Saturday, March 9, 2019

પડતું મૂકો

      એક વાર એક કાગડો ખોરાકનો ટુકડો ચાંચ માં પકડી શાંતિથી બેસીને ખાઈ શકાય એવી જગા શોધતો અહીં-તહીં ઉડી રહ્યો હતો. તેની પાછળ સમડીઓનું એક ટોળું પડયું અને કાગડો થોડો અસ્વસ્થ થઈ વધુ ને વધુ ઉંચે ઉડવા માંડ્યો. પણ સમડીઓએ બિચારા કાગડાનો પીછો છોડ્યો નહીં.
      ત્યાં જ એક ગરુડને કાગડાની આંખમાંના ભય અને ઉચાટ નજરે પડ્યા અને તેણે કાગડાની બાજુમાં ઉડતા ઉડતા પહોંચી જઈ પૂછ્યું, "શું વાત છે, તારી આંખોમાં ભારે થાક, ચિંતા અને નિરાશા દેખાય છે?"
     કાગડાએ જવાબ આપ્યો, "આ સમડીઓ જુઓ ને, મારા જીવની પાછળ પડી છે."
      ગરુડ તો રહ્યું શાણપણનાં ભંડાર સમુ પક્ષી! તેણે કાગડાને સલાહ આપી, "હે મિત્ર, તેઓ તારી જાનની પાછળ નથી. તેઓ તારી ચાંચમાં તે પકડેલા માંસના ટુકડા પાછળ છે. એ છોડી દે અને જો શું થાય છે!"
        કાગડાએ ગરુડની સલાહ અનુસાર માંસનો ટુકડો ચાંચમાંથી છોડી દીધો અને બધી સમડીઓ કાગડાનો પીછો છોડી એ નીચે પડી રહેલા માંસના ટુકડા પાછળ ભાગી!
      ગરુડે સ્મિત કરતા કહ્યું, "વેદના કે દુ:ખોનું પણ આવું જ છે. જ્યાં સુધી તમે એને પકડી રાખો ત્યાં સુધી એ તમને પીડે છે. એમને પડતા મૂકી દો!"
       કાગડાએ ગરુડને નમન કરતા કહ્યું, "મેં એ માંસનો ટુકડો પડતો મૂકી દીધો અને હવે હું નિશ્ચિંત થઈ વધુ ઉંચે ઉડી શકું છું!"
        આ વાર્તામાં આપણાં બધાં માટે એક સંદેશ છે :
    લોકો અહમ્ નામના મસમોટા ભારનો બોજો સહન કરતાં હોય છે જેના કારણે તેમની એક આભાસી છબી સર્જાય છે. આના કારણે આપણે કહીએ છીએ મને પ્રેમ જોઈએ છે, મને આમંત્રણ મળવું જોઈએ, હું ફલાણો છું - ઢીંકણો છું... પડતું મૂકો.
      બીજાઓની ચેષ્ટાઓ દ્વારા આપણે રોષે ભરાતા હોઈએ છીએ - જે મિત્રો, માતાપિતા, સંતાનો, સહ કર્મચારીઓ, જીવનસાથી કોઈ પણ હોઈ શકે છે. તેમના વર્તનથી અસર પામી આપણે ક્રોધિત થઈ જઈએ છીએ. પડતું મૂકો.
      આપણે સતત આપણી જાતની સરખામણી અન્યો સાથે કરતા રહીએ છીએ, સૌંદર્ય બાબતે, સંપત્તિ બાબતે, જીવન શૈલીની દ્રષ્ટિએ, પરીક્ષામાં મેળવેલ માર્કસ, નોકરીમાં મળેલ બઢતી કે કૌશલ્યને લઈને. ઈશ્વરે આપણને જે આપ્યું છે તે બદલ આપણે તેનો આભાર માનવો જોઈએ. સરખામણીને, નકારાત્મક લાગણીઓને પડતાં મૂકો.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment