Sunday, January 24, 2021

અજાણ્યું પાત્ર

      હું જન્મ્યો તેના થોડાં વર્ષ બાદ મારા પિતાની મુલાકાત એક અજાણ્યા પાત્ર સાથે થઈ. એ અમારા શહેરમાં નવો હતો. શરૂઆતથી જ મારા પિતા આ આકર્ષક અજાણ્યા પાત્રથી ખાસ્સા પ્રભાવિત થયા હતા અને તેમણે તેને અમારા ઘરમાં રહેવા આમંત્રણ પાઠવ્યું. આ પાત્રે ધીમે ધીમે બધાં તરફથી સ્વીકૃતિ પામી અને ત્યાર બાદ તે અમારા ઘરનો જ એક સભ્ય બની ગયો.

      જ્યારે હું મોટો થયો ત્યારબાદ મેં ક્યારેય તેના મારા પરિવારમાં સ્થાન અંગે કોઈ પ્રશ્ન કર્યો નથી. મારા યુવાન મનમાં, તેનું એક ખાસ સ્થાન હતું. મારા માતા - પિતાનો મારા ચારિત્ર્ય ઘડતરમાં મોટો ફાળો રહ્યો છે - મા એ મને સારા અને ખરાબનો ભેદ પારખતાં શીખવ્યું છે. બાપુએ મને આજ્ઞાકારી બનતાં શીખવ્યું છે. પણ, આ અજાણ્યા પાત્રની વાત જ કંઈક નોખી છે. એ મનોરંજક વાર્તાકાર બની રહ્યો છે! તેણે અમને કલાકો સુધી જકડી રાખી રોમાંચક, રહસ્યમય, રમૂજી અને એવાં ઘણાં જુદા જુદા પ્રકારના પાઠ મંત્રમુગ્ધ બનાવીને શીખવ્યા છે.

    જો મને રાજકારણ, ઈતિહાસ કે વિજ્ઞાન અંગે કંઈ પણ જાણવું હોય, તો એ દરેક વિષયના જવાબ તેની પાસે હાજર રહ્યા છે. તે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ સુદ્ધાનાં જવાબો જાણે છે! એ મારા પરિવારને પ્રથમ પ્રીમિયરશીપ ગેમ જોવા લઈ ગયેલો. તેણે અમને હસાવ્યા છે અને રડાવ્યા પણ છે. તે ક્યારેય મૂંગો રહ્યો જ નથી, સતત બોલતો રહ્યો છે અને એનો કોઈ વાંધો બાપુજીએ પણ લીધો નથી!

     ક્યારેક અમે બધાં તેને ધ્યાનથી સાંભળી રહ્યા હોઈએ ત્યારે મા ને કંટાળી રસોડામાં ચાલી જતાં મેં જોઈ છે. કદાચ એણે આ અજાણ્યા પાત્રના અમારા સૌથી અળગા થવાની પ્રાર્થના પણ કરી હશે!

  બાપુએ હંમેશા કેટલાક ચોક્કસ સિદ્ધાંતોને વળગીને ઘર ચલાવ્યું છે, પણ અજાણ્યા પાત્રે ક્યારેય તેની દરકાર કરી નથી. જેમ કે, ભ્રષ્ટ વ્યવહાર કે ભાષા અમને, અમારા મિત્રો કે મુલાકાતીઓને પણ અમારા ઘરમાં વાપરવાની છૂટ નથી. પણ, આ અજાણ્યા પાત્રે ક્યારેક એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે જે સાંભળી કાન ના કીડા ખરી પડે કે બાપુ ધૂંધવાયા હોય અને મા શરમથી લાલઘૂમ થઈ ગઈ હોય! બાપુ ક્યારેય મદ્યપાન કે ધૂમ્રપાન કરતા નથી, પણ આ અજાણ્યા પાત્રે એક વાર નહીં, અનેક વાર તેમનું સમર્થન કર્યું છે. સેક્સની પણ તેણે છડેચોક ચર્ચા બિનધાસ્ત રીતે કરી છે! તેણે અમને ઘણી વાર પરિવારમાં એકમેક સામે સંકોચમાં મૂક્યા છે!

     હું જાણું છું કે મારા કિશોર અને યુવાન મન પર સંબંધો અંગેની સમજણ પર, આ અજાણ્યા પાત્રની ઘેરી અસર રહી છે. તેણે સતત મારા માતાપિતાના સંસ્કાર અને મૂલ્યો કરતાં વિરુદ્ધ વર્તન કર્યું હોવા છતાં તેને અમારા ઘરમાંથી જાકારો મળ્યો નથી.

આ અજાણ્યા પાત્રને અમારા પરિવારમાં ભળી જતાં ચાર દાયકા જેટલો સમય થઈ ગયો છે.

એ અમારા સૌ સાથે ઘણી સારી રીતે હળીમળી ગયો છે. પણ હવે એવું લાગે છે કે તેનો પ્રભાવ તે જ્યારે નવો નવો આવ્યો હતો ત્યારે હતો, તેવો નથી. આજે પણ તમે મારા ઘેર પ્રવેશશો, તો તમને આ અજાણ્યું પાત્ર એક ખૂણે બેઠેલું દેખાશે, જાણે પ્રયત્નો કરતું હોય ધ્યાન ખેંચવાના તેને બોલતું સાંભળવા... તેને જોવા...

ખ્યાલ આવ્યો કે આ અજાણ્યું પાત્ર કોણ છે? તેનું નામ છે "ટી. વી."

હવે તો એ પરણ્યું પણ છે - કોમ્પ્યુટરને!

તેમનું પહેલું સંતાન એટલે "મોબાઈલ ફોન" અને બીજું "વિડિયો ગેમ્સ".

અને છેલ્લાં ખબર આવ્યાં મુજબ તેમને એક સુંદર પૌત્રી પણ આવી છે જેનું નામ છે "વોટ્સ એપ" જે લોકપ્રિયતામાં તેના માતાપિતાને પણ વટાવી ગઈ છે! તેના મોટા પિતરાઈ ભાઈનું નામ છે "ફેસબુક" અને નાના પિતરાઈ ભાઈઓના નામ છે "સ્નેપચેટ" અને "ઈન્સ્ટાગ્રામ".

આ આખા પરિવારે આપણાં દરેકના ઘરમાં એવો પગપેસારો કર્યો છે કે હવે તેઓ ક્યારેય આપણો પીછો છોડશે એ શક્ય લાગતું નથી...

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment