Saturday, July 23, 2016

પ્રિન્સ ડાન્સ ગ્રુપની પ્રેરણાત્મક કહાણી (ભાગ - ૪)

પણ એ દિવસે જાણે ભગવાને કૃષ્ણાની અરજ સાંભળી લીધી.પ્રિન્સ ડાન્સ ગ્રુપ બુગીવુગીની ફાઈનલ સ્પર્ધા જીતવામાં સફળ ન રહ્યું પણ એ સ્પર્ધાના નિર્ણાયક જાવેદ જાફરી પ્રિન્સ ડાન્સ ગ્રુપના પર્ફોરમન્સથી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમણે આ ગ્રુપને રૂ.૭૫૦૦૦/- રોકડાનું ખાસ આશ્વાસન ઇનામ જાહેર કર્યું. 
વળી બુગીવુગી જેવા પ્રખ્યાત કાર્યક્રમમાં ઝળકવાને લીધે ઘણો ફાયદો થયો. પ્રિન્સ ડાન્સ ગ્રુપ પાસે શો માટેની ઘણી અરજીઓ આવવા માંડી.તેમણે લગ્ન સમારંભોમાં, કોલેજોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પર્ફોર્મ કરવાનું શરૂ કરી દીધું.અને હવે તેમને સારા પૈસા પણ મળવા લાગ્યાં.
તેમને એક શોના દસથી બાર હજાર રૂપિયા મળવા લાગ્યા.જો કે પ્રવાસ અને ખાવાપીવાનો ખર્ચ તેમણે પોતે ઉઠાવવો પડતો એટલે તેમને ઝાઝો નફો થતો નહિ. નાનકડી એવી સફળતાનો સ્વાદ ચાખ્યા પછી પણ હજી ભાવતાલ કરવા કે મુસાફરીના ભાડાના પૈસા માગવા જેટલો વિશ્વાસ હજી કૃષ્ણાએ હાંસલ કર્યો નહોતો.ઘણાં તેને એમ પણ સંભળાવતા કે તે હજી સ્ટાર બન્યો નથી તો પછી તેને શા માટે વધુ પૈસા ચૂકવવા?આવા લોકોને હજી કૃષ્ણા યોગ્ય જવાબ આપતા શિખ્યો નહોતો.પૈસાની જોઇએ એવી છૂટ ન હોવાને લીધે પ્રિન્સ ગ્રુપે ઘણાં સારા સારા ડાન્સર્સ ગુમાવ્યાં.
કૃષ્ણા તેના ગ્રુપના છોકરાઓને માસિક પગાર આપી શકતો નહિ આથી તેમાના મોટા ભાગના કામ માટે મુંબઈ કે હૈદરાબાદ ચાલ્યા જતા અને કૃષ્ણાને નવેસરથી ડાન્સની ટેલેન્ટ ધરાવતા નવા છોકરાઓની શોધ આદરવી પડતી.
પણ મોટા ભાગની સ્ટાર્ટ અપ કંપનીઓની જેમ કૃષ્ણાએ પણ નોકરી છોડી જતાં કર્મચારીઓ ની સમસ્યાનો સામનો કર્યો અને તે આગળ ધપતો રહ્યો.
બુગી વુગી કાર્યક્રમમાં પ્રિન્સ ડાન્સ ગ્રુપ વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૦૯ ની વચ્ચે દર વર્ષે નિયમિત પરફોર્મ કરતું રહ્યું.બે વાર તેઓ રનર્સ અપ પોઝિશન સુધી પહોંચી શક્યાં. સદાયે તેઓ પોતાના શાનદાર પર્ફોર્મન્સ થી લોકોના હ્રદય જીતતા રહ્યાં.
બુગી વુગીના એક નિર્ણાયક રવિ બહેલ તો પ્રિન્સ ડાન્સ ગ્રુપથી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમણે કૃષ્ણાને “બીજા કોઈને કહેતો નહિ” એમ કહી રહેવા માટે એક ઓરડાની વ્યવસ્થા કરી આપી.
હવે થોડી ઘણી પ્રસિદ્ધી અને સહકાર મળ્યાં હોવા છતાં પ્રિન્સ ડાન્સ ગ્રુપ હજી જોઇએ એવી સફળતા અને પૈસા પ્રાપ્ત કરી શક્યું નહોતું. મુસાફરી-ભાડું,ખાવા-પીવાનો ખર્ચ અને અન્ય પરચૂરણ ખર્ચ મળી દિવસના ૮૦-૧૦૦ રુપિયા હર વ્યક્તિ દીઠ ખર્ચાઈ જતાં જેમાં નાનકડી એવી આવક ધોવાઈ જતી.

અને પાછો તેમના ચળકાટવાળા કોસ્ચ્યુમ્સનો ખર્ચ તો ખરો જ.પણ તેમનું ગાડું ધીમે ધીમે ગબડ્યે જતું હતું.એક દિવસ સવારે કૃષ્ણાએ એક સ્પર્ધા વિશે સાંભળ્યું જે તેનું આખું જીવન પલટી નાખનાર સાબિત થવાની હતી! કલર્સ ટી.વી. નામની નવી ચેનલ પર શરૂ થયેલ કાર્યક્રમ 'ઇન્ડીયા હેઝ ગોટ ટેલેન્ટ' જેમાં ઇનામ હતું પચાસ લાખ રૂપિયા!
કૃષ્ણાને લાગ્યું આ એક ખુબ મોટી તક છે.હવે તો કંઈક કરી જ બતાવવું પડશે...પણ શું?સામાન્ય લટકા-ઝટકાથી કામ નહિ થાય.ત્યાં ઘણાં જુદા જુદા કૌશલ્ય ધરાવતાં અનેક લોકો હશે.તેણે એવું કંઈક કરવું પડશે જે બીજા બધાં કરતાં નોખું હોય.  તેણે આખી રાત બેસી વિચારો કર્યાં.જો મારે પસંદ થવું હોય,જો મારે જીતવું હોય તો આપણી સંસ્કૃતિને લગતું કંઈક કરવું પડશે,આપણાં દેશને લગતું કંઈક.
અને આખરે કૃષ્ણાએ એક તદ્દન જુદાજ પ્રકારના ડાન્સની કલ્પના કરી, જે ક્યારેય કોઇએ જોયો ન હોય. એક એવું ન્રુત્ય જેમાં માત્ર એકલ દોકલ વ્યક્તિ ડાન્સના સ્ટેપ્સ કરતી ન હોય પરંતુ આખું વ્રુંદ ભેગું મળી પોતપોતાના સ્વતંત્ર ડાન્સના સરવાળા કરતાં વધુ કંઈક સર્જે.

 (ક્રમશ:)

(રશ્મિ બન્સલ લિખિત પુસ્તક Connect The Dotsમાંથી સાભાર)


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. અજય મોતાAugust 6, 2016 at 9:02 AM

    ક્રિશ્ના અને તેના પ્રિન્સ ડાન્સ ગ્રુપને લાખો સલામ!

    ReplyDelete