Monday, March 18, 2019

સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ

   રામકૃષ્ણ મિશનના એક સંતનો ઇન્ટરવ્યૂ ન્યૂયોર્કના એક પત્રકાર દ્વારા લેવાઈ રહ્યો હતો. પહેલેથી તૈયારી કર્યા મુજબ પત્રકાર સંતને પ્રશ્નો પૂછી રહ્યો હતો. 
    પત્રકાર - "સર, તમારા ગત પ્રવચનમાં તમે અમને જોગાજોગ (સંપર્ક) અને સંજોગ (જોડાણ) અંગે કહ્યું હતું. પણ એ મૂંઝાવનારું છે. તમે એ ફરી થોડું વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકશો? "
     સંતે સસ્મિત પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે પત્રકારને પ્રતિ પ્રશ્ન કર્યો, "શું તમે ન્યૂયોર્કથી આવો છો?" પત્રકારે હકારમાં જવાબ આપ્યો.
     સંત - "તમારે ઘેર કોણ કોણ છે?"
પત્રકારને લાગ્યું કે સંત તેનો પ્રશ્ન ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ તેમનો આ સામો પ્રશ્ન અતિ અંગત અને બિનઅપેક્ષિત અને બિનજરૂરી જણાતો હતો.
આમ છતાં પત્રકારે જવાબ આપ્યો," મારી માતા મૃત્યુ પામી છે. પિતા હયાત છે. મારા ત્રણ ભાઈઓ અને એક બહેન છે જે બધાં પરણેલા છે."
      સંતે મુખ પરનું સ્મિત જાળવી રાખતા પૂછ્યું, "શું તમે તમારા પિતાજી સાથે વાતચીત કરો છો?"
      પત્રકારના મુખ પર સ્પષ્ટ દેખાય એવા અણગમાના ભાવ ઉપસી આવ્યાં. સંતે આગળ ચલાવ્યું, "તેમની સાથે તમે છેલ્લે ક્યારે વાત કરી હતી?"
પત્રકારે પોતાની નારાજગી દબાવી જવાબ આપ્યો, "કદાચ એક મહિના પહેલા."
      સંતે નવો પ્રશ્ન પૂછ્યો, "તમે બધાં ભાઈ - બહેન વારે ઘડીએ મળો છો? તમારા પરિવારનું સમૂહ મિલન છેલ્લે ક્યારે મળ્યું હતું? “
      હવે પત્રકારના કપાળે પરસેવાના ટીપાં બાઝી ગયાં. ઇન્ટરવ્યૂ કોણ લઈ રહ્યું હતું પત્રકાર કે સંત? એમ લાગતું હતું કે જાણે સંત પત્રકારનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હોય!
     નિસાસા સાથે પત્રકારે જવાબ આપ્યો, "બે વર્ષ અગાઉ અમે બધાં સાથે નાતાલ વખતે મળ્યાં હતાં."
સંતે પૂછ્યું, "કેટલાં દિવસ તમે બધાં સાથે રહ્યાં હતાં?"
     પત્રકારે કપાળ પરથી પરસેવો લૂછતાં જવાબ આપ્યો, "ત્રણ દિવસ..."
સંતે પૂછ્યું, "તમારા પિતાની બરાબર બાજુમાં બેસીને તમે કેટલો સમય પસાર કર્યો હતો? “
     પત્રકારે હવે મૂંઝારો અને શર્મિંદગી અનુભવતા કાગળ પર કંઈક લખવાનું શરૂ કર્યું.
સંતના પ્રશ્નોનો જાણે અંત જ નહોતો આવતો! તેમણે પૂછ્યું," તમે સવારનો નાસ્તો, બપોરનું જમણ કે રાત્રિનું ભોજન સાથે લીધા હતા? તમે તેમને પૂછ્યું હતું કે તેઓ કેમ છે? તમે તેમને પૂછ્યું હતું કે તમારી માતાના અવસાન પછી તેમનો સમય કઈ રીતે પસાર થઈ રહ્યો છે?"
      પત્રકારની આંખોમાંથી અશ્રુની સરવાણી વહી રહી.
     સંતે પત્રકારનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું," દુ:ખી કે નારાજ ન થાઓ. જો મેં અજાણતા તમને દુભવ્યા હોય તો હું એ બદલ દિલગીર છું, મને માફ કરી દેશો...
    પણ આ તમારા જોગાજોગ અને સંજોગ(સંપર્ક અને જોડાણ) અંગે ના પ્રશ્ન નો જવાબ છે. તમારો તમારા પિતા સાથે સંપર્ક છે પણ તમારું તેમની સાથે જોડાણ નથી. તમે તેમની સાથે જોડાયેલા નથી. જોડાણ હ્રદયથી હ્રદય સાથેનું  હોય છે. સાથે બેસવું, સાથે જમવું, એકમેકની કાળજી કરવી, સ્પર્શ, હાથ મિલાવવો, આંખમાં આંખ મિલાવવી, સાથે સમય પસાર કરવો... આ બધું જોડાણમાં હોય છે. તમે બધાં ભાઈ-બહેન પણ સંપર્કમાં છો, પણ તમારી વચ્ચે જોડાણ નથી.
      પત્રકારે આંખો લૂંછતાં કહ્યું, "મને આ ક્યારેય ન ભૂલી શકાય એવો સુંદર પાઠ શીખવવા બદલ તમારો ખૂબ આભાર."
       આ આજના સમયની વાસ્તવિકતા છે. ઘરમાં કે સમાજમાં બધાં સંપર્કમાં હોય છે પણ તેઓનું એકમેક સાથે જોડાણ હોતું નથી. તેમની વચ્ચે સંવાદ નથી સધાતો, દરેક પોતપોતાની દુનિયામાં ડૂબેલા હોય છે.
ચાલો, આપણે સંકલ્પ કરીએ કે માત્ર સંપર્કો ન વધારતા, આત્મીયજનો સાથે જોડાણ સાધીશું,તેમની કાળજી કરીશું, તેમની સાથે સુખ દુઃખ વહેંચીશું અને તેમની સાથે સમય વ્યતિત કરીશું.
આ સંત એ બીજું કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદ હતાં.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment