Sunday, April 19, 2020

નમ્રતા

    મારા શાળા જીવનના એક મિત્રને ૩૦ વર્ષ પછી મળવાનું થયું. મારા પર ઈશ્વરની કૃપા હતી અને હું સુખી જીવન જીવી રહ્યો હતો. જ્યારે મેં મારા આ મિત્રને હોટેલની પરસાળમાં  જોયો, તે મને ખૂબ સાદો લાગ્યો. તેણે સાદા વસ્ત્રો પહેર્યા હતા અને મને જોઈ તેને પણ ખૂબ ખુશી થઈ. પણ હ્રદયમાં ઉંડે ઉંડે મારી સરખામણી મનોમન તેની સાથે કરી ત્યારે હું તેની પરિસ્થિતિથી ખાસ પ્રભાવિત થયો નહીં અને હું તે છૂપાવી શક્યો નહીં. મેં તેને મારું વિઝિટિંગ કાર્ડ આપ્યું, જે લઈને તેને ખુશી થઈ.
    મેં તેને મારી નવી નક્કોર રેંજ રોવર ગાડી બતાવતા તેને તેના ઘેર મૂકી જવાનો પ્રસ્તાવ મૂક્યો. તેણે મના ફરમાવી અને જણાવ્યું કે તેની ગાડી આવી રહી છે. મેં નોંધ્યું કે તેની પાસે એક જૂની ૨૦૦૧ હોન્ડા એકોર્ડ ગાડી હતી.
     મેં તેને બીજા દિવસે મારા ઘેર ભોજન માટે આમંત્રણ આપ્યું. હું અંદર ખાને તેના પર પ્રભાવ પાડવા ઇચ્છતો હતો. પણ તેને મારી સફળતા અને વૈભવ દેખાડયા બાદ મારે તેની સાથે તેને મદદ કરવાની શક્યતા પણ ચકાસવી હતી.
    બીજે દિવસે તે પોતાની ગાડીમાં પાર્ક વ્યૂ આવી પહોંચ્યો, જ્યાં હું રહેતો હતો. મારું ઘર જોઈ તે પ્રભાવિત થયો હોય એવું મને લાગ્યું. મેં મસમોટી લોન લીધી હતી. મારે માથે બીજું પણ ભારે મોટું દેવું હતું. અમે ભોજન લીધું. તેણે મને જણાવ્યું કે તે રિયલ એસ્ટેટના નાના ધંધામાં હતો. મેં તેના ભેગી ધંધા વિષયક વધુ વાતો ઉખેડી પણ તેણે એમાં ઝાઝો રસ દાખવ્યો નહીં. મેં તેને સીધું જ પૂછ્યું કે હું તેને કોઈક રીતે મદદરૂપ થઈ શકું એમ હોઉં તો એ મને જણાવે. તેણે કહ્યું એની જરૂર નથી. મેં તેને કહ્યું જો તેને કોઈ પ્રકારની લોનની જરૂર હોય તો હું તેને એ અપાવી શકું એમ છું. તેણે મારી સામે જોઈ સ્મિત કર્યું.
     તેણે મને કહ્યું કે તે પણ મને પોતાને ઘેર ભોજન માટે આમંત્રશે. તેની જૂની ગાડી તેને લેવા આવી પહોંચી. મેં ઈશ્વરનો તેણે મને જે આપ્યું છે તે બદલ આભાર માન્યો. મેં મનોમન વિચાર્યું બધી આંગળીઓ સરખી હોતી નથી. હું નસીબદાર છું. હું સારી જગાએ કામ કરું છું.
    બે સપ્તાહ બાદ હું મારી પત્ની સાથે તેના આમંત્રણને માન આપી તેના ઘેર ગયો. મારી પત્ની તેની પરિસ્થિતિ વિશે અનુમાન કરી તેના ઘેર આવવા ઇચ્છતી નહોતી. પણ મેં તેને સમજાવ્યું કે અમે શાળાજીવનના ખૂબ સારા મિત્રો હતાં અને તેણે મારી સાથે આવવામાં કોઈ સંકોચ કરવો જોઈએ નહીં. અમે તેનું ઘર જોયું. એ ઘર નહીં, બંગલો હતો એમ કહેવું વધુ ઉચિત રહેશે. અમે જેને જેને તેના સરનામા વિશે પૂછ્યું હતું એ બધાએ એક આદર અને માન સાથે અમને તે બતાવ્યું.
    તેનો ચાર બેડરૂમ બંગલો સાદો પણ આકર્ષક હતો. તેની સામે ચાર ગાડી પાર્ક કરેલી હતી. અમે તેના ઘરમાં પ્રવેશ્યા અને જોયું કે અંદરથી પણ બંગલો ખૂબ ભવ્ય અને સુંદર હતો. તેણે ઉષ્માભેર અમારું સ્વાગત કર્યું.
    પછી અમે સાથે ભોજન લીધું. તેની પત્ની તેને પ્રેમથી સંબોધતી હતી અને તેમની વચ્ચેનો મીઠો સંબંધ અમને સ્પર્શ્યા વગર ન રહ્યો.
     ભોજન સમયે તેણે હું જ્યાં નોકરી કરતો હતો એ કંપનીના અધ્યક્ષ વિશે પૃચ્છા કરી. મેં જ્યારે તેમનું નામ તેને જણાવ્યું ત્યારે તેણે કહ્યું કે એ તેને સારી રીતે જાણતો હતો અને તેઓ સારા મિત્રો હતાં. પાસે ના એક ટેબલ પર મેં એક કંપની ગિફ્ટ જોઈ. આ એ કંપની હતી જે હું જ્યાં કામ કરતો હતો એ કંપનીના ૩૮ ટકા શેઅર્સ ની માલિક હતી. મેં એને તે કંપની વિશે પૂછ્યું. તેણે સ્મિત કર્યું અને જણાવ્યું કે એ પોતે તે કંપનીનો માલિક હતો. પછી મને જાણ થઈ કે આ બંગલો જ્યાં હતો એ આખા એસ્ટેટનો પણ એ માલિક હતો.
     મને જાણ ન રહી ક્યારથી હું તેને 'સર' કહી સંબોધવા લાગ્યો. મને તેણે અચંબિત કરી મૂક્યો હતો. હું એ દિવસે માણસાઈનો એક અતિ મહત્વનો પાઠ શીખ્યો હતો. બાહ્ય દેખાવ છેતરામણો હોય છે. તે મારી મનો-મૂંઝવણ પામી ગયો.
    ઘેર પાછા ફરતી વખતે મેં ચૂપચાપ ગાડી ચલાવ્યા કરી. મારી પત્ની આ બધું જોઈ રહી હતી, એ શાંત હતી. હું વિચારતો હતો એ મારા વિશે અને આખી આ પરિસ્થિતી અંગે શું વિચારતી હશે. મેં મારી જાતનું અવલોકન કર્યું. હું ભારે લોન સાથે જીવતો હતો છતાં મારા વૈભવના પ્રદર્શન સાથે અને મને જે પગાર ચૂકવતો હતો એ અતિ સાદું, નમ્ર જીવન જીવી રહ્યો હતો!
    કહે છે ને ઉંડી નદી અતિ શાંતિથી વહે છે!

(ઇન્ટરનેટ પરથી)