Tuesday, December 25, 2018

રોજ કરવા જેવા ઉમદા કામ

# જે બધાં ને તમે મળો તેમને પૂછો "કેમ છો? મજા માં?"
# જો કોઈ રાહ ભૂલી ગયું હોય તો તેને માર્ગદર્શન આપો.
# તરસ્યાને પાણી પાઓ.
# જો કોઈક કઇંક સમજાવી રહ્યું હોય તો વચ્ચે દખલ ન કરો.
# જ્યારે ખોટા હોવ તો "મને માફ કરશો" કહેવામાં નાનમ ન અનુભવો.
# ક્યારેક કોઈકને કતારમાં તમારાથી આગળ જવા દો.
# હંમેશા કોઈ પણ સ્વયંસંચાલિત દરવાજામાં તમારી સાથે થઈ ગયું હોય તો તેને પહેલા આગળ જવા દો અથવા તે  પસાર થઈ રહે ત્યાં સુધી દરવાજો પકડી ઉભા રહો.
# તમે રોજ જેમની સાથે વાતચીત કરો તેમાંના પહેલા ત્રણ જણ ને કોઈક બાબત શોધી, તેના માટે પ્રશંસાના બે શબ્દો કહો.
# એકાદ છોડ ખરીદી તેને એવા કુંડામાં વાવો જેના પર તમે લખી શકો. તેના પર તમારા કોઈ દોસ્ત વિષે વિચારી તેના સારા ગુણો અને ખાસિયતો લખો અને એ કુંડુ તમારા એ દોસ્તને  ભેટમાં આપો.
# દરેક જણ મહત્વનું છે. તમારા ઓફીસ સિક્યોરિટી ગાર્ડનું નામ, રિસેપ્શન પર બેસતી વ્યક્તિ, લિફ્ટ માં રોજ તમને ઉપર - નીચે લઈ જતી વ્યક્તિ - આ બધાનાં નામ તમને ખબર હોવા જોઈએ.
# જ્યારે તમારી આસપાસ સઘળાં ગુસપુસ કરી રહ્યાં હોય ત્યારે તેમાં જોડાઈ ન જતાં શાંત રહો.
# જો તમે સોશિયલ મીડિયામાં કોઈ વિષે ગુસ્સામાં કમેંટ કરવા માગતા હોવ તો એ ટાળો.
# ક્યારેક કોઈક ખાસ જણ માટે રાંધો.
# કોઈકને તેની કોઈ ભૂલ માટે માફ કરી દો અને તેની સમક્ષ એ મુદ્દો ફરી ન ઉખેળો.

(ઇન્ટરનેટ પરથી)

Saturday, December 15, 2018

પુસ્તકોની ભેટ આપવાનું સ્વપ્ન

        બાર વર્ષની એ છોકરીને વાંચવાનો ભારે શોખ! તેના ગામનાં નાનકડા પુસ્તકાલયમાંનું દરેકે દરેક પુસ્તક તેણે વાંચી કાઢયું. હવે તેને પુસ્તકાલય જવાનો કંટાળો આવતો કારણ ત્યાં કોઈ નવા પુસ્તક હતા જ નહીં, જે તેના વાંચવાનાં બાકી હોય. એક દિવસ મોડી સાંજે એ તેના દાદા સાથે આંટો મારી રહી હતી. પુસ્તકાલય પાસેથી પસાર થયા ત્યારે તેણે પોતાનો કંટાળો દાદા સમક્ષ વ્યક્ત કર્યો. અંધારું થવા આવ્યું હતું અને તે દાદાનો હાથ પકડી તેમને દોરી જતી હતી. દાદાએ તેને કંટાળો દૂર કરવા એક સૂચન કર્યું. તેમણે કહ્યું તેઓ એક પ્રસિદ્ધ કાવ્યની પહેલી પંક્તિ ગાશે અને તેણે યાદ કરી એ જ કાવ્યની બીજી પંક્તિ ગાવાની. તેણે દાદાને હકારાત્મક પ્રતિભાવ આપતા કહ્યું તે ચોક્કસ એમ કરવા પ્રયત્ન કરશે.
      દાદાએ ગાયું, "જો મને પાંખો હોત તો..."
      તરત છોકરીએ જવાબ આપ્યો, "તો હું તરત બાજુના ગામનાં પુસ્તકાલય માં જઈ ત્યાંનાં બધાં પુસ્તકો વાંચી કાઢત!"
       તેના દાદાને આવો જવાબ સાંભળી નવાઈ લાગી. તેમણે તેને પોતાનો જવાબ ફરી કહી સંભળાવવા જણાવ્યું. તેણે ફરી પોતાનો એ જ જવાબ દોહરાવ્યો, "તો હું તરત બાજુના ગામનાં પુસ્તકાલય માં જઈ ત્યાંનાં બધાં પુસ્તકો વાંચી કાઢત!"
        દાદા હસી પડ્યા અને તેમણે કહ્યું," કાવ્ય પૂરું કરવાની કેવી અનોખી રીત!"
         ઘેર ગયા બાદ તેના દાદાએ ચટાઈ પર બેસી તેને પાસે બોલાવી કહ્યું, "તને ખબર છે બેટા, અમેરીકામાં એન્ડ્રુ કારનેગી નામનો એક મહાન કરોડપતિ માણસ હતો. તેણે પોતાની સઘળી સંપત્તિ પોતાના સંતાનો વચ્ચે વહેંચી ન દેતા, એના ઉપયોગ દ્વારા તેની આસપાસના વિસ્તારમાં આવેલા શક્ય એટલા વધુને વધુ ગામોમાં પુસ્તકાલય બનાવવા માટે ખર્ચી નાખી."
        આ વાત સાંભળી તે છોકરીએ મનમાં ગાંઠ વાળી કે જો તે મોટી થઈને પૈસાદાર બનશે તો તે પણ પોતાની સંપત્તિ પોતાના ગામનાં અને તેની આસપાસના વિસ્તારોમાં શક્ય એટલા વધુ ને વધુ પુસ્તકાલયોમાં નવા નવા પુસ્તકો વસાવવામાં ખર્ચશે.
        એ છોકરી એટલે સુધા મૂર્તિ. તેઓ ઇન્ફોસિસ ફાઉંડેશનના ચેરપર્સન છે,જે સોફ્ટવેર જાયંટ ઇન્ફોસિસ કંપનીની સખાવત અને સમાજ સેવા પાંખ છે જેની સ્થાપના ૧૯૯૭ માં થઈ હતી. તે એક એંજીનિયરીંગ કોલેજમાં અનુ સ્નાતક વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાઇન્સ પણ ભણાવે છે. તે પોતાના પરોપકારી કામો માટે ખૂબ સુવિખ્યાત છે. કર્ણાટક રાજ્યની દરેક શાળામાં કમ્પ્યુટર અને પુસ્તકાલયની સુવિધા ફરજિયાત હોય એ માટે તેમણે એક અભિયાન શરૂ કર્યું હતું. તેમણે પોતાનું સ્વપ્ન પૂરું કર્યું છે, જે તેમણે એક બાળક તરીકે જોયું હતું. તેમણે ૧૦૦૦૦ કરતાં વધુ પુસ્તકાલયોને પુસ્તકો ભેટ આપ્યાં છે.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, December 9, 2018

એક બોધકથા : વિનમ્રતા

         એક વાર નદીને પોતાના પાણીના પ્રચંડ વહેણ ઉપર અભિમાન થયું. તેને લાગ્યું કે મારામાં એટલી તાકાત છે કે હું પહાડ, મકાન, ઝાડ, પશુઓ, માનવ વગેરે બધાંને વહાવી લઈ જઈ શકું છું.

     તેણે ઘણાં ગર્વીલા સ્વરે સમુદ્રને કહ્યું, "કહો જોઈએ, તમારા માટે શું તાણી લાવું? મકાન, પશુ, માનવ, વૃક્ષ જે કંઈ તમે કહેશો તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ! “

       સમુદ્ર ને સમજાઈ ગયું કે નદીને અભિમાન આવી ગયું છે. તેણે નદીને કહ્યું, "જો તું મારા માટે કંઈક લાવવા જ ચાહતી હોય તો થોડું ઘાસ ઉખાડી લાવ."
     
        નદીએ તોરમાં કહ્યું, "બસ, આટલું જ માંગ્યું! હમણાં જ લઈ આવું."

        નદીએ પોતાના જળનું સઘળું જોર અજમાવ્યું. પણ ઘાસ તો ઉખડ્યું જ નહીં! નદીએ અથાગ પ્રયત્નો કર્યાં, પણ વ્યર્થ. આખરે નદી સમુદ્ર પાસે ગઈ અને બોલી, "હું વૃક્ષ, મકાન, પહાડ વગેરે તો ઉખાડીને લાવી શકું છું પણ જ્યારે જ્યારે ઘાસને ઉખાડી લાવવાની કોશિશ કરું છું ત્યારે ત્યારે એ નીચે તરફ ઝૂકી જાય છે અને મારે ખાલી હાથે તેની ઉપરથી પસાર થઈ જવું પડે છે."

        સમુદ્રએ નદીની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસતા હસતા કહ્યું, "જે પહાડ અને વૃક્ષની જેમ કઠોર હોય છે તે આસાનીથી ઉખડી જાય છે પણ ઘાસ જેવી વિનમ્રતા જેણે શીખી લીધી હોય, તેને પ્રચંડ આંધી - તોફાન કે પ્રચંડ વેગ પણ ઉખાડી શકતા નથી. "

       જીવનમાં ખુશીનો  અર્થ લડાઈઓ લડવી એમાં નથી, બલ્કે એમનાથી બચવામાં છે. કુશળતા પૂર્વક પીછેહઠ પણ ક્યારેક જીતનું કારણ બને છે. અભિમાન ફરીશ્તાઓને પણ શેતાન બનાવી દે છે અને વિનમ્રતા સાધારણ મનુષ્યને પણ ફરીશ્તો બનાવી દે છે.

(ઇન્ટરનેટ પરથી)

રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વચ્ચેનો દુર્લભ વાર્તાલાપ

સ્વામી વિવેકાનંદ : મને સમય જ મળતો નથી. જીવન અતિ વ્યસ્ત થઈ ગયું છે.
રામકૃષ્ણ પરમહંસ : પ્રવૃત્તિ (activity) તમને વ્યસ્ત રાખે છે જ્યારે ઉત્પાદકતા (productivity) તમને મુકત કરે છે.

સ્વામી વિવેકાનંદ : જીવન હવે શા માટે સંકુલ બની ગયું છે?
રામકૃષ્ણ પરમહંસ : જીવનનું વિશ્લેષણ કરવાનું બંધ કરી દે, એમ કરતાં એ સંકુલ બની જાય છે. માત્ર એને જીવી જાણ.

સ્વામી વિવેકાનંદ : આપણે શા માટે સતત દુ:ખી રહીએ છીએ?
રામકૃષ્ણ પરમહંસ : ચિંતા કરવી એ આપણી આદત બની ગઈ છે તેથી આપણે દુ:ખી રહીએ છીએ.

સ્વામી વિવેકાનંદ : સારા માણસોએ શા માટે હંમેશા સહન કરવાનો વારો આવે છે?
રામકૃષ્ણ પરમહંસ : હીરો ઘસાયા વગર ચળકાટ પ્રાપ્ત કરી શકે નહીં, સોનું તપાવ્યા વગર શુદ્ધ થઈ શકે નહીં, સારા માણસો કસોટી માંથી પસાર થાય છે પણ એનાથી વિચલિત થતાં નથી. એ અનુભવો દ્વારા તેમનું જીવન સમૃદ્ધ બને છે.

સ્વામી વિવેકાનંદ : તમે કહેવા માગો છો કે આવા અનુભવો ઉપયોગી છે?
રામકૃષ્ણ પરમહંસ : હા, દરેક ક્ષેત્રે, દરેક સમયે અનુભવ શ્રેષ્ઠ શિક્ષક સાબિત થાય છે. એ પહેલાં તમારી કસોટી લે છે અને પાઠ પછી શીખવે છે.

સ્વામી વિવેકાનંદ : આટલી બધી મુશ્કેલીઓ ને લીધે ખબર નથી હું કઈ દિશામાં જઈ રહ્યો છું.
રામકૃષ્ણ પરમહંસ : જો તારું ધ્યાન બહાર તરફ જ હશે તો તને ખ્યાલ નહીં આવે તું કઈ દિશામાં જઈ રહ્યો છે. તારી અંદર ડોકિયું કર. આંખો દ્રષ્ટિ પૂરી પાડશે, હ્રદય સાચો માર્ગ બતાવશે.

સ્વામી વિવેકાનંદ : શું નિષ્ફળતા સાચી દિશામાં જવાથી પડતા કષ્ટો કરતા વધુ દુ:ખ પહોંચાડે છે?
રામકૃષ્ણ પરમહંસ : સફળતા એ તો અન્યો દ્વારા નક્કી કરાયેલ માપદંડ છે. જાત દ્વારા તો સંતોષનો અનુભવ કરાવો જોઈએ.

સ્વામી વિવેકાનંદ : મુશ્કેલ સમયમાં પોતાને કઈ રીતે ઉત્સાહિત રાખી શકાય?
રામકૃષ્ણ પરમહંસ : હંમેશા એ ધ્યાનમાં રાખો કે તમે કેટલે પહોંચ્યા છો, નહીં કે તમારે હજી કેટલું અંતર કાપવાનું બાકી છે. હંમેશા તમને મળેલી દુઆઓ ધ્યાનમાં રાખો, અભાવો નહીં.

સ્વામી વિવેકાનંદ : લોકો વિશેની કઈ વાત તમને નવાઈ પમાડે છે?
રામકૃષ્ણ પરમહંસ : જ્યારે તેઓ દુ:ખમાં હોય ત્યારે પૂછે છે કે "મારી સાથે જ આવું શા માટે?" પણ જ્યારે સુખમાં હોય ત્યારે નથી પૂછતાં કે "મારી સાથે આવું શા માટે?"

સ્વામી વિવેકાનંદ : હું જીવનને સર્વ શ્રેષ્ઠ રીતે કેમ કરી જીવી શકું?
રામકૃષ્ણ પરમહંસ : તમારા ભૂતકાળનો પસ્તાવા વગર સામનો કરો, વર્તમાનને આત્મવિશ્વાસ પૂર્વક સંભાળો અને ભવિષ્ય માટે નિર્ભયતા પૂર્વક તૈયારી કરો.

સ્વામી વિવેકાનંદ : એક છેલ્લો સવાલ. ક્યારેક મને લાગે છે કે ઇશ્વર મારી પ્રાર્થના સાંભળતો નથી, તેનો જવાબ આપતો નથી.
રામકૃષ્ણ પરમહંસ : ક્યારેય કોઈ પ્રાર્થના જવાબ વગરની રહેતી નથી. શ્રદ્ધા રાખો અને ડર ખંખેરી નાખો. જીવન એક રહસ્ય છે જેને ઉલ્ઝાવવાનું છે, તે કોઈ સમસ્યા નથી જેને ઉકેલવાની હોય. જીવન અદભૂત ભેટ છે, જો તેને સારી રીતે જીવતા આવડે તો. હંમેશા ખુશ રહો.

(ઇન્ટરનેટ પરથી)

અમિતાભ બચ્ચન રોજ સવારે દુધ વગરની ચા શા માટે પીએ છે?

અમિતાભ બચ્ચન રોજ સવારે દુધ વગર ની ચા પીએ છે કારણકે... વાંચો તેના જ શબ્દોમાં :

૧૯૯૭ નો ગંભીર સમય ચાલી રહ્યો હતો. રાતના ઉજગરા લગભગ સાહજીક થઇ ગયા હતા. સવારે ઉઠવામાં સહેજ  મોડું થયુ. રોજની આદત મુજબ થોડુ વોક કર્યુ અને ટેરસ ગાર્ડનમાં આવ્યો. રોજીંદા ક્રમ મુજબ વર્તમાન પત્રો આવ્યા, પણ ચા ના આવી. છેલ્લા ૨૬ વર્ષ થી પરીવાર ના સભ્ય બની ગયેલા જશોદાતાઇ ને બુમ પાડી પુછ્યુ ચા નું, તો તેણે કહ્યું કે દુધ નથી આવ્યું. મને યાદ નથી કે ક્યારેય મારા ઘેર દુધ ન આવ્યુ હોય તેવુ બન્યુ હોય. વાતને કોઇ કારણ થી સાહજીક ગણી ને અન્યથી દુધની વ્યવસ્થા કરી. બીજા દિવસે પણ તે જ ક્રમ બન્યો. દુધ ના આવ્યુ.  મારી ચા ની વ્યવસ્થા તો થઇ ગઇ પણ ચા નો ટેસ્ટ રોજ બદલાવવા લાગ્યો. ખબર નહીં લગભગ એક અઠવાડીયા પછી મને ખબર પડી કે મારી અને મારી કંપની ABCL વિશેના સાચા ખોટા સમચાર મિડીયામાં આવતા તથ્યહિન સમાચારોની અસર એ દુધ વાળા પર પડી હતી અને પોતાના પૈસાની સલામતીની ચિંતા માટે તેણે તાત્કાલિક દુધ બંધ કરી દીધું હતું. તે મારા ઘરે રોજ ૩ લિટર જેટલુ દુધ આપતો હતો અને છેલ્લા ૧૭ વર્ષ થી આપતો હતો ...... સમાચાર સાંભળી મારા લેણીયાતો પ્રત્યેનો મારો ગુસ્સો ઓગળી ગયો. મેં રીતસર ટેરેસ પર જઇ ખૂલ્લા આકાશ સામે અટ્ટાહાસ્ય કર્યુ. હું ટેન્શનમાંથી હળવો ફુલ બની ગયો. મને પ્રતિત થયુ કોઇ મને કહી રહ્યુ હતુ, સંકેત આપી રહ્યુ હતુ,  દોસ્ત સહુ થી મહાન સમય છે આ એજ સુપર સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન છે જેના નામ ના ભારત ની ફિલ્મ ઇન્ડ. માં ડંકા પડતા હતા, ઓટોગ્રાફ માટે લાઇનો લાગતી હતી. એજ અમિતાભ છે જેની માં તેજી બચ્ચન ભારતના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન ઇંદિરાજીની મિત્ર હતી, જે ભારતના તત્કાલિન વડાપ્રધાન રાજીવજીનો મિત્ર હતો, જેના પિતા પૂજ્ય હરિવંશ રાય બચ્ચન રાષ્ટ્રભાષા હિંદી ના મોટા દરજ્જા ના કવિ હતા જેની પત્ની સફળ હિન્દી અભિનેત્રી છે તે અમિતાભ ના ઘર નુ દુધ પણ દુધ વાળો બંધ કરી શકે છે ...વાંચકો આપણે માત્ર સમય ની કઠપુતળી ઓ છીએ ... હોશિયાર સમયને માન આપો, વ્યક્તિઓ પ્રત્યે રાગ -દ્વેષ ના રાખો, કોઇ ભેદી શક્તિ તેને આપણા વિશે સારા ખરાબ વિચારો લાવે છે. હા અને મેં મારા પિતાશ્રીની સ્મૃતી માં ધારાવી ઝુડપપટ્ટી નો વ્યક્તિગત ધોરણે દુનિયાનો  સહુ થી મોટો મફત દુધ નો પ્રોજેક્ટસ કરેલ, ત્રણ વર્ષ સુધી ચાહકો અને મિત્રો ના સૌજન્ય થી ચલાવેલ જેના પર થી મહારાષ્ટ્ર સરકાર દુધ સંજીવની યોજના લાવી ... મારા ઘરનું દુધ, દુધ વાળા એ બંધ કર્યુ કારણે મારા વિશે ની ગેરસમજો વધુ ઝડપ થી ફેલાઇ રહી હતી પણ એક દુધવાળો મને ઘણુ શિખવી ગયો આજે પણ હું હવે સવારે દુધવાળી ચા નથી પીતો, બ્લેક ટી પીવું છું માટે જ સમય ને યાદ રાખી કામ કરી શકું છું .....

(વિરેન્દ્ર કપૂર લિખિત અમિતાભ બચ્ચન ની બાયોગ્રાફી "EXCELLENCE"
પેજ નં ૨૧૩-૨૧૪  ગુજરાતી અનુવાદ - અરૂણ મેઘ)

(ઇન્ટરનેટ પરથી)

Thursday, November 22, 2018

મૂલ્ય

એક વખત એક માણસના ખીસ્સામાં ૨૦૦૦ રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા.
સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો.
નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’
સિક્કાએ કહ્યુ, “આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મુલાકાત થઇ નથી એટલે આપને જોઉં છું.
આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો !
આપનું મૂલ્ય મારા કરતા હજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો ?”
નોટે દુ:ખી વદને કહ્યુ, “ભાઇ, તું વિચારે છે એવું કંઇ નથી.
હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી.
એક વખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે  લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી.
મને એમ થયું કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ.
પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંકલોકરમાં કેદ કરી દીધી.
કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મને બેંકલોકરમાંથી બહાર નીકળવાની તક મળી.
જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી.
મારો તો શ્વાસ પણ રુંધાતો હતો.
હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું.
ભાઇ સાચું કહું તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે.”
નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યું , “દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલું ફર્યો ? કોને કોને મળ્યો ?”
સિક્કાએ હરખાતાં હરખાતાં કહયું , “અરે દોસ્ત, શું વાત કરું ? હું તો ખૂબ ફર્યો.
એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો.
ક્યારેક ભિખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી.
પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણસ્પર્શ પણ કરી આવ્યો.
ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો.
મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું."
સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઇ.

તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે.
મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો એ નાના નહી બહુ મોટા છે.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, November 11, 2018

પૈસાના જુદા જુદા સ્વરૂપ


મંદિરમાં  આપો  તો *(દાન)*
સ્કૂલમાં   આપો  તો  *(ફી)*
લગ્નમાં   આપો  તો *( ચાંદલો)*
કન્યાને લગ્ન માં આપો તો  *(દહેજ)*
છુટાછેડામાં  આપો તો *(જીવાય ભથ્થું)*
કોઈને  આપો તો /લ્યો તો *(ઋણ)*
પોલીસ  કે ઓફિસર  કરે  *(દંડ)*
સરકાર  લ્યે  તે *(કર)*
કર્મચારી  મેળવે  તે *(પગાર)*
નિવૃત્તિમાં અપાય તે *(પેન્શન)*
અપહરણ કરીને  માંગે તે *(ફિરૌતિ)*
હૉટલમાં આપો  એ *(ટીપ)*
બેંકમાંથી  ઉધાર લ્યો તે  *(લોન)*
મજદુર ને ચૂકવો  તે *(મજુરી)*
ઑફિસર ને છાનામાના આપો તે *(લાંચ)*
કોઈ ને  પ્રેમ  થી  આપો  તે *(ભેટ)*

હા  સાહેબ   હું   પૈસો  છું
       આપ  મને  મૃત્યું  પછી  ઉપર  નહી  લઈ  શકો ..પણ  જીવતાં  હું   તમને  બહુ  ઉપર  લઇ   જાવ છું 
     હા  સાહેબ  હું  પૈસો  છું
     મને    પસંદ   કરો  એટલે સુધી  કે  લોકો  તમને  નાપસંદ  કરી  જ  ન  શકે  . 
        હા  સાહેબ   હું પૈસો છું
    હું   ભગવાન   નથી  પણ  લોકો મને ભગવાન   થી  ઓછો  નથી  માનતાં..
       હા સાહેબ   હું પૈસો છું
     હું  મીઠાં  જેવો  છું  જે  જરૂરી   તો  છે  પણ જરૂરીઆતો  કરતાં  વધુ  તો  જીવન  નો  સ્વાદ બગાડુ   છું 
       હા સાહેબ હું પૈસો છું
    ઈતિહાસ એવા  કેટલાય  ઉદાહરણ  જોવા  મળે  છે  જેની  પાસે અઢળક સંપત્તિ  હતી તેના  મોત  પછી  રોવા વાળા કોઈ ન હતાં 
     હા સાહેબ હું પૈસો છું
      હું   કઈ   જ  નથી  છતાં હું  નક્કી  કરૂ  છું  કે  લોકો તમારી  કેટલી ઈજ્જત  કરશે
      હા સાહેબ હું પૈસો છું
   હુ તમારી પાસે છું તો તમારો  છું તમારી  પાસે  નથી  તો  આપનો નથી. પણ  હું તમારી  પાસે  છું તો  સૌ  તમારાં  છે.
       હા સાહેબ હું પૈસો છું
હુ  નવાં નવાં સંબંધો બનાવું છું..પણ સાચા અને  જુનાં  બગાડુ છું 
      હા સાહેબ હું પૈસો છું
    હુ  જ  બધા  કજિયાનું   મૂળ   છું  તો  પણ  કેમ  બધા  લોકો  મારી  પાછળ  પાગલ છે???

(ઇન્ટરનેટ પરથી) 


Wednesday, November 7, 2018

સાયક્લિંગ રેસ

વહેલી સવારે સાયક્લિંગ કરતી વખતે મારું ધ્યાન એક વ્યક્તિ પર ગયું જે મારા કરતા અડધો એક કિલોમીટર આગળ હશે. મને લાગ્યું કે તે મારા કરતા ધીમી સાઇકલ હાંકી રહ્યો છે અને હું સરળતાથી તેની આગળ નીકળી જઈશ. આ લાગણી અનુભવી મને સારું લાગ્યું. અને મેં મારી ઝડપ ક્રમશ : વધારવી ચાલુ રાખી. થોડી જ વારમાં હું તેનાથી માત્ર સો એક ડગલાં પાછળ હતો. હવે મેં વધુ જોશથી ઝડપ વધારી. હું તેના સુધી પહોંચી, તેનાથી આગળ નીકળી જવા કૃતનિશ્ચયી હતો. અંતે હું એમ કરવામાં સફળ રહ્યો. મને મનમાં થયું મેં તેને હરાવ્યો. અલબત્ત તેને તો ખબર પણ નહોતી કે મેં તેની સાથે સ્પર્ધા લગાવી છે.
તેનાથી આગળ નીકળી ગયા બાદ મને ભાન થયું કે તેની સાથે સ્પર્ધા કરવાના ઝનૂનને લીધે હું મારા ઘર તરફ લઈ જતી ગલી ચૂકી ગયો હતો.મારી આંતરિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હું ચૂકી ગયો હતો, આસપાસની લીલોતરી નું સૌંદર્ય માણવાનું પણ હું ચૂકી ગયો હતો.આત્મ શોધ કરાવતું ધ્યાન ધરવાનું હું ચૂકી ગયો હતો. ઉલટું, બિનજરૂરી ઉતાવળને કારણે મારો પગ બે ત્રણ વાર પેડલ પરથી સરકી જવાને કારણે હું કદાચ ક્યાંક પડી ગયો હોત તો મારા અંગને ઈજા પહોંચાડી શક્યો હોત. 
મને સમજાયું  કે જીવનનું પણ આવું જ છે. જ્યારે આપણે આપણાં સહકર્મચારીઓ સાથે, પાડોશી કે મિત્રો કે કુટુંબીજનો સાથે તેમનાથી આગળ થઈ જવા સ્પર્ધા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, એ સાબિત કરવા કે આપણે તેમનાથી વધુ મહત્વના કે સફળ કે સુખી છીએ ત્યારે આ સોદામાં આપણે અંગત સુખ-ચેન ખોઈ બેસતા હોઈએ છીએ. 
આપણે એમ કરવા જતા એટલો બધો સમય અને શક્તિ વેડફી નાખીએ છીએ કે પોતાની મંઝિલ એમાં ક્યાંક વિસરી જઈએ છીએ. બિનતંદુરસ્ત સ્પર્ધાનો ગેર ફાયદો એ છે કે તેનો ક્યારેય અંત આવતો નથી. કોઈક ને કોઈક સદાયે તમારી આગળ હશે, કોઈકની નોકરી તમારા કરતા વધુ સારી હશે તો કોઈક ની ગાડી તમારી ગાડી કરતા વધુ મોટી 
ને મોંઘી હશે, કોઈકનું બેંક બેલેન્સ તમારા કરતા વધુ હશે તો કોઈક નું શિક્ષણ તમારા કરતાં વધુ, કોઈકની પત્ની તમારી પત્નીથી વધુ સુંદર હશે તો કોઈકના બાળકો તમારા બાળકો કરતાં વધુ આજ્ઞાકારી તો વળી કોઈકની પરિસ્થિતી અને સંજોગો તમારાં કરતા વધુ ઉજળા હશે. 
પણ એક અતિ મહત્વની વાત એ છે કે તમે જ્યારે કોઈ સાથે સ્પર્ધા ન કરતાં હોવ ત્યારે તમે શ્રેષ્ઠતમ બની શકો છો. કેટલાક લોકો અસુરક્ષિતતા અનુભવતા હોય છે કારણ તેઓ સતત પોતાની સરખામણી બીજાઓ સાથે કર્યા કરતા હોય છે, તેઓ સતત ધ્યાન
 એ રાખવામાં રત હોય છે કે અન્યો ક્યાં જાય છે, અન્યો શું પહેરે છે, શું વાત કરે છે, કઈ ગાડી ચલાવે છે વગેરે. તમને ઈશ્વરે જે ઉંચાઈ, વજન અને વ્યક્તિત્વ આપ્યા હોય તેનો સ્વીકાર કરો. અનુભવો કે તમારા પર ઈશ્વરની કૃપા અવતરી છે. 
સજાગ રહો, સચેત રહો અને તંદુરસ્ત જીવન જીવો. 
કિસ્મતમાં કોઈ કોઈની સ્પર્ધા કરી શકતુ નથી. દરેકની કિસ્મત તેની પોતાની જ હોય છે. 
સરખામણી અને સ્પર્ધા આનંદ હરી લેનારા છે, તે તમને સુખેથી જીવવા દેતા નથી. 
તમારી પોતાની દોડ માણી શાંતિપૂર્ણ, આનંદી અને લાંબુ જીવન જીવો. 
🚴♂🚴♂🚴♂
(ઇન્ટરનેટ પરથી)

Sunday, October 28, 2018

હૂંફ

આજે એ યુવક ફરીથી એની ઘરડી માને નાના બાળકની જેમ એક લાંબી ચાદર જેવા કપડામાં લપેટી, એનો એક છેડો પોતાને ખભે ભરાવી બહાર બગીચામાં લટાર મારવાં નીકળ્યો તો હું પૂછયા વગર ન રહી શકી.

એને એક બેંચ પર બેસેલા જોતાજ હું મારો સવાલ લઈ એની પાસે પહોંચી ગઈ...

“તમે રોજ સાંજે અહીં આવો છો. હું તમને જોવું છું. એમાં કોઈ શક નથી કે તમે ખૂબ સારા સંતાન છો જે પોતાની ઘરડી જનેતાને આટલું સાચવે છે છતાં મને એમ થાય કે તમે એમને આમ ઉચકીને કેમ લાવો છો? તમે વ્હિલચેર કેમ નથી વાપરતા?”

એ યુવક મારી સામે જોઇને સહેજ હસ્યો. પછી કહ્યું,

“જ્યારે હું નાનો હતો ત્યારે બહું કમજોર હતો. વારે વારે બીમાર પડી જતો. જરીક વાતાવરણ બદલાય કે તરત મને તાવ આવી જતો. એ વખતે આ મારી મા મને આમજ કપડામાં લપેટીને, એની છાતિસરસો  બાંધીને રાખતી. મને એ વખતે બહું સારું લાગતું. એક અનેરી હૂંફનો અહેસાસ થતો. હું ઘણો મોટો થયો ત્યાં સુંધી માનો એ ક્રમ ચાલુ રહેલો...

આજે હું સ્વસ્થ છું. મારી મા વૃધ્ધ થઈ છે, અશક્ત છે. એ હવે લાંબુ નહિ ખેંચે એમ ડોકટરે કહી દીધું છે. જીવનની ભાગદોડમાં હું વ્યસ્ત થઈ ગયેલો. મારી માને મારી જરૂર હોઇ શકે, એ આટલી કમજોર બની જશે એવું મેં વિચાર્યું જ ન હતું. ડોક્ટરના શબ્દો સાંભળીને મને મારી પોતાની જાત ઉપર ખૂબ ગુસ્સો આવેલો. બસ, ત્યારથી નક્કી કર્યું કે રોજ વધારે નહિ તો અડધો કલાક હું મારી મા સાથે ગાળીશ. હવે એ બોલી કે સાંભળી નથી શકતી પણ અનુભવી શકે છે. જ્યારે હું બોલી નહતો શકતો ત્યારે મારી મા મને આમ ઉઠાવતી હતી. આજે એ બોલી-સાંભળી નથી શકતી તો હું એને મારી જેમ બને એમ નજીક રાખું છું...જેથી એને સારું લાગે ! સાચું કહું તો આમ કરવાથી મને પોતાને બહું સારું લાગે છે. મારું વજન પહેલા બહુ વધી ગયું હતું એ હવે કાબૂમાં આવી ગયું, મારા મારી પત્ની સાથેના નાના ઝઘડા બંધ થઈ ગયા. એણે મહેસૂસ કર્યું કે જે પુરુષ પોતાની ઘરડી, અશક્ત માનું આટલું ધ્યાન રાખી શકે એ એને પોતાનેય આમ જ સાચવશે! મારા બાળકોની નજરમાં મારા માટે, મારી મા માટે આદર છે ! ઘરમાં કોઈ વડીલ હોય તો એનું કેમ ધ્યાન રાખવું એ, એ લોકો મને જોઈને શીખી રહ્યા છે...!!”

અચાનક થોડી ઠંડી હવા ફૂંકાતા એ યુવક ચાદર જેવા એ કપડાંને એની માના શરીરે થોડું સરખી રીતે લપેટીને ચાલતો થયો, “માને ઠંડી લાગી જશે...મારે નીકળવું પડશે.”

હું હજી એને જતો જોઈ રહી છું. ત્યાંજ બાબાગાડીમાં સૂતેલા મારા દીકરાને લઈને આયા આવી.

મેં એને ઉઠાવીને, મારી છાતી સાથે ભીંસીને તેડી લીધો અને આયાને કહ્યું કે આ બાબાગાડી તું જ રાખી લે. મારે હવે એની જરૂર નથી !

મારી આંખોમાંથી અનાયાસ જ આંસુ વહી આવ્યા આજે મારા વરસના થવા આવેલા બાબલાએ મને પહેલીવાર “મા" કહ્યું!

(ઇન્ટરનેટ પરથી)

જીવનમાં ઉતારવા લાયક વાતો

* જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.
* અરે મુકો માથાકૂટ, ભૂલી જાવ એમને જેમણે તમારું દિલ દુભાવ્યું, મૂકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે, કોઈની બળતરા કરવાની જરૂર નથી, કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
* ક્યાં જવું છે અભિમાન રાખીને?
* સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.
* તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.
* બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.
* મજાથી શોખ પૂરાં કરો,ઉંમર સામું ના જોવો,
* વરસાદમાં ન્હાવ, જોવાયુ એટલું જોઈ લો,ફરી લો,
* કોઈને નડીએ નહીં એટલે ઘણું,
* બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.
* થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.
* ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે, આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે
માટે જલસાથી જીવો.
* મરો ત્યારે, કોઈ બોલવું જોઈએ કે... "Well played boss."

(ઇન્ટરનેટ પરથી)

Monday, October 15, 2018

મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

ગાદલા હવે વિખરાયેલા નથી હોતા
ના હવે કપડાં અહીંતહીં પડેલા જોવા મળે છે
રિમોટ માટે હવે ઝઘડા નથી થતાં
ના હવે ખાવાની નવી નવી ફરમાઆઈશો થાય છે
મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

સવારે છાપા માટે પણ નથી થતી મારામારી
ઘર ઘણું મોટું અને સુંદર દેખાય છે
પણ દરેક ઓરડો નિર્જીવ સમો ભાસે છે
હવે તો સમય પણ કાપ્યો નથી કપાતો
બાળપણની યાદો કેટલીક ફોટામાં સમાઈ ગઈ છે
મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

હવે કોઈ મારા ખભે નથી લટકતું
ના ઘોડો બનાવવાની કોઈ જીદ કરે છે
ખાવાનું ખવડાવવા હવે નથી ચકલીઓ ઉડાડવી  પડતી
ખાવાનું ખવડાવ્યા પછીનો સંતોષ પણ હવે ક્યાં મળે છે?
નથી હવે રોજની તકરારો અને તર્ક-દલીલોનો સંસાર
નથી હવે ઝગડા નિપટાવ્યાનો આનંદ
નથી હવે મળતો વેળા - કવેળાએ ગાલ પર પપ્પીઓનો વરસાદ
બજેટની ખેંચતાણ પણ હવે નથી થતી
મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

આંખના પલકારામાં જીવનનો સુવર્ણ કાળ વહી ગયો ખબર જ ન પડી
ક્યારે આટલો ખૂબસૂરત અહેસાસ પીગળી ગયો
તોતડી કાલીઘેલી ભાષામાં હર પળ ઉત્સાહ હતો
પળવારમાં હસી પડવાનું ને બીજી પળે રડી પડવાનું
રતૂમડાં ગાલ પર ઉભરાતું અઢળક વ્હાલ અને ખભો થપથપાવવાનું અને ખોળામાં સૂઈ જવાનું
છાતીએ વળગાડી હાલરડું સંભળાવવાનું
વારંવાર ઉઠીને રજાઈ ફંગોળવાનું
હવે તો પલંગ પણ ખાસ્સો મોટો થઈ ગયો છે!
મારા પ્યારા બાળકોનું બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે

હવે તો રોજ સવાર - સાંજ એ મારી તબિયત પૂછે છે
મને હવે એ આરામની સલાહ આપે છે
પહેલા આપણે એમના ઝગડા ઉકેલતા હતા
આજે હવે એ આપણને સમજાવે છે!
લાગે છે જાણે હવે આપણે બાળક બની ગયા છીએ
મારા બાળકો હવે ઘણાં મોટા થઈ ગયા છે...
- અજ્ઞાત

(ઇન્ટરનેટ પરથી)

Sunday, October 7, 2018

તેણે પોતાની હોડીઓ બાળી મૂકી

ઘણાં સમય પહેલા એક મહાન સેનાપતિ થઈ ગયો જેણે એવી એક પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો જેને કારણે તેણે રણમેદાનમાં જીતવા એક અતિ અઘરો નિર્ણય લેવો પડ્યો. તેના દુશ્મનોની સેનામાં ઘણી મોટી સંખ્યામાં સૈનિકો હતાં જે તેની નાનકડી સેના કરતાં અનેક ગણાં વધુ હતાં. વળી તેણે પોતાની નાનકડી સેનાને હોડીઓમાં બેસાડી લડવા માટે સામે કિનારે મોકલવાની હતી. તેણે પોતાના બધાં સૈનિકોને હોડીઓમાં બેસાડી સામે કાંઠે મોકલ્યા અને ત્યાં પહોંચતા જ એક વિચિત્ર ફરમાન કર્યું. તેણે બધાં સૈનિકો અને સામાન ઉતરી રહ્યાં બાદ હોડીઓને સળગાવી દેવા આદેશ આપ્યો. યુદ્ધ પહેલા તેણે પોતાના સૈનિકોને ઉદ્દેશીને કહ્યું ,"તમે જોઈ રહ્યા છો આ બધી હોડીઓ બળીને રાખ થઇ ગઇ છે. એનો અર્થ હવે જીવતા પાછા જવા માટે આપણી પાસે જીતવા સિવાય અન્ય કોઈ માર્ગ બચ્યો નથી. હવે આપણી પાસે બે જ વિકલ્પ છે કાં જીતવું અને કાં મરવું..." 
તેઓ જીતી ગયા. 

સફળતાના સિદ્ધાંતો 
સેનાપતિની જેમ આપણે જો જીતવું હોય તો આપણી બધી હોડીઓ બાળી મૂકવી જોઈએ. પીછેહઠ કે શરણાગતિનો વિકલ્પ જ ન હોવો જોઈએ. આપણો અભિગમ 'કંઈ પણ થઈ જાય મારે જીતવું જ છે' નો હોવો જોઇએ, માત્ર એટલું ધ્યાન રાખવાનું કે જીતવાના ધ્યેયમાં કુદરતના નિયમો અને આપણાં અન્ય માનવ સમુદાયને કોઈ રીતે નુકસાન ન પહોંચવું જોઈએ. ભૂતકાળમાં રમમાણ ન રહો. આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને જુઓ ચોક્કસ સફળતા તમારા કદમ ચૂમશે. 
હીરો એક સામાન્ય માણસ જ છે જે મહામુશ્કેલીભરી પરિસ્થિતીમાં પણ સ્વબળ,ખંત અને ધીરજ જેવા ગુણો જાળવી રાખે છે.

('ઈન્ટરનેટ પરથી')

Tuesday, October 2, 2018

બુદ્ધિમત્તા અને ડહાપણ વચ્ચેનો ભેદ

૧. બુદ્ધિમત્તા દલીલ તરફ દોરી જાય છે, ડહાપણ સમાધાન તરફ. 
૨. બુદ્ધિમત્તા ઈચ્છાઓનું બળ છે, ડહાપણ ઈચ્છાઓ પર બળ (સંયમ). 
૩. બુદ્ધિમત્તા ગરમી છે, એ બાળે છે; ડહાપણ હૂંફ છે, એ શાતા આપે છે. 
૪. બુદ્ધિમત્તા જ્ઞાનની તલાશ છે, એ થકવી દે છે ; ડહાપણ સત્યની શોધ છે, એ સદાયે પ્રેરણા આપતું રહે છે. 
૫. બુદ્ધિમત્તા જકડી રાખતા શીખવે છે, ડહાપણ જતું કરતા. 
૬. બુદ્ધિમત્તા દોરે છે, ડહાપણ તમને માર્ગદર્શન આપે છે. 
૭. બુદ્ધિમાન માણસ વિચારે છે કે તેને બધી જ ખબર છે, જ્યારે ડાહ્યો માણસ વિચારે છે કે હજી કઇંક શીખવાનું બાકી છે. 
૮. બુદ્ધિમાન માણસ પોતાનો કક્કો ખરો કરવાની વેતરણમાં પડ્યો હોય છે, ડાહ્યો માણસ જાણે છે કે કોઈ જ મુદ્દો સો ટકા સાચો કે સો ટકા ખોટો હોતો નથી. 
૯. બુદ્ધિમાન માણસ મુક્તતાથી વણ-માંગી સલાહ આપતો ફરે છે, ડાહ્યો માણસ જ્યાં સુધી બધાં જ પર્યાય સમાપ્ત ન થઈ ગયા હોય ત્યાં સુધી મૌન સેવે છે. 
૧૦. બુદ્ધિમાન માણસ કહેલું બધું સમજી જાય છે, ડાહ્યો માણસ ન કહેલું પણ સમજી જાય છે. 
૧૧. બુદ્ધિમાન માણસ કહે છે જ્યારે તેને કઇંક કહેવું હોય છે, ડાહ્યો માણસ કહે છે જ્યારે તેની પાસે કઇંક કહેવા જેવું હોય છે. 
૧૨. બુદ્ધિમાન માણસ બધું સાપેક્ષ છે (relative) એમ સમજે છે, ડાહ્યો માણસ બધું સંકળાયેલું કે સંબંધિત (related) છે એમ સમજે છે. 
૧૩. બુદ્ધિમાન માણસ ટોળાને કાબુમાં લેવાના પ્રયત્નો કરે છે, ડાહ્યો માણસ ટોળામાંથી પોતાનો રસ્તો શોધી લેવાનો પ્રયત્ન કરે છે. 
૧૪. બુદ્ધિમાન માણસ ઉપદેશ આપે છે, ડાહ્યો માણસ સારું આચરણ અમલમાં મૂકી પોતાની મંઝિલ સુધી પહોંચી જાય છે. 

બુદ્ધિમત્તા સારી છે પણ ડહાપણ વધુ સારા પરિણામ આણે છે. 

(ઇન્ટરનેટ પરથી) 

Wednesday, September 26, 2018

ભારતનાં પ્રથમ સ્ત્રી વાળંદ શાંતાબાઈની અદ્ભુત કહાની


      પોતાના સ્વર્ગીય પતિના વ્યવસાયને અપનાવી અને આગળ વધારી શાંતાબાઇએ પોતાના પરિવારને સહારો આપ્યો. પુરુષ-પ્રધાન સમાજમાં માત્ર પુરુષો દ્વારા જ ચલાવાતા વ્યવસાયને અપનાવી તે ભારતનાં પહેલા મહિલા વાળંદ બન્યા.
     દેશની પહેલી મહિલા બારટેન્ડર શતભી બાસુથી લઈને દેશની પહેલી મહિલા વાઇન-ટેસ્ટર સોવના પૂરી સુધીની બધી મહિલાઓ પૂરા જોશ અને ઝનૂનથી પોતપોતાના મનપસંદ વ્યવસાયમાં નામ કમાઈ રહી છે.
પણ ૪૦ વર્ષ અગાઉ એક મહિલાને પુરુષ પ્રધાન વ્યવસાય અંગે કોઈ જ માહિતી નહોતી. પોતાના પરિવાર સાથે ગામમાં સુખેથી જીવન વ્યતિત કરવું એ જ એમનું સપનું હતું. પણ કિસ્મતે એમને એવા મોડ પર લાવી મૂક્યા જ્યાં તેમણે પુરુષપ્રધાન સમાજમાં પોતાની ભૂખી બાળકીઓનું પેટ ભરવા આ વ્યવસાય અપનાવવો પડ્યો. આ વાત છે ભારતના પહેલા મહિલા નાઈ શાંતાતાઈની...
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હાસુરસાસગીરી ગામમાં રહેતા શાંતાબાઈ આપણા સૌ માટે આદર્શ સમાન છે. વિપરિત પરિસ્થિતિઓ નો સામનો કરી શાંતાબાઈએ એક મુકામ હાંસલ કર્યો છે.
માત્ર ૧૨ વર્ષ ની ઉંમરે શાંતાબાઈના લગ્ન તેમના પતિ શ્રીપતિ સાથે થયા હતા. તેમના પિતા નાઈ હતા અને પતિનો પણ આ જ વ્યવસાય હતો.
કોલ્હાપુર જિલ્લાના અર્દલ ગામે શ્રીપતિ પોતાના ૪ ભાઈઓ સાથે મળીને 3 એકર જમીન પર ખેતીવાડી કરતો હતો. માત્ર ખેતી પર જીવન નિર્વાહ મુશ્કેલ હોવાથી તે નાઈ તરીકે પણ કામ કરતો. પિતાની મિલ્કતના ભાગલા પડ્યા અને ૩ એકર જમીન બધાં ભાઈઓ વચ્ચે વહેંચાઈ ગઈ. જમીનનો ઘણો ઓછો હિસ્સો પોતાને ભાગે બાકી બચતા હવે શ્રીપતિ એ આસપાસના ગામોમાં જઈ હજામતનું કામ ચાલુ કર્યું. આટલી મહેનત કરવા છતાં વેતન ઓછું પડતાં શ્રીપતિ એ સાહૂકારો પાસેથી પૈસા ઉધાર લેવાનું શરૂ કર્યું.
      હાસુરસાસગીરી ગામના સભાપતિ હરિભાઉ કડૂકરે જ્યારે શ્રીપતિ ની વસમી સ્થિતિ જોઈ ત્યારે તેમણે તેને હાસુરસાસગીરી ગામમાં આવી વસવા ઈજન આપ્યું. હરિભાઉના ગામમાં કોઈ વાળંદ નહોતો આથી શ્રીપતિ ત્યાં વધુ પૈસા કમાઈ શકે એમ હતો.
આ રીતે શાંતાબાઈ અને તેમના પતિ શ્રીપતિ હાસુરસાસગીરી ગામમાં આવી વસ્યા. પછી દસ વર્ષમાં શાંતાબાઈ એ છ દીકરીઓને જન્મ આપ્યો જેમાંથી બે નું બાળપણમાં જ મૃત્યુ થઈ ગયું. દિવસો વધુ તકલીફ વગર આરામથી પસાર થઈ રહ્યા હતા.
     પણ અચાનક વર્ષ ૧૯૮૪માં જ્યારે તેમની મોટી દીકરી આઠ વર્ષની હતી અને નાની દીકરી એક વર્ષથીયે નાની ત્યારે હ્રદય રોગના હુમલાથી શ્રીપતિનો દેહાંતવાસ થયો.
      ત્રણ માસ સુધી શાંતાબાઈએ અન્યોના ખેતરમાં મજૂરી કરી. ૮ - ૮ કલાક સખત મજૂરી કર્યા બાદ તેમને માત્ર પચાસ પૈસા મજદૂરી પેઠે મળતા. એમાંથી ઘર ખર્ચ અને ચાર દીકરીઓનું ભરણ પોષણ કઈ રીતે પૂરું થાય?
       સરકારે તેને જમીનના બદલામાં ૧૫૦૦૦ રૂપિયા આપ્યાં. આ પૈસાનો ઉપયોગ શાંતાબાઈએ પતિનું દેવું ચૂકવવા કર્યો. પોતાની બાળકીઓને તે બે ટંક ખાવાનું પણ આપી શકતી નહોતી. ત્રણ મહિના તેણે જેમતેમ કાળી મજૂરી કરી પસાર કર્યા. મહામુસીબતે તે પોતાની દીકરીઓનું પેટ ભરી શકતી. ક્યારેક તો તેમણે બધાએ ભુખ્યા પેટે પણ સૂવાનો વારો આવતો. પરિસ્થિતિથી કંટાળી આખરે એક દિવસ શાંતાબાઈએ ચારે દિકરીઓ સહિત આત્મહત્યા કરવાનો વિચાર કર્યો.
      આ વખતે પણ હરિભાઉ તેમના માટે ભગવાન સાબિત થયા. જ્યારે શાંતાબાઈ મરવાની તૈયારીમાં જ હતા ત્યાં હરિભાઉ તેમના ખબર અંતર પૂછવા આવ્યા અને તેમની બૂરી પરિસ્થિતિ જોઈ તેમણે શાંતાબાઇને પતિનો વ્યવસાય અપનાવી લેવાનું સૂચન કર્યું. શ્રીપતિના મોત બાદ ગામમાં બીજો કોઈ નાઈ ના હોવાને લીધે શાંતાબાઈ સારું કમાઇ શકે એમ હતું.
      શાંતાબાઈને પહેલા તો આ સાંભળી નવાઈ લાગી. ભલા એક સ્ત્રી નાઈનું કામ કઈ રીતે કરી શકે? પણ એમની પાસે અન્ય કોઈ વિકલ્પ પણ બચ્યો નહોતો.
      શાંતાબાઈ કહે છે, "મારી પાસે બે જ રસ્તા હતા. એક તો હું મારી દીકરીઓ સહિત આત્મહત્યા કરી લઉં અથવા સમાજ કે લોકોની પરવા કર્યા વિના મારા પતિનો અસ્ત્રો હાથમાં લઈ લઉં. મારે મારા સંતાનો માટે જીવવું હતું, આથી મેં બીજો વિકલ્પ પસંદ કર્યો."
    હરિભાઉ પોતે શાંતાબાઈના પહેલા ગ્રાહક બન્યા. શરૂઆતમાં તો ગામના લોકો એમની મજાક ઉડાવતા પણ શાંતાબાઈ ચલિત થયા નહીં, તેમનો હોંસલો વધતો ગયો. એ પોતાની બાળકીઓને પાડોશીને ઘેર મૂકી આસપાસના ગામોમાં હજામત કરવા જવા માંડયા.
કડલ, હિદાદુગી અને નરેવાડી ગામમાં કોઈ વાળંદ નહોતો આથી ત્યાંના લોકો એમના ગ્રાહક બની ગયા.
ધીરે ધીરે શાંતાબાઈની ખબર દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. એટલું જ નહીં, તે સમયના પ્રખ્યાત અખબાર 'તરુણ ભારત' માં તેમના વિશે લેખ છપાયો.
     સમાજને પ્રેરિત કરવા બદલ શાંતાબાઈ ને સમાજરત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા. અન્ય પણ કેટલીયે સંસ્થાઓએ એમનું યથોચિત સન્માન કર્યું.
     વર્ષ ૧૯૮૪માં એ માત્ર ૧ રૂપિયામાં દાઢી અને કેશ કર્તન કરતા હતા. થોડા જ દિવસોમાં તેમણે જાનવરોના વાળ કાપી આપવાની પણ શરૂઆત કરી, જેના માટે એ ૫ રૂપિયા લેવા માંડ્યા.
      વર્ષ ૧૯૮૫માં ઇંદિરા ગાંધી આવાસ યોજના અંતર્ગત શાંતાબાઈને સરકાર તરફથી ઘર બનાવવા માટે પૈસા મળ્યાં. શાંતાબાઈએ કોઈની આર્થિક મદદ લીધા વગર પોતાની ચારે દીકરીઓને ધામધૂમથી પરણાવી. આજે એ દસ પૌત્રપૌત્રીઓની નાની છે.
     ૭૦ વર્ષના શાંતાબાઈ હવે થાક્યા છે. એ પોતે આસપાસના ગામોમાં જઈ શકતા નથી એટલે લોકો હવે તેમની પાસે દાઢી કરાવવા અને કેશ કર્તન માટે આવે છે.
     શાંતાબાઈ કહે છે, "ગામમાં હવે સલૂન છે. બાળકો અને યુવાનો ત્યાં જાય છે. મારી પાસે મારા જૂના ગ્રાહકો જ આવે છે. હવે હું દાઢી કરવાના અને વાળ કાપવાના ૫૦ રૂપિયા લઉં છું અને જાનવરોના વાળ કાપવાના ૧૦૦ રૂપિયા લઉં છું. મહિ‌નામાં ૩૦૦ - ૪૦૦ રૂપિયા કમાઈ લઉં છું અને સરકાર પાસે થી મને ૬૦૦ રૂપિયા મળે છે. આ પૈસા મને ઓછા પડે છે પણ જિંદગી માં મેં ઘણી મુશ્કેલીઓ સહન કરી છે એટલે હવે થોડામાં ગુજરાન ચલાવવાનું શીખી ગઈ છું. મને ખબર છે કે જરૂરત પડ્યે હું મહેનત કરીને કમાઈ શકું છું. "
શાંતાબાઈ કહે છે કે," આ વ્યવસાયે મને અને મારા બાળકોને નવી જિંદગી આપી છે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હાથમાં અસ્ત્રો લઈ હું કામ કરતી રહીશ."
       પોતાના સાહસ અને લગનને પ્રોત્સાહન આપવા માટે શાંતાબાઈ હરિભાઉ કડૂકરને ધન્યવાદ આપે છે. મુશ્કેલ ઘડીમાં હરિભાઉએ તેમનો સાથ આપ્યો હતો તેથી એ તેમને પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે.
         વર્ષ ૨૦૦૮માં ૯૯ વર્ષની વયે હરિ ભાઉ મૃત્યુ પામ્યા. હરિભાઉના પૌત્ર બબન પાટીલ આજે પણ શાંતાબાઈના ઘરે જઈ તેમની દેખભાળ રાખે છે.

- પ્રફુલ્લ મુક્કાવાર

(મૂળ લેખ માનબી કટોચ દ્વારા)


(ઇન્ટરનેટ પરથી)

—————————————

ગત સપ્તાહે ઇન્ટરનેટ કોર્નરમાં ભારતનાં પ્રથમ સ્ત્રી વાળંદ શાંતાબાઈની અદ્ભુત કહાની છાપી હતી. જો કોઈ વાચક આ લેખ વાંચ્યા બાદ શાંતાબાઈને આર્થિક મદદ કરવા ઇચ્છતા હોય તે નીચે પ્રમાણેની વિગત મુજબ તેમના બેંક અકાઉન્ટમાં સીધી રકમ જમા કરાવી શકે છે :
Bank -THE  AJARA  URBAN  CO. OP BANK LTD  AJARA ,
NAME-YADAV SHANTABAI SHRIPATI ,
A/C NO-403-11982 ,
IFSC NO- IBKL0116AUC
તમે તેમની સાથે ૭૫૮૮૮૬૮૯૩૫ આ મોબાઇલ નંબર પર વાત પણ કરી શકો છો.

Thursday, September 20, 2018

સાચા કે ખોટા નિર્ણય

પાંચ મિત્રો એક ગાઢ, વિશાળ જંગલમાં ભૂલા પડ્યાં. તેમણે માર્ગ ખોળવાના અનેક પ્રયત્ન કર્યાં. પહેલા મિત્રે કહ્યું, "મારું મન કહે છે આપણે ડાબી બાજુ જવું જોઈએ. "
બીજો મિત્ર કહે, "મારું અનુમાન છે કે સાચો માર્ગ જમણી તરફ છે."
ત્રીજો મિત્ર બોલ્યો, "હું તો આપણે જે માર્ગે ચાલીને આવ્યા એ જ માર્ગે પાછો જવાનો. એ સૌથી સુરક્ષિત રહેશે."
ચોથો કહે, "મને તો લાગે છે આપણે સાચી દિશામાં જ જઈ રહ્યાં છીએ. હું તો સીધો જ આગળ જઈશ. ચોક્કસ એમ કરતા જંગલ પૂરું થશે, એકાદ ગામડું આવશે અને ત્યાં કોઈક ઘર કે ખેતર માં પૂછીને સાચી દિશા ચોક્કસ જાણી શકાશે. "
તો વળી પાંચમા એ કહ્યું," મને તો કાંઈ ગતાગમ પડતી નથી. મને લાગે છે મારે આ ઉંચા ઝાડ પર ચડી દૂર દૂર સુધી નજર નાંખવી જોઈએ અને પછી નક્કી કરવું જોઈએ કે કઈ દિશામાં આગળ વધવું જોઈએ."
અને પાંચમા મિત્રે એમ જ કર્યું.
જ્યારે એ ઉંચા ઝાડ પર ચડી રહ્યો હતો ત્યારે તેના અન્ય ચાર મિત્રોએ તેમણે વિચારેલી યોગ્ય દિશામાં પ્રયાણ કર્યું.
પાંચમો મિત્ર જ્યારે ઉંચા ઝાડની ટોચ પર પહોંચી ગયો ત્યારે તેને થોડે જ આઘે એક ગામડું જોવા મળ્યું. તેને લાગ્યું તેના મિત્રોએ તેમણે પસંદ કરેલા માર્ગ પર જવું જોઈતું નહોતું. છતાં, તેનું આમ વિચારવું ખોટું સાબિત થયું.
દરેક મિત્રને તેણે પોતે પસંદ કરેલ માર્ગ પર જુદો જુદો અનુભવ થયો.
પહેલો મિત્ર જે ડાબે ગયો હતો તેણે થોડું લાંબુ ચાલવું પડયું પણ અંતે તે એક ગામ સુધી પહોંચી ગયો.
બીજો મિત્ર જે જમણે વળ્યો હતો તેને માર્ગમાં વરુઓના ટોળાંનો સામનો કરવો પડ્યો પણ તે જંગલમાં કઈ રીતે ટકી રહેવું એ આ અનુભવ પરથી શીખ્યો.
ત્રીજો મિત્ર જે પાછો વળ્યો હતો તેને માર્ગમાં નવા ઉત્સાહી જંગલભ્રમણ માટે નીકળેલા યુવાનોનો ભેટો થયો અને તેમાં તેને નવાં મિત્રો સાંપડ્યાં.
ચોથો મિત્ર જે સીધી આગળની દિશામાં ચાલ્યો હતો તેને થોડે દૂર એક ખેતર જોવા મળ્યું જેને સાચવનાર પરિવારે તેને પોતાનો મહેમાન બનાવ્યો અને ભાવપૂર્વક તેની મહેમાનગતિ કરી. 
દરેકે દરેક મિત્ર આ પ્રવાસ યાત્રા દરમ્યાન પોતે પસંદ કરેલા માર્ગ મુજબ મૂલ્યવાન અનુભવના ભાથા દ્વારા સમૃદ્ધ થયો.
~~~
ચાલો હવે આપણે આ વાર્તા વિશે થોડો ઉંડાણમાં વિચાર કરીએ...
જો સાચા કે ખોટા નિર્ણય એવું વર્ગીકરણ કરાય જ નહીં તો? 
દરેકે દરેક નિર્ણય આપણને નવો અનુભવ કરાવે છે જે વિકાસની અસીમ તકો પૂરી પાડે એમ બની શકે છે. 
આપણે અત્યારે જે મુકામ પર છીએ તેની પાછળ આપણે અત્યાર સુધી લીધેલા નિર્ણયો જ કારણભૂત છે. વર્તમાન સમયે તમે જ્યાં છો ત્યાંથી તમે યોગ્ય નિર્ણયો લઈ ચોક્કસ તમારી મંઝિલ સુધી પહોંચી શકો છો. ભૂલ થાય તો તેમાં પણ કઇંક શીખવાની તક શોધી કાઢો.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, September 9, 2018

જંતુઓ

કુલ જોવા મળતી જૈવિક વિવિધતામાં પોણો ભાગ જેટલા જીવો જંતુઓ છે એટલે કે એવો એક અંદાજ છે કે
જંતુઓ સિવાયના પ્રાણીઓની વિવિધ જાતિઓની કુલ સંખ્યા કરતાં ત્રણ ગણાં જંતુઓ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે.
 અત્યાર સુધીમાં જંતુઓની આશરે સાતેક લાખ જાતિઓ ચોપડે નોંધાઈ છે જે તેમની હજી શોધાઈ રહેલી અને
શોધવાની બાકી છે તેનો કેટલાકમો ભાગ છે! 
 ધરતી પર જ્યાં જ્યાં જીવન શક્ય છે તે દરેક જગાએ જંતુઓ જઈ વસ્યા છે. વનસ્પતિની હજી એવી એક પણ જાતિ
શોધાઈ નથી જેના પર જંતુની કોઈ એકાદ જાતિ દ્વારા આક્રમણ ન થઈ શકે એમ હોય! હજી પણ આફ્રિકાનાં લોકો દ્વારા
ઉગાડવામાં આવતા પાકનો પોણા ભાગ જેટલો હિસ્સો જંતુઓ દ્વારા નાશ પામે છે.
જંતુઓનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય :
*) મોટા ભાગના જંતુઓને છ પગ અને ઉડવા માટે પાંખો હોય છે (જે તેમની દોરેલી આકૃતિમાં મોટે ભાગે નજરે ચડતી નથી). 
*) કેટલાક જંતુઓને પાંખો હોતી નથી પણ તેમનું શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે અને તેમને ત્રણ જોડી પગ હોય છે. 
*) શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય અને પાંખો હોય (તેમના પગની એક જોડ દોરેલી આકૃતિમાં નજરે ચડતી નથી) તેવા જંતુઓ. 
*) શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય, પાંખો હોય  અને ત્રણ જોડ પગ હોય તેવા જંતુઓ.
*) ત્રણ જોડ પગ હોય  તેવા જંતુઓ.
આ સિવાય નીચે જણાવેલ સંધિપાદ વર્ગના જીવો ઘણાં બધાં પગ હોવાને લીધે જંતુ વર્ગમાં સમાવિષ્ટ નથી : 
- ભરવાડ (સેન્ટીપીડ વર્ગ - ચીલોપોડા)
- કાનખજૂરો (મીલીપીડ વર્ગ - ડિપ્લોપોડા) 
- સૉ બગ (વર્ગ - ક્રસ્ટાશિઆ) 
- કરચલો (વર્ગ - ક્રસ્ટાશિઆ) 
- વીંછી (વર્ગ - એર્કેનીડા ) 
- ક્રે ફિશ (વર્ગ - ક્રસ્ટાશિઆ) 
- ટીક (વર્ગ - એર્કેનીડા) 
- કરોળિયો (વર્ગ - એર્કેનીડા) 
- ડેડી-લોન્ગ લેગ્સ (વર્ગ - એર્કેનીડા)

(ઇન્ટરનેટ પરથી) 

Sunday, September 2, 2018

મારી ક્ષીણ થઈ રહેલી વિવેકબુદ્ધિ

ક્યારેક રાત્રિના અંધકારમાં હું મારી વિવેકબુદ્ધિ સાથે ગોઠડી માંડુ છું 
ચકાસવા કે એ હજી શ્વાસ તો લઈ રહી છે ને 
કારણ રોજ તે ધીમું ધીમું મોત મરી રહી છે. 

જ્યારે કોઈ મોંઘીદાટ જગાએ હું મારા ખાવાનું બિલ ભરું છું 
જેની એક ભાણાની કિંમતની રકમ કદાચ એ જગાએ અમારા માટે 
દરવાજો ખોલનાર દરવાનના એક મહિનાના પગાર કરતા પણ વધુ છે 
અને ઝડપથી હું એ વિચાર ખંખેરી દઉં છું 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે હું શાકભાજીવાળા ભૈયાજી પાસેથી શાક ખરીદું છું 
અને તેનો દીકરો "છોટુ" સસ્મિત બટાટાનું વજન જોખે છે, 
છોટુ, એક નાનકડો છોકરો જે અત્યારે સ્કૂલમાં ભણતો હોવો જોઈએ... 
અને હું નજર બીજે ફેરવી લઉં છું 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે હું એક ડિઝાઇનર ડ્રેસમાં સજ્જ થઈ છું જેની કિંમત અધધધ છે 
અને ક્રોસિંગ પર મારી દ્રષ્ટિ પડે છે એક ચિંથરેહાલ લૂગડા દ્વારા 
પોતાની લાજ ઢાંકવાનો મિથ્યા પ્રયાસ કરી રહેલી એક બાઈ પર 
અને તરત હું મારી ગાડી નો કાચ ઉપર ચડાવી દઉં છું 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે ક્રિસમસ ટાણે મેં મારા બચ્ચાઓ માટે ત્રણ મોંઘી ભેટો ખરીદી છે 
અને ઘેર પાછા ફરતા લાલ સિગ્નલ પર હું ખાલી પેટ અને ભૂખી આંખોવાળા 
અર્ધ નગ્ન બાળકોને સાન્તા-ટોપી વેચતા જોઉં છું 
ત્યારે હું મારી વિવેકબુદ્ધિને બચાવવાનો પ્રયત્ન કરતા 
થોડી ટોપીઓ ખરીદી લઉં છું છતાં 
એ થોડી મૃત્યુ પામે છે.

જ્યારે મારી કામવાળી બાઈ માંદી હોવાથી 
તેની દીકરીને કામે મોકલે છે તેની સ્કૂલે ખાડો પાડી ને 
હું જાણું છું કે મારે તેને પાછા જતા રહેવા કહેવું જોઈએ 
પણ મારી નજર એઠાં વાસણોથી ભરેલી સિંક પર પડે છે 
અને હું મારી જાતને કહું છું કે આ તો થોડાં જ દિવસ નો સવાલ છે 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે હું મારા દીકરાને પાર્ટી માંથી ઘેર મોડા પાછા ફરવાની છૂટ આપું છું 
પણ જ્યારે મારી દીકરી એવી પરવાનગી માગે છે 
ત્યારે હું તેને એ યોગ્ય નથી એવો જવાબ આપું છું 
જ્યારે તે પ્રતિ પ્રશ્ન કરે છે કે એમ શા માટે 
ત્યારે હું મારો અવાજ ઉંચો કરી તેને ચૂપ કરી દઉં છું 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે હું કોઈક બાળક પર બળાત્કાર કે તેની હત્યા વિષે સાંભળુ છું 
મને દુ:ખ તો થાય છે પણ છતા થોડો હાશકારો અનુભવું છું કે એ મારું બાળક નથી 
એ વખતે હું અરીસામાં જાત સાથે નજર મિલાવી શકતી નથી 
અને મારી વિવેકબુદ્ધિ થોડી મૃત્યુ પામે છે.

જ્યારે લોકો નાતજાત કે ધર્મ ને નામે લડે છે 
હું નિરાશા અને લાચારી અનુભવું છું 
હું મારી જાત ને કહું છું કે 
મારો દેશ ખાડામાં જઈ રહ્યો છે 
હું ભ્રષ્ટ નેતાઓને માથે દોષનો ટોપલો ઢોળી દઉં છું, 
મારી સઘળી જવાબદારીઓને વિસારે પાડી 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે.

જ્યારે મારા શહેરમાં શ્વાસ લેવું દોહ્યલું બન્યું છે 
શહેર આખું ધુમાડા અને પ્રદૂષણથી ભરાઈ ગયું છે 
છતાં હું મારી પોતાની ગાડી ચલાવીને જ ઓફિસે જઉં છું, 
મેટ્રો કે કાર પુલ જેવા શક્ય પર્યાયનો ઉપયોગ કરતી નથી, 
એમ વિચારીને કે મારી માત્ર એક ગાડી વધુ રસ્તા પર ઉતરવાથી કશો ફેર પડવાનો નથી 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે.

આથી ક્યારેક રાત્રિના અંધકારમાં હું મારી વિવેકબુદ્ધિ સાથે ગોઠડી માંડુ છું 
ચકાસવા કે એ હજી શ્વાસ તો લઈ રહી છે ને.. 
ત્યારે તેને હજી સાબૂત જોઈ હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું કારણ 
રોજ હું જ તો તેને ધીમું ધીમું મારી રહી હોઉં છું... 

 - રશ્મિ ત્રિવેદી ( 'વુમન એવરીથિંગ વિલ બી ફાઇન!' ના લેખિકા) 

(ઇન્ટરનેટ પરથી)

Sunday, August 26, 2018

મા-બાપની અનોખી અરજી

બેટા...
તું અને વહુ.. થોડો વખત એકલા રહો....હું..અને તારી માઁ.. એક મહિનો...જાત્રા એ જઈયે છીયે...

જીંદગી..મા કમાવા ની હાય મા નતો ભગવાન સરખો ભજાયો...કે નતો.. તારી માઁ સાથે શાંતિ થી જીવી શક્યો...
ઘડપણ...આંગણે આવી ગયું..ખબર  પણ ના પડી...અને મોત.....આંગણે થી અંદર કયારે આવી જશે..તે પણ મને ખબર નથી..
માટે.. જે જીવન અમારૂ બાકી રહ્યું છે.તે...હવે  શાંતિ થી  જીવવવા ની ઈચ્છા છે...

આ પપ્પા ના જાત્રા એ જતા પેહલા ના છેલ્લા શબ્દો હતા....

પપ્પા મમ્મી ને જાત્રા એ ગયે મહિનો થઈ ગયો...રોજ ફોન ઉપર વાત ચિત કરિયે... મહિનો પૂરો થયો. બીજો મહિનો પૂરો થવા આવ્યો ..
મેં પપ્પા ને પૂછ્યું... પપ્પા.તમે છો ક્યા..? બે મહિના થઈ ગયા...
મને  હવે શંકા લાગે છે....
તમને મારા સોગંન ..આપ સાચું બોલો..ક્યાં છો ?
દિપેન આંખ મા પાણી સાથે બોલ્યો...

બેટા.. સાંભળ...અમે કાશી મા ,જ.. છીયે...અહીં ફરતા.ફરતા..વૃદ્ધા આશ્રમ દેખાયો...તેનું વાતવરણ..
રહેવાનું..ખાવું પીવું...સવાર સાંજ  ભગવાન ના દર્શન....સતસંગ બધુજ તારી માઁ ને અને મને માફક આવી ગયું છે..તારી માઁ નો  સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે...

બેટા...મેં તને ઘરે થી નીકળતા પેહલા કીધું હતું..હવે ની ઉંમર અમારી  શાંતિ મેળવવા ની છે...અશાંતી ઉભી કરવાની નથી......

તમે બન્ને શાંતિ થી જીવો..અમારી ચિતા ના કરતા..પ્રભુ એ  પેંશન આપ્યું છે..તેમાં અમારા ખર્ચ નીકળી જાય..છે...તમારી તબિયત નું ધ્યાન રાખજો...

પપ્પા મહેરબાની કરી ઘરે પાછા આવી જાવ..

ના..બેટા.. હવે.. આપણી મંજીલ અલગ..અલગ છે..તું  તારી રીતે આનંદ થી જીવ..અમે અમારી રીતે...બેટા તને ખબર છે..તારી માઁ નો સ્વાભવ ચિડિયો થઈ ગયો હતો....
પોતે જે રીતે ચોખ્ખાઈ અને જીણવટ થી જીવી તેવી અપેક્ષા તારી વહુ પાસે રાખે..તે શક્ય નથી હવે બદલતા સંજોગો મા...બેટા..

અને તે ને કારણે રોજ ઘર નું વાતવરણ તંગ..અને અશાંત બની જાય તે હું ઈચ્છતો નહતો...
સવારે  ઉઠી ને એક બીજા ના મોઢા જોવા ન ગમે ત્યારે સમજી લેવું જોઈએ.. કે ઘર  નું પતન નક્કી છે...

અને હું તેવું ઈચ્છતો નહતો...કે ઘર નું કોઈ સભ્ય આવા વાતવરણ ને કારણે ગંભીર બીમારી નું શિકાર બને અથવા અઘટિત ઘટના આપણા ઘર બની જાય...
એટલે મેં ..પ્રેમ થી આ રસ્તો અપનાવ્યો છે....બેટા 
તું જરા પણ મન મા ના લેતો.... 
જતુ કરે તેને તો માઁ બાપ કેહવાઈ..

બાકી..કોઇ તકલીફ પડે તો...હું બેઠો છું..દૂર જવા થી...હું તારો બાપ કે તું મારૂ સંતાન નથી મટી જતો..
આપણા વિચારો નથી મળતા... પ્રેમ તો એટલોજ છે
બેટા ..
મત ભેદ હોય...ત્યારે જ જુદા થઈ જવું સારૂ...
જો મન ભેદ થઈ  જુદા પડ્યા..તો ફરી એક થવુ મુશ્કેલ હોય છે..

બેટા... બીજી અગત્ય ની વાત...તે જે બૅંક મા નવું ઘર લેવા અને અમારા થી જુદા થવા લોન માટે અરજી જે મેનેજર ને આપી હતી તે..મારા મિત્ર નો પુત્ર છે...
તેને મળજે.. તારે નવું મકાન લેવાં ની જરૂર નથી...
મેં તારા નામે આપણું મકાન કરી દીધુ છે...
પેપર તેની પાસે થી લઇ લેજે....

બેટા...તું ટૂંકા પગાર મા લોન ના હપ્તા ભર  કે ઘર ચલાવ..?
અને તું હેરાન થતો હોય અને અમે આનંદ કરિયે.. તેમાંનો તારો બાપ નથી..
તમે સુખી થાવ.. સદા  આનંદ મા રહો.. એતો અમારૂ સ્વપન હોય છે...

ચલ બેટા.. આરતી નો સમય થયો છે..તારી માઁ મારી રાહ જોઈ ને નીચે ઉભી છે....જય શ્રી કૃષ્ણ

દિપેન... ચોધાર આશું એ રડતો રહ્યો.....અને પપ્પા એ ફોન કટ કર્યો..
પપ્પા મેં તમને સમજવા મા  ભૂલ  કરી...છે..ભગવાન મને કદી માફ નહીં કરે..

દિપેન ની પત્ની એ હકીકત બધી જાણી દુઃખી અવાજે કિધુ... આપણે આજે.. ટેક્ષી કરી
મમ્મી ..પપ્પા ને ઘરે લઈ આવ્યે..

દિપેન બોલ્યો...
બહુ મોડું થઈ ગયું...સ્વાતી..
મારા બાપ ને હું જાણું છું...તે જલ્દી નિર્ણય કોઈ લેતા નથી
અને જો નિર્ણય તેમને લઇ જ લીધો તો તેમા તે ફેરફાર કદી કરતા નથી...

આજે મને સમજાઈ ગયું...
દુનિયા મા જતુ કરવા ની તાક્ત
માઁ બાપ સિવાય કોઈ પાસે નથી..

(ઇન્ટરનેટ પરથી) 

Wednesday, August 22, 2018

પ્રાકૃતિક સંપદાનું જતન કરો

એક બકરી પાછળ શિકારી કૂતરા પડ્યા. બકરી જીવ બચાવી દ્રાક્ષની એક ઝાડીમાં ઘૂસી ગઈ. કૂતરા આગળ નિકળી ગયા. 

                 બકરી તો નિશ્ચિંત થઈ દ્રાક્ષના વેલા ખાવા મંડી પડી. જોતજોતામાં એણે જમીનથી લઈને તેની ઉંચાઈ સુધીના બધાં પાંદડાં ખાઈ લીધાં. તેને છૂપાવા મળેલું સુરક્ષિત સ્થળ તેણે પોતે જ નષ્ટ કરી નાખ્યું. તે કૂતરાઓની નજરે ચડી ગઈ અને કૂતરાઓએ તેને મારી નાખી.
               સહારો આપનારને જે નષ્ટ કરે છે તેની આવી દુર્ગતિ થાય છે.
              મનુષ્ય પણ આજે તેને જ સહારો આપનાર જીવનદાયિની નદીઓ, ઝાડ-છોડ, જાનવરો, ગાયો, પર્વતો વગેરેને નુકસાન પહોંચાડી રહ્યો છે અને આ બધાનાં માઠાં પરિણામ અનેક આફતો સ્વરૂપે ભોગવી રહ્યો છે.
પ્રાકૃતિક સંપદા ને બચાવો
પોતાની આવતી કાલ સુરક્ષિત કરો.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, August 12, 2018

ટાટા સુમો બ્રાંડ નેમ કઈ રીતે બન્યું

     ટાટા મોટર્સ કંપનીના ટોચના હોદ્દેદારો રોજ બપોરે સાથે ભોજન લેતાં. પણ છેલ્લા કેટલાંક દિવસોથી સુમંત મૂળગાંવકર નામના એક વરિષ્ઠ કર્મચારી રોજ લંચ બ્રેક શરૂ થતાં પોતાની ગાડી લઈ ક્યાંક બહાર જતા રહેતા અને લંચ બ્રેક પૂરો થતા પહેલા ફરજ પર ફરી હાજર થઈ જતા. ઓફીસમાં એવી ગુસપુસ શરૂ થઈ ગઈ હતી કે કંપનીના કોઈક ડીલર તેમને બહાર ફાઇવ સ્ટાર હોટેલમાં લંચ જમાડે છે.
         એક દિવસ કેટલાક ખણ-ખોદીયા સહકર્મચારીઓએ લંચ બ્રેકમાં તેમનો પીછો કર્યો. તેમણે ત્યાં જે જોયું એ જોયા બાદ તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. સુમંત હાઇવે પરના એક ઢાબા પર ઉતરી, ઢાબામાંથી જ તેમનું ભોજન ઓર્ડર કરી ત્યાં કેટલાક ટ્રક ડ્રાઇવરો સાથે બેસી જમી રહ્યાં હતાં.
          જમતા જમતા તેઓ એ ટ્રક ડ્રાઇવરો સાથે વાતચીત કરી નોંધી રહ્યા હતા કે ટાટાના જે ટ્રક એ ડ્રાઇવરો ચલાવતા હતા તેમાં શું સારું હતું શું ખોટું હતું. જમ્યા બાદ એ નોંધ સાથે તેઓ ઓફીસ પાછા ફરતા. તેઓ ડ્રાઇવરોનો ડ્રાઇવ કરવાનો અનુભવ સુધારવા પ્રયત્ન કર્યા કરતા. ટાટાના વાહનોની ગુણવત્તા સુધારવાની આટલી ધગશ હતી સુમંત મૂળગાંવકરને.
      'ટાટા સુમો' બ્રાંડ નેમ આ મહાન કર્મચારીને કોઈ પણ  કોર્પોરેટ સંસ્થા દ્વારા અપાયેલ મોટામાં મોટું અર્ઘ્ય છે. આ નામમાં su સુમંતના નામના પહેલા બે અક્ષર છે અને mo તેમની અટકના પહેલા બે અક્ષર. આમ બન્યું બ્રાંડ નેમ sumo!

(ઇન્ટરનેટ પરથી)

વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો

વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો (ભાગ - ૧) 
-----------------------------------------------------
🌟 ૦૧. જેનું ચારિત્ર્ય સારું છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે.
🌟 ૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી.
🌟 ૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે.
🌟 ૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે.
🌟 ૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો.
🌟 ૦૬. વિનય અને વિવેક, અપયશનો તત્કાલ વિનાશ કરે છે.
🌟 ૦૭. સુખ માટે ક્યારેય, ધર્મનો ત્યાગ કરશો નહિ.
🌟 ૦૮. બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે.
🌟 ૦૯. ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી.
🌟 ૧૦. અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ.
🌟 ૧૧. રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહિ.
🌟 ૧૨. રાજા, વિધવા, સૈનિક, લોભી, અતિ દયાળુ, અતિ ઉડાઉ અને અંગત મિત્ર – આ સાત સાથે નાણાંની લેવડ-દેવડ કરવી નહિ.
🌟 ૧૩. આળસુ, ખાઉધરો, અળખામણો, ઘૂર્ત, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ.
🌟 ૧૪. તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ – આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે.
🌟 ૧૫. રાજા, વિદ્વાન, વૃદ્ધ, બાળક, રોગીષ્ઠ, અપંગ અને મા-બાપ – આ સાત ઉપર ગુસ્સો કરનાર સામેથી પીડા વહોરી લે છે.
🌟 ૧૬. ધીરજ, પુરુષાર્થ, પવિત્રતા, દયા, મઘુરવાણી, મનોનિગ્રહ અને નિરોગી શરીર – આ સાત ગુણો હંમેશા ધનસંપત્તિ વધારે છે.
🌟 ૧૭. જે ધનવાન છે, પણ ગુણવાન નથી. તેની સોબત કદી ન કરવી.
🌟 ૧૮. સતત પુરુષાર્થ કરનારને જ બધાં પ્રારબ્ધ સતત સાથ આપે છે.
🌟 ૧૯. અહીં ‘સીધાં’ માણસને જ બધાં હેરાન કરે છે – માટે બહુ સરળ ન થવું.
🌟 ૨૦. ‘જે થવાનું હતું, તે થઈ ગયું’ – તેને ભૂલી જઈ વર્તમાનમાં જીવો.
🌟 ૨૧. પ્રેમ બધાં ઉપર રાખો. પણ વિશ્વાસ કદી નહિ.
🌟 ૨૨. જે કદી પણ ક્રોધ કરતો જ નથી, તે પુરુષ યોગી છે.
🌟 ૨૩. આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘેર જવું નહિ.
🌟 ૨૪. ધર્મનું આચરણ કરી, નીતિપૂર્વક કમાણી કરવી, એ પણ એક પરમસિદ્ધિ છે.
🌟 ૨૫. ઘરની તમામ મહિલાઓની રક્ષા કરવી, એ ઘરના મર્દોની ફરજ છે.
🌟 ૨૬. કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરો.
🌟 ૨૭. જે કારણ વગર ગુસ્સે થાય કે કારણ વગર પ્રસન્ન થાય, તેનાથી ચેતજો.
🌟 ૨૮. જે પોતાને પ્રતિકૂળ છે, તેવું વર્તન બીજા પ્રત્યે કરવું નહિ.
🌟 ૨૯. જે લોભી છે તેને આખી પૃથ્વી આપો તો પણ ઓછી જ પડવાની છે.
🌟 ૩૦. જે શાસ્ત્રોથી વિરૂદ્ધ વર્તન કરે છે, તેને શાસ્ત્રો કે શસ્ત્રોનો સામનો કરવો પડે છે.
🌟 ૩૧. દોરીથી બંધાયેલી કઠપુતળીની જેમ, જીવ દૈવને બંધાયેલો પરવશ છે.
🌟 ૩૨. ક્રોધ શરીરના સૌદર્યને નાશ કરે છે.
🌟 ૩૩. પરિવારને મૂકી, જે એકલો મિષ્ટાન્ન આરોગે છે, તેનું પતન નિશ્ચિત છે.
🌟 ૩૪. જ્યારે ઘરમાં બધાં સૂઈ ગયા હોય ત્યારે એકલાએ જાગવું નહિ.
🌟 ૩૫. જે વાદવિવાદ નથી કરતાં, તે સંવાદમાં જીતી જાય છે.
🌟 ૩૬. ૠષિનું કુળ અને નદીનું મુળ જાણવા પ્રયત્નો કરવા નહિ.
🌟 ૩૭. જે ભૂખ વગર ખાય છે, તે વહેલો મરે છે.
🌟 ૩૮. દુર્જનોનું બળ હિંસા છે.
🌟 ૩૯. મઘુરવાણી ઔષધ છે, કટુવાણી રોગ છે.
🌟 ૪૦. બધા તીર્થોની કરેલી યાત્રા કરતાં, જીવદયા ચડિયાતી છે.
🌟 ૪૧. પોતાના ઉપયોગ માટે મેળવેલ અનાજ, દહીં, મીઠું, મધ, તેલ, ઘી, તલ, કંદમૂળ, શાકભાજી, લાલ વસ્ત્રો અને ગોળ – આ ૧૧ વસ્તુઓ કોઈને વેચવી નહિ.
🌟 ૪૨. સાપ, રાજા, શત્રુ, ભોગી, લેણદાર, સ્ત્રી અને પોતાનું શરીર – આટલા સાત ઉપર કદી આંધળો વિશ્વાસ મૂકવો નહિ.
🌟 ૪૩. સ્નાન કરવાથી રૂપ, બળ, સ્વર, શોભા, સ્વચ્છતાના લાભ પ્રાપ્ત થાય છે.
🌟 ૪૪. જે સેવક આજ્ઞાનું પાલન કરવાને બદલે, વ્યર્થ દલીલબાજી કરતો હોય, તેને વિના વિલંબે પાણીચું આપી દેવું જોઈએ.
🌟 ૪૫. જે માણસ જેવો વ્યવહાર કરે છે, તેવો જ વ્યવહાર તેની સાથે કરવો.
🌟 ૪૬. હણે તેને હણવામાં પાપ નથી.
🌟 ૪૭. કોઈની વગર કારણે નિંદા કરવી, કોઈ વાતને મૂળ કરતાં વધારીને કહેવી અને કર્કશ વાણી ઉચ્ચારવી – આ ત્રણ દુર્ગુણ, દુઃખ વધારે છે.
🌟 ૪૮. જ્યાં અતિથિનો આવકાર થાય છે, જે પરિવારમાં મઘુર સંવાદ થાય છે, સંતોષકારક ભોજન થાય છે, તેમજ સેવા થાય છે ત્યાં સદાકાળ લક્ષ્મી છે.
🌟 ૪૯. જ્ઞાનથી અભય, તપથી ગૌરવ, ગુરુસેવાથી જ્ઞાન અને યોગથી શાંતિ મળે છે.
🌟 ૫૦. દિવસે એવુંને એટલું કામ કરવું કે રાત્રે તુરંત જ ઊંઘ આવી જાય.
🌟 ૫૧. જે સભામાં વૃદ્ધ નથી, તે સભા નથી; જે ધાર્મિક નથી, તે જ્ઞાનવૃદ્ધ નથી અને જેમાં સત્ય નથી, તેમાં કોઈ ધર્મ નથી.
🌟 ૫૨. નાશ પામેલી કોઈપણ વસ્તુનો કોઈ શોક નથી કરતાં, તે પંડિત છે.
🌟 ૫૩. માણસને જે વહાલું હોય છે, તેના અવગુણ દેખાતા નથી અને જે અળખામણું હોય છે, તેના સદગુણો દેખાતા નથી.
🌟 ૫૪. પર્વતની ટોચ ઉપર, ઘરમાં, એકાન્ત સ્થળે, નિર્જનસ્થાન કે વનમાં, નદી કે સમુદ્ર કિનારે, કોઈ ધર્મસ્થાનમાં, જ્યારે સમય મળે ત્યારે બેસી આત્મમંથન કરવું.

************************************************************************
વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો (ભાગ - ૨) 
-----------------------------------------------------
🌟 ૫૫. કલ્યાણ ઈચ્છનારે ક્યારેય કુટુંબમાં કજિયો કે કંકાસ કરવાં નહિ.
🌟 ૫૬. જે વૃક્ષ ઉપર ફળફૂલ બેસતાં નથી, તેનો પક્ષીઓ ત્યાગ કરી દે છે. તેમ મરેલાં માણસનો સગાવહાલાં તુરંત જ ત્યાગ કરી દે છે.
🌟૫૭. જે ભાગ્યમાં લખેલું છે, તે ક્યારેય મિથ્યા થતું નથી.
🌟 ૫૮. જયારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે સંકોચ વગર વડીલોનું માર્ગદર્શન મેળવો.
🌟 ૫૯. કારણ વગર જ બીજાના દોષો જોવા- કહેવા એ મહામૂર્ખતા છે.
🌟 ૬૦. દૂધ, ફળ, દવા, પાણી, કંદમૂળ, કોઈપણ દેવી કે દેવતાનો પ્રસાદ લેવાથી ઉપવાસ કે વ્રતભંગ થતો નથી.
🌟 ૬૧. માતા-પિતા, પ્રભુ અને ગુરુને પગે લાગવાથી આયુષ્ય, વિદ્યા, યશ વધે છે.
🌟 ૬૨. શુભ કાર્યો કરવાના સંકલ્પ સમયથી જ સંજોગો સુધરવાનું શરૂ થઈ જાય છે.
🌟 ૬૩. કોઈપણ પ્રયોજન વગર, કોઈ પણ પ્રવાસ કરવો નહિ.
🌟 ૬૪. જે પોતાનાં વખાણ (આત્મશ્લાધા) જ કરે છે, તે બધે અળખામણો બને છે.
🌟 ૬૫. જીવનમાં જે માત્ર થોડાં લાભથી જ સંતુષ્ટ થઈ જાય છે, તે મહામૂર્ખ છે.
🌟 ૬૬. કુટુંબનું ભલું થતું હોય તો કુટુંબની ખરાબ વ્યક્તિનો તુર્ત ત્યાગ કરી દેવો, ગામનું ભલું થતું હોય તો પરિવારનો, દેશનું ભલું થતું હોય તો ગામનો અને આત્માની જો મુક્તિ થતી હોય તો પૃથ્વીનું રાજ પણ છોડી દેવું.
🌟 ૬૭. જે ઘેરથી અતિથિ નારાજ-નિરાશ થઈ જાય છે, તે ઘરનું પુણ્ય નાશ પામે છે.
🌟 ૬૮. ક્રોધને શાંતિથી, દુર્જનને સૌજન્યથી, કંજૂસને દાનથી, અસત્યને સત્યથી, મા-બાપને સેવાથી, પત્નીને પ્રેમથી અને પતિને સ્વાદિષ્ટ ભોજનથી જીતવાં.
🌟 ૬૯. જેમ ઉચ્ચ કુળમાં જન્મેલ નીચ બની શકે છે, તેમ નીચ કુળનો ઉચ્ચ બને છે.
🌟 ૭૦. જે અન્ન સારી રીતે પચી જતું હોય, તે જ માણસે ગ્રહણ કરવું.
🌟 ૭૧. કાચાં ફળ તોડી લેનાર, ફળની અસલ મીઠાશ માણી શકતો નથી.
🌟 ૭૨. નપુસંકને જેમ કોઈ સ્ત્રી પ્રેમ કરતી નથી, તે રીતે જે રાજા કે સ્વામી કે માલિકની કૃપા અને ક્રોધ જો વાંઝિયો હોય તો તેનો બધાં જ ત્યાગ કરે છે.
🌟 ૭૩. જે ધાતુ તપાવ્યા વિના જ વળી જાય છે, તે ધાતુને તપવું પડતું નથી.
🌟 ૭૪. જેને કકડીને ભૂખ લાગે છે, તેને રોટલો પણ મિષ્ટાન્ન છે. પરંતુ જેને ભૂખ જ લાગતી નથી, તેના માટે મિષ્ટાન્ન પણ વ્યર્થ છે.
🌟 ૭૫. કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જેનો કાબૂ નથી, તે શ્રેષ્ઠ ‘ગુલામ’ છે.
🌟 ૭૬. સત્યથી ધર્મનું, સતત અભ્યાસથી વિદ્યાનું, સાદગી અને સુઘડતાથી સૌંદર્યનું અને સદગુણોથી કુળનું રક્ષણ થાય છે.
🌟 ૭૭. અધર્મથી હજુ સુધી કોઈને સિદ્ધિ મળ્યાનું સાંભળ્યું નથી.
🌟 ૭૮. શાન્તિ માટે ક્ષમા, સુખ માટે સમાધાન, કલ્યાણ માટે ધર્મ શ્રેષ્ઠ ઉપાય છે.
🌟 ૭૯. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ નર્કનાં દ્વાર છે.
🌟 ૮૦. સત્ય, દયા, તપ, અહિંસા, અચૌર્ય અને અપરિગ્રહ એ સ્વર્ગના દ્વાર છે.
🌟 ૮૧. નશાબાજ, પાગલ, કામી, લોભી, અભિમાની, ક્રોધી, ઉતાવળિયો, બીકણ, આળસુ અને બહુ બોલનારનો કયારેય સંગ ના કરવો.
🌟 ૮૨. હમેશાં પ્રસંગને અનુરૂપ પહેરવેશ ધારણ કરવો.
🌟 ૮૩. જેવો પ્રશ્ન હોય, તેવો જ જવાબ આપો.
🌟 ૮૪. જે બીજાના સુખે સુખી થાય છે, તે સજ્જન છે. પણ જે બીજાના દુઃખે દુઃખી થાય છે, તે સંત છે.
🌟 ૮૫. જે શુભ કાર્યોમાં પોતાનાથી ચડિયાતાને આગળ રાખે છે, તે સફળ થાય છે.
🌟 ૮૬. સમય આવ્યે જે શત્રુને પણ મદદ કરે છે, તેને ત્યાં અનર્થો આવતા નથી.
🌟 ૮૭. બધાં તહેવારોમાં શક્તિ મુજબ જે પરિવારનું ઘ્યાન રાખે છે, તે સુખી છે.
🌟 ૮૮. જેમ અગ્નિ ઈંધણથી સંતુષ્ટ નથી, તેમ કામી પુરુષ સ્ત્રીઓથી ધરાતો નથી.
🌟 ૮૯. વિદ્યાર્થીને સુખ ક્યાંથી અને સુખાર્થીને વિદ્યા ક્યાંથી ?
🌟 ૯૦. ધનનું મુખ્ય પ્રયોજન જ દાન અને ભોગ છે.
🌟 ૯૧. જે ગાય સહેલાઈથી દોહવા દેતી નથી, તેને બહુ માર ખાવો પડે છે.
🌟 ૯૨. ફૂલમાંથી જે રીતે ભ્રમર મધ લે છે, રાજાએ એ રીતે પ્રજા પાસેથી કર લેવો.
🌟 ૯૩. રાજનીતિમાં ધર્મ જરૂરી છે, પણ ધર્મમાં રાજનીતિની જરૂર નથી.
🌟 ૯૪. પોતાનું જરૂરી કામ પડતું મૂકી, બીજાનું કામ કરવા દોડી જાય, તે મહામૂર્ખ છે.
🌟 ૯૫. કોઈપણ પ્રસંગમાં આમંત્રણ વગર જે દોડી જાય છે, તે અપમાનિત થાય છે.
🌟 ૯૬. દૂરદર્શિતા, કુલીનતા, ઈન્દ્રિયનિગ્રહ, સ્વાઘ્યાય, પરાક્રમ, મિતભાષણ, દાન અને કૃતજ્ઞતા – આ આઠ ગુણો મનુષ્યને યશસ્વી બનાવે છે.
🌟 ૯૭. આળસ, માદક દ્રવ્યોનું સેવન, વાતોડિયો સ્વભાવ, પરિવારની માયા, ધગશનો અભાવ, લાલચ, ચંચળતા અને અહંકાર – આ આઠ દુર્ગુણો હોય ત્યાં ક્યારેય વિદ્યા કે વિદ્યાર્થીનો વિકાસ થતો નથી.
🌟 ૯૮. જે આસ્તિક છે, તે પંડિત છે.
🌟 ૯૯. ન ગમાડવા જેવા લોકોને ગમાડે છે, ગમાડવા જેવાનો ત્યાગ કરે છે, તે મૂર્ખ છે.
🌟 ૧૦૦. જે દુર્જનનો આદર સત્કાર કરતો નથી, તેને યશ અને મહત્તા મળે છે.
🌟 ૧૦૧. ધન, પુત્ર, સદગુણી પત્ની, આજ્ઞાંકિત પુત્ર, નિરોગી શરીર અને વિદ્યા – સુખ આપે છે.
🌟 ૧૦૨. સુપાત્રને દાન આપવું, એ ધનની પ્રતિષ્ઠા છે.
🌟 ૧૦૩. બધાં જ ‘ઘા’ની દવા છે, પણ કટુવાણીના ‘ઘા’ની કોઈ દવા નથી.
🌟 ૧૦૪. બુદ્ધિથી પાર પડાતાં કાર્યો શ્રેષ્ઠ, બળથી મઘ્યમ અને કપટથી અધમ હોય છે.
🌟 ૧૦૫. બોલવા કરતાં મૌન શ્રેષ્ઠ છે અને મૂંગા રહેવા કરતાં, સાચું બોલવું શ્રેષ્ઠ છે.
🌟 ૧૦૬. એકલું અટૂલું ઊગેલું સુદ્દઢ મૂળવાળું વૃક્ષ પણ ઊખડે છે, તેવું માણસનું પણ છે.
🌟 ૧૦૭. યાન, વિગ્રહ, આક્રમણ, આસન, સંધિ, શત્રુતા, સમાશ્રય એ રાજનીતિ છે.
🌟 ૧૦૮. જે તદ્દન નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે, તેને અનાયાસે અપાર સુખ મળે છે.

(સંપૂર્ણ)

(ઇન્ટરનેટ પરથી)