Sunday, January 24, 2021

સુખી કરતા ૪ હોર્મોનની વાત

    જેવો હું મારું મોર્નિંગ વોક પતાવી બગીચાના બાંકડે બેઠો કે મારી પત્ની પણ આવી અને બાજુમાં બેસી હાંફવા માંડી. તેણે તેનો અડધો કલાકનો જોગીંગ રાઉન્ડ પૂરો કર્યો હતો. અમે થોડી વાર પોરો ખાધો અને પછી વાતચીત શરૂ કરી. તેણે કહ્યું કે તે જીવનથી સુખી નથી. મેં વિશ્વાસ ન બેસતો હોય એવી દ્રષ્ટિ સાથે તેની સામે જોયું કારણ મારા મતે તેના જીવનમાં બધું શ્રેષ્ઠ તેની પાસે હતું.

મેં તેને પૂછયું, "તું એવું શા માટે વિચારે છે કે તું દુઃખી છે? “

તેણે જવાબ આપ્યો," ખબર નહીં કેમ. બધા કહે છે કે મારી પાસે કોઈ વસ્તુની કમી નથી. છતાં મને એવું લાગે છે કે હું સુખી નથી. "

મેં મારી જાતને પ્રશ્ન કર્યો," શું હું પોતે સુખી છું? “

અંદર થી જવાબ આવ્યો, "ના."

હવે આ મારા માટે ઓર વધુ આશ્ચર્યકારક હતું.

મેં મારા દુઃખી હોવાનું મૂળ કારણ શોધવાની કોશિશ કરી, પણ મને કંઈ ઝાઝું હાથ લાગ્યું નહીં.

હું મારા અંતરમાં વધુ ઉંડો ઉતર્યો. મેં સાહિત્ય ફંફોસ્યું, લાઇફ કોચીસ સાથે વાતો કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. અંતે મારા એક ડોક્ટર મિત્રે મને જે કહ્યું તેમાં મારા સઘળાં પ્રશ્નોનો ઉત્તર જડી ગયો. તેણે જે સૂચનો કર્યા તે મેં અનુસર્યા અને ત્યાર બાદ હું ખરેખર સુખી થઈ ગયો. તે ડોક્ટર મિત્રે મને જાણ કરી કે ચાર જાતના હોર્મોન હોય છે જે માણસને સુખી બનાવે છે -

૧. એન્ડોર્ફિન

ર. ડોપામાઈન

3. સેરોટોનિન

૪. ઓક્સિટોસિન 

  આપણાં માટે આ હોર્મોનને સમજવા ખૂબ જરૂરી છે. કારણ આપણને સુખી કરવા એ ચારે ખૂબ જરૂરી છે.

એન્ડોર્ફિન - જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે આપણાં શરીરમાં એન્ડોર્ફિનનો સ્ત્રાવ થાય છે. આ હોર્મોન શરીરને કસરતથી થતી પીડા સહન કરવામાં મદદ કરે છે. પછી આપણે કસરત માણવા માંડીએ છીએ કારણ કે એન્ડોર્ફિન આપણને ખુશ બનાવે છે. હસવું એ એન્ડોર્ફિન પેદા કરવાનો બીજો માર્ગ છે. આપણે રોજ ઓછામાં ઓછી અડધો કલાક કસરત કરવી જોઈએ અથવા કંઈક રમૂજી વાંચવું કે જોવું જોઈએ જેથી આપણને જરૂરી એવો દૈનિક એન્ડોર્ફિનનો ડોઝ આપણને મળી રહે.

  બીજો હોર્મોન છે ડોપામાઈન. જીવન સફરમાં જ્યારે જ્યારે આપણે કોઈ નાના કે મોટા કામ પૂરા કરતા હોઈએ છીએ, એ જુદા જુદા પ્રમાણમાં ડોપામાઈન ઉત્પન્ન કરે છે. જ્યારે આપણાં કામ બદલ ઓફિસમાં કે ઘરમાં કોઈ આપણી પ્રશંસા કરે છે ત્યારે આપણને કંઈક હાંસલ કર્યાની અને સારી લાગણીનો અનુભવ થાય છે કારણકે ત્યારે ડોપામાઈન ઉત્પન્ન થાય છે. આ જ કારણ છે મોટા ભાગની ગૃહિણીઓના દુઃખી હોવાનું. તેમને કોઈ તેમના કામ બદલ પ્રશંસા ના બે શબ્દો કહેતું નથી. જ્યારે આપણને નવી નોકરી મળે, આપણે નવી ગાડી ખરીદીએ, નવું ઘર લઈએ કે નવું કોઈ સાધન ખરીદીએ છીએ તે દરેક વેળાએ ડોપામાઈન નો સ્ત્રાવ થાય છે જે આપણને સુખી બનાવે છે. હવે ખ્યાલ આવે છે શોપિંગ કર્યા બાદ ખુશી કેમ અનુભવાય છે?

ત્રીજો હોર્મોન છે સેરોટોનિન. આ હોર્મોન આપણે બીજાનું ભલું કરીએ ત્યારે સ્ત્રવે છે. જ્યારે આપણે પોતાની જાતને ભૂલી જઈ બીજાને કે પ્રકૃતિ કે સમાજ ને કંઈક આપીએ ત્યારે સેરોટોનિન પેદા થાય છે. ઇન્ટરનેટ પર અન્યો સાથે બ્લોગ દ્વારા માહિતી શેર કરો કે ક્વોરા કે ફેસબુક ગ્રૂપ પર કોઈના પ્રશ્નોના જવાબ આપો ત્યારે પણ સેરોટોનિન ઉત્પન્ન થાય છે. કારણ આપણાં લેખ કે જવાબ દ્વારા આપણો કિંમતી સમય આપી આપણે ત્યારે અન્યની મદદ કરતા હોઈએ છીએ.

છેલ્લો અને ચોથો હોર્મોન છે ઓક્સિટોસિન. જ્યારે આપણે સંબંધોમાં કોઈ અન્ય વ્યક્તિની નજીક આવતા હોઈએ છીએ ત્યારે આ હોર્મોન પેદા થાય છે. જ્યારે આપણે મિત્રો કે સ્વજનો ને ભેટીએ છીએ ત્યારે ઓક્સિટોસિન પેદા થાય છે. મુન્નાભાઈ ની 'જાદુ કી ઝપ્પી' ખરેખર કામ કરે છે!

આપણે જ્યારે કોઈ સાથે હાથ મિલાવીએ કે કોઈના ખભે હાથ મૂકીએ છીએ ત્યારે પણ વત્તા ઓછા પ્રમાણમાં ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે.

હવે સમજાયું મૂડ ખરાબ હોય ત્યારે બાળકને શા માટે ભેટવું જોઈએ??

આમ, સુખી થવું સરળ છે - એન્ડોર્ફિન પેદા કરવા માટે રોજ કસરત કરવી જોઈએ. નાના નાના ધ્યેય સિદ્ધ કરી ડોપામાઈન પેદા કરવું જોઈએ. અન્યો સાથે સારી રીતે વર્તી સેરોટોનિન ઉત્પન્ન કરવું જોઈએ અને ઓક્સિટોસિનનો જરૂરી ડોઝ મેળવવા આપણાં બાળકો, મિત્રો અને સ્નેહીજનોને વારંવાર ભેટવું જોઈએ.

જ્યારે આપણે સુખી હોઈએ છીએ ત્યારે આપણે આપણી સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો વધુ સારી રીતે કરી શકીએ છીએ.

દિવસે ને દિવસે વધુ ને વધુ સુખી થવા...

૧. રમવા અને થોડી મજા કરવા પોતાને પ્રોત્સાહિત કરો - એન્ડોર્ફિન

૨. નાની કે મોટી સિદ્ધિઓ માટે લોકોને બિરદાવો. - ડોપામાઈન

૩. વહેંચવાની આદત પાડો અને અન્યોને પણ તેમ કરવા પ્રેરો. - સેરોટોનિન

૪. તમારા પરિવારજનો અને મિત્રોને આલિંગન આપો. - ઓક્સિટોસિન

સુખી થાઓ!


(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment