Sunday, January 24, 2021

નાતાલ ચમત્કાર

 નાતાલ ચમત્કાર

----------------------

    એક કંપનીનો દર વર્ષે નાતાલની સાંજે પોતાના કર્મચારીઓ માટે એક પાર્ટી અને લોટરી નું આયોજન કરવાનો નિયમ હતો.

     લોટરીના ડ્રો ના નિયમો આ મુજબ હતાં : દરેક કર્મચારી દસ ડોલર જમા કરે. કંપનીમાં ત્રણસો જેટલાં કર્મચારીઓ હતાં. આ પ્રમાણે કુલ ત્રણેક હજાર ડોલર જેટલી રકમ જમા થતી. ડ્રો માં એક વિજેતા નક્કી થતો અને તે આ સઘળી રકમ જીતી ને ઘેર લઈ જઈ શકતો.

    લોટરી ડ્રો સમયે ઓફિસનું વાતાવરણ જીવંત બની જતું. દરેક જણ પોતાનું નામ લખેલી ચબરખી લોટરીબોક્સમાં નાખતા.

    હવે આ વર્ષે એવું બન્યું કે એક યુવાન કર્મચારી ને પોતાનું નામ લખેલી ચબરખી લોટરીબોક્સમાં નાખતા સંકોચ થયો. તે જાણતો હતો કે ઓફિસમાં કચરો સાફ કરતી બાઈને એક નો એક દીકરો હતો જે અતિ દુર્બળ અને માંદો હતો અને ટૂંક સમયમાં તેનું ઓપરેશન થવાનું હતું જે માટે ના પૈસા બાઈ પાસે નહોતા.

     તેને ખબર હતી કે પોતે એ બાઈનું નામ ચબરખીમાં લખી લોટરીબોક્સમાં નાખશે, તો પણ એ બાઈના જીતવાના સંજોગો અતિ પાંખા હશે. છતાં તેણે એ પ્રમાણે કર્યું.

    પછી તો એ ક્ષણ આવી. કંપનીના માલિકે લોટરીબોક્સમાંથી એક ચબરખી બહાર કાઢી અને તે ખોલી વિજેતાનું નામ વાંચવા ચશ્મા ઉંચા ચડાવ્યા. પેલા યુવાન કર્મચારીએ મનમાં પ્રાર્થના કરી કે વિજેતા તરીકે પેલી બાઈનું નામ જ જાહેર થાય. અને ચમત્કાર થયો! એ બાઈનું નામ જ વિજેતા તરીકે જાહેર થયું!

      હર્ષની ચિચિયારીઓથી ઓફિસનું વાતાવરણ ગૂંજી ઉઠયું. પેલી બાઈ રાજીના રેડ થતી ઈનામ લેવા મંચ પર જઈ પહોંચી. તેના અશ્રુઓ રોક્યા ના રોકાયા. તે ભાવવિભોર થઈ બોલી, "હું કેટલી નસીબદાર છું. હવે મારો દીકરો ચોક્કસ બચી જશે... "

    પાર્ટી પૂરી થયે, આ "નાતાલ ચમત્કાર" વિશે વિચારતો પેલો યુવાન મંચ પાસે જઈ ચડયો અને તેનું ધ્યાન લોટરી બોક્સ તરફ ગયું. તેને બોક્સમાંની અન્ય ચબરખી વાંચવાની ઉત્કંઠા થઈ આવી. તેણે એક ચબરખી બહાર કાઢી અને ખોલીને તેના પર લખેલું નામ વાંચ્યું. તેના આશ્ચર્ય સાથે આ ચબરખી પર પણ પેલી બાઈનું નામ હતું! પછી તો તેણે ત્રીજી, ચોથી, પાંચમી અને એમ કરતાં બીજી ઘણી ચબરખીઓ બહાર કાઢી વાંચી. એ બધી પર જુદા જુદા અક્ષરોમાં પેલી બાઈનું જ નામ લખેલું હતું. યુવાનની આંખોમાં પાણી આવી ગયું. તેને સમજાઈ ગયું કે "નાતાલ ચમત્કાર" જેવું જગતમાં હોય છે ખરું, પણ એ કંઈ આકાશમાંથી સર્જાતું નથી, લોકો પોતે એને સર્જી શકે છે.


(ઈન્ટરનેટ પરથી)  


1 comment: