Sunday, March 31, 2019

બસ ડ્રાઇવર તમારો પિતા હોય તો તમારે બસસ્ટોપની ચિંતા કરવાની જરૂર નથી

      એક છોકરો બસની રાહ જોતો માર્ગમાં વચ્ચે ઉભો હતો જ્યાં એ બસ થોભતી નહોતી. ત્યાંથી પસાર થઈ રહેલા એક ભલા માણસે તેને સલાહ આપી, "બેટા, મને લાગે છે કે તું બસની રાહ જોઈ રહ્યો છે. પણ બસ અહીં વચ્ચે થોભતી નથી. તું થોડો આગળ જઈ જમણી બાજુએ બસસ્ટોપ છે ત્યાં જઈ બસની વાટ જો. બસ ત્યાં જ થોભશે."
     "હું અહીં જ ઉભો રહી બસની રાહ જોઈશ અને બસ મારા માટે અહીં જરૂર થોભશે." છોકરાએ જવાબ આપ્યો. પેલા માણસે ફરી એ છોકરાને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ છોકરો ટસનો મસ ન થયો. ત્યાં જ બસ આવી. નવાઈની વાત એ બની કે બસ એ છોકરો ઉભો હતો ત્યાં થોભી! અને એ છોકરો બસમાં ચડયો ય ખરો! પેલો માણસ તો આ ઘટના જોઈ આભો જ બની ગયો. ત્યાં પેલા છોકરાએ બસમાંથી બહાર ડોકિયું કરી એ માણસને જણાવ્યું કે "મને ખબર જ હતી કે બસ અહીં ચોક્કસ ઉભી રહેશે કારણકે બસના ડ્રાઇવર મારા પપ્પા છે!"
      જ્યારે બસનો ડ્રાઇવર તમારા સગામાં હોય ત્યારે તમારે બસસ્ટોપની ચિંતા કરવાની જરૂર પડતી નથી. જ્યારે તમે તમારું હ્રદય રાજાધિરાજને સોંપ્યું હોય ત્યારે અકથ્ય લાભો ધરાવતા રજવાડી પરિવાર સાથે તમે નાતો જોડ્યો છે એમ જાણવું. આ વાર્તાનો સાર એ છે કે જ્યારે તમે બસડ્રાઇવર ને જાણતા હોવ ત્યારે જીંદગીની બસ ગમે તે મુકામેથી પકડી શકો છો. લોકોને અશક્ય લાગે એવી જગાએથી પણ એ ડ્રાઇવર (ઇશ્વર) તમને બસમાં ચડાવી દેશે.
     ભલે તમે બેરોજગાર હોવ, ભગ્નહ્રદયી હોવ, કુંવારા હોવ કે પરિણીત, બાળબચ્ચા વગરના હોવ કે છૂટાછેડા લીધેલ કે પછી વિધુર કે વિધવા. શરત એટલી છે કે તમે તેને જાણતા હોવા જોઈએ. તેને, જે આપણે સૌ વિચારી શકીએ કે જેની કલ્પના કરી શકીએ એથી પણ અનેક ગણું વધારે અને સારું કરી શકવાની ક્ષમતા ધરાવે છે. બસ, તે તમારો પિતા હોવો જોઈએ. તમને લાભ તો જ મળે જો તમે એની સાથે સંબંધ ધરાવતા હોવ.
       તમારા પિતા સાથેની બસ સફર માણો! ઇશ્વર સર્વજ્ઞ છે, એ હંમેશા શ્રેષ્ઠ હોય એ જ કરે છે અને એ સદાયે (તમારા માટે) શ્રેષ્ઠ હોય એ જ તમને આપે છે. તમે તેના ચહીતા બની રહો અને તેની પરમ કૃપા તમને પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના...

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment