Saturday, March 2, 2019

કાળજી કે નિયંત્રણ??

      હું એક મધ્યમ વયના યુગલનું કાઉન્સેલિંગ કરી રહ્યો હતો. તેઓ મારી સામે પણ ઝગડી રહ્યા હતા. દુ:ખી પતિ કહે, "જુઓ ડૉક્ટર, હું એની કેટલી કાળજી રાખું છું અને એ તેનો બદલો આવી રીતે વાળે છે."
પત્ની ધૂંઆપૂંઆ  થતી બોલી, "એ કાળજી ક્યાં કરે જ છે, એ તો નિયંત્રણ કરે છે!" 
એક વ્યક્તિ માટે કાળજી બીજી વ્યક્તિ દ્વારા નિયંત્રણ તરીકે જોવાય છે!
     આ વાતે મને વિચારે ચડાવી દીધો...કાળજી શું છે અને નિયંત્રણ શું છે ? બંને વચ્ચેનો ફરક કેવી રીતે પારખી શકાય?
   મને તરત જવાબ પણ મળી ગયો!
   મારી કિશોર વયની દિકરી સાથે સાવ ક્ષુલ્લક શિસ્ત બાબતે મારી બોલાચાલી થઇ. અમે બંને એક બીજાને ન બોલવાના શબ્દો બોલી બેઠા અને બંને પસ્તાયા.
     થોડા સમય બાદ જ્યારે આવેશ ઓસરી ગયો, અમે એકબીજાની માફી માંગી. મારી દિકરી મને ભેટી અને તેણે કહ્યું, "પપ્પા તમે જાણો છો તમે કેમ નારાજ થઈ ગયા હતા? મેં ખોટું કર્યું એ વાતે તમે નારાજ નહોતા, પણ મેં તમારું કહ્યું ન માન્યું એ બાબતે તમને નિરાશ કરી દીધા. બંને વચ્ચે ઘણો ફરક છે."
     તેના આ પાકટ વિચારોએ મને આશ્ચર્યચકિત કરી મૂક્યો. મને મારો જવાબ પણ મળી ગયો. હું તેને કાળજીના ઓઠા હેઠળ નિયંત્રણમાં રાખવા પ્રયત્ન કરી રહ્યો હતો. જેના કારણે વિખવાદ પેદા થયો હતો.
     જો હું કોઈની ખરેખર કાળજી કરતો હોઉં તો તેના પ્રત્યે ગુસ્સે કે નારાજ થાઉં નહીં. હું તેને મદદ કરવાના નવા નવા માર્ગો શોધતો રહીશ.
       જો મારો કોઈ પણ સંબંધ સંઘર્ષપૂર્ણ તબક્કા માંથી પસાર થઈ રહ્યો હોય તો મારે બારીકાઈથી એ ચકાસવાની જરૂર છે કે મારી સ્વભાવિક જણાતી કાળજી પાછળ છૂપું નિયંત્રણ તો નથી ને? કારણ...
કાળજી એ પ્રેમની અભિવ્યક્તિ છે જ્યારે નિયંત્રણ અહંની...
નિયંત્રણ કાપે છે... કાળજી જોડે છે...
નિયંત્રણ જખમ આપે છે... કાળજી જખમ રૂઝવે છે...
લોકોની કાળજી  કરતા રહો પણ તેમને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરશો નહીં કારણ
લોકો ખોટા નથી હોતા, માત્ર જુદા હોય છે...
કાળજી  કરતા રહો...

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment