Sunday, November 2, 2014

મનને થોડી શાંતિ આપો...


એક વાર એક ખેડૂત હતો જેની કાંડા ઘડિયાળ તેની વાડીમાં ક્યાંક ખોવાઈ ગઈ. કોઈ સામાન્ય ઘડિયાળ નહોતી પણ એની સાથે તેની લાગણી જોડાયેલી હતી. વાડીમાં ઘાસ વચ્ચે લાંબો સમય ઘડિયાળ શોધ્યા બાદ પણ તેને એનું કોઈ પગેરૂં મળ્યું નહિ. આખરે થાકી જઈ તેણે બહાર નજર દોડાવી અને જોયું કે ત્યાં કેટલાક બાળકો રમી રહ્યાં હતાં. તેણે તેમની પાસે જઈ કહ્યું કે જે બાળક મને વાડીમાં ખોવાયેલી મારી ઘડિયાળ પાછી મેળવી આપશે તેને મારા તરફથી સારૂં એવું ઇનામ મળશે.

સાંભળી બાળકો વાડીમાં દોડી આવ્યાં અને આખી વાડી ખૂંદી વળ્યાં.પણ કોઈને ઘડિયાળ મળી નહિ. જ્યારે ખેડૂત સઘળી આશા છોડી દેવાની તૈયારીમાં હતો ત્યારે એક નાનો છોકરો તેની પાસે આવ્યો અને તેણે પોતાને થોડો વધુ સમય અને બીજી તક આપવા કહ્યું. ખેડૂતે તેની સામે જોયું અને વિચાર્યું ચોક્કસ છોકરાને બીજી તક આપવી જોઇએ. એમાં પોતાને તો કંઈ ગુમાવવાનું છે નહિ અને છોકરો હોંશિયાર અને ગંભીર લાગે છે.

ખેડૂતે તો તે નાનકડા છોકરાને ફરી વાડીમાં જવાની રજા આપી અને થોડી વારમાં તો છોકરો પેલી ખોવાયેલી ઘડિયાળ સાથે પાછો ફર્યો.

ખેડૂત તો પોતાની વહાલી ઘડિયાળ જોઈ ખુશ ખુશ થઈ ગયો. તેણે નવાઈ સાથે પેલા છોકરાને પૂછ્યું બીજા બધા જ્યારે ઘડિયાળ શોધવામાં નિષ્ફળ ગયા ત્યારે તે કઈ રીતે ઘડિયાળને શોધવામાં સફળ રહ્યો?

છોકરાએ જવાબ આપ્યો : 'મેં કંઈ ખાસ કર્યું નથી.હું માત્ર જમીન પર કાન માંડી આડો પડ્યો અને શાંતિમાં ઘડિયાળની ટક ટક મને તેના સુધી દોરી ગઈ.'

ઉપસંહાર : શાંત મગજ રઘવાટીયા મગજ કરતાં વધુ સારી રીતે કામ કરે છે. તમારા મગજ અને મનને દરરોજ થોડી પળો માટે શાંતિ આપો અને પછી જુઓ કઈ રીતે તમને અણધારી સફળતા અપાવવામાં મદદરૂપ નિવડે છે. મગજ અને મનને હંમેશા ખબર હોય છે કે કઈ રીતે પોતાને શ્રેષ્ઠ રીતે કાર્યરત રાખવું, દોરવું. પણ તેને શાંત રાખવા પડકાર જનક છે...

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. 'મહેક' પૂર્તિની 'ઇન્ટરનેટ કોર્નર'માં તમે સૌ વાચક મિત્રો સાથે શેર કરેલો લેખ 'મનને થોડી શાંતિ આપો...' અદભૂત હતો! તેનો સંદેશ સ્પષ્ટ અને સરળ હતો : દરેક મનુષ્યે જીવનમાં ધીરજ રાખતા અને મગજમાં શાંતિ રાખતા શીખવું જોઇએ.આ બંને સિવાય જીવન તણાવભર્યું બની જાય છે અને તણાવયુક્ત જીવન અનેક રોગો લઈ આવે છે જે તમારા જીવનને જોખમમાં મૂકી દઈ શકે છે.જીવનમાં patience (ધીરજ) રાખતા શીખો નહિતર તમારે patient બની જવું પડશે !
    - લાભશંકર ઓઝા

    ReplyDelete