Saturday, March 2, 2019

પ્રેમ વિશે... ❤

વેલેંટાઈન ડે નજીકમાં છે ત્યારે ચાલો આજે ઇન્ટરનેટ કોર્નર માં પ્રેમ વિશેના કેટલાક અલગ વિચારો મમળાવીએ...

તમારી જાતને એટલો તો પ્રેમ કરો જ કે જેથી તમે તમારા જીવનની એ બાબતોને ઓળખી શકો જે તમને પસંદ ન હોય અને એ બદલવાની હિંમત તમે કેળવી શકો.

હું મારી જાતને એક બુદ્ધિશાળી અને સુંદર એવા જાજરમાન વ્યક્તિ તરીકે જોઉં છું અને હું મારામાં જે જોઉં છું તેને હું પ્રેમ કરું છું.

વ્યક્તિની સૌથી કિંમતી જણસ તેનું જ્ઞાનથી ભરેલું મગજ નથી, પણ બીજાને સાંભળવા અને મદદ કરવા તૈયાર એવા પ્રેમથી ભરેલું હ્રદય છે.

મારી જાતને અરીસામાં જોઈ "હું તને ચાહું છું, હું તને ખરેખર ખૂબ ચાહું છું" એમ હું સરળતાથી કહી શકું છું. જ્યારે તમે અરીસામાં તમારી જાત સાથે આંખ મેળવવામાં મુશ્કેલી અનુભવતા હોવ ત્યારે યાદ રાખો અને એ વાતનું રટણ કરો કે અરીસો અને એમાં દેખાતી વ્યક્તિ તમારા શ્રેષ્ઠ મિત્રો છે.

જ્યારે આપણે આપણી પોતાની જાતને સૌથી ઓછી ચાહતા હોઈએ છીએ ત્યારે એ ક્ષણો જ હોય છે જે આપણાં જીવનમાં ખોટી વસ્તુઓને સૌથી વધુ આકર્ષે છે.

જ્યારે તમે એકલતા, નિરાશા અને કોઈ તમને ચાહતું નથી એવી નકારાત્મક લાગણી અનુભવો ત્યારે તમારી જાતને યાદ અપાવો કે તમારા વ્યક્તિત્વના કેન્દ્રમાં અખૂટ પ્રેમનો એક અનંત કૂવો છે, તમને સફળ અને સુખી જીવન જીવવા કોઈ બાહ્ય પ્રેમના આધારની જરૂર નથી.

તમે જેવા છો તેનો તમે પોતે સ્વીકાર કરો અને પછી જૂઓ તમે કેવા ચમત્કાર સર્જી શકો છો.

માત્ર પૈસો જ સમૃદ્ધિ નથી; સંબંધો, સુખ અને પ્રેમ માં બધે જ સમૃદ્ધિ રહેલી છે.

રટણ કરો કે હું પ્રેમ પામું છું, હું શાંત, સંતોષી અને સુખી છું. હું સુંદર છું અને બધાનો પ્રેમ પામું છું.

માણસ ની મોટામાં મોટી જરૂરીયાત છે ગણના પામવાની, કોઈના દ્વારા ચાહના પામવાની. જ્યારે કોઈને ચાહના પામ્યાનો અનુભવ થાય છે, ભલે પછી એ પોતાની જાત દ્વારા જ ચાહના પામ્યાનો અનુભવ કેમ ન હોય, ત્યારે ઘણી મોટી રાહત અને સુરક્ષિતતા અનુભવાય છે.

શાંતિ પામવા માટે નો શ્રેષ્ઠ માર્ગ છે પ્રેમ આપતા અને સ્વીકારતા રહો.

તમને સાંભળતા આવડે તો, આઈ લવ યુ કહેવાના અનેક પર્યાય છે : તમારો સીટ બેલ્ટ બાંધી લો, આજે રજા લઈ લો, તમે ખાધું? વગેરે..

તમે કેટલા સુંદર છો તેનો આધાર તમે પોતાને કેટલા સુંદર માનો છો તેના પર છે.

શું તમને બધે સુંદરતાના દર્શન થાય છે? જ્યારે તમે સુંદરતા બાબતે સમૃદ્ધિ અનુભવતા હોવ ત્યારે તમે સહસા આકર્ષક અને પ્રેમ પામવાને લાયક બની રહેતા હોવ છો.

હું અદ્ભુત લોકો માટે અને સાથે કામ કરું છું, હું મારા કામ - નોકરી કે ધંધા ને ખૂબ પ્રેમ કરું છું.

જો તમને આ વાત માનવામાં અઘરી જણાતી હોય તો તમારી આસપાસના લોકોનો આભાર તમે શા માટે વ્યક્ત કરી શકો એ વિચારવા માંડો.

હું જ્યાં જાઉં છું, ત્યાં પ્રેમ પામું છું.

પ્રેમ જોઈ પણ શકાય છે અને અદ્રશ્ય પણ છે.

અંદર જે છે તે બાહ્ય નું નિર્માણ કરે છે. તમારી અંદર પ્રેમ હોય તો એ બધે ફેલાય છે અને પછી તમે જાણતા પણ ન હોવ એ રીતે તે તમારી પાસે પાછો ફરે છે.

મારા જીવનમાં મને મળેલા પ્રેમ બદલ હું અનન્ય કૃતજ્ઞતાનો અનુભવ કરું છું.

પ્રેમ તમારી અંદર જ છે એટલે એને બહાર શોધવા ફાંફાં મારવાનું બંધ કરો. પ્રેમ સાથે અનુસંધાન સાધવા અને તમારી આસપાસના લોકો પાસેથી પ્રેમ પામવાનો શ્રેષ્ઠ માર્ગ છે આભાર વ્યક્ત કરીને.

વાતચીત, મિત્રતા, સંબંધો, ધ્યાન અને પ્રેમ - આમાનું કંઈ તમે બળજબરીથી પામી શકો નહીં.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment