Thursday, July 30, 2015

એક પગે એવરેસ્ટ સર કરનાર અરુણિમા સિંહાનું પ્રેરણાત્મક વક્તવ્ય(ભાગ - ૧)


હું ૨૬ વર્ષની છું. હું વોલીબોલ ચેમ્પિયન રહી ચુકી છું. ૨૦૧૧માં હું એક વાર લખનૌથી દિલ્હી આવી રહી હતી ત્યારે કેટલાક બદમાશોએ મને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધી. મેં સોનાની ચેઈન પહેરી હતી. સામાન્ય વર્ગનો ડબ્બો હતો,ઘણાં બધાં લોકોએ માત્ર તમાશો જોયા કર્યો. કોઈ મદદ માટે આગળ આવ્યું નહિ. પણ એક રમતવીરનો આત્મા તેની પાસેથી કોઈક કંઈ ઝૂંટવી જાય ત્યારે શાંત રહી શક્તો નથી, તે સામનો કરે છે. મેં પણ બદમાશોએ ચેઈન ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમની સામે ઝૂકી જવાને બદલે તેમનો સામનો કર્યો પણ તેઓ ચાર-પાંચ હતાં. તેમણે મને ઉંચકીને ચાલુ ટ્રેને ડબ્બાની બહાર ફેંકી દીધી. દુર્ભાગ્યવશ તે સમયે સામેના પાટા પરથી ટ્રેન આવી રહી હતી. હું ટ્રેન સાથે ભટકાઈ અને પાટા પર નીચે પડી ગઈ. બંને ટ્રેનો પસાર થઈ ગઈ ત્યાર બાદ મેં મારા બંને હાથ વડે ટેકો લઈ ઉભા થવા પ્રયત્ન કર્યો અને મેં શું જોયું? મારો એક પગ કપાઈ ગયો હતો. મેં જીન્સ પહેર્યું હતું તેમાંથી મારો એક પગ કપાઈને બહાર ફેંકાઈ ગયો હતો અને બીજા પગનાં પણ હાડકા વગેરે તૂટી ગયા હતાં, બહાર આવી ગયા હતાં. આખી રાત હું પાટા પર પથ્થરો વચ્ચે પીડાથી કણસતી મદદ માટેની ચીસો પાડતી પડી રહી. કોઈ બચાવવા આવ્યું. મારી દ્રષ્ટી ક્ષીણ થઈ રહી હતી. પાટા પરથી અન્ય ટ્રેન પસાર થાય ત્યારે આજુ બાજુની જમીન સાથે હું પણ ધ્રૂજી ઉઠતી હતી. રાતે મારા કપાયેલા પગ પર ઉંદરો આવીને ચાંચ મારવા લાગ્યાં. મારા શરીરની સઘળી ચેષ્ટાઓ બંધ થઈ ગઈ હતી પણ મારૂં મગજ સતત કાર્યરત હતું. આખી રાત હું એમ વિચારતી પડી રહી કે હું કઈ રીતે મારી જાત ને બચાવું?

સવારે આસપાસના ગામવાળાઓએ મને પાટા પર પડેલી જોઈ. ઉત્તર પ્રદેશના બરેલી જીલ્લા પાસે ઘટના બની હતી. ગામવાળાઓએ મને ત્યાંની હોસ્પિટલમાં પહોંચાડી. ગામડાની નાનકડી હોસ્પિટલમાં મને જોઈ ડોક્ટરો, ફાર્માસિસ્ટ વગેરે સૌ ચર્ચા કરવા માંડ્યા કે છોકરીનો ઇલાજ શરૂ કઈ રીતે કરવો? અમારી પાસે એનેસ્થેશિયા નથી,શસ્ત્રક્રિયાના સાધનો નથી. મને કંઈ દેખાઈ રહ્યું નહોતું પણ હું બધું સાંભળી રહી હતી. કોણ જાણે ક્યાંથી મારામાં અદભૂત તાકાત આવી ગઈ હતી. મેં ડોક્ટર અને ફાર્માસિસ્ટ સાથે વાતચીત કરી મને બચાવી લેવા કહ્યું.તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ડોક્ટરે દર્દીને પોતાનું લોહી આપી તેનો ઇલાજ કર્યો હોય?પણ મારી હિંમત જોઈ ડોક્ટર અને ફાર્માસિસ્ટે એક એક બાટલો લોહી મને આપી મારા પગને એનેસ્થેસિયા વગર શસ્ત્રક્રિયા થકી દૂર કર્યો.આજે પણ હું દર્દને મહેસૂસ કરું છું.જ્યારે જ્યારે હું ઘટના શબ્દોમાં વર્ણવું છું ત્યારે ત્યારે પીડા હું ફરી અનુભવું છું.

ત્યાર બાદ વાત મિડીયામાં આવી,લોકોને ખ્યાલ આવ્યો કે અરુણિમા રાષ્ટ્રીય સ્તરની ખેલાડી છે, મને કે.જી.એમ.સી.(કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ) લખનૌથી  દિલ્હીની AIIMS (All India Institute of Medical Sciences) ટ્રોમા સેન્ટર સારવાર અર્થે લઈ જવામાં આવી.ખેલાડી હોવાને કારણે મને સારી ટ્રીટમેન્ટ મળી રહી હતી.ચારેક મહિના સુધી હું AIIMS માં રહી. પછી જ્યારે મને થોડી કળ વળી અને મેં અખબારો વાંચ્યા ત્યારે તેમાં છપાયેલી ગોળ ગોળ વાતો વાંચી મને આઘાત લાગ્યો.એક ખબરમાં એમ લખાયેલું કે અરુણિમા પાસે ટિકીટના પૈસા નહોતા એટલે એણે ટ્રેનમાંથી કૂદકો માર્યો.મારા ઘરવાળાઓએ અફવાનું ખંડન કર્યું.બીજી એક ખબરમાં એમ જણાવ્યું હતું કે અરુણિમા આત્મહત્યા કરવા પાટા પર કૂદી હતી.એક છોકરીનો પગ કપાઈ ગયો છે,તેના ભવિષ્યનું કંઈ ઠેકાણું નથી,તે હવે પોતાને પગે ચાલી શકશે કે વ્હીલચેરના સહારે તે નક્કી નથી,તેના કરોડરજ્જુમાં ત્રણ ફ્રેક્ચર હતાં, તેને પણ ખબર નહોતી કે પથારીમાંથી ફરી બેઠી થઈ શકશે કે નહિ,ત્યારે તમે માત્ર અંદાજ લગાવી શકશો કે મિડીયામાં ચગેલી ખોટી વાતો વાંચી-સાંભળી મારા હ્રદયમાં કેવા સ્પંદનો ઉઠતા હશે, મારી મનોસ્થિતી કેવી થઈ હશે, પરીવારની શી પરિસ્થિતી થઈ હશે જેની એક જુવાન છોકરીનો આવો કમનસીબ અકસ્માત થયો હતો પણ કહેવાય છે ને જ્યાં ચાહ હોય ત્યાં રાહ મળી રહે છે.ત્યારે AIIMS ની પથારીમાં સૂતા સૂતા મેં નિર્ણય કર્યો કે હું પરિસ્થિતી સામે ઝૂકીશ નહિ, લાચાર બની જઈશ નહિ.અમારો એક મધ્યમ વર્ગીય પરિવાર હતો અને વાતો ઘણી ઉંચા સ્તરની ચાલી રહી હતી.અમે બૂમો પાડી પાડીને સત્ય કહેવાની કોશિષ કરી રહ્યા હતા,પણ કોઈ સુધી અમારો સાચો અવાજ પહોંચી રહ્યો નહોતો.

મેં મારા દિલોદિમાગથી એક વાત નો સંકલ્પ કર્યો કે ભલે આજે સમય મારી સાથે નથી,જેને જેટલું બોલવું હોય બોલી લે પણ એક દિવસ મારો પણ આવશે અને હું સાબિત કરી દઈશ કે હું શું હતી - શું છું.
(ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે 'મન હોય તો માળવે જવાય'.અંગ્રેજીમાં પણ કહેવાયું છે 'Will will find a way'.દરેક મનુષ્યે પોતાના સમગ્ર આયખા દરમ્યાન આશાવાદી બની રહેવું જોઇએ. સફળતા પ્રાપ્ત કરવા માટે દૈનિક જીવનમાં હકારાત્મક અભિગમ અતિ મહત્વનો સાબિત થાય છે. સમર્પિત માણસો અચૂક જે ઇચ્છે તે પામે જ છે. અરુણિમા સિંહાની અદભૂત અને શૌર્યભરી કહાણી વાચકો સાથે શેર કરવા બદલ તમારો આભાર!
    - લાભશંકર ઓઝા

    ReplyDelete