Sunday, January 24, 2021

જતું કરતા શીખીએ

     એક વેપારીને બે પુત્રો હતાં. તેઓ પિતા સાથે જ તેમની મોટી દુકાનમાં કામ કરતાં. વેપારીના મૃત્યુ બાદ તેમણે કામ વહેંચી લીધું પણ તેઓ સાથે જ દુકાન સંભાળતા. બધું થોડા સમય સુધી બરાબર ચાલ્યું પણ એક દિવસ બે હજાર રૂપિયાની એક નોટ ગાયબ થઈ ગઈ અને એ તેમની વચ્ચે વિખવાદ અને ભાગલાનું કારણ બની.

     એક ભાઈએ બે હજાર રૂપિયાની એક નોટ હિસાબના ચોપડા પર મૂકી હતી અને તેને એક ગ્રાહક સાથે અચાનક બહાર જવાનું થયું. જ્યારે તે પાછો આવ્યો ત્યારે એ નોટ ત્યાં ના હતી. તેણે બીજા ભાઈને પૂછયું કે શું તેણે એ નોટ લીધી છે? બીજા ભાઈએ નકારમાં જવાબ આપ્યો. પણ પહેલાં ભાઈને વિશ્વાસ આવ્યો નહીં અને તેણે બીજા ભાઈ પર શંકા કરી સતત તેને એ બે હજાર રૂપિયા વિશે પૂછ્યા કર્યું. તેણે એવા ટોણાં પણ માર્યા કે બે હજારની નોટ ને કંઈ પગ ના આવે અને તે દોડીને આપમેળે ક્યાંય જતી ન રહે. ચોક્કસ એ 'કોઈએ' ચોરી લીધી છે. આ બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું. પહેલાં ભાઈનું સ્વમાન ઘવાયું. તેમના સંબંધો બગડયા અને આ વિખવાદ તેમને ભાગલા સુધી દોરી ગયો. તેમણે એકમેક સાથે બોલવાનું પણ બંધ કરી દીધું.

     તેમણે ધંધાના પણ ભાગલા કરી નાખ્યા અને દુકાન વચ્ચે એક મોટી દિવાલ ચણી દીધી.

આ વાતને વીસ વર્ષ વીતી ગયાં. તેમની વચ્ચે વૈમનસ્ય, કડવાશ વધતા ચાલ્યા અને તેમની વચ્ચે મોઢું જોવા સુદ્ધાનાં સંબંધ ના રહ્યાં.

     પછી એક દિવસ એક આગંતુક દૂર દેશથી દુકાનમાં આવ્યો અને તેણે હિસાબનીશને પૂછયું કે તે કેટલા સમયથી આ દુકાનમાં કામ કરે છે. હિસાબનીશે જવાબ આપ્યો કે તે વર્ષોથી ત્યાં જ કામ કરે છે. આ સાંભળી આગંતુકે કહ્યું "મારે એક ઘણી જૂની પણ અગત્યની વાત કરવી છે. વીસ વર્ષ પહેલાં હું ગાડી ચલાવવાનું કામ કરતો હતો અને અચાનક આ દુકાન સામે આવી ચડયો હતો. મારી પરિસ્થિતિ ઘણી ખરાબ હતી અને ત્રણ દિવસ સુધી હું કંઈ ખાવા પામ્યો નહોતો. હું દુકાનમાં કંઈક મેળવવાની આશાએ આવી ચડયો અને મારી નજર હિસાબના ચોપડા પર પડેલી બે હજારની નોટ પર ગઈ. દુકાનમાં કોઈ હાજર નહોતું. મારા મનમાં શેતાન પેઠો અને મેં જીવનમાં પહેલી વાર ચોરી કરી. પણ ત્યાર પછી આજ સુધી હું એ ઘટનાને ભૂલી શક્યો નથી. આજે ભગવાનની દયાથી મારી આર્થિક પરિસ્થિતિ સુધરી છે. પણ મારાથી રહી ના શકાતા આજે હું એ પાપ ની માફી માગવા આવ્યો છું."

    તે એકી શ્વાસે આ બધું બોલી ગયો તે બીજા ભાઈએ પણ સાંભળ્યું અને તેની આંખમાંથી પસ્તાવાનાં આંસુ વહી રહ્યાં. તે સીધો દીવાલની બીજી બાજુ દોડયો અને પહેલાં ભાઈના પગમાં પડ્યો. બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા અને ખૂબ રડયા.

વીસ વર્ષ બાદ તેમના સંબંધો વચ્ચેનું ભંગાણ તૂટયું. તેમની વચ્ચે જે દિવાલ ચણાઈ હતી તે તૂટી ગઈ. તેઓ ફરી એક થયાં.

     આવું ઘણી વાર જીવનમાં બનતું હોય છે જ્યારે નાની નાની ક્ષુલ્લક વાતોને કારણે સ્વજનો વચ્ચેના મહામૂલા સંબંધો તૂટી જતાં હોય છે. પણ કોઈ એક પક્ષે જતું કરવાની જરૂર હોય છે. આપણે પોતે કેમ એ પક્ષ ના બનીએ અને જીવનમાં જતું કરતા શીખીએ? કોઈ પ્રત્યે કડવાશ અને વેરવૃત્તિ ના રાખીએ. આ દ્વારા આપણી ઘણી માનસિક શક્તિ આપણે બચાવી તેને સંબંધો મધુર બનાવી કે ટકાવી રાખવામાં વાપરી શકીશું. ચાલો એક નવી સારી શરૂઆત કરીએ, જતું કરવાની...

(ઇન્ટરનેટ પરથી)  


No comments:

Post a Comment