Sunday, April 7, 2019

મૂલ્યોની અદલાબદલી

       મને વહેલી સવારે ૪ વાગે એક સપનું આવ્યું અને હું સફાળો જાગી ગયો. હું એક અતિ ભવ્ય અને મોટા શોપીંગ મોલમાં હતો. મારે મોજાની એક જોડ અને ગળામાં પહેરવાની ટાઇ ખરીદવા હતાં. હું એક દુકાનમાં દાખલ થયો અને મેં એક સ્વેટર જોયું જેના પર પ્રાઇઝ ટેગ લગાડેલું હતું નવ હજાર રૂપિયાનું. બાજુમાં એક જીન્સ હતું દસ હજાર રૂપિયાના પ્રાઇઝ ટેગ સાથે અને મોજા આઠ હજાર અને ટાઇ સોળ હજાર રૂપિયાના પ્રાઇઝ ટેગ સાથે!
        મારી નજર કોઈ સેલ્સમેનને શોધવા માંડી જેની સાથે હું આ અસામાન્ય ભાવો અંગે ચર્ચા કરી શકું. એક સેલ્સમેન મને કાંડા - ઘડિયાળ વાળા કાઉન્ટર પર જોવા મળ્યો જે એક ગ્રાહકને સવા બસો રૂપિયાની રોલેક્સ ઘડિયાળ વેચી રહ્યો હતો. બાજુના એક અન્ય કાઉન્ટર પર કાચના ખાનામાં ઝગારા મારતી સાચા હીરાની વીંટી માત્ર પંચાણુ રૂપિયાના પ્રાઇઝ ટેગ સાથે વેચવા મૂકેલી જોવા મળી.
       આભા બની ગયેલા મેં સેલ્સમેનને પૂછ્યું, "રોલેક્સની ઘડિયાળ અહીં કઈ રીતે સવા બસો રૂપિયામાં અને મામૂલી મોજાંની જોડ આઠ હજાર રૂપિયામાં વેચવામાં આવે છે?"
તેણે જવાબ આપ્યો, "ગઈ કાલે રાત્રે કોઈકે દુકાનમાં પ્રવેશી બધી ચીજ વસ્તુઓના પ્રાઇઝ ટેગ્‌સની અદલાબદલી કરી નાંખી છે. ત્યારથી બધા મૂંઝાયેલા છે. લોકો એ રીતે વર્તી રહ્યાં છે જાણે તેઓ સાચા ભાવનાં મૂલ્ય અંગેનું ભાન ભૂલી બેઠાં હોય. તેઓ સાવ મામૂલી ચીજ માટે મસમોટી કિંમત ખર્ચવા તૈયાર છે અને અતિ મોંઘી, મૂલ્યવાન ચીજ સાવ નજીવા ભાવે ખરીદવા રાજી થઈ ગયા છે. એમ લાગે છે જાણે તેમને ખબર જ નથી કે શું મૂલ્યવાન હોવું જોઈએ અને શું નહીં. ભગવાન કરે ને બધાં પ્રાઇઝ ટેગ્‌સ ફરી યથાવત તેમના યોગ્ય સ્થાને આવી જાય. લોકોને આમ સાવ સસ્તી ચીજ આસમાની ભાવે ખરીદતા જોઈ મને દયા આવે છે. "
... અને હું સફાળો જાગી ગયો! મને વિચાર આવ્યો કે આપણાં જીવનની સ્થિતી પણ કદાચ આ સ્વપ્ન જેવી જ છે. કોઈકે આપણા જીવનમાં આવી સઘળાં પ્રાઇઝ ટેગ્‌સ આમતેમ ફેરવી નાખ્યાં છે.
     સ્પર્ધા, સત્તા, પદવીઓ, ખ્યાતિ, બઢતી, દેખાવ, પૈસા અને સમાજમાં સ્થાન જેવી બાબતોનું મૂલ્ય ઘણું વધારી દેવાયું છે અને સુખ, પરિવાર, સંબંધો, માનસિક શાંતિ, સંતોષ, પ્રેમ, જ્ઞાન, દયા અને મિત્રતા જેવી સારી વાતો પર મસમોટું ડિસ્કાઉંટ મૂકી દેવાયું છે.
     આપણે સૌ મેં જોયેલું સ્વપ્ન જીવી રહ્યાં છીએ... હું આશા રાખું છું કે આપણે સૌ સમયસર જાગી જઈએ....

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment