Saturday, July 30, 2016

પ્રિન્સ ડાન્સ ગ્રુપની પ્રેરણાત્મક કહાણી (ભાગ - પ)

આ રીતે જન્મ થયો પ્રિન્સ ડાન્સ ગ્રુપના 'ક્રિષ્ણા ડાન્સ' નો. જેની વિશેષતા હતી સિલ્વર પેઈન્ટથી રંગાયેલા શરીરોના પ્રવાહીના વહેણનો અહેસાસ કરાવતા ડાન્સ સ્ટેપ્સ અને ભૂરા રંગે રંગાયેલ કૃષ્ણા, જે વાંસળી વગાડવાની મુદ્રા પ્રદર્શિત કરી એક અદભૂત અને આકર્ષક દ્રષ્ય મંચ પર ખડુ કરતા.
જ્યારે એલિમિનેશન રાઉન્ડમાં પ્રિન્સ ડાન્સ ગ્રુપે આ પર્ફોર્મન્સ પ્રદર્શિત કર્યું ત્યારે તેમને સ્ટેન્ડિંગ ઓવેશન પ્રાપ્ત થયું. નિર્ણાયક શેખર કપૂરે તેને 'વર્લ્ડ બીટીંગ એક્ટ' કહી બિરદાવ્યું. તેમણે કહ્યું," તમારો આ એક્ટ સાબિત કરે છે કે સાચા કલાકારને સ્રોતોની જરૂર પડતી નથી, પ્રોફેશનલ ટ્રેનિંગની જરૂર પડતી નથી. દિલ ચાહિયે, કલા ચાહિયે! "
પસંદગી પામ્યા બાદ દરેક એક્ટને આગળના રાઉન્ડ માટે તૈયારીનો એક મહિનો અપાયો. હવે પછી કૃષ્ણાએ “સારે જહા સે અચ્છા” ની ધૂન પર, તેનું પ્રખ્યાત થયેલું ધ્વજ નૃત્ય કોરીઓગ્રાફ કર્યું.
આ સિક્વન્સમાં  કેસરી, સફેદ અને લીલા રંગે રંગાયેલા તેના ડાન્સર્સે મનમોહક ફોર્મેશન્સ મંચ પર સર્જ્યાં. આ ડાન્સમાં બે શારીરિક રીતે અક્ષમ ૨૪ વર્ષના પદ્મનાભ સાહુ અને ૧૩ વર્ષની તેલુ તારીણી નો પણ સમાવેશ કરાયો હતો. પરફોર્મન્સ જોઈ નિર્ણાયકો અને દર્શકો બંનેની આંખોમાં આંસુ હતાં.
ગ્રાન્ડ ફિનાલે માટે હવે પ્રિન્સ ગ્રુપ પાસે થી રાખવામાં આવતી અપેક્ષા ઘણી ઉંચી હતી.અને એમાં પણ તેઓ પાર ઉતર્યા. ફિનાલે ના તેમના દશાવતાર એક્ટમાં તેમણે વિષ્ણુના દશ અવતારો પ્રદર્શિત કર્યાં અને આ પર્ફોર્મન્સ 'ઝેન' જેવું અને જુદી જ દુનિયામાં લઈ જવાની અનુભૂતિ કરાવનારું હતું.
આ ત્રણે એક્ટ યુ ટ્યુબ પર તમે 'પ્રિન્સ ડાન્સ ગ્રુપ' નામથી સર્ચ કરી જોઈ શકો છો.
પણ શું આ પૂરતું હતું જનતા પાસેથી એસ.એમ.એસ દ્વારા વોટ્સ લઈ આવવામાં?
સદનસીબે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાઈક નું ધ્યાન પ્રિન્સ ડાન્સ ગ્રુપ પર પડ્યું. તેમણે કૃષ્ણાને સ્પર્ધા પહેલા બોલાવ્યો અને કહ્યું " કૃષ્ણા , તું માત્ર ડાન્સ પર ધ્યાન કેન્દ્રીત કર, આખું ઓરિસ્સા તારા માટે વોટ કરશે."
પટનાઈકે પોતે પ્રિન્સ ડાન્સ ગ્રુપ માટે વોટ માગવા પ્રચાર કર્યો. ઓરિસ્સાના પ્રસાર માધ્યમોએ પણ પ્રિન્સ ગ્રુપને સંપૂર્ણ સહકાર આપ્યો. છેવટે ઇંટ ના ભઠિયારામાં કામ કરતા મજૂર ડાન્સર્સ યુવકોને સૌથી વધારે મત મળ્યાં.
બધી વિષમતાઓનો સામનો કરી પ્રિન્સ ડાન્સ ગ્રુપ “ઇન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ”ની પ્રથમ સિઝનનું વિજેતા ઘોષિત થયું.
અને ઇનામનું શું થયું? પ્રથમ ઇનામ તરીકે મળેલી મારુતિ રિટ્ઝ ગાડી કૃષ્ણાએ આપાત્કાલિન પરિસ્થિતીમાં વાપરવાના વાહન તરીકે વાપરવા અંબોપુર ગામને ભેટ ધરી દીધી. તેમણે કૃષ્ણાને સહકાર આપ્યો હતો, તેનું ધ્યાન રાખ્યું હતું, તેને પોષ્યો હતો, તેનામાં વિશ્વાસ મૂક્યો હતો. આથી તેમના ઉપકારનો બદલો કૃષ્ણાએ આ રીતે વાળ્યો પોતાની ગાડી તેમને કોઈક રીતે મદદ રૂપ થાય એ માટે, તેમની સેવામાં ધરીને.
જીતેલી ૫૦ લાખની ધન રાશિમાંથી ૨૦ લાખ ચાલ્યા ગયા ટેક્સમાં. કૃષ્ણાએ વીસ જણના તેના ગ્રુપના દરેક સભ્યને એક એક લાખ રૂપિયા આપી દીધા.બાકી વધેલા રૂપિયામાંથી અમુક રકમ તેણે કાળકા મા ના મંદીરના જીર્ણોદ્ધાર માટે આપી જ્યાં તેમણે શરૂઆતમાં ડાન્સ પ્રેક્ટીસ કરી હતી.
કૃષ્ણા માને છે આ બધું ઇશ્વરના આશિર્વાદને કારણે જ શક્ય બન્યું. પહેલા તો તેને ઇશ્વરમાં જરા પણ શ્રદ્ધા ન હતી. પણ તેને ધીરે ધીરે ઇશ્વરનો અહેસાસ થયો. એ વિચારે છે પહેલા પોતે ક્યાં હતો અને આજે ક્યાં છે!
કૃષ્ણા અને તેનું ડાન્સ ગ્રુપ આજે પણ ઓરિસ્સામામ સ્ટાર્સ છે!
કૃષ્ણાને માન સમ્માન અને આદર મળ્યાં.એથી વધુ બીજું શું જોઇએ?
સ્પર્ધા જીત્યા બાદ વધુ કાર્યક્રમો, પર્ફોર્મ કરવા વધુ મંચ પ્રાપ્ત થયા. સોની મ્યુઝિકે તેમની સાથે બે વર્ષનો કરાર કર્યો હતો. તેમણે પોતાના ક્લાયન્ટ પ્રિન્સ ડાન્સ ગ્રુપને પ્રમોટ કર્યું, તેમના વતી ફી નેગોશિયેટ કરી, કરાર કર્યાં અને તેમની પ્રવાસ અને રહેવા-ખાવા-પીવાની સઘળી વ્યવસ્થા સંભાળી લઈ પળોજણ થી દૂર રાખ્યાં. તેમને પણ કમિશન મળતું અને પ્રિન્સ ડાન્સ ગ્રુપને માસિક ફી મળતી. કૃષ્ણા ખુશ હતો કારણ તેઓ માત્ર પોતાના ડાન્સ પર ધ્યાન કેન્દ્રીત કરી શકતા.
વધારામાં ઓરિસ્સા સરકારે પ્રિન્સ ડાન્સ ગ્રુપ ને એક કરોડ રૂપિયા રોકડાનું ઇનામ જાહેર કર્યું અને તેમને ડાન્સ એકેડેમી સ્થાપવા ચાર એકર જમીન પણ ઇનામમાં આપી.
કૃષ્ણા ખુશ થયો કારણ કે તેના કારણે વીસ પચ્ચીસ લોકોનું જીવન સુધરી ગયું. તે માને છે આપણા ગામડાઓમાં હજી સેંકડો યુવાનો છે જેમની પાસે અપાર કૌશલ્ય છે, જેમનામાં અથાગ ક્ષમતા છે પણ તેમની પાસે પૂરતી તકો નથી. આવા યુવાનો ને રાહ બતાડવાની કૃષ્ણાની નેમ છે.
કૃષ્ણા માને છે - જો તમે વિચારી શકો તો એ શક્ય બની શકે છે.
આ હતી પ્રેમના મજૂર અને હ્રદયના રાજા એવા  કૃષ્ણા રેડ્ડી ની કહાણી.
કૃષ્ણાની યુવા ઉદ્યોગ સાહસિકો ને સલાહ :
માત્ર અને માત્ર તમારો અથાગ પરિશ્રમ તમને જીવનમાં આગળ લઈ જશે.બીજા કોઈ પર તમને જીવનની રાહ બતાડવા માટે આધાર રાખશો નહિ.
પૈસા નડતર રૂપ સાબિત થતા નથી.મહેનત કરવા વાળાને અને દિલથી કામ કરવા વાળાને સઘળું પ્રાપ્ત થાય છે.

 (સંપૂર્ણ)


(રશ્મિ બન્સલ લિખિત પુસ્તક Connect The Dotsમાંથી સાભાર)

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

 1. ઘનશ્યામ એચ ભરુચાJuly 30, 2016 at 5:31 AM

  છેલ્લા પાંચ હપતાથી ચાલી આવેલી
  પિનસ ડાન્સ ગુપની કહાણી વાચવા મળી
  કહાણી સુંદર અને ગમી જાય તેવી હતી
  આ કહાણીમાંથી જાણવા મળ્યું છે જીવનમાં
  મહેનત અને લગન સિવાય કશું ય પાપત થતું
  નથી.મહેનતની સાથે આત્મવિશ્વાસ અને પ્રભુ પરત્યે
  વિશ્વાસ હાેવાે જાેઇએ.

  ReplyDelete