Sunday, January 24, 2021

કોની રામાયણ વધુ સારી?

     જ્યારે મહર્ષિ વાલ્મીકીએ તેમની રામાયણ લખવાની પૂરી કરી, નારદ મુનિ ખાસ પ્રભાવિત થયા નહીં. "તમારી રામાયણ સારી છે, પણ હનુમાનજીની તેના કરતાં પણ વધુ સારી છે." નારદજીએ કહ્યું.

    વાલ્મીકિ મનમાં બોલ્યા, "હનુમાને પણ રામાયણ લખી છે?? “. એમને આ ન ગમ્યું. તે વિચારવા લાગ્યા કોની રામાયણ ખરેખર વધુ સારી હશે. તેઓ હનુમાનજીને ગોતવા નીકળી પડ્યા.

     કડાલી વનમાં એક ઉપવન ખાતે એક કેળનાં ઝાડનાં સાત પહોળા પત્તા પર તેમણે 'રામાયણ' લખેલું જોયું. તેમણે એ વાંચ્યું. તેમને એ આદર્શ લાગ્યું - સારામાં સારા શબ્દો અને વ્યાકરણ, લય અને રચનાનો અદ્ભુત સમન્વય. તેમની આંખમાંથી અશ્રુ સરી પડ્યાં.

    હનુમાનજી આ જોઈ બોલ્યાં, "શું એ એટલી બધી ખરાબ છે કે એને વાંચી તમે રડી પડ્યા? “

વાલ્મીકી કહે," ના, ઉલટું એ એટલી બધી સારી છે કે હું મારી જાતને રડતાં ના રોકી શક્યો. "

    તેમણે આગળ કહ્યું," તમારી રામાયણ વાંચ્યા પછી તો કોઈ મારી રામાયણ વાંચશે જ નહીં..."

    આ સાંભળી હનુમાનજી એ એ સાતે કેળના પાન ફાડી નાંખ્યા અને તે બોલ્યા, "હવે કોઈ ક્યારેય હનુમાનજીની રામાયણ વાંચી શકશે જ નહીં. મને મારી રામાયણની જેટલી જરૂર છે તેના કરતાં તમારે તમારી રામાયણની વધારે જરૂર છે. તમે તમારી રામાયણ લખી છે જેથી દુનિયા એ વાંચીને વાલ્મીકિને યાદ કરે. જ્યારે મેં મારી રામાયણ લખી હતી જેથી હું મારા સ્વામી રામ ને યાદ રાખી શકું."

      આ સાંભળતા જ વાલ્મીકિજીને ખ્યાલ આવ્યો કે તેઓ પોતાના કામને લોકો વખાણે એ બાબતની ઝંખનામાં કેટલા ગળાડૂબ હતા. 

    લોકોને પોતાનું કામ ગમશે કે નહીં એ ભયમાંથી તેમનું આ ઉમદા કામ પણ તેમને મુક્ત કરી શક્યું નહોતું. રામની કહાણીની સાત્ત્વિકતા પણ તેમના મનની ગાંઠો ખોલી શકી નહોતી.

     તેમની રામાયણ મહત્વાકાંક્ષાનું ફળ હતું જ્યારે હનુમાનની રામાયણ પવિત્ર સ્નેહનું ઉત્પાદન હતું. આથી જ હનુમાનજીની રામાયણ આટલી બધી વધુ સારી ભાસી રહી હતી. વાલ્મીકિજી ને સમજાયું કે "राम से बड़ा राम का नाम" .

  કેટલાક લોકો હનુમાનજી જેવા હોય છે જેમને પ્રસિદ્ધિ નથી જોઈતી. તેઓ બસ પોતાનું કર્તવ્ય નિભાવ્યે જાય છે અને તેમના આશયની પરિપૂર્તિ કરે છે. આપણે વાલ્મીકિજી જેવા નથી બનવાનું જે સતત વિચારે કે "મારી જ રામાયણ શ્રેષ્ઠ".

      આપણાં જીવનમાં પણ ઘણાં "હનુમાનજી" હોય છે જેમને આપણે ભૂલી જઈએ છીએ - જીવનસાથી, માતા પિતા, મિત્રો, સંતાનો, સગા વહાલા વગેરે. તેમને સતત યાદ રાખીએ અને તેમનો આભાર માનીએ.

(ઇન્ટરનેટ પરથી)  


No comments:

Post a Comment