેકતી વખતે બળી ગયેલું બ્રેડ તેણે પોતાને માટે રહેવા દઈ, પોતાના પરિવારજનો ને શ્રેષ્ઠ ખાવાનું મળે એ માટે તે નવા બ્રેડ શેકી રહી છે.

એ જ્યારે શૂન્યમનસ્ક બની બારી બહાર તાકતી બેઠી હોય ત્યારે એને એનો સમય લેવા દો. આ તેનું જીવન છે, એણે તમને પોતાના એ જીવનના અગણિત કલાકો આપ્યાં છે. એને પોતાને માટે થોડીક ક્ષણો લેવા દો.

એ પોતાના જીવનને ઉતાવળે જીવી રહી છે, જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં પોતાના જીવનખંડના અતિ મહત્વના ટુકડા તમારા માટે ખર્ચી...
તેને વધુ ઉતાવળ કરવાની ફરજ ન પાડો...
તેને વધુ શ્રમ કરવાની ફરજ ન પાડો...

(ઇન્ટરનેટ પરથી)

પ્રતિક્રિયા આપતા પહેલા વિચારો

     એક ગધેડાને તેના માલિકે એક ઝાડ સાથે બાંધ્યો હતો. શેતાને આવીને ગધેડાને મુક્ત કરી દીધો. ગધેડો સીધો ખેતરમાં દોડ્યો અને તેણે પાકને નુકસાન પહોંચાડવા માંડ્યું. ખેડૂતની પત્નીએ આ જોયું અને તેણે ગધેડાને ઠાર માર્યો.
    ગધેડાના માલિકે આ જોયું અને તેણે ગુસ્સે ભરાઈ ખેડૂતની પત્નીને મારી નાખી. ખેડૂતને આ બાબતની જાણ થતાં, તેણે ગધેડાના માલિકની હત્યા કરી નાંખી. ગધેડાના માલિકની પત્નીએ વેર વાળવા પોતાના પુત્રોને ખેડૂતનું ઝૂંપડું બાળી નાખવા મોકલ્યા.
    ગધેડાના માલિકના પુત્રોએ મોડી સાંજે માતાની આજ્ઞાનું પાલન કરતા ખેડૂતનું ઝૂંપડું બાળી નાખ્યું. તેમણે ધાર્યું કે ઝૂંપડા ભેગો ખેડૂત પણ બળી મર્યો હશે, પણ એમ બન્યું નહીં. ખેડૂતે આ દુર્ઘટનાની જાણ થતાં ગધેડાના માલિકની પત્ની અને તેના પુત્રોને મારી નાખ્યાં.
    આખરે પસ્તાવાની આગમાં તડપતા ખેડૂતે શેતાનને પૂછ્યું આ બધું શા માટે બન્યું?
શેતાને જવાબ આપ્યો, "મેં તો કંઈ જ કર્યું નથી. માત્ર ગધેડાને ખુલ્લો મૂકી દીધો. ત્યાર બાદ તમે બધાએ પ્રતિક્રિયા આપી, ઉગ્ર પ્રત્યાઘાત આપ્યાં અને તમારામાં રહેલા આંતરીક શેતાનને છૂટ્ટો દોર આપી દીધો."
   સમજાયું?
    શેતાન કંઈ કરતો નથી, માત્ર તમારાં અહમ્ ને જગાડી વિનાશની લીલા નોતરે છે અને તેમાં તમે, તમારી આસપાસના સર્વે બરબાદ થઈ જાઓ છો.
   તો હવેથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરતા પહેલા, જવાબ આપતા પહેલા, પ્રતિભાવ આપતા પહેલા, કોઈને ઠપકો આપતા પહેલા, વેર વાળવાનો વિચાર કરતા પહેલા થોભો અને વિચારો. ધ્યાનથી પરિસ્થિતી મૂલવો. ઘણી વાર શેતાન માત્ર આપણી અંદરના 'ગધેડા' ને મુક્ત કરવાનું જ કામ કરતો હોય છે.

(ઇન્ટરનેટ પરથી)