Saturday, September 30, 2017

હકારાત્મક અભિગમ

     એક ઘર પાસે ઘણાં દિવસથી એક મોટું મકાન બાંધવા નું કામ ચાલુ હતું. ત્યાં રોજ મજુરો નાં નાનાં નાનાં બાળકો એક બીજાનું ખમીસ પકડી છુક છુક ગાડી ની રમત રમતાં. 
     રોજ કોઈક બાળક એન્જીન બનતો અને બાકીના બાળકો ડબ્બા બની તેની પાછળ દોડતાં. એન્જીન અને ડબ્બા રોજ બદલાતા રહેતાં. પણ...
    માત્ર ચડ્ડી પહેરેલો એક નાનકડો છોકરો હાથમાં કપડું ફેરવતાં રોજ ગાર્ડ બનતો.
        એક દિવસ મેં જોયું કે એ બાળકો ને રોજ રમતાં જોતી એક વ્યક્તિએ ગાર્ડ બનતા બાળક ને પોતાની પાસે બોલાવી પૂછ્યું 'બેટા, તુ રોજે રોજ ગાર્ડ બને છે. તને ક્યારેય એન્જીન કે કોઈ ડબ્બો બનવાનું મન નથી થતું?'
         એ બાળકે જવાબ આપ્યો' સાહેબ, મારી પાસે પહેરવા ખમીસ નથી એટલે હું એન્જીન કે ડબ્બો બનું તો મારી પાછળ વાળો છોકરો મને પકડે કઈ રીતે? મારી પાછળ ઉભા રહેવા કોઈ તૈયાર નહી થાય. એટલે રમત માં સામેલ થવા હું રોજ ગાર્ડ બની જાઉં છું.' 
     એ બાળક મને જીવન નો એક મોટો પાઠ શીખવી ગયો.
       આપણું જીવન ક્યારેય સંપૂર્ણ નથી હોતું, એમાં કોઈ ને કોઈ ખામી જરૂર હોય છે.
        પેલો બાળક માબાપ પર ગુસ્સો કરી રોઈ - રિસાઈ એક ખૂણે બેસી શકતો હતો પણ એમ ન કરતાં તેણે પરિસ્થિતી સાથે સમાધાન કરી પોતાની સમસ્યા નો ઉકેલ શોધી કાઢ્યો.
આપણે સૌ કેટલાં રોદણાં રડીએ છીએ :
    ક્યારેક પોતાના શ્યામ વર્ણ ને લીધે, ક્યારેક નાના કદ માટે થઈ ને, ક્યારેક પાડોશી ની મોટી ગાડી ને નામે, ક્યારેક પાડોશણ નાં ગળા માં શોભતા હાર ને લીધે, ક્યારેક ઓછાં માર્કસ ને લઈને, ક્યારેક અંગ્રેજી, પર્સનાલીટી, નોકરી કે ધંધા માં પડેલા માર ને લીધે...
આપણે આ બધામાંથી બહાર આવવાનું છે. આ જીવન છે તેને જીવવાનું જ છે.
     સમડી ની ઉંચી ઉડાન જોઇ ચકલી ડિપ્રેશન માં નથી આવી જતી,એ પોતાના માં મસ્ત રહે છે. પણ માણસ બીજા માણસ ની પ્રગતિ જોઈ ઘણી વાર ચિંતા માં પડી જાય છે. સરખામણી થી બચો અને ખુશ રહો.

ના કોઈ ની ઈર્ષ્યા, ના કોઈ સાથે હોડ
મારી પોતાની છે મંઝિલો, મારી પોતાની દોડ...

પરિસ્થિતિઓ ક્યારેય સમસ્યા હોતી નથી, તેઓ સમસ્યા બની જાય છે કારણ કે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતાં નથી આવડતું.
હકારાત્મક બનો, સદાયે સ્મિત કરતા રહો...

(ઈન્ટરનેટ પરથી) 

No comments:

Post a Comment