Saturday, August 1, 2015

એક પગે એવરેસ્ટ સર કરનાર અરુણિમા સિંહાનું પ્રેરણાત્મક વક્તવ્ય(ભાગ - ર)


મારા જીવનનો એક અતિ અઘરો નિર્ણય ત્યારે મેં AIIMS ની પથારીમાં પડ્યા પડ્યા લીધો - પર્વતારોહણ કરવાનો. પર્વતારોહણ માટે જરૂરી હોય છે પ્રશિક્ષણ અને સ્પોન્સરશીપ.ચાલીસ-પચાસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ માટે ભેગી કરવી પડે.આવડી મોટી રકમ મેં ક્યારેય જીવનમાં જોઈ નહોતી. ભેગી કરવી મારા માટે ખુબ અઘરૂં હતું. અને જ્યારે મેં લોકો સમક્ષ જાહેર કર્યું કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે ત્યારે લોકોની પહેલી પ્રતિક્રિયા આવી હતી "શું પાગલ થઈ ગઈ છે તુ?તારું મગજ છટકી ગયું લાગે છે.તું ક્યારેય કરી શકશે નહિ.તારો એક પગ નથી, જે છે એમાં સળીયો બેસાડેલો છે,તારી કરોડરજ્જુમાં પણ ફ્રેક્ચર છે. છાનીમાની નોકરી કરીને બેસી રહે." લોકોની મોટી સમસ્યા છે. તેઓ મુશ્કેલીઓને જુએ છે,શારીરિક ક્ષમતાથી વ્યક્તિની લાયકાત માપે છે,મનની આંતરીક તાકાતનું તેમને મન જાણે કોઈ મૂલ્ય નથી.મારા મનમાં શી ભાંજગડ ચાલી રહી છે તેનો કોઈને અંદાજ   નહોતો.એક વાત યાદ રાખજો - માણસ નો સૌથી મોટો પ્રેરણાસ્રોત હોય છે તેનું પોતાનું મન. જે દિવસે કોઈક લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારો અંતરાત્મા જાગી ગયો દિવસથી તમને લક્ષ્યની પ્રાપ્તિમાં કોઈ રોકી શકશે નહિ. હું કિતાબી વાત નથી બોલી રહી. આજે મારો જે સ્વ-અનુભવ છે તે હું તમારા સૌ સાથે શેર કરી રહી છું.
મારો પરિવાર મારા માટે કરોડરજ્જૂ સમાન હતો. મારા ભાઈ મારૂં પીઠબળ બની રહ્યા.તેમણે મારી મુલાકાત બચેન્દ્રીપાલ સાથે કરવવાનું નક્કી કર્યું જેમણે ૧૯૮૪માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. હોસ્પિટલમાંથી બહાર નિકળતી વખતે મારા જમણા પગે ટાંકા આવ્યા હતાં. હોસ્પિટલમાંથી રજા મળે ત્યારે મોટા ભાગના લોકો એમ વિચારતા હોય કે હવે આગળનું જીવન કઈ રીતે વ્યતિત કરીશું પણ હું ઘેર ગઈ ત્યારે મારા મગજમાં બે વાતો રમી રહી હતી કે હું લોકોને કઈ રીતે સાચી હકીકત જણાવી શકીશ અને કઈ રીતે એવરેસ્ટનું શિખર સર કરીશ. અમે બચેન્દ્રી પાલ મેડમને મળવા ગયા. તેઓ મને,મારી સ્થિતીને જોઈ રડી પડ્યા. તેમણે મને હિંમત આપતા કહ્યું કે મેં જ્યારે આવી વિકટ પરિસ્થિતીમાં પણ એવરેસ્ટ જેવો દુર્ગમ પહાડ ચડવાનું નક્કી કર્યું ત્યારે મનમાંતો  મેં   સર કરવાની સફળતા મેળવી લીધી છે, હવે માત્ર મારે લોકો સમક્ષ સિદ્ધ કરી બતાડવાનું હતું .મારા પરીવારજનો સિવાય એક માત્ર મહિલા હતી જેણે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે મને ખાતરી અપાવી કે હું મારો લક્ષ્યાંક પાર પાડી શકીશ. મારા માટે બહુ મોટી વાત હતી.
મારા મનોરથ મુજબનું આયોજન થઈ રહ્યું હતું, બચેન્દ્રી મેડમ પણ મળી ગયા,પણ જ્યારે તમે પ્રત્યક્ષ મેદાનમાં ઉતરો ત્યારે તમને તમારી ક્ષમતાની સાચી પરખ થાય છે. મેડમે કહ્યું કે તમે એક અઘરું કામ પાર પાડવાનો નિર્ણય તો લઈ લીધો છે પણ હવે સાબિત કરી બતાવો કે તમે કરવા સક્ષમ છો. મેં કહ્યું મેડમ મને બસ એક તકની જરૂર છે. જ્યારે અમે એવરેસ્ટની તળેટીમાં પહોંચ્યા ત્યારે માલૂમ પડ્યું કાર્ય કેટલું દુષ્કર હતું. રોડહેટથી બેઝકેમ્પ સુધી પહોંચતા જ્યાં સામાન્ય લોકોને બે થી અઢી મિનિટનો સમય લાગે તે કરતા મને ત્રણ-ત્રણ કલાક લાગતાં. કારણ મારા જમણા પગના હાડકા સંધાયા નહોતાં અને ડાબો પગ કૃત્રિમ તો બેસાડી દેવાયો હતો પણ ત્યાં ઘા તાજા હતાં.જો ડાબા પગ પર જરા જેટલો ભાર વધુ આવે તો તેમાંથી લોહી નિકળવા માંડતુ. બધા લોકો ત્યાં સામાન્ય હતાં. જ્યારે એકાદ શિખર સર કરવાનું થતું ત્યારે તેઓ મને કહેતા કે અરુણિમા તું ધીમે ધીમે આવ. મને ત્યારે ભારે હતાશા થતી કે શું છે? મેં એવરેસ્ટ સર કરવાનું નક્કી કર્યું છે અને હું સામાન્ય માણસો ભેગી ચાલી પણ નથી શકતી.
હું હિંમત હારી અને મેં સંકલ્પ કર્યો કે એક દિવસ હું બધા કરતા આગળ હોઈશ. તમને વિશ્વાસ નહિ થાય આઠ મહિનામાં હું ભારે વજન ઉંચકી બધાંથી ખરેખર આગળ સૌથી પહેલી બેસકેમ્પથી ટોચ પર પહોંચી જવા માંડી. વાતથી ખુશી તો થતી પણ વધુ આનંદ ત્યારે થતો જ્યારે તેઓ આવી મને પૂછતા કે મેડમ તમે શું ખાઓ છો!એક પગ ખોટો હોવા છતા તમે કઈ રીતે કરી શકો છો?કઈ રીતે ચાલી શકો છો આટલી ઝડપે?
પછી તો મને એવરેસ્ટ ચડવા માટે સ્પોન્સરશીપ પણ મળી.છતાં એવરેસ્ટની યાત્રામાં મારા માટે સૌથી મુશ્કેલ કામ હતું બીજાઓને વિશ્વાસ અપાવવાનું કે હું એવરેસ્ટ સર કરી શકીશ મારા એક કૃત્રિમ પગ સાથે,પ્રોસ્થેટિક લેગ સાથે.
હું શેરપા (માઉન્ટ એવરેસ્ટ પર ચડતી વખતે દરેક પર્વતારોહક સાથે એક શેરપા હોવો જરૂરી હોય છે) પાસે જઈ તેને પણ વિશે કન્વીન્સ કરતા ડરતી હતી. શેરપાએ જ્યારે વાત સાંભળી ત્યારે તેની પ્રથમ પ્રતિક્રિયા હતી કે એક પગ ખોટો અને બીજા પગમાં રોડ સાથે હું દુષ્કર કાર્ય કઈ રીતે કરી શકીશ. આમાં તો એનો પણ જીવ મારા કારણે ચાલ્યો જશે. પણ જેમતેમ કરીને મેં અને બચેન્દ્રી મેડમે તેને સમજાવી લીધો.

(ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment